દેશી ઓઠાં:નરબંકા

Magazine5/3/2026, 12:50:00 AM
દેશી ઓઠાં:નરબંકા
કોઈ રૂડી-રૂપાળી, નરવી અને જીવરી વહુવારુએ પહેલા ખોળાના રાભડા જેવા જોડિયા દીકરાવને જનમ દીધો હોય એવા ઘૂઘવાટા કરતા બે ગામ છે. નડાકૂઈ ને ભડાકૂઈ. વડવા વારીની વાતું હાલી આવે છે કે નડો અને ભડો નામના બે ભાયુએ આ બેય ગામ વસાવેલા. મંડાએ વસાવ્યું ‘ નડાકૂઈ’ અને મંડાએ વસાવ્યું ‘ ભડાકૂઈ’. બેય ગામમાં એકેક કૂઈ ગળાવેલી, એટલે ગામનાં નામ નડાકૂઈ ને ભડાકૂઈ પડ્યાં. બેય ગામ હાંડા જેવા. રધિસધિવાળા. વરસો વીત્યાં. નડા અને મંડાનો વસ્તાર તો પછી હાલાર ભણી ઊતરી ગ્યો. બાકીની વસ્તી રઈ. પછી તો પેઢીયું વીતી. ગામની ને લોકોની તાસીર બદલાઈ ગઈ. વાતવાતમાં બેય ગામને કજિયા થાવા મંડ્યા. સગા ભાઈ જેવા બેય ગામ વચાળે વખનાં ઝાડવાં ઊગ્યાં. પછી તો વેરભાવ એટલો વધ્યો કે વાતચીતમાં એકબીજાના ગામનાં નામ લેવાનુંય બંધ કર્યું. ભડાકૂઈવાળા નડાકૂઈને ઉગમણું ગામ ક્યે. અને નડાકૂઈવાળા ભડાકૂઈને આથમણું ગામ ક્યે. છાશવારે માથાકૂટ થાય. એમાં એક દી’ એવું બન્યું કે આથમણા ગામનાં ઢોર ઉગમણા ગામના રણછોડ રઘાની વાડીમાં ભેળાણ કરી ગ્યાં. વાત વધી પડી. ઉગમણા ગામવાળા આથમણા ગામ માથે લાકડી, ધારિયા ને કુવાડી લઈને તૂટી પડ્યા. આથમણાવાળાએ ધરાઈને માર ખાધો. વખત જાતાં બધું ટાઢું પડી ગ્યું. આથમણાવાળા છાની છાની તૈયારી કરે છે. ત્રણેક મહિના થ્યા. ચૈતર મહિનાની સાતમ છે. ઉગમણા માથે હલ્લો કરવા ગામને પાદર બધા ભેગા થ્યા. રોંઢો ઢળ્યો. ધીમે ધીમે હાલતા થ્યા. મારગમાં ચોવટ કરતા જાય છે. વાતુંમાં ને વાતુંમાં મોડું થઈ ગ્યું. ઉગમણાને ઝાંપે પૂગ્યા ત્યાં અંધારું થઈ ગ્યું. ડાયા માણસોએ સલાહ આપી કે વેરીના ગામમાં અંધારામાં નો જવાય. દગો થઈ જાય અને હવે તો પાછાં પગલાંય નો ભરાય. પછી નક્કી કર્યું કે ઉગમણાને ઝાંપે સૂઈ જાઈં ને સવારે હલ્લો કરશું. બધાને વાત ગળે ઊતરી ગઈ. આડાઅવળા, આડેધડ કે છૂટા છૂટા સૂવાને બદલે બધાએ પડખોપડખ અને હારબંધ સૂવું એટલે એકબીજાની ઓથ રિયે. બધા ઈ પ્રમાણે ગોઠવાણા. ઘણાખરાને તો પડ્યા ભેગી ઊંઘ આવી ગઈ. પણ ઉગમણા ગામ બાજુ જે પે’લો સૂતો છે ઈ દુલાને વશ્યાર આવ્યો કે ન કરે નારાણ્ય ને આ ઉગમણાવાળા રાત્યમાં જ તૂટી પડે તો સૌથી પે’લું નાળિયેર તો મારું જ વધેરાયને! દુલો હળવેકથી ઊભો થઈને છેલ્લે જઈને સૂઈ ગ્યો. પહેલાં દુલાની પડખે દુદો સૂતેલો, હવે ઈ પહેલો થઈ ગ્યો. દુદાને પણ ઈ જ વશ્યાર આવ્યો. દુદો ઊઠીને છેલ્લે જઈને સૂઈ ગ્યો. પછી તો એક પછી એક ઊઠીને છેલ્લે જાવા મંડ્યા. સવાર પડી. બધાની આંખ ઊઘડી, ને જોયું તો પોતાના જ ‘આથમણા’ એટલે કે ભડાકૂઈ ગામના પાદરમાં પૂગી ગ્યેલા. આથમણા ગામના નરબંકા વગર ધીંગાણે વેરીના ગામને ‘થપ્પો’ કરીને પાછા ઘરભેગા થઈ ગ્યા.
Read Original Article →