કૉલાજ:મેરે પાસ મા નહીં હૈ

Magazine5/10/2026, 12:50:00 AM
કૉલાજ:મેરે પાસ મા નહીં હૈ
ચારુલતાબહેન ગોસ્વામીના પુત્ર હરદ્વાર ગોસ્વામી તાજેતરમાં બરગી ડેમ ખાતે સર્જાયેલા ગમખ્વાર ક્રૂઝ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો. આ અકસ્માતમાં માતા અને તેના ચાર વર્ષના દીકરાનો મૃતદેહ હૃદયદ્રાવક અવસ્થામાં મળી આવ્યો. એની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ. બાળક માતાની છાતીએ વળગેલું હતું. છેલ્લી પળ સુધી માએ દીકરાને બચાવવાનો પ્રયત્ન કર્યો હશે, એમાં સફળતા નહીં મળી હોય પછી જ માએ દમ તોડ્યો હશે. રેસ્ક્યુ ટીમ દ્વારા જ્યારે માતા-પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે ચાર વર્ષનું માસૂમ બાળક તેની માતાના સીને વળગેલું જોવા મળ્યું હતું. આ દૃશ્ય જોઈને બચાવ દળના સભ્યોની આંખોમાં આંસુનો ડેમ ઊમટી પડ્યો. માતા મૃત્યુ પામી શકે પણ મમતા કદી મૃત્યુ ન પામે. દીકરીની જાન વિદાય થાય અને દીકરો જાન પર આવે ત્યારે મા બહુ દુઃખી થાય છે. તાજેતરમાં તળાજા ગામમાં મિલકતના મોહમાં પુત્રએ માને બાળી નાખી. એ વખતે આગ પણ કંપી ગઈ હશે. જેણે જનમ આપ્યો એ માના મૃત્યુનું કારણ પુત્ર બને ત્યારે ઈશ્વરને પણ શરમ આવી જાય કે ‘મેં માણસનું સર્જન શું કામ કર્યું ?’ દીકરાને ઠેસ વાગે તો ‘ઓ મા’ બોલે પણ માને ઠેસ વાગે તો... આ માએ ઈશ્વરના દરબારમાં પણ પુત્રની ફરિયાદ નહીં કરી હોય પણ હા, ‘બીજા જન્મે આવો પુત્ર પોતાને તો શું કોઈ માતાને ન આપે’ એવી પ્રાર્થના તો કરી જ હશે. પુત્ર ગમે તેવો પાકે પણ માતા તો હંમેશાં મમતાની મૂર્તિ. સિંધુતાઈ સપકાલને અનાથ બાળકો માટેની ઉત્તમ કામગીરી બદલ ‘પદ્મ શ્રી’ અર્પણ કરવામાં આવે છે ત્યારે એ સન્માન અનાથ બાળકોને તે અર્પણ કરે છે. પત્રકારોને પોતાની સિદ્ધિની વાત લખવાને બદલે અનાથ બાળકોને સીધી મદદ મળે એ માટે અખબારમાં લખવા સિંધુતાઈ કહે છે. જેનું કોઈ ન હોય એનું સરનામું સિંધુતાઈ. અડધી રાતનો હોંકારો અને બપોરનો બાકડો. સિંધુતાઈએ અનાથોને દત્તક લઈને એની દેખરેખનું કામ કરેલું. તેમણે જ્યારે અનાથોનો સહારો બનવાનું નક્કી કર્યુ ત્યારે સૌથી પહેલું કામ પોતાની સગી પુત્રીને અન્ય કોઈ અનાથાશ્રમમાં મૂકવાનું કર્યું. તેઓ 1400થી વધુ અનાથોના પાલક માતા હતાં. ઉંમરલાયક થાય ત્યારે દીકરા-દીકરીઓને પરણાવતાં. સિંધુતાઈ પ્રવચનો આપતાં અને એમાંથી જે કંઈ આવક થાય એ દીકરા-દીકરીઓ માટે વાપરતાં. મા વહાલનો વાસ અને સમર્પણનું સરનામું છે. ધરતી પરનું સ્વર્ગ અને સ્વર્ગની ધરતી એટલે મા. હાલરડાંથી જીવન શિક્ષણનું કાર્ય શરૂ કરનારી મા બાળકની પ્રથમ ગુરુ છે. જીવનની સાચી અને સારી, પ્રથમ અને પ્રખર નિશાળ તો મા જ હોય છે. ‘ત્યાગીને ભોગવવાની’ વાતનું સંપૂર્ણ પાલન તો મા જ કરે છે. માતાના સ્પર્શ માત્રથી ભલભલો ઘા રુઝાઈ જાય છે. ભારત એક માત્ર દેશ છે કે જ્યાં માતાઓનું સહૃદય સન્માન થાય છે. સ્ત્રીનાં બધાં રૂપમાં સર્વશ્રેષ્ઠ સ્વરૂપ માતા છે. મા જ્યારે બાળકને બચી ભરે ત્યારે ચૈતર પણ ચાંદની થઇ જાય છે. ગાંધી, અરવિંદ અને ફ્રોઈડના મનોવિશ્લેષણની અસર જેમની વાર્તાઓમાં છે તે સુન્દરમની ‘માને ખોળે’ વાર્તા ગ્રામીણ નારીની કરુણતા સાથે સામાજિક જીવનની વિષમતા અને વિસંવાદિતા પ્રગટ કરે છે. આપણી પહેલાં આપણી વેદના જાણે-પિછાણે એ મા હોય છે. આમ તો માનું ઋણ ક્યારેય