મૉન્ટાજ:મુક્તિ ભવનઃ મૃત્યુ મળવું અને મૃત્યુ માગવું... ફરક છે!

Magazine4/19/2026, 1:00:00 AM
મૉન્ટાજ:મુક્તિ ભવનઃ મૃત્યુ મળવું અને મૃત્યુ માગવું... ફરક છે!
પાર્થ દવે 2017માં ‘મુક્તિ ભવન' ફિલ્મ જોઈ હતી. ફરી વખત જોઈ. ધારી હતી એવી જ ફરી વખત અનુભવાઈ. એક વૃદ્ધ વ્યક્તિ જેને લાગે છે કે ‘પોતાનો સમય હવે આવી ગયો છે' તે બનારસ જવાની જિદ્દ પકડે છે. પોતાના દીકરાને કહે છે. વહુ ને પૌત્રી પાસે વાત મૂકે છે. બધાને આશ્ચર્ય થાય છે અને અંતે માની જાય છે. બનારસ શા માટે? કેમ કે ત્યાં મરવાથી અર્થાત્ અંતિમ શ્વાસ લેવાથી મોક્ષ મળશે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થશે! ફિલ્મનો એક મજેદાર સંવાદ છે; જ્યારે એ દીકરો બનારસ જવા માટે બૉસ પાસે રજા માગે છે ત્યારે એ પૂછે છે, બનારસ મેં ગંગા કા ક્યા માંજરા હૈ? ગંગા તો યહાં કાનપુર મેં ભી હૈ. તો એ દીકરો કહે છે કે, મોક્ષ તો બનારસમાં જ મળશેને! બૉસ શાંતિથી કહે છે, ‘મોક્ષ ગંગાને કારણે નહીં, આસ્થાને કારણે મળે છે. ઘરે પણ મોક્ષ મળી શકે.’ બાપ-દીકરો નીકળે છે બનારસ, મોક્ષની શોધમાં. દીકરાને દોડધામભરી જિંદગીમાં જરાય રસ નથી આવું બધું કરવામાં, પણ પિતા માટેના પ્રેમ ખાતર તે ક-મને સાથે જાય છે. તેની પત્ની જરાય ખુશ નથી. તે પૂછી લે છે, ‘કેટલો સમય લાગશે?!’ (તમને પાછા આવવામાં અને દાદાને ‘જવામાં’) મૃત્યુ સાથે જ જોડાયેલી એક વાત કરી લઉં. ઓશો તેમના એક વક્તવ્યમાં આવું કંઈક કહે છે, ‘બહાર (વિદેશ)ના લોકો ખબર છે શા માટે વધારે આત્મહત્યા કરે છે? કેમ કે, તેઓ પુનર્જન્મમાં નથી માનતા! આપણે ખબર છે કે પાછા અહીં જ આવશું. ફસાઈ જશું અને એ આત્મહત્યા કરનારને કહે છે કે, ન કરતો. મૃત્યુ તો આમેય તારી પાસે આવવાનું જ છે. તું શા માટે ઉતાવળ કરે છે? પાછું ભણવું પડશે નવેસરથી, પ્રેમ કરવો પડશે, કામ કરવું પડશે... એના કરતા નિરાંતે મરજેને!’ … માટે પેલાભાઈને પુનર્જન્મ નહીં ખપતો હોય ને મોક્ષ થકી છૂટવું હશે એટલે બનારસની જિદ્દ પકડીને બેઠા હતા. ત્યાં ‘મુક્તિ ભવન’ નામની જગ્યા છે, રહેવાનું છે, જ્યાં એવા ઘણા વડીલ-વૃદ્ધો આવેલા છે જેમને લાગે છે કે ‘હવે તેમનો સમય આવી ગયો’ છે. દરેકને રૂમ ફાળવાય છે અને ત્યાં રહે છે. ભગવાનનું નામ લે છે. બનારસ ફરી વખત ‘રાંઝણા’, ‘મસાન’ બાદ અફલાતૂન રીતે કંડારવામાં આવ્યું છે. માઇકલ મૅકસ્વીની અને ડેવિડ હુવિલરનો કૅમેરો બનારસની ગલીઓમાં ફરે છે. ફિલ્મમાં પિતાનો રોલ લલિત બહેલ અને તેમના દીકરાનો રોલ આદિલ હુસ્સૈને બહેતરીન રીતે ભજવ્યો છે. શરૂઆતમાં દાદા અને પૌત્રી વચ્ચેના ડાયલૉગ્સ રમૂજી-ગમે એવા છે. પૌત્રી તરીકે પાલોમી ઘોષ છે. એક પણ ગીત વગરની અને એક પણ ઈન્ટરવલ (અફ કૉર્સ, હવે તો એક જ હોય છે!) વગરની એક કલાક ને ઓગણચાલીસ મિનિટની આ ફિલ્મ શુભાષિશ ભૂટીયાનીએ હિન્દી અને ‘Hotel Salvation’ નામે અંગ્રેજીમાં બનાવી છે. ‘મામી ફેસ્ટિવલ’ (2017)માં દર્શાવાઈ હતી ત્યારે લોકોની સરાહના મળી હતી. ફિલ્મની શૈલી વાસ્તવિક છે. વડીલોને ભૂલવાની બીમારી, એક ને એક વાત કર્યા કરવાની ટેવ, દીકરાને પ્રેમ ખૂબ કર્યો હોય છતાંય કંઈક ઓછું આવી ગયું હોવાની વેદના. દુઃખ-દર્દ. અફસોસ.. અને આ બધું બનારસ સાથે વણી લેવામાં આવ્યું છે. કાં ફિલ્મના ક્રિટિક્સ દ્વારા ખૂબ વખાણ થાય, પણ એ કમાણી ન કરે અને કાં તો કમાણી ખૂબ કરે પણ સરેરાશ હોય. આ ફિલ્મનો સમાવેશ કદાચ બેઉમાંથી એકેયમાં નહીં થાય અને દિગ્દર્શકસાહેબ એ સારી રીતે જાણે જ છે. એમને જે કહેવું હતું એ સ્પષ્ટ કહી દીધું છે. અલબત્ત, આટલી ટૂંકી હોવા છતાં પણ ફિલ્મનો પાછળનો ભાગ બૉરિંગ લાગે છે. એક સમયે તો ધીરજ ખૂટવા જ લાગે છે, પણ ત્યાં જ અમુક સારા ચમકારા-સીન્સ-સંવાદ-પ્રસંગ આવી જાય છે! પણ.. એક ઉંમર પસાર કર્યા બાદ આ ફિલ્મ જુદી રીતે ‘લાગે’ તેવી છે. કદાચ સીધું ને સટ સમજાય તેવી વાત છે. ‘મુક્તિ ભવન’માં એક બહેન અંતિમ શ્વાસ લેવા એના પતિ સાથે આવ્યાં હતાં. પહેલા પંદર દિવસમાં એના પતિની ‘ઈચ્છા પૂરી થઈ ગઈ’ પણ એ બહેનની ન થઈ. તો એ છેલ્લા 18 વર્ષથી ત્યાં જ રહેતાં હતાં, વાટ જોતાં! *** હવે મૃત્યુ વિશે ઘણુંબધું કહેવાનું મન થાય છે. જૂનું જૂનું યાદ આવે છે, પણ ના. હવે મારા મગજમાં ‘મુક્તિ ભવન’ સાથે એ બહેન જોડાઈ ગયાં છે. મૃત્યુ મળવું અને મૃત્યુ માગવું... ફરક છે!
Read Original Article →