રણમાં ખીલ્યું ગુલાબ:હું હતો તત્પર અને એ પણ હતી,અમારી વચ્ચે તરસતી ક્ષણ હતી

Magazine4/26/2026, 12:50:00 AM
રણમાં ખીલ્યું ગુલાબ:હું હતો તત્પર અને એ પણ હતી,અમારી વચ્ચે તરસતી ક્ષણ હતી
પ્રાઇવેટ કંપનીની ઓફિસમાં પચીસ જણાના સ્ટાફમાં માત્ર એ એકલો જ ઓછાબોલો હતો. સૌથી વધુ બોલકી હતી પાલકી પરાશર. પાલકી પોતાના નામની પાછળ અટક નહોતી લગાવતી, એના પતિનું નામ પરાશર હતું અને એ જ એની ઓળખ હતી. બે મહિના વીત્યા પછી એક દિવસ લંચ બ્રેકમાં પાલકીએ પહેલીવાર એ ખામોશ યુવાનનો અવાજ સાંભળ્યો. એ પાલકીને ઉદ્દેશીને કહી રહ્યો હતો, ‘પ્લીઝ, તમારી વોટર બેગમાંથી બે ઘૂંટડા પાણી મને પીવા દેશો? હું પાણીની બોટલ ઘરે ભૂલીને આવ્યો છું.’ પાલકી આવી તક જતી કરતી હશે? એણે પાણીની સાથે વાણી પણ આગળ ધરી, પૂછ્યું, ‘તો તમારી પાસે વાચા પણ છે. હાશ, મને તો એવું લાગતું હતું કે તમે મૂક-બધિર છો! હું ભગવાનને રોજ ઠપકો દેતી હતી કે આવા સુંદર જુવાનને આવો કેમ ઘડ્યો?’ પેલો કંઇ ન બોલ્યો. ચૂપચાપ બે ઘૂંટડા ગળા નીચે ઉતારીને વોટરબેગ તેણે પાછી આપી દીધી. પછી એ બોલ્યો, ‘થેન્ક યૂ.’ ‘એમાં ‘થેન્ક યૂ’ શા માટે? લોકો તો અજાણ્યા માણસોની તરસ છિપાવવા માટે પાણીની પરબો બંધાવે છે. મેં તો ખાલી બે ઘૂંટડા પાણી જ…’ પાલકી બોલતી રહી, પેલો ઊભો થઇને એના ડેસ્ક તરફ ચાલ્યો ગયો હતો. એ દિવસે પાલકી આખી ઓફિસમાં કહી વળી, ‘મેં આજે વર્લ્ડ રેકોર્ડ સ્થાપી દીધો, પેલા મૂજીને બે વાર બોલતા સાંભળ્યો!’ બધા આ સાંભળીને હસ્યા. ઓફિસના રજિસ્ટરમાં બધા કર્મચારીઓનાં નામ લખેલાં હતાં, એના પરથી પાલકીને જાણવા મળ્યું કે એ અબોલ પ્રાણીનું નામ આર્ષ હતું. ‘કેવું સુંદર નામ!’ પાલકી બબડી રહી, ‘આવું સુંદર નામ અને આવું સોહામણું વ્યક્તિત્વ ધરાવતો યુવાન આટલો અતડો શા માટે રહેતો હશે? ‘માણસ એક સામાજિક પ્રાણી છે’ આ સત્ય એના સુધી પહોંચ્યું નહીં હોય? પાલકી આડત્રીસ વર્ષની હરીભરી, પરિણીત સ્ત્રી હતી. એના રૂપાળા ચહેરા પર હાસ્યરૂપી મેકઅપ સદાય પથરાયેલો રહેતો હતો. એની વાચાળતા એની વયને સાવ અલગ જ નિખાર આપતી હતી. એની કમનીય કાયા ઉપર ચડેલા તમામ પ્રકારનાં વસ્ત્રો જાણે એના માટે જ બન્યાં હોય તેવાં શોભી ઊઠતાં હતાં. સાડીમાં એ પ્રગલ્ભા લાગતી હતી, ડ્રેસમાં કામ્યા અને ઘરની અંદર જ્યારે શોર્ટ્સ અને ટી-શર્ટ ધારણ કરતી ત્યારે વિસ્ફોટક બોમ્બ ભાસતી હતી. એના પતિનું કહેવું એવું હતું કે શિયાળામાં પાલકી પશ્મીના શાલની જેવી હૂ્ંફાળી બની જતી હતી અને ઉનાળાની ઋતુમાં તે ચોપાટી કુલ્ફી જેવી ઠંડક આપતી હતી. સંસ્કૃત સાહિત્યમાં આવાં લક્ષણો ધરાવતી સ્ત્રીને ‘શ્યામા’ કહેવાય છે. શ્યામા એટલે શ્યામવર્ણી નહીં. સામા પક્ષે આર્ષ ઊંચો, પાતળિયો, તીખા નાક-નકશો ધરાવતો પણ સૌમ્ય યુવાન હતો. જીન્સ અને ફુલસ્લીવવાળા ચેક્સના શર્ટમાં એ કોઇ જાણીતા સુપર મોડલ જેવો વધારે દેખાતો હતો. આછી દાઢીમાં એ ઊભરતો પુરુષ અને માથાના લાંબા વાળમાં કોઇ સ્વપ્નસેવી કળાકાર જેવો લાગતો હતો. એનું મૌન અને પોતાને અકળ બનાવનારું અને બીજાઓને અકળાવનારું બની રહેતું હતું. પાણીના બે ઘૂંટડાવાળી ઘટના પછી પણ આર્ષ વાતચીત કરવાથી દૂર જ રહ્યો. પાલકી અવશપણે એની તરફ આકર્ષાતી