અસ્તિત્વની અટારીએથી:નટરાજની સત સૃષ્ટિ

Magazine5/31/2026, 12:35:00 AM
અસ્તિત્વની અટારીએથી:નટરાજની સત સૃષ્ટિ
ભાગ્યેશ જહા આમ તો હિમાલય જવાનું હોય ત્યારે સાવ અલગ જ પ્રકારનો આનંદ પ્રગટે! કાલિદાસ નગાધિરાજ હિમાલયને दिशि देवतात्मा… (હિમાલય એ દિશાનો દેવતા). ગાંધીનગરથી નીકળ્યા ત્યારે મનમાં વાતાવરણમાંના ઉકળાટનાં પગલાં હતાં, પરંતુ શિમલામાં ઠંડી હવા મળવાની છે એની અનોખી ટાઢક હતી. અહીં આંતરરાષ્ટ્રીય ગોષ્ઠિ હતી, ‘આધુનિક કલાસ્વરૂપોમાં ભારતીય જ્ઞાન પરંપરા’નાં મૂળ. એટલે વક્તવ્ય માટેના ચિંતનમાં ભગવાન નટરાજ સતત ધબક્યા કરે.‌ એટલે બહુ કલાત્મક સંયોગ રચાયો. મન તો શિવસંકલ્પ છે જ. હેરાન કરી મૂકે એવા ઉકળાટની દીવાલોમાં તિરાડ પડવા લાગી, શિમલામાં ઠંડો પવન આવકારશે એ વાતથી ઉકળાટ શમવા લાગ્યો, ત્યાં ભારતીય કલાસંસ્કૃતિના વિરાટ હિમાલય પર નટરાજનું સ્મરણ થયું. ખાલી નૈસર્ગિક સૌંદર્ય નહીં પણ મારે શિવસામીપ્ય અનુભવવું છે, એવા સંકલ્પ સાથે હિમાલય જાઓ તો બહુ જ ફેર પડે છે. કોરા મગજના લાંબા ‘વા…ઉ’ ધરાઇને સાંભળ્યા છે ત્યારે એમ થાય કે આ લોકોને ભારતમાં જન્મ્યાની ધન્યતાનો અનુભવ જ નથી! આ ગરીબી જેવીતેવી નથી! આવા લોકોને જોઇએ છીએ ત્યારે એમનામાં ફેલાયેલા ‘સાંસ્કૃતિક રણ’ની ગરમ રેત ઊડ્યા કરતી અનુભવાય છે. ખબર હતી કે ટેમ્પરેચર હમણાં નીચું જશે. આ પછી મળેલા દરેક પવન સાથે વાત કરી છે, પર્વતના દરેક ઢોળાવે અને વળાંકે હવાના કાંડે હાથ મૂકીને ‘ટેમ્પરેચર’ અનુભવ્યું છે.‌ હિમાચલ પ્રદેશના સોલન પછીથી શિવાલિકના પવન સંભળાય, અનુભવાય. આવું ‘પ્રેડિક્ટેબલ પરિવર્તન’ સૂક્ષ્મ સાક્ષીભાવ વિકસાવે છે. શીતળતાની ભૂખ ના હોય તો હિમાલય જવાનો અર્થ નથી! તમે દેવદારનાં વૃક્ષો સાથે શું વાત કરો જો તમને નટરાજના નૃત્યના થડકારને પોતાના ધબકારા સાથે જોડી દેવાની તાલાવેલી ન હોય! સેમિનારની ‘થીમ’ મારા મનમાં રમ્યા કરે. હિમાલયની પર્વતમાળામાં પ્રવેશીએ એટલે કાલિદાસ જેટલા જ શંકરાચાર્ય અને ભરતમુનિ ચમક્યા કરે. હમણાં એક જગ્યાએ વાંચ્યું કે ‘યુરોપિયન ન્યૂક્લિયર સેન્ટર’ના પ્રવેશદ્વાર પર નટરાજની મૂર્તિ મૂકેલી છે. વિજ્ઞાન એવા તારણ પર આવી જ રહ્યું છે કે આ જગત ‘એનર્જી’નું વિરાટ નૃત્ય છે. રાવણે શિવતાંડવસ્તોત્ર રચીને જગતને કવિતાના ધ્વનિથી કેવી રીતે વિરાટનો સ્પર્શ કરી શકાય એ બતાવ્યું છે. આ નટરાજના નૃત્યની સ્મૃતિ અને આભારભાવ એટલે આજની નૃત્ય અને બીજી કલાઓ! અભિનીત કલાઓનાં મૂળમાં આ અધ્યાત્મ હતું. ભારતમાં કલા અને અધ્યાત્મને અભિન્નતાનો સંબંધ છે, જે માણસને સ્થૂળમાંથી