ડૂબકી:સ્વતંત્રપણે વિચાર કરવાનું વરદાન
ઓગણીસમી સદીના બ્રિટિશ ફિલોસોફર જૉન સ્ટુઅર્ટ મિલે કહ્યું હતું કે જે વ્યક્તિ બીજાના અભિપ્રાયો અને અપેક્ષાઓને અનુસરવા લાગે છે એ પોતાની મૌલિક વિચારો કરવાની શક્તિનો દ્રોહ કરે છે. એક સમયે વિચાર કરવાની કળા ઘણા લોકો માટે સાધના હતી. કેટલાય લોકો એકાંત સ્થળમાં વૃક્ષ નીચે બેસી, નિર્જન રસ્તા પર ચાલતા કે ઘરની બારીમાંથી બહાર જોતા વિચારોમાં ખોવાયેલા જોવા મળતા. આજે લોકોનો બહુ મોટો સમુહ જાતે વિચાર કરવાની માનવસહજ કળાને વિસારે પાડવા લાગ્યો હોય એવું જણાય છે. જોકે, હજી પણ ઘણા લોકોએ સ્વતંત્રપણે વિચાર કરી પોતાની અલગ કેડી કંડારવાની હઠ છોડી નથી, પરંતુ તેઓ લઘુમતીમાં આવી ગયા છે.
વીસમી સદીના આરંભમાં મહાન ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલે એમના સમયની પરિસ્થિતિ જોઈ આક્રોશથી કહ્યું હતું: ‘મોટા ભાગના લોકો વિચારવાને બદલે મરી જવાનું પસંદ કરે છે.’ બર્ટ્રાન્ડ રસેલ આજે હયાત હોત તો સ્વતંત્રપણે વિચારો કરવાની આદત અને આવડત ગુમાવી બેઠેલા લોકોને જોઈ ભયભીત થઈ ગયા હોત!
આજે આપણે અભૂતપૂર્વ કનેક્ટિવિટીના યુગમાં જીવીએ છીએ. તેમ છતાં લોકો સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની છત્રછાયા હેઠળ સ્વતંત્રપણે વિચારવાની ક્ષમતા ખોવા લાગ્યા છે. ચારેકોર માહિતિઓનો ધોધ વહે છે. એમાં કઈ માહિતી સાચી અને કઈ ખોટી એનો ભેદ પાડવો અશક્ય બની ગયું છે. બાહ્ય પરિબળો દ્વારા લાદવામાં આવતા વિચારોને પડકારવાની તૈયારી નામશેષ બની ગઈ છે. કોઈ ચોક્કસ ઇરાદા સાથે રજૂ કરવામાં આવતાં પૂર્વનિર્ધારિત તારણો અને અભિપ્રાયોના આક્રમણથી લોકો હતપ્રભ થયેલા જણાય છે.
આજે કોઈ પણ વિચાર સૂચનરૂપે સૂચવાતો નથી, પરંતુ લાદવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે એક પક્ષ વિચારોની તાર્કિક રજૂઆત કરે અને પછી બીજા પક્ષના વિચારોનું સન્માન કરે તો જ સમતોલ વૈચારિક ભૂમિકા રચાય. એ ભૂમિકા હવે ઓસરવા લાગી નથી. યા તો તમે એમના વિચારો સાથે સંમત હો અથવા એમનાથી વિરુદ્ધ હો એવી માત્ર બે જ શક્યતા રહી ગઈ છે. એથી અરસપરસ વિચારોની આપ-લે કરી તંદુરસ્ત વૈચારિક વાતાવરણ રચવામાં મુશ્કેલી પડે છે. એકપક્ષીય માન્યતાઓના સતત પડઘા સંભળાય છે. ‘એટલાસ શ્રગ્ડ’ અને ‘ફાઉન્ટહેડ’ જેવી સુપ્રિસદ્ધ નવલકથાઓનાં સર્જક અને વિચારક આયન રેન્ડની વાત આજે સાચી પડવા લાગી છે કે પોતાનાં મન-મગજને બીજાના વિચારો અને તર્કને સરળતાથી આધીન કરી દેવાની તૈયારી આખરે તો આત્મવિનાશને માર્ગે લઈ જાય છે.
થોડા સમય પહેલાં એક નવયુવાને એની બધી સોશિયલ મીડિયા એપથી એક મહિનો દૂર રહેવાનો નિર્ણય લીધો. બે-ત્રણ દિવસમાં જ એ ભયાનક વૈચારિક ખાલીપો અનુભવવા લાગ્યો. આટલાં વર્ષોમાં એને બહારનાં પરિબળો દ્વારા પૂરા પાડવામાં આવતા અભિપ્રાયો પ્રમાણે જ પોતાના અભિપ્રાય ઘડવાની આદત પડી ગઈ હતી. એને સોશિયલ મીડિયા પરથી જાણવા મળતું હતું કે એણે કઈ બાબતો પર ગુસ્સે થવાનું છે, શેની સાથે સંમત થવાનું છે. એ શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે જાતે નક્કી કરવાની સ્વતંત્ર બુદ્ધિ ખોઈ બેઠો હતો. એને જણાવવામાં આવતું એ જ પ્રકારની પ્રતિક્રિયા આપતો હતો. એક અઠવાડિયામાં એ ફરી સોશિયલ મીડિયાના પરિચિત વાતાવરણમાં પાછો ફર્યો પછી જ એની ગૂંગળામણ દૂર થઈ.
