વિસ્મય:ચોરી કરીને અણુબોમ્બ બનાવનારા પાકિસ્તાને પછી તો ચોરીનો માલ વેચવાના ટપોરીવેડાય કરવા માંડ્યા

Magazine5/3/2026, 12:50:00 AM
વિસ્મય:ચોરી કરીને અણુબોમ્બ બનાવનારા પાકિસ્તાને પછી તો ચોરીનો માલ વેચવાના ટપોરીવેડાય કરવા માંડ્યા
ધૈવત ત્રિવેદી ધારો કે કોઈ ચિત્ર દોરેલા કાગળની ઝીણી ઝીણી કતરણ પવનમાં ઊડીને વેરવિખેર થયેલી છે. હાથ ચિતરેલો એક ટુકડો બીજે ક્યાંક છે. આંગળીઓ વળી ત્રીજે ઠેકાણે છે. મસ્તકનું ચિત્ર પણ ત્રણ-ચાર હિસ્સામાં વહેંચાયેલું છે. છાતી, પેટ, પગનાં ચિત્રો અલગ અલગ ફરે છે. તો આખુંય ચિત્ર એકઠું કરીને મૂળ ચહેરાનો ઓળખવો એ કેટલું દુષ્કર ગણાય? પણ સીઆઈએને સલામ કરવી પડે, તેણે એ કર્યું. વર્ષોની એકધારી મહેનત, મળતી માહિતીઓનું ચોક્સાઈભર્યું સંકલન અને પૃથક્કરણ કરીને તેણે એક એવું નેટવર્ક પકડ્યું જે ન પકડાયું હોત તો અલ કાયદાથી માંડીને આઈસિસ અને હિઝબુલ્લાહ, હુતિ જેવા અનેક સરફિરાં આતંકી સંગઠનો અણુબોમ્બથી રમતાં હોત અને દુનિયાને ધ્રુજાવતાં હોત. એમાં એક આદમીની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહી. એનું નામ ઉર્સ ટિનર. એ સ્વિત્ઝર્લેન્ડનો એન્જિનિયર હતો. એન્જિનિયરિંગ કાબેલિયત તેનાં લોહીમાં વહેતી હતી. તેનો ભાઈ માર્કો અને પિતા ફ્રેડરિક પણ બેહદ કાબેલ. યુરેનિયમ શુદ્ધિકરણ માટે વપરાતાં સેન્ટ્રિફ્યુજના પૂરજાઓ બનાવવામાં તેમની માસ્ટરી. એટલે જર્મન કંપની મારફત મલેશિયાની સ્કોમી પ્રિસિઝન એન્જિનિયરિંગના સંપર્કમાં આવ્યા. સ્કોમી મારફત તાહિરનો સંપર્ક થયો. બાપ-દીકરાઓની કાબેલિયત પારખીને તાહિરે એમને લાલચમાં પલાળીને અલગ અલગ દેશોમાં બનતાં દરેક પાર્ટ્સની અંતિમ ચકાસણીનું કામ સોંપ્યું. બસ, અહીં જ તાહિરની ભૂલ થઈ ગઈ. સ્કોમીનું પગેરું દબાવી રહેલી સીઆઈએ ફ્રેડરિક, માર્કો અને ઉર્સ ટિનર સુધી પહોંચી ચૂકી હતી. એ પૈકી ઉર્સને દબડાવી, ધમકાવીને તેની પાસેથી પૂરાં શિપમેન્ટની માહિતી મળી અને એમ બીબીસી ચાઈના મારફત લિબિયાના કર્નલ ગદ્દાફીનું નામ ખૂલ્યું. સત્તા ગુમાવવાના ભયથી ફફડી ગયેલાં ગદ્દાફીએ પકડાયા પછી પાકિસ્તાન તરફ આંગળી ચીંધી અને પરમાણુ શસ્ત્રોના વેપાર પાછળના અસલી માસ્ટર માઈન્ડનું નામ આપ્યું ત્યારે અમેરિકા રીતસર સ્તબ્ધ થઈ ગયું હતું. *** છેડા લંબાય છે હવે નેધરલેન્ડ તરફ. સમય છે 1972 આસપાસનો. આલ્મેલો શહેર પોતે જ આમ તો સાવ પાંખી વસ્તી ધરાવે, એમાં વળી શહેરથી સ્હેજ દૂર યુરેન્કો કંપનીનો પ્લાન્ટ, એટલે ભેંકાર સ્તબ્ધતા અને સન્નાટો છાતીમાં રીતસર ભોંકાય. યુરેન્કો એટલે બ્રિટન, નેધરલેન્ડ અને જર્મની એમ ત્રણ દેશોનું સહિયારું સાહસ, જે યુરેનિયમ શુદ્ધિકરણ માટે જરૂરી ગેસ સેન્ટ્રિફ્યુજ ટેક્નોલોજીમાં જગતની અવ્વલ કંપની કહેવાય. અહીં કામ કરવાની તક મળે એ કોઈપણ શાખાના વૈજ્ઞાનિક માટે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. પણ આ જવાન