કૉલાજ:નિર્મળ નાદ, સનાતન સાદ: નર્મદે હર

Magazine4/12/2026, 12:50:00 AM
કૉલાજ:નિર્મળ નાદ, સનાતન સાદ: નર્મદે હર
હરદ્વાર ગોસ્વામી એક માણસને ધંધામાં ખોટ થવાથી બહુ બધું દેવું થઇ ગયું. જીવનથી એ પૂર્ણપણે હારી ગયો. બધા રસ્તાઓ બંધ થયા એટલે એણે આત્મહત્યા કરવાનું વિચાર્યુ, એની અંતિમ ઈચ્છા નર્મદામાં સ્નાન કરવાની હતી. એ ત્યાં પહોંચ્યો. નર્મદા પરિક્રમા પ્રારંભ થઇ ચૂકી હતી. એક સંઘમાં એક વ્યક્તિએ કહ્યું, ‘અમારી સાથે આવો’ અને એનાથી અનાયાસ હા પડાઈ ગઈ. પછી તો એ પરિક્રમામાં એવો ઓતપ્રોત થઇ ગયો કે આત્મહત્યાનો વિચાર અને હતાશા હવામાં છૂ થઇ ગયા. એ ઘરે આવ્યો તો એકદમ સ્વસ્થ હતો. એણે ઘર વેચીને બધાના પૈસા ચૂકવી દીધા અને નવેસરથી ધંધો શરૂ કર્યો. થોડા સમયમાં ધંધામાં તેજી આવી અને નવું ઘર પણ ખરીદી લીધું. નર્મદાનાં નીર અને એના તીર પર ચાલતા નિરાશાનો નાગ પણ અમૃતપાન કરાવતો થઇ જાય છે. એક કથા પ્રમાણે નર્મદાનો જન્મ ભગવાન શિવના પરસેવાથી થયો હતો. એમ કહેવાય છે કે એ પ્રેમમાં છેતરાઈ અને તે ઊલટી દિશામાં વહેવા લાગી અને આધ્યાત્મનો રંગ લાગી ગયો, એટલે જ અહીં આવનાર વ્યક્તિની પીપાસાનાં પીંછાં ખરી જાય છે. નર્મદાદેવીની જન્મકથાનું વિસ્તૃત વર્ણન વામનપુરાણ તથા સ્કંધપુરાણમાં છે. શંકરાચાર્યના નર્મદાષ્ટકનો પાઠ કરતા નર્મદાની મહાઆરતીનું મહાત્મ્ય પ્રાપ્ત થાય છે. ‘નીચે નર્મદા અને ઉપર વિસ્તૃત આકાશ. આકાશમાં તારાઓનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. અંધારિયાનો પાછલી રાતનો ચંદ્ર પણ આવી પહોંચ્યો હતો. રાત્રે ઊઠ્યો ત્યારે આ ટાઢમાંય તારે મઢ્યા અફાટ આકાશને જોયા વિના રહી ન શક્યો. મને થયું કે આપણી પૃથ્વીનું સૌથી મોટું અને સૌથી સુંદર મ્યુઝિયમ છે આ આકાશ. ઈશ્વરે કેવાં કેવાં ગ્રહ, નક્ષત્ર, તારા ને ચંદ્રથી એને શણગાર્યું છે અને એન્ટ્રી ફી કંઈ નહીં!’ અમૃતલાલ વેગડના આ શબ્દો. જેમણે સૌંદર્ય નદી નર્મદાનો પ્રસાદ સૌને વહેંચ્યો છે. ‘જે ચીજની એન્ટ્રી ફી નહીં, એ જોવા જેવી પણ નહીં’. આવી માનસિકતા માર્કેટમાં નિર્બંધ, નિ:શુલ્ક નર્મદાનું મૂલ્ય સ્થાપવું જરા અઘરું તો છે. ધ્રુવ ભટ્ટની ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત નવલકથા ‘તત્વમસિ’ પરથી ઊતરેલી ‘રેવા’ ફિલ્મમાં પણ નર્મદાની પવિત્ર પરિક્રમાનું અદભુત ચિત્રાંકન થયું છે. મુંબઈના પ્લેનેટેરિયમ આકાશની અંજાઈ ગયેલી આંખે નર્યાનીતર્યા નભને જોઈ ન શકાય. જ્યાં બુદ્ધિ પરાસ્ત થાય અને ભાવનાની ભરચકતા વહેવા લાગે ત્યાં રેવા મળે છે. ‘ચલતા ફિરતા