ટૂંકી વાર્તા:મુકુંદશેઠની ગણતરી

Magazine5/3/2026, 12:50:00 PM
ટૂંકી વાર્તા:મુકુંદશેઠની ગણતરી
લીના ઉપાધ્યાય મુકુંદશેઠની ગણતરી સમજદાર, હોશિયાર અને ગણતરીબાજ માણસમાં થતી અને કેમ ન થાય? ગામથી શહેર આવીને એમણે મોટો ધંધો વિકસાવ્યો હતો અને સુખી સંસાર વસાવ્યો હતો. ગામના લોકો વ્યવહારમાં એમની સલાહ લેતા એવો એમનો વટ હતો. દીકરો જ્યારે 23 વરસનો થયો ત્યારે વહુરાણી પણ એ ગામ થી લઇ આવ્યાં. બેટા અને વહુરાણીનો સંસાર સુખેથી ચાલવા લાગ્યો. એક વર્ષમાં બેટાએ પિતાની ઈચ્છાને માન આપી એમના ખોળામાં પૌત્ર મૂકી દીધો. પૌત્રનું નામ કિરીટ રાખ્યું. શેઠને ખબર ન હતી કે હવે બળદ ઘાણી આસપાસ ફર્યા કરે એવા એમનાં ચક્કર ચાલુ થવાના હતાં. કિરીટ જોતજોતામાં બે વર્ષનો થઇ ગયો. કિરીટને કઈ સ્કૂલમાં મૂકવો એ પ્રશ્ન શેઠના મનમાં આવ્યો. તેઓ ઘણા પાડોશીઓને ઓળખતા એટલે એમણે જયારે આસપાસ નજર નાખી ત્યારે મુખ્યત્વે વિચાર્યું કે પૈસાદાર લોકોના છોકરાઓ કઈ સ્કૂલમાં જાય છે એ સ્કૂલમાં મૂકવો કારણ એ સ્કૂલ સારી જ હોવી જોઈએ અને બીજું કે પોતે પણ વટ પાડી શકે કે છોકરો બેસ્ટ સ્કૂલમાં જાય છે. પૂછપરછ કરતાં એમને ખબર પડી કે બેસ્ટ સ્કૂલમાં એડમિશન માટે તો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. છોકરાના તો ઇન્ટરવ્યૂની ટ્રેનિંગ માટે ક્લાસિસ પણ ચાલે છે અને એ ક્લાસિસની ફી તો અધધધ હોય છે ત્યારે ખૂબ ઉત્સાહથી એમણે કિરીટને આ ટ્રેનિંગ કલાસમાં મૂક્યો. આટલા મોંઘા ક્લાસમાં જઈને કિરીટ ફટાફટ હોશિયાર થઇ જવાનો હતો. કિરીટને પઝલ અને બ્લૉક્સ મૂકવા અને એવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી. રોજ રાતે જમ્યા પછી હવે આખું કુટુંબ કિરીટની આસપાસ બેસતા અને કિરીટ ચગીને સૌને ખુશ કરવા પોતાની આવડત બતાવવા કંઈ કારસ્તાન કરતો. બધા ખુશ થઈને તાળીઓ વગાડતા. આમ થોડો વખત ચાલ્યું ને કિરીટ ઇન્ટરવ્યૂ માટે તૈયાર છે એમ લાગવા માંડ્યું ત્યારે ખબર પડી કે ઇન્ટરવ્યૂ કંઇ માત્ર કિરીટને ન’તો લેવાના. દીકરા અને વહુરાણીનો ઈન્ટરવ્યૂ પણ લેવાશે. રીતસર પરીક્ષા જ લેવાશે. મુકુંદશેઠના પેટમાં તેલ રેડાયું. પહેલી વાર એમને વહુરાણીને ગામમાંથી લાવવાનો અફસોસ થયો. વહુરાણીને એમણે અંગ્રેજી શીખવા ક્લાસમાં મોકલી. વહુરાણી પણ હોંશે હોંશે પુત્રના ભવિષ્યને ઉજ્વળ બનાવવા ક્લાસમાં ગઈ. પોતે પણ ફટાફટ અંગ્રેજી બોલશે એ વિચારે એનામાં ઉત્સાહનો સંચાર થયો. હવે વહુરાણીની જીભ તો એવી વળેલી કે સિંહને ‘લોઈન’ કહેતી. ‘લાયન’ કહેવામાં એને ખૂબ તકલીફ થઇ પણ આવી નાની અડચણોથી ડરવું નહીં એવી સસરાની સલાહ એણે ગાંઠે બાંધી અને મહેનત કરવા લાગી. બેસ્ટ સ્કૂલને માતા પિતા સરસ અંગ્રેજી જાણતા ન હોય એમના બાળકોને એડમિશન આપવામાં રસ ન હતો. થોડા વખત પછી વહુરાણીને સમજાયું કે એનો રસ તો ‘લાયન’ શબ્દ શીખવા કરતા ટી.વી. માં આવતી સિરિયલ જોવા તરફ વધુ હતો ત્યારે એણે વધુ સમય પોતાના રસના વિષય એટલે કે સિરિયલ જોવામાં ગાળવા માંડ્યો. એટલે જયારે પરીક્ષામાં એમને ‘તમારો આ વિષય પર શું અભિપ્રાય છે?’ જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે જવાબ આપવાનું તો બાજુએ સવાલ પણ ન સમજાતાં વહુરાણી પાછા ફર્યાં. કિરીટને આ નહીં તો બીજી ખૂબ તગડી ફીવાળી અને એટલે કહેવાતી સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું. આઈ. બી. બૉર્ડમાં વ્યક્તિત્વનાં બધાં પાસાં પર ધ્યાન આપવામાં આવે છે એવી સલાહના આધારે કિરીટને ધામધૂમથી આ સારી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. કિરીટ બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે સામેના ટાવરમાં રહેતા અગ્રવાલ મળવા આવ્યા. અગ્રવાલનો પૌત્ર પણ કિરીટની સ્કૂલમાં જ ભણતો હતો. અગ્રવાલજીએ વાતવાતમાં કહ્યું, ‘પૌત્રને આગળ ભણાવવા માટે અમેરિકા કે કેનેડા મોકલવાનો છે તેથી ઘરમાં એની તૈયારી ચાલી રહી છે.’ મુકુંદશેઠે પૂછ્યું, ‘કેમ પરદેશ મોકલો છો?’ અગ્રવાલજીએ માહિતી આપી, ‘આ સ્કૂલ ઇન્ટરનેશનલ બૉર્ડ એટલે કે આઈ. બી. બૉર્ડ છે એટલે હવે આગળ ભણવા અમેરિકા જશે.’ આ સાંભળીને મુકુંદશેઠ ગભરાયા . આઈ.બી. બૉર્ડ ની સ્કૂલમાં ભણ્યા પછી છોકરા માટે અહીં જ આગળ કોલેજ માં ભણવાનું મુશ્કેલ છે એનો એમને ખ્યાલ ન હતો. એમનો તો બિઝનેસ વિસ્તરતો હતો અને કિરીટ પણ એ જ બિઝનેસ સંભાળવાનો હતો. એમાં આગળ ભણવા માટે અમેરિકા ને એવું બધું ક્યાં આવ્યું? વધુ પૂછપરછ કરતાં ખબર પડી કે ભારતમાં તો છોકરાઓને પરદેશ મોકલવાનું સ્વપ્નું હોય છે એટલે જ તો આ બોર્ડની શાળાઓ અહીં ખોલવામાં આવી છેને! મુકુંદશેઠે પુત્ર સાથે વાત કરી. પુત્રે કહ્યું, ‘હું પોતે તો સ્ટેટ બૉર્ડમાં ભણ્યો હતો અને એ ભણતરમાં ખોટું શું હતું? એયને મજા કરતા ભણ્યા ને શું નથી આવડતું મને?’ એટલે રાતોરાત કિરીટને એસ. એસ. સી. બૉર્ડની સ્કૂલમાં મૂકવામાં આવ્યો. કિરીટને પહેલાં તો ખૂબ તકલીફ થઇ પછી એને સમજાયું કે એસ. એસ. સી બોર્ડમાં પુસ્તક વાંચીને અને એ પણ ન વાંચવા હોય તો નોટ્સ વાંચી ને પેપરમાં લખી આવવાનુ હતું અને હવે પરીક્ષા પણ ક્યાં નવમા ધોરણ પહેલાં લેવાવાની હતી? તેથી કિરીટ શાળામાં ગોઠવાઈ ગયો. બે વર્ષ આમ પસાર થઇ ગયાં. એક દિવસ વહુરાણીએ પતિને ફરિયાદ કરી, ‘ કિરીટ બહુ સામે બોલતો થઇ ગયો છે.’ પતિએ બધા જ પતિ કરતા હોય છે એમ પત્નીની વાત તરફ ધ્યાન ન આપ્યું. અમુક ઉંમરે તો છોકરાઓ બળવાખોર થતા જ હોય છે. એમાં ચિંતા કરવાની ન હોય. વહુરાણીને ચિંતા તો થઇ જ એટલે એણે સહેલીઓ સાથે વાત કરી. સહેલીઓએ એમની અનુભવવાણી ઉચ્ચારી ‘ આપણા ટાવરના કોઈ છોકરા એસ. એસ. સી. બૉર્ડમાં ભણતા નથી. સૌ આઈ. સી. એસ. સી. સ્કૂલમાં ભણે છે. એટલે બની શકે કે કિરીટ એકલતા અનુભવતો હોય અને એવું પણ બનતું હોય કે આઈ. સી. એસ. સી.ના છોકરાઓ ગુરુતાગ્રંથિ અનુભવતા હોય એટલે કિરીટને લઘુતાગ્રંથિ આવી ગઈ હોય.’ વહુરાણીએ વિચાર્યું કે કિરીટ હજી નાનો છે ત્યારે જ બૉર્ડ બદલી શકાય. આપણે જે સમાજમાં રહેતા હોઈએ એ સમાજ જેવું વર્તન કરવું જોઈએ. કિરીટને હવે આઈ. સી. એસ. સી. બૉર્ડમાં બદલી નાખવો એવી વહુરાણીએ જીદ કરી. વહુરાણીની જીદથી ઘરનું વાતાવરણ તંગ હતું. એક દિવસ મહેતાના ઘરેથી જમવાનું આમંત્રણ આવ્યું. મહેતાનો ચિરંજીવી બારમીમાં ભણતો હતો તેથી મુકુંદશેઠે એની સલાહ લેવાનો વિચાર કર્યો. ચિરંજીવી તો ભણવા માટે એની રૂમમાં ચ્હા અને નાસ્તાની સગવડ સાથે બેઠો હતો. એને ખલેલ પહોંચાડવું પરવડે એમ ન હતું તેથી ચિરંજીવીની મમ્મીએ જ બધા પ્રશ્નોના જવાબો આપવાની પહેલ કરી. ‘મને પૂછો ને અંકલ, હું જ બધું નક્કી કરું છું,’ માતાએ પતિ સામે કટાક્ષભરી નજર નાંખતા કહ્યું. પતિને ગુનાઇત લાગણી થઇ કે નહીં એ કોઈ કહી શક્યું નહીં કારણ કે એ લાગણીઓ છુપાવવામાં પાવરધો થઇ ગયો હતો. ‘તમારો ચિરંજીવી ક્યા બોર્ડમાં ભણે છે?’ વહુરાણીએ પૂછ્યું. એને થયું કે માતા જ બધા નિર્ણય લેતાં હતાં તો એણે પણ માતાને અનુસરવું જોઈએ. ‘દસમા સુધી તો ચિરંજીવી આઈ. સી. એસ. સી.