ધાતુવિજ્ઞાનીને એ ઉપલબ્ધિથી સંતોષ ન હતો. અહીં તેણે ગેસ સેન્ટ્રિફ્યુઝની સમગ્ર પ્રક્રિયા નજરે નિહાળી. યુરેનિયમને ગેસમાં તબદીલ કરીને મિનિટ દીઠ એક લાખથી વધુ રાઉન્ડ ફરી જાય એવા હાઈસ્પિડ સેન્ટ્રિફ્યુજમાં ઘુમાવવામાં આવે, જેથી તેમાંથી યુરેનિયમનો આઈસોટોપ અલગ પડે. એ આઈસોટોપ એટલે છાશ વલોવીને કાઢેલું માખણ સમજો. કારણ કે એમાંથી જ અણુબોમ્બ બને. અહીં ન્યૂક્લિયર પ્લાન્ટની કામગીરી ચાલતી હોવાથી ચુસ્તી અને ગોપનીયતાનાં ધોરણો બહુ ઊંચાં હોય. પરંતુ યુરોપ અને ખાસ કરીને નેધરલેન્ડમાં પ્રામાણિકતાના વ્યક્તિગત ધોરણો પણ એટલાં જ ઊંચાં. જ્યાં તમને પ્રવેશની અનુમતિ નથી, એ દરવાજો પછી ખુલ્લો હોય તો પણ તમે નહીં જ પ્રવેશો એવી ખાતરી રાખવામાં આવે. પણ તાસીરથી જ જે હરામી હોય એ ગમે તેટલું ભણે, હરામીપણું ન ભૂલે. પ્રામાણિકતા પરના વિશ્વાસનો વિજ્ઞાનીએ ભરચક ભંગ કર્યો. સૌથી પહેલાં તો તેણે સેન્ટ્રિફ્યુજની ડિઝાઈનના ફોટા પાડવા માંડ્યા. યુરેનિયમને ગેસમાં બદલવાની જટિલ પ્રક્રિયા દિવસો સુધી નિહાળીને ક્રમબદ્ધ આંકી નાખી. ચોરીછૂપીથી કેટલીય ફાઈલો ફંફોસીને વિવિધ પૂર્જાઓના સપ્લાયર્સનું લિસ્ટ મેળવી લીધું. રોજ ફાઈલોમાં કાગળો, આંકડાઓ, કોષ્ટકો, ડ્રોઈંગ, નકશા લેતો જાય. આલ્મેલો ખાતેના ઘરે એક દિવસ આથમતી સાંજે એણે એ દરેક ઊઠાંતરીને ક્રમબદ્ધ ગોઠવી. મનોમન આંકણી કરી. ક્રમ પણ માંડી લીધો. હવે કશું જ બાકી રહેતું ન હતું. આટલી ચોરીના જોરે એ આખો ન્યૂક્લિયર પ્લાન્ટ નાખવા સક્ષમ હતો. બીજા જ દિવસે તેણે નોકરી છોડી દીધી અને પાકિસ્તાન જતું પ્લેન પકડીને રવાના થઈ ગયો. *** એક સાધારણ ચોર ચોરી કરે ત્યારે એ ફક્ત ચીજવસ્તુ ઉઠાવતો હોય છે. પછી જો એ ચીજવસ્તુના ઉપયોગની તેને ખબર જ ન હોય તો ઉઠાવ્યા પછીય નકામી. અહીં ચોર પોતે વિજ્ઞાની હતો. વૈજ્ઞાનિક પરિભાષાનો જાણકાર હતો. અટપટાં ડ્રોઈંગને ઉકેલવા સક્ષમ હતો. જે સમજાય નહીં એ સમજવા માટે તેની પાસે વિજ્ઞાનના થોથાંય હતાં. માની ન શકાય એટલી આસાન રીતે થયેલી માનવ ઈતિહાસની સૌથી ભયાનક ચોરી કરનારા એ વિજ્ઞાનીનું નામ ડો. અબ્દુલ કાદિર ખાન. નિશાન-એ-ઈમ્તિયાઝ, હિલાલ-એ-ઈમ્તિયાઝ, સર સૈયદ અહમદ પીસ પ્રાઈઝ જેવા સન્માનો મેળવી ચૂકેલા બદમાશની આ કહાનીમાં હજુ તો કેટલાંય ભેદભરમ છે. પાકિસ્તાન એ વખતે ભારત સામે 1971નું યુદ્ધ હારીને સમસમી રહ્યું હતું. અણુબોમ્બ બનાવીને ભારતને ખતમ કરી દેવાનું ખુન્નસ પાળતું હતું. મુસ્લિમ, આરબ દેશો ધિરાણ કરવા તૈયાર પણ હતા, પરંતુ અણુબોમ્બ બનાવવો કઈ રીતે? એ ગડ સૂઝાડી અબ્દુલ કાદિરખાને. ‘ઘાસ ખાઈને જીવીશું, પણ અણુબોમ્બ તો બનાવીશું જ’ એવો હુંકાર કરી ચૂકેલા ઝુલ્ફીકાર ભુત્તોને તે મળ્યો. પોતે ચોરી કરીને ટેક્નોલોજી લાવ્યો છે એવું તો ન કહ્યું, પણ ‘મને તક આપો, હું પહેલો ઈસ્લામિક બોમ્બ બનાવી આપીશ’ એવી ખાતરી કરાવી દીધી. એ સાથે શરૂ થયો અભૂતપૂર્વ સિલસિલો... ખાને