એક વાર્તૈ:માર્વેલસ મધર્સ ડે!

Magazine5/10/2026, 12:50:00 AM
શ્વેતાએ નક્કી કર્યું હતું કે તે મમ્મી માટે કંઈક સરપ્રાઇઝ કામ કરશે. આજે એણે મમ્મીને આખો દિવસ ખુશ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી મમ્મી રાજી થઈ જાય. આજે મમ્મીના ઊઠતાં પહેલાં જ શ્વેતા ઊઠી ગઈ. એ દૂધની થેલી લઈ આવી. મમ્મી માટે આદુંની ચા બનાવી અને ખારી બિસ્કિટ પણ ડિશમાં સજાવી દીધી. જેવી મમ્મી ઊઠી કે એ ચાનો કપ અને ખારી સાથે મમ્મી સામે હાજર થઈ ગઈ. ‘હેપી મધર્સ ડે…’ કહેતા એણે મમ્મીના ચરણ સ્પર્શ કર્યા. મમ્મીને તો આશ્ચર્ય થયું. એનાં ઊઠતાં પહેલાં જ એનાં કામ થઈ ગયાં હતાં. ‘મમ્મી, આજે નાસ્તામાં બ્રેડ પકોડા બનાવું છું અને જમવામાં તારી બે બહેનપણીઓ મેં બોલાવી છે એટલે તમે વાતોનાં વડાં કરજો અને હું દાળવડાં…’ અગિયાર વાગ્યે શ્વેતાની મમ્મીની બહેનપણીઓ આવી શ્વેતાએ હોલમાં એ. સી. ઓન કરી પત્તાંની કેટ લાવીને આપી દીધી. બધાં પત્તા રમવાની સાથે ગપાટા મારી રહ્યાં હતાં. થોડી વારમાં ચા-બિસ્કિટ આવી ગયાં. બહેનપણીઓ નાનપણમાં ખોવાઈ હતી અને શ્વેતા મમ્મીને રાજી કરવા રસોડામાં વ્યસ્ત હતી. કામ માટે કાયમ નખરા કરતી શ્વેતા આજે દોડીદોડીને કામ કરતી હતી… સાંજ થવા આવી અને શ્વેતાએ સરપ્રાઇઝ આપી, ‘લે મમ્મી, આ મારા પહેલાં પગારમાંથી ગિફ્ટ, મધર્સ ડે નિમિત્તે…’ ગિફ્ટનું પાર્સલ ખૂલ્યું અને અંદરથી નીકળી ‘સારેગામા મ્યુઝિક સિસ્ટમ’ મમ્મી ખુશીથી ઝૂમી ઊઠી. એણે મોડી રાત સુધી જૂનાં ગીતો સાંભળ્યા અને સાથે શ્વેતા સાથે મનભરીને વાતો કરી. મમ્મીની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યાં. ‘બેટા, તેં આજે ખરા અર્થમાં મારો ‘મધર્સ ડે’ યાદગાર બનાવી દીધો.’ મમ્મીને શ્વેતાનું આજનું બદલાયેલું સ્વરૂપ ખૂબ ગમ્યું. ક્યાં પહેલાંની શ્વેતા ને ક્યાં આજની શ્વેતા! આખા દિવસની મોજ બાદ રાત્રે સૂતી વખતે મમ્મીને સ્વાભાવિક વિચાર આવ્યો કે, ‘આ ‘મધર્સ ડે’ દર મહિને આવતો હોય તો કેવું સારું!’ - સુશીલાબહેન થોરાતના પુત્ર સંજય થોરાત ‘સ્વજન’
Read Original Article →