દેશ-વિદેશ:અમેરિકા માટે નાટો સંગઠન કાગળનો વાઘ છે?

Magazine4/12/2026, 12:50:00 AM
દેશ-વિદેશ:અમેરિકા માટે નાટો સંગઠન કાગળનો વાઘ છે?
બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું તેને પગલે ઈ. સ. 1949માં વિશ્વની તત્કાલીન ભૂ-રાજકીય વ્યવસ્થામાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન એટલે કે, ‘નાટો’ના ટૂંકા નામે જાણીતા એક અત્યંત મહત્ત્વના અને વિવાદાસ્પદ સંગઠનનો જન્મ થયો. ‘નાટો’ની રચના અને ઇતિહાસને સમજવા માટે આપણે બીજા વિશ્વ યુદ્ધ પછીની વિશ્વ-વ્યવસ્થા તરફ જોવું પડશે. 1945માં બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું ત્યારે લગભગ આખુંય યુરોપ ભયંકર ખાનાખરાબી અને વિનાશના ખાડામાં ધકેલાઈ ચૂક્યું હતું. આની સાથોસાથ ડાબેરી વિચારસરણી સાથે જન્મેલ સામ્યવાદી સંગઠન સૉવિયેત સંઘ (યુએસએસઆર) પૂર્વ યુરોપમાં તેના પ્રભાવને વિસ્તારી રહ્યું હતું, જેના કેન્દ્રમાં સમગ્ર વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને મજબૂત બનાવી એની વગ હેઠળ વધુ ને વધુ વિસ્તાર આવે તે જોવાનો હતો. પશ્ચિમી યુરોપ અને અમેરિકા આને તેમની મૂડીવાદી વિચારસરણી સામે એક મોટો ખતરો માનતા હતા. આ સંદર્ભમાં 4 એપ્રિલ, 1949ના દિવસે અમેરિકાના પાટનગર વૉશિંગ્ટન ડીસીમાં બાર દેશોએ ભેગા થઈ ‘નાટો’ નામના સંગઠનની સ્થાપના કરી. બેલ્જિયમ, કેનેડા, ડેન્માર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટાલી, લગ્ઝમ્બર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુ.કે. અને યુએસ- એમ બાર દેશોએ પોતાના વચ્ચેની આ સંધિને ‘વૉશિંગ્ટન ટ્રીટી’ તરીકેની ઓળખાણ આપી. ‘નાટો’ના આ સંગઠનનો મુખ્ય હેતુ સામૂહિક સંગઠન અંગેની વ્યવસ્થા ઊભી કરી રશિયાની આગેવાની હેઠળના ડાબેરી વિચાસરણી ધરાવતા દેશો તરફથી ઊભો થનાર ખતરો રોકવાનો હતો. ‘નાટો’ સંગઠનના મુખ્ય આર્ટિકલ-5 અનુસાર જો કોઈ પણ સભ્ય દેશ પર હુમલો થાય તો તેને બધા સભ્યો પર હુમલો ગણવામાં આવે અને તેનો સામૂહિક પ્રતિસાદ આપવામાં આવે. શીત યુદ્ધ તરીકે ઓળખાતા આ સમયગાળા દરમિયાન સૉવિયેત યુનિયનના વિસ્તારવાદ સામે ‘નાટો’ એક મજબૂત ઢાલ બનીને ઊભું રહેવાનું હતું. ઈ. સ. 1949થી 1991 સુધીનો તબક્કો કોલ્ડ વૉરનો ગણવામાં આવે છે. આ દરમિયાન નાટો યુરોપમાં અમેરિકન સૈન્યની હાજરી વધારીને રશિયાના વિસ્તારવાદના ઇરાદાઓ સામે એક મજબૂત અવરોધક પરિબળ ઊભું કરતું રહ્યું. 1995માં સૉવિયેત યુનિયને ‘વોરસોપેક્ટ’ તરીકે ઓળખાતા કરાર કર્યા, જેને કારણે યુરોપ બે શિબિરોમાં વહેંચાઈ ગયું. ‘નાટો’’ની સફળતા એ હતી કે તેણે પશ્ચિમી યુરોપને સુરક્ષિત રાખ્યું અને શીત યુદ્ધના આ સમયગાળાને વાસ્તવિક યુદ્ધની અગનજ્વાળાઓમાં લપેટાવા દીધો નહીં. સાથોસાથ આટલાં વર્ષોના એકધારા પ્રભુત્વને કારણે નાટો અમેરિકન વર્ચસ્વનું પ્રતીક બનીને ઊભર્યું. અમેરિકા ‘નાટો’ના બજેટમાં સૌથી વધુ યોગદાન આપતું હતું અને સૈન્ય શક્તિ ઉપરાંત શસ્રો અને દારૂગોળો પણ પૂરો પાડતું હતું. કેટલાક વિવેચકોના મત અનુસાર ‘નાટો’એ યુરોપિયન દેશોને અમેરિકી સુરક્ષા વ્યવસ્થા પર આધારિત બનાવી દીધા, જેને કારણે યુરોપીય દેશો પોતાના સંરક્ષણ પર ઓછું ખર્ચ કરતાં અને પ્રમાણમાં વધુ નાણાં, આંતરમાળખાકીય સવલતો તેમજ ઔદ્યોગિક વિકાસ અને સોશિયલ સિક્યુરિટી યોજનાઓ પર વપરાતા થયા. આ તબક્કો બીજા વિશ્વ યુદ્ધમાં બરબાદ થઈ ગયેલા યુરોપ માટે બેઠા થવાનો અને વિકસિત દેશોની હરોળમાં આવવાનો પુનઃગઠનનો તબક્કો હતો. 