કોઈ મુદ્દાના વિકલ્પો વિચારવા માટે પૂરતા સમયની અને શાંતિની જરૂર પડે છે. સ્વતંત્રપણે વિચાર કરવા માટે પ્રશ્નો પૂછવા પડે, શંકા ઊભી કરવી પડે અને પછી ધ્યાનથી વિચારવું પડે. આધુનિક જીવનશૈલીમાં લોકો પાસે એટલો સમય નથી કે એવી માનસિક શાંતિ નથી. આ સમય તૈયાર જવાબોનો છે. ગૂગલને સવાલ પૂછો કે એ. આઈ. પ્રેરિત ચેટબોટ પાસે જાઓ, તરત જવાબ મળી જશે. આ કારણસર વિચારની શક્તિ ધીરેધીરે ‘પ્રક્રિયા’માંથી ‘પ્રોડક્ટ’માં ફેરવાઈ રહી છે.
ગયા વર્ષે કરવામાં આવેલા એક સર્વેક્ષણમાંથી તારણ નીકળ્યું હતું કે તત્ક્ષણ જવાબો મેળવવાના વધતા જતા વલણને કારણે ઘણા લોકો હવે સામાન્ય કામકાજ માટે પણ એ. આઈ.ની સહાય લે છે. એ. આઈ. જ આપણા સાદા પત્રવ્યવહાર કે ઈ-મેલ લખી આપતું હોય, કોઈ લેખ કે પુસ્તકનો સારાંશ આપી દેતું હોય કે ભોજનની વાનગીઓ સુધ્ધાં નક્કી કરી આપતું હોય તો જાતે વિચાર કરવાની ઉપાધિમાં કોણ પડે – એવી આરામદાયક સુવિધા પ્રત્યે આકર્ષણ વધે એમાં નવાઈ નથી. આપણે જ્ઞાનપ્રાપ્તિનો મુશ્કેલ માર્ગ છોડી દીધો છે અને જ્ઞાનના ભ્રમની દિશામાં વળી ગયા છીએ.
આપણા વતી વિચારવાનું કામ કોઈ અજ્ઞાત પરિબળને સોંપી દઈએ તો આપણા જાતઅનુભવવો અને અંગત સંવેદનશીલતાનું શું? કાલ્પનિક દૃષ્ટાંત જોઈએ. એક પ્રતિભાશાળી પત્રકાર-લેખકને એની સંવેદનશીલ હ્યુમન સ્ટોરીઝ માટે અઢળક લોકચાહના મળી હતી. એ એના લેખોના વિષય શોધવા કલાકો સુધી ચાની હોટલમાં, રેલવે સ્ટેશને, બજારમાં, શહેરની ગલીઓમાં, બગીચામાં, યુનિવર્સિટી-કેમ્પસ જેવાં જાહેર સ્થળોમાં જતો. ત્યાં લોકો સાથે વાતચીત કરી એમના જીવન અને સમસ્યા વિશે જાણકારી મેળવતો. એ કારણે એના લેખોમાં જીવંત ધબકાર અનુભવાતો હતો. સમય જતાં એણે એકસાથે ત્રણ-ચાર જગ્યાએ નિયમિત કોલમ લખવાનું શરૂ કર્યું. એની વ્યસ્તતા હદ બહાર વધી ગઈ, પછી એણે ડેડલાઇન જાળવવા માટે ચેટબોટ્સ પાસેથી લેખો લખાવવાનું શરૂ કર્યું. પરિણામે એની સર્જનાત્મકતા પર પારકા વિચારોનો અંધકાર ફરી વળ્યો. એના લેખો કોઈ રહેતું ન હોય એવા શણગારેલા ખાલી ઘર જેવા બની ગયા.
માણસમાત્રને વિચાર કરવાનું વરદાન મળ્યું છે. એ વરદાન બાહ્ય પરિબળોને સોંપી દેવાનો અર્થ છે પોતાની આગવી ઓળખને વિસારે પાડવી. આપણે કેવળ ‘લાઇક્સ’ની કતારમાં ઊભા રહેવા માટે જન્મ્યા નથી, પરંતુ કોઈ વૃક્ષ નીચે, શાંત રસ્તા પર ચાલતાં કે ઘરની શાંતિમાં નિરાંતે બેઠેલા વિચારમગ્ન માણસ બનવા માટે જન્મ્યા છીએ. એ માણસને બીજાને હવાલે કરી શકાય નહીં.
Read Original Article →