ના મરે, બૈઠડા મર જાયે’. વિસ્મય પ્રવાસની પૂર્વશરત છે. ગયા જન્મે બહુ પુણ્ય કર્યા હોય તો જ પ્રવાસની પાંખે ઊડી શકાય છે. પ્રવાસ માણસને સમૃદ્ધ કરે છે અને દૃષ્ટિની સીમાને વિસ્તારે છે. કિશોર કુમારના કામણગારા કંઠે ગવાયેલું ‘બેફામ’નું ગીત ‘જીવનની વાટે મંજિલને માટે વિસામો ન લેજે, ચાલતો રહેજે તું ચાલતો રહેજે’ ઉત્સાહને ઉગમણી દિશા તરફ વાળે છે. રોબેર્ટ ફ્રોસ્ટની આ પંક્તિ તો મનના કાગળ પર લખી રાખવા જેવી છે. ‘The woods are lovely, dark and deep, But I have promises to keep, And miles to go before I sleep’. પ્રવાસમાં ભક્તિ ભળે એટલે યાત્રા બને છે. નર્મદા કા હર કંકર શંકર હૈ. નર્મદાયાત્રાની અલૌકિક આબોહવા એક અલગ આલમમાં લઇ જાય છે. એ રીતે આ યાત્રા આંતરયાત્રા બની જાય છે. સતત દોડતા-ભાગતા લોકો અહીં પોતાને એપોઇન્ટમેન્ટ આપી શકે છે. અહીં નુમાઈશને નેવે મૂકી નરીનીતરી નિરાંત માણી શકો છો. સરવાળાની સાલ છોડી બાદબાકીની બાદશાહી માણી શકો છો. મહર્ષિ અરવિંદ કહે છે કે ‘વ્યક્તિનો આંતરિક વિકાસ થતો રહે તો એના જીવનમાં તાજગી નિરંતર પ્રસરતી રહે છે’. નર્મદા એ તાજગીનું એપિસેન્ટર છે. ‘નર્મદાયાત્રા’ પ્રમાણે ‘નર્મદા એ પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મહત્ત્વની નદી છે. મધ્ય પ્રદેશમાં અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં ભળે છે. ભારતભરમાંથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર નદીની પરિક્રમા કરે છે.’ આ પરિક્રમાના વિવિધ પ્રકારો છે. મુંડમલ પરિક્રમા એ સૌથી જાણીતી છે. જેમાં યાત્રી નર્મદાના કોઈ પણ કિનારેથી પગપાળા પરિક્રમા શરૂ કરી શકે છે અને ફરીથી તે જ મુકામે આવવાથી આ પરિક્રમા પૂર્ણ થાય છે. જલેહરી પરિક્રમામાં મુંડમલની સરખામણીએ બમણો સમય લાગે છે. આમાં પરિક્રમાવાસી અમરકંટકથી લઈને મીઠી તલાઈ (જ્યાં નર્મદા અરબી સમુદ્રને મળે છે) સુધીની યાત્રા કરે છે અને પછી નદીના બીજા કિનારેથી કાથપોર થઈને અમરકંટક પાછા ફરે છે. પંચકોશી પરિક્રમા એ સૌથી સરળ પ્રકાર છે. આમાં પરિક્રમાવાસી અમરકંટકની આસપાસ આવેલા અમુક ચોક્કસ ધાર્મિક સ્થળોની પગપાળા યાત્રા કરે છે. ખંડા પરિક્રમા એ સૌથી લોકપ્રિય પ્રકાર છે. આમાં કોઈ નિશ્ચિત સમયમાં પરિક્રમા પૂરી કરવી જરૂરી નથી. અમુક ભાગ પૂરો કરીને પરિક્રમાવાસી પોતાના ઘરે પાછો જઈ શકે છે અને તેની અનુકૂળતાએ ફરીથી એ જ મુકામથી પરિક્રમાનો પુનઃપ્રારંભ કરી શકે છે. નોકરી-ધંધો કરતાં કર્મનિષ્ઠ લોકો તેમજ ઘર-પરિવાર ચલાવતા લોકો માટે આ સૌથી સુલભ વિકલ્પ છે. કાર પરિક્રમા એ આધુનિક સમયમાં સૌથી પ્રસિદ્ધ પ્રકાર છે. 