લક્ષ્યવેધ:જીવનસાથીમાં કયા ત્રણ ગુણો જુઓ છો?

Magazine6/7/2026, 12:35:00 AM
લક્ષ્યવેધ:જીવનસાથીમાં કયા ત્રણ ગુણો જુઓ છો?
ગુજરાતના દક્ષિણ છેડે નવસારીમાં બીલીમોરા અને ચીખલી વચ્ચે એક નાનકડું ગામ નાંદરખા. ઝાડી-ઝાંખરાં-જંગલને મનગમે એવી લીલોતરી. સાંજ પડ્યે ક્યારેક દીપડાની ત્રાડ પણ સંભળાઈ જાય. આજે ગામથી થોડે જ દૂર બીલીમોરાનું બુલેટ ટ્રેન સ્ટેશન બની રહ્યું છે. આ ગામની સરકારી સ્કૂલમાં મિહિર રાજેન્દ્રભાઇ પટેલ ભણે. અગિયાર-બાર બીલીમોરાથી કર્યું. અમદાવાદના ચાંદખેડાની ‘વિશ્વકર્મા કોલેજ’થી ઇન્ફર્મેશન ટેક્નોલોજી એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. નાનપણથી પિતા કહેતા, ‘બેટા સરકારી અધિકારી બનજે. ’ અખબારો વાંચવાની ટેવ પિતા પાસેથી મળી. જિજ્ઞાસુ જીવ નવા નવા વાંચન તરફ આકર્ષાતો ગયો. અખબારોમાં અધિકારીઓની કામગીરીના સમાચારો આવતા, તેમના જીવનની સફર વિશે છપાતું. સરકારની અન્ય કામગીરીઓ વિશે જાણકારી મળતી. સ્કૂલના દિવસોથી જ મનમાં સિવિલ સેવા પ્રત્યે આકર્ષણ થઇ ગયું હતું. નિયતિ ક્યારેક ક્રૂર બને છે. નાની ઉંમરે જ પિતાનું અવસાન થયું. તોફાનમાં જાણે ઘરની છત ઊખડી ગઈ, ભાગ્યનો સૂરજ વર્તમાનને સળગાવી રહ્યો હતો. પિતાએ જોયેલા સ્વપ્નની પૂર્તિ જ તેમની સાચી સ્મરણાંજલિ એમ માનીને સિવિલ સેવા પરીક્ષા માટેનો નિર્ધાર મજબૂત કર્યો. માતા સરકારી શાળામાં શિક્ષક હતાં. તેમણે પણ દીકરાના નિર્ણયને પૂરો ટેકો આપ્યો. ‘અમદાવાદ આવ્યો અને પછી મારી આંખો વધુ ખૂલી. સિવિલ સેવા શું છે એ ખબર પડી. કોલેજના સમયથી જ જેમ સમજ પડી એમ ધીરે ધીરે વાંચવાની શરૂઆત કરી. કોલેજના છેલ્લા વર્ષ સુધી એક રૂપરેખા તૈયાર થઇ ગઈ હતી. એટલે કોલેજ પૂરી થઇ એ જ વર્ષે ‘સ્પીપા’ની પરીક્ષા આપી અને પાસ થઇ ગયો.’ ‘મારા માટે પસંદગી કપરી હતી. મમ્મી ઘરની આર્થિક જવાબદારી ઉપાડી રહ્યાં હતાં. મારે ઝડપથી કમાવવું પડે એમ હતું. આઇ. ટી. ફિલ્ડમાં નોકરીઓ સારી હતી. ઈન્ટર્નશિપમાં આ વાત સમજી લીધી હતી. પહેલા વિચારેલું કે કોલેજ પછી બે-ત્રણ વર્ષ નોકરી કરીને થોડા પૈસા ભેગા કરીને તૈયારી કરીશ, મને કોલેજ પછી તરત એક નોકરી પણ મળી ગઈ હતી, એ જ વર્ષે ‘સ્પીપા’માં પ્રવેશ મળ્યો અને સિવિલ સેવા પરીક્ષાના રસ્તે હું આગળ વધ્યો. રસ્તો લાંબો હતો પણ મારાં મા-બાપે આપેલી વાંચવાની ટેવ અને જિજ્ઞાસાવૃત્તિથી હું ટકી ગયો. ‘પહેલા