માં હતો. પણ હવે તો ‘નીટ’ની પરીક્ષા આપવાનો છે ને. આ વર્ષે તો કોમ્પિટિટિવ પરીક્ષાનું મહત્ત્વ વધારે એટલે 11મીથી એને એસ. એસ. સી. બૉર્ડમાં મૂક્યો છે. એવી કોલેજમાં જેમાં રોજ હાજરી ન આપવી પડતી હોય એવી કોલેજ પસંદ કરી છે જેથી એને ભણવાનો સમય મળી રહે.’ માતાએ એની વ્યૂહરચના સમજાવી. વહુરાણી બહુ ભણેલી ન હતી એમાં વળી ગામમાં તો બધું સીધું ચાલતું તેથી એને આખી વ્યૂહરચના સમજાઈ નહીં પણ કિરીટ પણ ઘણીવાર ફરિયાદ કરતો હતો કે ટાવરના છોકરાઓ એક જ શાળામાં જતા હોય અને સમાન કલાસમાં હોય એમના વચ્ચે મિત્રતા હતી પરંતુ એની સ્કૂલમાંથી તો ટાવરમાંથી કોઈ હતું જ નહીં એટલે એને મિત્રો ન હતા. એને સ્કૂલ બદલવી હતી વહુરાણીને એટલું સમજાયું કે દસમા સુધી આઈ. સી. એસ. સીમાં મૂકવો. પછી કિરીટ ઉપર જ આગળ ભણવાનો નિર્ણય છોડી દેવો. એટલે કિરીટની શાળા એ સાતમા ધોરણમાં હતો ત્યારે ત્રીજી વાર બદલાઈ. નવું બૉર્ડ અને નવી સ્કૂલ.આ સ્કૂલમાં પ્રોજેક્ટસ પર ભાર મૂકતા. વળી દરેક વિષય અને મુદ્દા પણ ખૂબ વિગતવાર હતા અને વળી એમાં આવ્યા શેક્સપિયરનાં નાટકો. એની ભાષા પણ સમજાય એવી ન હતી. કિરીટ એટલો મોટો કૂદકો ન મારી શક્યો એટલે ભણવામાંથી એનો રસ ઊઠી ગયો. ખરેખર તો ભણવાનું એની શક્તિ બહારનું હતું એવું એને લાગવા માંડ્યું. એક દિવસ મુકુંદશેઠે વહુરાણીને પોતાની પાસે બોલાવીને સમજાવ્યું કે ભણવાની મજૂરી તો નોકરિયાત વર્ગના છોકરાઓએ કરવી પડે. ભણે નહીં તો એમને નોકરી ક્યાંથી મળે? પણ કિરીટ માટે તો ધંધો તૈયાર છે એટલે વહુરાણીએ ચિંતા કરવી નહીં અને કિરીટ ઉપર ભાર ન નાખવો. વહુરાણીને તો આમ સમજાવી પટાવીને મુકુંદશેઠે મોકલી પણ એમને વિચાર તો જરૂર આવ્યો કે એમના જેવા સમજદાર અને ગણતરીવાળા માણસને પણ આ આખી ઍજ્યુકેશન સિસ્ટમ વિશે મૂંઝવણ થઈ ગઈ. છેલ્લાં દસ વર્ષમાં કેટલાય લોકોને એ મળ્યા જેમને આ આખું ચક્કર સમજાતું ન હતું. આટલાં બધાં બોર્ડ શા માટે હોવાં જોઈએ, ‘નીટ’ પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર શા માટે હોવું જોઈએ અને આઠમા ધોરણથી દસમા ધોરણ સુધી શેક્સપિયરનાં નાટકો શા માટે હોવાં જોઈએ એવા બધા ઘણા પ્રશ્નોની ચર્ચાઓ એમના કાને અથડાતી હતી. મુકુંદશેઠને લાગ્યું કે એમને મૂછો હોત તો એમણે નીચે કરવી પડી હોત. સારું થયું એ નવા જમાનાના શેઠ હતા અને એમને મૂછો ન હતી.
Read Original Article →