પાકિસ્તાનના કાહુટા નજીક પ્લાન્ટ શરૂ કર્યો. ચોરીનો માલ ઘરે જ રાખે અને જરૂર મુજબ નકશા, ડ્રોઈંગ, મશીનરી, પૂરજાની નકલ ઉતારીને પ્લાન્ટ પર જાય. એ મુજબ ત્યાં કામગીરી કરાવે. ખાન લેબોરેટરી તરીકે ઓળખાતાં એ સ્થળે આખરે દસ જ વર્ષમાં પાકિસ્તાને પરમાણુક્ષમતા હાંસલ કરી લીધી અને 1998માં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું તેનાં જવાબમાં પંદર દિવસ પછી પાકિસ્તાને પણ ન્યૂક્લિયર ટેસ્ટ કરીને પરમાણુ શક્તિ હોવાનો હુંકાર કરી દીધો. પરંતુ એ હુંકારમાં ચોરીનું બોદાપણું હતું, જે ત્યારે કોઈને ન સંભળાયું. ભારત સહિતની દુનિયાને તાજુબી હતીઃ બેહદ જટિલ અને અટપટી વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ બાબતે પાકિસ્તાન એટલું બધું કુશળ છે કે પોતાની જાતે અણુબોમ્બ બનાવી શક્યું? જવાબમાં મગરુર પાકિસ્તાન અબ્દુલ કાદિરખાનને આગળ કરતું હતું. તેને દેશના સર્વોચ્ચ ખિતાબ આપીને સન્માનિત કરતું હતું અને એ ચીંદીચોર પણ ગલગોટા જેવું મોં ફુલાવીને નિર્લજ્જપણે સન્માન સ્વિકારતો હતો, જાણે કદી તેની ચોરી પકડાવાની જ ન હોય! અને એ ન જ પકડાઈ હોત, જો અબ્દુલ કાદિરખાન પોતાની ચોરીને પાકિસ્તાનના લાભ પૂરતી મર્યાદિત રાખી શક્યો હોત. પરંતુ પહેલી સફળતા અને મળેલી વાહવાહીથી ફૂલાઈને ફાળકા થયેલ અબ્દુલ કાદિરખાને પાકિસ્તાનના લશ્કરી શાસન સમક્ષ એક પ્લાન મૂક્યોઃ પરમાણુ હથિયાર વિકસાવવા તો અનેક દેશ આતુર છે, પણ ટેક્નોલોજી મેળવવા આડે અનેક પ્રતિબંધો છે. અમેરિકા, રશિયા જેવી મહાસત્તાઓની બાજનજર ઉવેખીને ન્યુક્લિયર ટેક્નોલોજી હાંસલ કરવાનું આસાન નથી. આપણી પાસેની ટેક્નોલોજી હવે ‘ટેસ્ટેડ ઓકે’ છે, તો આપણે જ એક ખુફિયા નેટવર્ક બનાવીને એ દેશોને અણુબોમ્બથી સજ્જ કરીએ અને ગરજનો ભાવ વસૂલીએ. તમેય માલામાલ, હુંય માલામાલ! મિર્ઝાપુરમાં ગેરકાયદે તમંચો બનાવનારા કરતાંય વધુ બદમાશ વિજ્ઞાની અને એનાંથીય ચાર ચાસણી ચડે એવા હરામખોર લશ્કરી સત્તાધીશો, જેમાં પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈ તો ઠીક, દેશના સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફની ય સીધી સંડોવણી હતી. મુશર્રફને આ પ્લાન બેહદ ગમી ગયો. તગડી આવક થવાની હતી. તેનો એક હિસ્સો ભારત સામે આતંકવાદ વકરાવવામાં વાપરી શકાય તેમ હતો. ઈસ્લામિક દેશોને અને આતંકી સંગઠનોને ટેક્નોલોજી વેચીને તેમનાં પર છાકો પાડી શકાય તેમ હતો અને અંગત તિજોરીય ખણખણતી થવાની હતી. હવે વારો હતો ન્યૂક્લિયર ટેક્નોલોજીના ગરજાઉ દેશો શોધવાની, જે ખરેખર શોધવાની જરૂર જ ન હતી. ત્રણ દેશ તો સાવ હાથવગા હતાઃ ઈરાન, લિબિયા અને ઉત્તર કોરિયા. મહાસત્તાઓની આંખમાં ધૂળ નાખીને સખત ઝઘડાળુ, અહંકારી અને અટકચાળિયા એ ત્રણેય દેશોના હાથમાં અણુબોમ્બ આપવા માટે અબ્દુલ કાદિરખાને એક આબાદ નેટવર્ક ઘડી કાઢ્યું. (વધુ આવતા રવિવારે)
Read Original Article →