રહી. આ ન સમજાય તેવો જુવાન પુરુષ એને ગમી ગયો. આ લાગણીને શું નામ આપવું એ તો પાલકીને પોતાને પણ સમજાતું નહોતું. એક દિવસ અચાનક એક ઘટના બની ગઇ. સવારે પાલકી પોતાના એક્ટિવા પર સવાર થઇને ઓફિસ તરફ જવા નીકળી હતી, રસ્તામાં એક્ટિવા બગડ્યું. પાલકી પરેશાન થઇ ગઇ. એક તો ઓફિસમાં જવાનું મોડું થઇ રહ્યું હતું અને બીજી તરફ રસ્તા વચ્ચે એક્ટિવા ક્યાં મૂકવું એ એક પ્રશ્ન હતો. એટલામાં મોટર બાઇકની ઘરઘરાટી સંભળાઇ. આર્ષ એની પાસે આવીને ઊભો રહ્યો. કંઇ પૂછ્યા વગર બધું સમજી ગયો. એણે એક્ટિવાને ઘસડીને પચાસેક કદમ દૂર આવેલા એક મિકેનિકને સોંપી દીધું, ‘હું સાંજે લઇ જઇશ. આને રિપેર કરીને તૈયાર રાખજે.’ પછી પાછા આવીને પાલકીને કહ્યું, ‘બેસી જાવ બાઇક પર.’ પાલકી બેસી ગઇ. ઓફિસ સુધીનો એ પ્રવાસ પાલકી માટે યાદગાર બની ગયો. એક જ પુરુષની સાથે અઢાર-અઢાર વર્ષના સહવાસથી ટેવાઇ ગયેલું એનું મન એક નવા યુવાન દેહના સામીપ્યથી રોમાંચ અનુભવી રહ્યું. સુકાઇ રહેલા છોડને જાણે નવું પાણી મળ્યું! નૈતિકતાના ખ્યાલો ક્યાંક ઓગળી ગયા. એણે જમણો હાથ આર્ષની કમર ફરતે વીંટાળી દીધો. આર્ષને પણ આ ગમ્યું હોય તેમ એણે વિરોધ ન કર્યો. ઓફિસ આવી, બાઇક ઊભી રહી, પાલકી નીચે ઊતરી ગઇ, ‘થેન્ક યૂ! મને લિફ્ટ આપવા માટે.’ આર્ષ હસ્યો, ‘આભાર તો મારે તમારો માનવો જોઇએ. તમારા હાથની ગિફ્ટ આપવા માટે.’ સાંભળીને પાલકીના રોમેરોમમાં ઉત્તેજના ફરી વળી. એ દિવસે ઓફિસના કામમાં એનું મન જ ન લાગ્યું. પાંચ વાગ્યાની પ્રતીક્ષામાં જ પળો વીતતી રહી. સાંજ પાછા ફરતી વખતે તો પાલકીએ એવા જોરથી આર્ષની કમરને જકડી લીધી કે…! આર્ષ સીધો પાલકીને લઇને પોતાના ફ્લેટ પર પહોંચી ગયો. આડત્રીસ વર્ષની સ્ત્રી અને ત્રેવીસ વર્ષનો જુવાનિયો. ઉંમરનો ભેદ ભુલાઇ ગયો, ત્વચાની તૃષા તીવ્ર બની ગઇ.પછી તો આ ક્રમ અનિવાર્ય અને અવિરત બની ગયો. ક્યારેક પાલકીના મનમાં પશ્ચાતાપ થઇ આવતો હતો: ‘હું આ કરી રહી છું તે યોગ્ય છે? મારા પતિને છેતરીને હું બીજા પુરુષને મારું શરીર સોંપી રહી છું તે પાપ ન ગણાય? ચાલો, પાપ-પુણ્યની વાત ભૂલી જાઉં તો પણ આ સંબંધને પ્રેમનું નામ કેવી રીતે આપી શકાય? મારી વાત કરું તો કદાચ આટલાં વર્ષના એકધારા લગ્નજીવનમાંથી જન્મેલો કંટાળો કે પતિ તરફથી અધૂરા રહી ગયેલા સંતોષના કારણે કદાચ હું આ સંબંધ તરફ ખેંચાઇ ગઇ હોઇશ પણ આર્ષનું શું? એની સામે તો આખી જિંદગી પડેલી છે. એનાં લગ્ન થશે, ઘરમાં સુંદર, યુવાન પત્ની આવશે, એ પછી થોડો મને બોલાવવાનો છે? એને મન તો સાવ મફતમાં એના ખોળામાં આવી પડેલું એક પાકું ફળ જ છુંને હું?’ હાલમાં પણ આ સંબંધ ચાલુ છે. પાંચ-છ વર્ષ થઇ ગયાં છે. આર્ષની સગાઇ થઇ ગઇ છે. બંને જણા આર્ષનાં લગ્ન પછી પણ આ પ્રેમસંબંધને જાળવી રાખવા માટે સંકલ્પબદ્ધ છે. ઉંમરની સરહદો તોડીને પાંગરતા આવા ગુપ્ત સંબંધોની સંખ્યા આજકાલ વધતી જાય છે. આને સાચો પ્રેમ માનવો, વાસનાભૂખની આપૂર્તિ ગણવી કે પૂર્વજન્મનો કોઇ ઋણાનુબંધ સમજવો? જવાબ આપવો સહેલો નથી. દુનિયાની સમજદારી એટલું તો કહે છે કે લગ્નના સૂત્રથી બંધાયા ન હોય તેવા સંબંધોની આવરદા બહુ લાંબી નથી હોતી. (શીર્ષક પંક્તિ: ડૉ. દિલીપ મોદી)
Read Original Article →