વિસ્મય:સીઆઈએ મુખ્યાલયને એક ટૂંકો સંદેશો મોકલાયો, MoD ઝડપાયો... MoD યાને મર્ચન્ટ ઓફ ડેથ

Magazine5/17/2026, 12:35:00 AM
વિસ્મય:સીઆઈએ મુખ્યાલયને એક ટૂંકો સંદેશો મોકલાયો, MoD ઝડપાયો... MoD યાને મર્ચન્ટ ઓફ ડેથ
ધૈવત ત્રિવેદી બેંગકોકનો સિલોમ રોડ એ દિવસે પિક અવર્સ દરમિયાન ધમણની જેમ હાંફીને જરા સુસ્તાઈ રહ્યો હતો. આળસ મરડી રહેલી બપોરે ચાર ખાનગી ગાડી સોફિટેલ હોટેલના પ્રાંગણમાં પ્રવેશી. વેલે પાર્કિંગના શિરસ્તા મુજબ પ્રાંગણમાં અદબભેર ઊભેલાં કર્મચારીને ગાડીની ચાવી આપી દેવાની હોય. પરંતુ એવું કશું થવાને બદલે ગાડીમાંથી ઉતરેલાં કરડા આદમીઓએ દમામભેર ખિસ્સામાંથી આઈ-કાર્ડ કાઢ્યું. એ જોઈને ઓઝપાઈ ગયેલાં કર્મચારીઓ બાજુ પર ખસી ગયા અને આવેલાં આદમીઓએ ફટાફટ પોઝિશન લેવા માંડી. પગથિયાનુમા સ્થાપત્ય ધરાવતી 38 માળની હોટેલના લાઉન્જમાં મધ્ધમ રોશની વચ્ચે એર ફ્રેશનરની સુગંધ હવામાં ફોરાઈ રહી હતી. ભેદી આદમીઓએ તરત લાઉન્જ અને રિસેપ્શન પર કબજો કરી લીધો. હવે એકેય કોલ અહીંથી થવાનો ન હતો કે આવેલો એકેય ફોન કુલ 455 રૂમમાં રોકાયેલા દેશ-વિદેશના મહેમાનો સુધી પહોંચવાનો ન હતો. અહીં નીચે ચૂપકીદીભર્યું કમઠાણ ચાલી રહ્યું હતું બરાબર એ જ વખતે 27મા માળે સોફિટેલ સિલોમની વિખ્યાત રેસ્ટોરન્ટમાં સાવ જુદો જ નજારો હતો. રંગીન કાચની સિલિંગમાંથી ચળાઈને ભોંય પર ઝિલમિલાતી આભા પાથરતાં ઉજાસમાં ડાબી તરફના ખૂણે સોફા પર એક આદમી બેઠો હતો. ગોરો ચહેરો, સફાઈપૂર્વક ઓળેલા ભૂખરા વાળ, પાતળા ચહેરાને વધુ સોહામણો બનાવતી ભરાવદાર મૂછ, ફ્લોરોસન્ટ કલરનો સ્ટાઈલિશ શર્ટ અને કાચના રંગમાં ઝબોળાયેલી આંખો. પહેલી નજરે જ એ આદમી ધ્યાને ચડી જાય, અને જો ન ચડ્યો હોય તો વાતચીતની બીજી જ મિનિટે તેનો પ્રભાવ હાવી થવા લાગે. ટેબલ પર અમસ્તી જ આંગળીઓ પસવારીને તે પેપર નેપ્કિન પર લખાયેલું કશુંક ધ્યાનથી વાંચી રહ્યો હતો. કાગળ પરથી અચાનક નજર ઊંચકીને તેણે સામે બેઠેલાં આદમીઓ તરફ જોયું અને ફરીથી કાગળ પર નજર માંડી. તેનો ચહેરો તદ્દન સપાટ હતો. સદંતર ભાવશૂન્ય. આંખો સ્થિર હતી પરંતુ મનમાં ટેવવશ અનેક ગણતરીઓ ઘૂંટાઈ રહી હતી. કોલંબિયા, મેક્સિકો જેવા દક્ષિણી અમેરિકી દેશોમાં સામ્યવાદની વિચારધારાને વરેલું એક સશસ્ત્ર સંગઠન હતુઃ એફએઆરસી યાને ફાર્ક. કુખ્યાત ડ્રગ્ઝ માફિયા પાબ્લો એસ્કોબારના જમાનામાં ઊભરેલું એ સંગઠન પોતે જ હવે તો ડ્રગ્ઝ કાર્ટેલનું રણીધણી બની બેઠું હતું અને તેમનો નિયમિત પનારો હતો અમેરિકાની ડ્રગ્ઝ એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે. બહુ પ્રયત્નો પછી આખરે એ સંગઠનના ખૂંખાર લડાકુઓ આખરે તેનાં સુધી પહોંચ્યા હતા. તેમને ઘાતક શસ્ત્રોના મોટા જથ્થાની જરૂર હતી. ખભેથી દાગી શકાય એવાં રોકેટ લોન્ચર, બે ડઝન એકે-47, જમીન પરથી હવામાં દાગી શકાય એવી મારકણી મિસાઈલ્સ પેપર નેપ્કિન પર આછી પેન્સિલથી લખવાનું, વાંચવાનું અને જવાબમાં વળી લખવાનું. બોલવાનું ઓછામાં ