એન્કાઉન્ટર:લોકો માઉન્ટ આબુ સૂર્યાસ્ત જોવા કેમ જાય છે?
પુસ્તકો અને પુસ્તકાલયોનો ઉપયોગ ઘટવાનું કારણ શું?
(ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
- કમ્પ્યૂટર અને ટીવી.
ગરબે ઘૂમવાનો ચાર્મ ક્યારે આવે?(મહાસુખ દરજી, અમદાવાદ)
- તદ્દન એકલે એકલા ઘૂમે રાખો ત્યારે!
ગુજરાતી ભાષા પર તમારી પકડ સારી છે. આટલું સરસ ક્યાંથી શીખ્યા? (ડૉ. સંકેત શેઠ, કરમસદ)
- પોળમાં અમે તો ગાળોય હસ્વ-દીર્ઘ-ઈની ભૂલો વિના બોલતા!
ગંગા નદીમાં ડૂબકી મારવાથી પુણ્ય મળે?(અમૃત સોલંકી, બોટાદ)
- આખેઆખા બહાર આવો તો મળે!
પત્ની વાતવાતમાં ગુસ્સે કેમ થઇ જતી હશે?
(કિરણ મોવડીયા, માણસા)
- શાંત બેસી રહે, એ તમને નહીં ગમે!
ઘરમાં ક્યો કલર કરાવવાથી શાંતિ મળે?
(હિતેશ દમણીયા, સુરત)
- એનો આધાર કલર તમે કરવાના છો કે એ કરી આપવાની છે, એના ઉપર છે!
સાસરું અને પિયર, આજુબાજુમાં હોય એ સારું કે ખરાબ?
(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
- તદ્દન બાજુના બંગલામાં હોય કે વિદેશમાં… ગોરધને તો પિયરમાં જ રહેવું જોઇએ!
મોના લિસા જેવું મોહક સ્માઇલ હવે કેમ જોવા નથી મળતું?
(શશિકાંત મશરૂ, જામનગર)
- એક વાર (પોતાની) વાઇફ સામે ધારીધારીને જુઓ… તમારું મોહક સ્માઈલ એને ગમશે!
દિલ્હી કોના જવાથી ખુશ થાય?(સુનીલ વર્મા, પાલિતાણા)
- ગયા પછી એ ક્યાં જાય છે, એની ઉપર બધો આધાર છે!
ડાયાબિટીસવાળી કન્યા ‘સ્વીટહાર્ટ’ કહેવાય?(હર્ષ હાથી, ગોંડલ)
- મારા સસરાજીનું નામ સ્વ.ડાહ્યાલાલ હતું. એમની ચાર દીકરીઓને અમે ‘ડાહ્યાબેટીઝ’ કહેતા!
તમને ‘ટાઈ’ પહેરતા આવડે છે?(જીતેન્દ્ર કેલા, મોરબી)
- હા, પણ નીચે શર્ટ હોવું જોઇએ!
‘હકીભાભીને’ હકી કહીને કેમ બોલાવો છો?
(સ્મિત આચાર્ય, અમદાવાદ)
- ‘હકીબેન’ ન કહેવાય! બંનેની બાઓ ખિજાય!
લાઇબ્રેરીનો ઉપયોગ સૂવા માટે કરનારાઓનું શું કરવું?
(લતાબેન લાખાણી, લખતર)
- એના અથવા તમારા નાક પર થોડી છીંકણી ભભરાવો.
લાગણીઓને પગ હોતા નથી, છતાં એમને ઠેસ કેમ વાગે છે?
(પ્રવીણ મહેતા, કેશોદ)
- મરચાં લાગે એના કરતાં ઠેસ લાગે, એ વધુ ફાયદો કરી આપે!
રાત્રે સૂતા પછી જ કૂતરાઓના ભસવાના અવાજો ખૂબ આવે છે… શું કરવું? (કનુ જોશી, વડોદરા)
- તે હશે, પણ આપણે બદલો નહીં લેવાનો!
મારા સવાલ પર ટૅરિફ લાગશે?(મુકેશ ગોહેલ, અમદાવાદ)
- એટલા પૈસા તો પાસે રાખો!
ઉનાળામાં બરફનું તાપણું ન કરી શકાય?
(યોગેશ શાંતિ પટેલ, વડોદરા)
- દાઝી જવાય!
લોકોને હોટેલનું ભેળસેળવાળું જમવાનું કેમ ભાવે છે?
(ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- દરેક પુરુષ ચાન્સ તો લેવાનો જ...! ઘર કરતાં ક્યાં વધુ સારું મળે છે!
ગુનાનો ભેદ ઉકેલતા પોલીસ કાયમ ચોંકી કેમ જાય છે?
(ફિરોઝ હાફેઝી, સુરત)
- ઊકલી ગયા પછી ચોંકવાનું સારું ન લાગે!
તમને ‘સોંદેશ’ ભાવે છે?(પ્રતિજ્ઞા ચૌરાસીયા, મહેસાણા)
- પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખો.
વિજ્ઞાનની આટલી પ્રગતિ જોયા પછી એવું નથી લાગતું કે, આપણે જરા વહેલા જન્મી લીધું? (પરેશ અંતાણી, રાજકોટ)
- હશે હવે....! થતા થઇ ગયું! બીજી વાર જન્મતા જરા ધ્યાન રાખજો!
વહેંચીને ખાવાનો ‘કન્સેપ્ટ’ ક્યાંથી આવ્યો?
(હેતલ ગઢવી, જામનગર)
- વહેંચીને ખાવામાં ધ્યાન રાખવું પડે! એક મુઠ્ઠો પાછળ રાખીને બીજાથી બુકડો ભરવો!
કરુણા અને કરુ વચ્ચે કેટલો ફેર?(મુસ્તફા ચશ્માઇ, સુરત)
- ‘ણા’ નો!
હું દર રવિવારે ‘ઍન્કાઉન્ટર’ની રાહ જોતો હોઉં છું...
(રાહુલ કસવાલા, સુરત)
- હુંય!
શૂન્યની શોધ ન થઇ હોત તો ગણતરીઓ કેવી રીતે થાત?
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
- શૂન્યોની તો ગણતરી થઇ શકેને? પાંત્રીસ શૂન્ય, છાસઠ શૂન્ય… પિચોતેર શૂન્યો!
પાર્લામૅન્ટમાં વૉટિંગ થાય છે, એમાં ચોરીચપાટી નહીં થતી હોય?
(દિલીપસિંહ રાઠોડ, સિહોર)
- તે એ વિના આટલો મોટો દેશ ચાલતો હશે?
ગરમી સખત પડે છે. ડિમ્પલકાકી માટે એ. સી. મોકલું?
(રૂપમ ધાંધલા, દિહોર-તળાજા)
- તે અહીં બેઠેલો કાકો તાપણું કરીને બેસશે?
તમને ફક્ત સવાલ જ મોકલવાનો કે જવાબ પણ?
(અર્જુનસિંહ ઝાલા, ?)
- તમારે એની શું ચિંતા? તમને તો તમારું સરનામુંય ખબર નથી!
સાગરને મીઠાશનું વરદાન કેમ ન મળ્યું?
(સાગર ખોરસીયા, પાલિતાણા)
- સાગર ગળ્યો સારો ન લાગે!
હકીબેનને કોઇ ‘હકી અશોક દવે’ કહીને બોલાવે તો ગુસ્સો આવે?
(કુમુદ જોષી, કાંદિવલી-મુંબઇ)
- ના. મારા નામની આગળ બીજું કોઇનું મુકાય તો ગુસ્સો આવે!
સાત કરોડપતિ કૉમેડિયનોની યાદીમાં તમારું નામ કેમ નથી?
(સુરેશ ઠાકર, સાવરકુંડલા)
- કારણ કે, હું કૉમેડિયન નથી!
Read Original Article →