પ્રયાસમાં જ પ્રીલિમિનરીમાં સફળતા મળી પણ મેન્સની તૈયારી નહતી એટલે અટકી ગયો. બીજા પ્રયાસમાં બીમાર પડી ગયો. ત્રીજી વખતે ‘સીસેટ’નું પેપર ઘણું અઘરું નીકળ્યું એટલે એમાં ક્વોલિફાય ન કરી શક્યો. આ અસફળતાએ મને માનસિક રીતે તોડી નાખેલો. હું થોડી બીજી પરીક્ષાઓ તરફ પણ વળ્યો. ચોથા પ્રયાસમાં મેન્સ સુધી પહોંચ્યો પણ એમાં આગળ વધી ન શક્યો. નિબંધમાં ઘણા ઓછા માર્ક્સ આવેલા. હું પાછો તૂટી ગયો.’ મિહિરભાઈ ચાર વર્ષમાં બે મેન્સ આપી ચૂકેલા. બંને અંગ્રેજીમાં. મનમાં થયું કે હવે માતૃભાષાની શરણે જાઉં. નર્મદે જેમ કલમના ખોળે માથું મૂકીને કહ્યું હતું કે , હવેથી હું તાહરે ખોળે છઉં. એમ ગુજરાતી સાહિત્ય મુખ્ય વૈકલ્પિક વિષય રાખનારા મિહિરભાઈનાં માતા પણ ગુજરાતીના શિક્ષિકા છે, એટલે તેઓ માતૃભાષાના ખોળે આવી બેઠા. ‘મને એમ હતું કે પોતાની ભાષામાં અભિવ્યક્તિ વધુ મજબૂત રીતે કરી શકાય. હું સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રો અંગ્રેજીમાં અને પછી ગુજરાતી ભાષાનું પેપર લખતો તો ભાષાનો સ્વાભાવિક પ્રવાહ અને લય જળવાતો નહોતો. ગુજરાતી ભાષાએ મને સ્વતંત્રતા આપી.’ ‘પરીક્ષામાં પ્રીલિમિનરી મારું મજબૂત પાસું રહ્યું છે. મૂળભૂત પુસ્તકો પર મારી પકડ વધુ હતી, કેમ કે આ પાયારૂપ પુસ્તકો મેં વારંવાર વાંચેલાં. બીજું એ કે, પ્રીલિમિનરી માત્ર જ્ઞાનની પરીક્ષા નથી રહી. તમારે પરીક્ષકની સાઇકોલોજી સમજવી પડે અને પોતે પણ મનોવૈજ્ઞાનિક તૈયારીઓ રાખવી પડે. જૂનાં પ્રશ્નપત્રોનો અભ્યાસ એમાં મદદરૂપ થઇ શકે. ત્રીજું, બે કલાકની પરીક્ષામાં પ્રેશર મેનેજમેન્ટ. મન સ્થિર રાખી શકું એના તમામ પ્રયાસો મેં કરેલા અને હું સફળ પણ થયો હતો.’ ‘મેન્સમાં ભાષા પર કામ કર્યું. ખાલી માહિતી નહીં. રસપ્રદ રીતે લખું અને લખાણ બીજાથી જુદું પડે એમ લખું. મને લખવાની મજા આવે ને તપાસનારને વાંચવાની મજા આવે એમ. ભાષાની પ્રવાહિતા કેળવી. અક્ષર ખરાબ હતા તો લખાણ સુધારવાના વર્ગ પણ ભર્યા.’ પર્સનાલિટી ટેસ્ટ સોમવારે અને પહેલા ઉમેદવાર મિહિરભાઈ. પેનલે હળવા અંદાજમાં પૂછ્યું ,’ ઓપનિંગ બેટ્સમેન છો આજે?’ તમારી ગમતી મહિલા ક્રિકેટર કોણ? એવો સવાલ. પછી તમારા જીવનસાથીમાં કયા ત્રણ ગુણો જુઓ છો? જો નવસારી નકશામાં ન હોત તો? અંતે, પાંચમા પ્રયાસે મિહિર પટેલ ઓલ ઇન્ડિયા રેન્ક 709 સાથે લક્ષ્યવેધ હાંસલ કરે છે.
Read Original Article →