ઊતરી ન શકે પણ જયારે સ્ત્રી મા બને છે ત્યારે આંશિક ઋણ ઊતરે છે. જગતના કલ્યાણ માટે ઈશ્વરને કહેવામાં આવ્યું હશે અને એમણે પૃથ્વી પર માતાને મોકલી હશે. જે ઘરમાં માતા દુઃખી હોય એ ઘરમાં કદી સમૃદ્ધિ આવી ન શકે. પેટજણી મા હોય કે કુળદેવી મા હોય, બંનેના આશીર્વાદ વગર સંસારસાગરની નૌકા તરી ન શકો. પણ હા, ઉમરાવાળીને દુઃખી કરો તો ડુંગરાવાળી કદી રાજી ન થાય. મા, માતૃભાષા અને માતૃભૂમિ તો વિસ્મૃતિની અવસ્થામાં પણ યાદ રહે છે. પિતા અને પુત્ર વચ્ચે જનરેશન ગેપ હોય પણ મા અને સંતાન વચ્ચે કયારેય ન હોય! ‘બધાની ઈચ્છા’ એ જ માતાની ઈચ્છા. ફરજમાં પહેલા અને હકમાં છેલ્લે મૂકે એ મા હોય છે. અપેક્ષા વગર કાર્ય કરે એ મા હોય છે. ઘણીવાર મા સંતાનના હિત માટે કઠોર નિર્ણય લે છે જેમ બાળપણમાં સ્વાસ્થ્ય માટે કડવી દવા પિવડાવે. આવી માને પીડા આપો તો બરકત બારણેથી પાછી વળી જાય. એક વ્યક્તિ એની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતો હતો ત્યારે એની ગાડી પાછળ લખ્યું હતું ‘માતૃદેવો ભવ’. આપણા દરેક સમાધાન શોધી આપતી માને જ્યારે સમાધાન કરવાનું હોય તો પોતે કરે. માતા એક નજરમાં બાળકનો એક્સ-રે લઇ લે છે. માને વક્તૃત્વ કરતાં કર્તૃત્વમાં વધુ રસ છે. બાળક જમે તો એનો ઓડકાર માને આવે છે. માના મૃત્યુ બાદ ભવ્ય બારમું કરો એમાં કાંઈ ખોટું નથી પણ જીવતેજીવત એની જરૂરિયાતને હથેળી આપજો. માનું સન્માન ન થાય તો એ કશું બોલશે નહીં પણ બાથરૂમમાં જઈ નળ ખોલી આંસુ વહાવશે! એ આંસુથી સ્વર્ગ પણ ભસ્મીભૂત થઇ શકે છે. સીતામાતાને પણ અગ્નિપરીક્ષા આપવી પડી હતી. રામના ત્યાગ પછી પણ સીતામાતાના શબ્દો હતા કે ‘આવતા જન્મે પણ રામ મળે’. આ ભારતીય મા કહી શકે છે. ઝેરનો ઘૂંટ ભરીને પણ અમૃત આપે એ મા છે. મુન્નવર રાણાના અનેક શેરમાં માતાના મહિમાગાનની મહેક અનુભવાય છે... ऐ अँधेरे! देख ले मुँह तेरा काला हो गया, माँ ने आँखें खोल दीं घर में उजाला हो गया. રશિયન લેખક મેક્સિમ ગોર્કીની ‘મધર’ નવલકથામાં રાજકીય વાતાવરણ વચ્ચે એક માની વેદના વિહરતી રહે છે. એક નવલકથા આખી સરકારને હચમચાવી શકે એનો દાખલો ‘મધર’ છે. બંગાળમાં માતાની દીકરી પર રેપ થાય છે ત્યારે એની હાયથી આખી સરકાર ઊથલી જાય છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પાછળ માતાઓનો બહુ મોટો હિસ્સો હતો. બાળપણમાં અનેક કાલાઘેલા પ્રશ્નોના જવાબ મા આપતી હોય છે પણ જ્યારે એ વૃદ્ધ થાય ત્યારે એકાદ સવાલનો જવાબ આપવામાં પણ પુત્રને બળ પડતું હોય છે. માતાની વાત જે શ્રવણ કરે એ પણ શ્રવણ છે. સમયદાન સૌથી મોટું દાન છે. વૃદ્ધાવસ્થા પણ એક પ્રકારનું બાળપણ જ છે. નેતાની અસલી ઓળખ એ ચૂંટાયા પછી થાય છે એમ પુત્રનો પાક્કો પરિચય માતા વૃદ્ધ થાય ત્યારે થતો હોય છે! પહેલો અને છેલ્લો ઉચ્ચારાયેલો શબ્દ ‘મા’ છે. એકવાર અભણ મા બાજુમાં રહેતા છોકરા પાસે શહેરમાં રહેતા એના પુત્ર માટે કાગળ લખાવતી હતી. પત્ર પૂરો થયો પછી છોકરાએ કહ્યું કે ‘તમે દર વખતે કાગળમાં હું મજામાં છું, એવું લખાવો છો પણ આ વખતે તો ન લખાવ્યું’ માએ ઊંડો નિસાસો નાખી કહ્યું કે ‘ખોટી શાહી બગાડવી નથી.’ આવજો... તમે કોઈને તમારી ઈચ્છા મુજબ ઘડી ન શકો તો એનાથી ગુસ્સે થતા નહીં, કેમ કે તમે તમારી જાતને પણ ક્યાં તમારી ઈચ્છા મુજબ ઘડી શક્યા છો? - થોમસ એ. કેમ્પિસ (જર્મની તપસ્વી)
Read Original Article →