અક્ષરનો અજવાસ:હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે

Magazine5/10/2026, 12:50:00 PM
અક્ષરનો અજવાસ:હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે
મધુબા જાદવના પુત્ર જયેન્દ્રસિંહ જાદવ જગતની તમામ ભાષાઓમાં સૌથી વધુ ગુંજતો, પવિત્ર અને જગતનો સૌથી વજનદાર શબ્દ જો કોઈ હોય તો તે ‘મા’ છે. માતૃત્વ એ કેવળ કોઈ જૈવિક કે શારીરિક પ્રક્રિયા નથી, પરંતુ તે અસ્તિત્વનો ઉત્સવ ઊજવતી એક દિવ્ય ઘટના છે. માનાં હાલરડાંનો સૂર એ જગતનો સૌથી મધુર સૂર છે. તેથી જ કવિ સુરેશ વિરાણી એમ લખે છે કે સ્વર્ગમાં હાલરડાં એને સંભળાવે કોણ? તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે. ‘માતૃપનિષદ’ જેવું કોઈ ઉપનિષદ લખાયું નથી, પરંતુ બધાં જ ઉપનિષદનું આચરણ કરવામાં આવે તો એ માતૃપનિષદનો વ્યાવહારિક અનુવાદ હશે એમ કહી શકાય. માતા એ મમતાનું, પ્રેમનું ઉપનિષદ છે. નિષ્ઠાવંત નાસ્તિક પણ આ માતૃત્વના ઉપનિષદને હોંશેહોંશે સ્વીકારી શકે છે. માતૃત્વએ પ્રેમની ઓપન યુનિવર્સિટી છે. જ્યાં સ્થળ, કાળ અને સમયના બંધન સિવાય જગતને સમજવાની અને સ્વીકારવાનું શિક્ષણ આપવામાં આવે છે. માતાનો ખોળો એ જગતની સૌથી સુરક્ષિત જગ્યા છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે હિટલરના નાઝી શાસન હેઠળ યહૂદી માતા-પિતા અને બાળકોને ટ્રેનોમાં ઘેટાં-બકરાંની જેમ ભરીને મૃત્યુ છાવણીઓ તરફ લઈ જવામાં આવી રહ્યાં હતાં, ત્યારે તે ભીડભાડવાળા અને ભયાનક ડબ્બામાં એરિકા નામની એક નવજાત બાળકી તેની માતાના ખોળામાં સુરક્ષિત હતી. ડબ્બાની અંદર ભયનો માહોલ હતો, લોકો એકબીજા સાથે દબાઈને ઊભા હતા અને મૃત્યુ હવે નિશ્ચિત છે તે સૌ જાણતા હતા. તેવામાં એરિકાની માતાએ પોતાની બાળકીના ચહેરાને પોતાનાં આંસુઓથી ભીંજવી દીધો અને તે માતાએ એક અકલ્પનીય નિર્ણય લીધો. તેણે ટ્રેનની બારી પર લગાવેલો કાંટાળો તાર હટાવ્યો અને પોતાની વહાલસોયી બાળકીને ચાલતી ટ્રેનમાંથી બહાર ઘાસ પર ફેંકી દીધી. વર્ષો પહેલાં આ વાર્તા અભ્યાસક્રમમાં આવતી. ત્યારે કોઈ શિક્ષક પ્રાથમિક શાળાનાં બાળકોને આ વાર્તા સંભળાવતા અને પૂછતા, ‘આવી માતાને તમે કેવી માતા કહેશો? સારી કે ખરાબ?’ ત્યારે બાળકો નિર્દોષભાવે કહે છે: ‘તે ‘ખરાબ માતા’ હતી.’ પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે. મોટી થયા બાદ એરિકાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે: ‘મૃત્યુ તરફની પોતાની સફરમાં, મારી માતાએ મને જીવન તરફ ફેંકી દીધી.’ આ છે માતાનો પ્રેમ, જે મૃત્યુના મુખમાંથી પણ નવજીવનનું સર્જન કરી શકે છે. માતાનું હૃદય એ બાળક માટે સંસ્કાર, બુદ્ધિ અને વિચારક્રાન્તિની સૌથી પહેલી પ્રયોગશાળા છે. દુનિયાના મહાન વૈજ્ઞાનિકો અને રાજનેતાઓનું જીવન તપાસીએ તો જણાશે કે તેમના ઘડતરમાં તેમની માતાઓનો ફાળો કેવળ શારીરિક ઉછેર પૂરતો સીમિત ન હતો. અમેરિકાના મહાન શોધક થૉમસ આલ્વા એડિસનનો બાળપણનો પ્રસંગ જગજાણીતો છે. શાળાના શિક્ષકે નાનકડા એડિસનને એક પત્ર આપીને ઘરે મોકલ્યો અને કહ્યું કે આ પત્ર તારી માતા જ વાંચે. માતા નેન્સી એડિસને પત્ર ખોલ્યો અને આંખમાં આંસુ સાથે પુત્રને સંભળાવતા કહ્યું, ‘તારો શિક્ષક લખે છે કે મારો પુત્ર એક પ્રતિભાશાળી છે અને આ શાળા તેના માટે ખૂબ નાની છે, તેથી મારે તેને જાતે જ ઘરે ભણાવવો પડશે.’ વર્ષો પછી, જ્યારે એડિસન વિશ્વવિખ્યાત શોધક બની ગયા અને તેમની માતાનું અવસાન થઈ ચૂક્યું હતું, ત્યારે તેમને કબાટમાંથી શાળાનો એ મૂળ પત્ર મળ્યો. પત્રમાં વાસ્તવમાં લખ્યું હતું: ‘તમારો પુત્ર માનસિક રીતે નબળો છે અને તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે.’ સત્ય જાણીને એડિસને પોતાની ડાયરીમાં નોંધ્યું: ‘હું માનસિક રીતે નબળું બાળક હતું, પણ મારી માતાએ મને સદીના મહાન પ્રતિભાશાળી વ્યક્તિમાં ફેરવી દીધો.’ માતાના સકારાત્મક શબ્દોમાં કેટલી પ્રચંડ તાકાત હોય છે, તેનું આ જીવંત દૃષ્ટાંત છે. આ જ રીતે, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને પોતાની સફળતાનો શ્રેય આપતા કહ્યું હતું: ‘હું જે કંઈ પણ છું અથવા ભવિષ્યમાં બનવાની આશા રાખું છું, તેનો સંપૂર્ણ ઋણી મારી દેવદૂત સમાન માતાનો છું.’ લિંકનની માતા નેન્સી હેન્ક્સ લિંકન ભલે કોઈ ઔપચારિક શિક્ષણ પામ્યાં ન હતાં, પરંતુ તેઓ અત્યંત બુદ્ધિશાળી મહિલા હતાં. તેમણે અબ્રાહમમાં વાંચન અને જ્ઞાન પ્રત્યેની અદભુત જિજ્ઞાસા જગાડી હતી. બીજા એક મહાન શોધક નિકોલા ટેસ્લાની અસાધારણ સ્મરણશક્તિ અને અદભુત કલ્પનાશક્તિ પાછળ તેમની માતા ડ્યુકા મેન્ડિકનો જિનેટિક અને બૌદ્ધિક વારસો હતો. તેઓ પોતે યાંત્રિક ઉપકરણોના શોધક હતાં અને અનેક મહાકાવ્યો તેમને મોઢે હતાં. ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન ક્યારેય રસોડા કે પારણા સુધી સીમિત રહ્યું નથી; તે હંમેશાં ધર્મ, રાજનીતિ અને રાષ્ટ્રનિર્માણની ધરી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજના માતા રાજમાતા જીજાબાઈ ભારતીય ઇતિહાસમાં આદર્શ માતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ કેવળ એક વાત્સલ્યમૂર્તિ ન હતા, પરંતુ શિવાજીના રાજકીય અને આધ્યાત્મિક ગુરુ હતા. બાળપણથી જ જીજાબાઈએ શિવાજીને રામાયણ અને મહાભારતના શૌર્યપૂર્ણ પ્રસંગો સંભળાવીને તેમનામાં રાષ્ટ્રભક્તિ અને હિંદવી સ્વરાજ્યનાં બીજ રોપ્યાં હતાં. એક પ્રસંગમાં જ્યારે શિવાજી અત્યંત નિરાશ થઈને મૃત્યુની કામના કરવા લાગ્યા હતા, ત્યારે જીજાબાઈએ અત્યંત કઠોર શબ્દોમાં તેમને તેમના કર્તવ્યનું સ્મરણ કરાવીને પુનઃ રણમેદાનમાં ઊભા કરી દીધા હતા. ભારતમાં માતૃદિવસની ઉજવણી કોઈ એક દિવસ માટે મોહતાજ નથી, અહીં તો બારે મહિના માતૃમહિમા ગવાય છે અને ઊજવાય છે. તેમ છતાંય માતૃદિવસ એટલે માનવતાના રક્ષણ માટે પોતાના બાળકોને ચાલતી ટ્રેનમાંથી જીવન તરફ ફેંકનારી એરિકાની માતાથી લઈને, જિનેટિક અને બૌદ્ધિક વારસો આપનારી તમામ પ્રેમાળ માતાઓના અદૃશ્ય અને મૌન બલિદાનો સમક્ષ નતમસ્તક થવાનો પવિત્ર અવસર. આજે ચોતરફ ચાલતા કોલાહલમાં, જો કોઈ શાશ્વત સંગીત અને લલિત કાવ્ય હોય, તો તે માતાનો અખૂટ પ્રેમ છે, તે પ્રેમની વંદના કરીએ. અંતે, તીર્થો બધાંય પૂજ્યાં, તીરથ ઘણાંય કીધાં, એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે? – નીતિન વડગામા (શીર્ષક પંક્તિ : વિપુલ માંગરોળીયા)
Read Original Article →