17 થી 20 દિવસ જેટલો સમય અને આશરે 4000 કિમીનું અંતર. આજકાલ અનેક ટ્રાવેલ એજન્સી કારના માધ્યમથી નર્મદા પરિક્રમાની સુવિધા પૂરી પાડે છે જેમાં નર્મદા-કિનારે આવેલા મુખ્ય તીર્થ-સ્થાનો સમાવિષ્ટ છે. માર્કંડેય પરિક્રમા એ મુશ્કેલ પ્રકાર છે. જેમાં પરિક્રમાવાસી માત્ર નર્મદા જ નહિ, તેની એક પણ પેટા-નદી પણ નથી ઓળંગી શકતો. આમાં ખૂબ લાંબો સમય લાગે છે એટલે બહુ ઓછા શ્રદ્ધાળુ આ પરિક્રમા કરે છે. દંડવત્ પરિક્રમા એ સૌથી અઘરો પ્રકાર. સંપૂર્ણ અંતર નર્મદા માતાને દંડવત્ પ્રણામ કરતાં કરતાં કાપવાનું રહે છે. હનુમંત પરિક્રમા એ પર્યટકો માટેનો પ્રકાર. આમાં નદીને ઓળંગવા અંગે કોઈ નિયમ નથી. જો કે શ્રદ્ધાળુ આ પ્રકારને નર્મદા-પરિક્રમા માનતા જ નથી. તિલકવાડાથી રામપુરા વચ્ચે નર્મદા ઉત્તર તરફનો માર્ગ લે છે, આટલી યાત્રા કરો ત્યાં તમારા જીવનનો ઉત્તર મળી જાય છે. નર્મદાની ડૂબકી જીવનને તારી દે છે. શિવકુમાર તિવારી અને ગોવિંદપ્રસાદ મિશ્ર લિખિત ‘નર્મદા કી ધારા સે’ પુસ્તકમાં કુલ બાવીસ તરવૈયાએ સોળ મહિના સુધી નર્મદાતરણ કર્યું એની દિલધડક દાસ્તાન આલેખી છે. નર્મદાના કિનારે આવેલાં મંદિરોનો ભવ્ય ભૂતકાળ છે. પ્રવાસ કરીને ગમે તેવા થાક્યા હો પણ મંદિરના ઓટલે બેસો એટલે થાકોડો દૂર થઇ જશે. સાંજના સમયે થતી આરતી તમારી ચિત્તની ચરબીને ઓગળી દે છે. આકાશમાંથી ઊતરી આવતું અંધારું તમારા અંધારાંને કાપે છે. રાતે કિનારે જઈ બેસો તો શ્વાસનો અવાજ પણ સંભળાય છે અને ભવ્યતાનો ભાસ થાય છે. કિનારે આવેલા સંતોના આશ્રમની સેવા કાબિલેદાદ છે. કદી કોઈ પાસે ફાળાની ટહેલ ન કરે તે છતાં આશ્રમની જરૂરિયાત સહજ પૂરી થઇ જાય છે. પદયાત્રા દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાનું સમર્પણ જોઇને થાય કે ‘આ લોકોએ તો અહીં ઊભા ઊભા પરિક્રમાનું પુણ્ય કમાઈ લીધું.’ ખિસ્સામાં એક રૂપિયો પણ ન હોય તો આખી યાત્રા પૂર્ણ કરી શકો. કેટલાક સિદ્ધ યોગીઓ તો હિમાલય છોડીને અહીં તપ માટે પધારે છે. એનો ભેટો થઇ જાય તો ભવસાગર પાર… તટ પર રહેતા લોકોની સંસ્કૃતિનો સન્નિવેશ પરંપરાનો પમરાટ આપે છે. એ લોકોની સુખ વિશે વ્યાખ્યા સાંભળો તો હેપીનેસના ઇન્ડેક્સમાં પહેલા નંબર પર આવે છે. આવ્યું એનો આનંદ અને માણ્યું તેની મહેફિલનો મિજાજ તટવાસીઓમાં છે. આ નર્મદાદેવીના આશીર્વાદ નહીં તો બીજું શું? આવજો ભૂતકાળને ખરીદી શકે એટલી સંપત્તિ કોઈની પાસે નથી. - ઓસ્કાર વાઈલ્ડ
Read Original Article →