સૂક્ષ્મતાનો માર્ગ બતાવે તે અધ્યાત્મ. હિમાલયને આંગણે બેસીને નટરાજની ‘સત સૃષ્ટિનું સ્મરણ કરવું’ એ પોતે જ ધન્યતા છે, ત્યાં જ સત્ય, શિવ અને સુંદરનું પ્રગટવું સહજ બને છે. જ્યારે નટરાજની એક સનાતન મૂર્તિનો વિચાર કરીએ છીએ ત્યારે એડલ્સ હક્સલીનું એક વિધાન યાદ આવે એણે કહેલું: ‘આપણી પાસે નટરાજની નજીકનું કહી શકાય એવું કોઇ પ્રતીક નથી જે બ્રહ્માંડ, મનોવૈજ્ઞાનિક કે અધ્યાત્મને એકસાથે રજૂ કરતું હોય). આવા ગહન જ્ઞાનને સાહિત્ય અને કલાઓથી રજૂ કરનાર મહર્ષિઓએ તો મોટો બૌદ્ધિક ઉપકાર કર્યો છે કે આપણને એવાં શાસ્ત્ર અને સંહિતાઓ આપી છે આજે પણ મનુષ્યના મન, હૃદયને તરબતર કરે છે. એક કલાકાર જ્યારે નૃત્ય કરતાં કરતાં સ્વયંને ભૂલવાની જે ‘માનસિક સજ્જતા’ કેળવે છે, એ રંગમંચ પર ખુલ્લી આંખે બધાને ‘જોતો હોય છતાં જોતો ન હોય’ (पश्यन् अपि न पश्यति). આવી સહજ સમાધિ સિદ્ધ કરવા માટે કલાની સાધના મનુષ્યતાને કેવી ઊંચાઇ બક્ષી શકે એ જ્યારે યુવા નૃત્યકલાકારોની પ્રસ્તુતિ જોઇએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. ભરતઋષિએ નાટ્યશાસ્ત્રની રચના કરીને જગતના કલાસાહિત્યને ભારતીયતાનો પરિચય કરાવ્યો છે. એક મનીષિ ઋષિકવિનો આત્મવિશ્વાસ સાંભળવા જેવો છે, न तज्ज्ञानं न तच्छिल्पं न सा विद्या न सा कला। नासौ योगो न तत्कर्म नाट्येऽस्मिन् यन्न दृश्यते॥ (नाट्यशास्त्रम् - १.११६). એ જ્ઞાન જ્ઞાન નથી, એ શિલ્પ શિલ્પ નથી, એ કલા, વિદ્યા યોગ કે કર્મ બધું જ આ નાટ્યશાસ્ત્રમાં છે. ભારતના આ મનીષિએ રસનું શાસ્ત્ર રચ્યું છે જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. રસ અને રંગની વાત આપણા જ ગુજરાતી વિદ્વાન મહેશ ચંપકલાલ જ્યારે સમજાવે ત્યારે ભારતભરના રસતજજ્ઞો સાંભળીને રસતરબોળ થઇ જાય છે. એવા જ ગુજરાતી વિદુષી ઉમા અનંતાણી આ નૃત્યના વિશ્વને રજૂ કરે ત્યારે એક નવા આકાશનો અનુભવ થાય છે. અહીં સ્વાધ્યાય અને સૃષ્ટિનું અનોખું પ્રયાગ રચાયું છે. ચોખ્ખા આકાશ નીચે પર્વતો વચ્ચે ગોઠવાયેલા માનવજીવનને વાંચવું એ પણ જાણે એક કાવ્ય વાંચવા જેવો આનંદ આપે છે! દેવદારનાં ટટ્ટાર ઊભેલાં વૃક્ષો વચ્ચે દેવભાષા સંસ્કૃતમાં લખાયેલી નૃત્યસંહિતા હોય કે કમનીય કાવ્યશાસ્ત્ર હોય, બધાનું ગંતવ્ય તો જીવ-શિવનું મિલન જ હોય છે. શબ્દમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ્યારે નિસર્ગની નૃત્યભંગિમા સાથે ભળતો જણાય ત્યારે ભારતનું મસ્તક કહેવાતા આ પ્રદેશની જ્ઞાનતંતુ જેવી કેડીઓ પર ચાલવાનો અલૌકિક આનંદ પામી શકાય છે.
Read Original Article →