1991માં ‘ગ્લાસનોસ્ત’ અને ‘પેરાસ્ત્રોઈકા’ વિચાસરણીની અસર હેઠળ સૉવિયેત યુનિયનની સામ્યવાદી વિચારધારા પર હથોડો ઝીંકાયો અને અત્યાર સુધી એક અભેદ્ય કિલ્લા તરીકે ઊભેલું સૉવિયેત યુનિયન તૂટ્યું. ‘નાટો’ માટે પણ આ બધી ઘટનાઓ પોતાના અસ્તિત્વને નવેસરથી વ્યાખ્યાયિત કરવા માટે મજબૂત કારણ પૂરું પાડી ગઈ. તેણે પૂર્વીય યુરોપિયન દેશોને સભ્ય તરીકે સ્વીકારવાની નીતિ અપનાવી. 1999માં પૉલેન્ડ, હંગેરી અને ચેક રિપબ્લિક ‘નાટો’ના સભ્યો બન્યા. 2004માં વધુ સાત દેશો અને છેલ્લે 2024માં ફિનલેન્ડ તથા સ્વીડન ‘નાટો’ના સભ્ય બન્યા. આજે ‘નાટો’ના સભ્ય દેશોની સંખ્યા 32 છે. નાટોના આ વિસ્તરણને રશિયાએ પોતાની સુરક્ષા સામેનો પડકાર ગણી એને મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે જોવાનું વલણ અપનાવ્યું. 11 સપ્ટેમ્બરની ઘટના જેને 9/11 તરીકે ઓળખવામાં આવે છે તે હેઠળ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર મોટો આતંકી હુમલો થયો. આ હુમલાના પ્રતિસાદ તરીકે નાટોએ 9/11 બાદ એના બંધારણના આર્ટિકલ-5-નો પહેલી વખત ઉપયોગ કરીને અફઘાનિસ્તાનમાં શરણ લઈ રહેલા આતંકવાદીઓનો સફાયો કરવાની કાર્યવાહી કરી. લિબિયા અને બાલકનમાં પણ નાટોની ભૂમિકા હતી. આને પરિણામે ‘નાટો’ વૈશ્વિક સુરક્ષા સંગઠન તરીકે ઊભર્યું પણ તેની આ આક્રમકતાની કાર્યવાહીને સામ્રાજ્યવાદી અને અમેરિકન હિતોની રક્ષા માટેનું મિશન ગણાવાઇ એની આલોચના પણ થઈ. આજે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વલણને કારણે ‘નાટો’ પોતાના સંગઠન તેમજ અસ્તિત્વ સામેનો મોટામાં મોટો પડકાર વેઠી રહ્યું છે. તાજેતરમાં ટ્રમ્પે કહ્યું છે કે, ‘નાટો માત્ર કાગળનો વાઘ બનીને રહી ગયું છે અને અમેરિકા આ સંગઠનમાંથી નીકળી જવા માટે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે.’ ટ્રમ્પનો આ આક્રોશ એવા સમયે આવે છે, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમર દ્વારા રાષ્ટ્રજોગ પ્રવચનમાં બ્રિટિશ પ્રજાને એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે, ‘ઇરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં બ્રિટન જોડાશે નહીં. આ આપણું યુદ્ધ નથી.’ ‘નાટો’ના બીજા સાથી દેશો જર્મની, ફ્રાન્સ અને સ્પેન ટ્રમ્પની વિનંતીને ઠુકરાવીને ઇરાન સામેના યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કરી ચૂક્યા છે. આ બધા સભ્યોના મતે ઇરાન ઉપરનો અમેરિકા અને ઇઝરાયલનો હુમલો એ યુરોપનું યુદ્ધ નથી. આજે ‘નાટો’ એક અભૂતપૂર્વ વળાંક પર ઊભું છે. જે સંગઠન સાત દાયકા સુધી પશ્ચિમી જગતની સુરક્ષાની ધરી રહ્યું હતું, તે આજે આંતરિક વિખવાદ અને બદલાતા વૈશ્વિક સમીકરણોનો ભોગ બન્યું છે. ટ્રમ્પની ‘ફર્સ્ટ અમેરિકા’ નીતિ અને યુરોપિયન દેશોની પોતાની સ્વાયત્ત સુરક્ષા પ્રાથમિકતાઓએ આ ઐતિહાસિક સંગઠનના પાયા હચમચાવી દીધા છે. હવે જોવાનું એ રહે છે કે, બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિમાં નાટો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કયા નવા સ્વરૂપમાં ઊભરે છે.
Read Original Article →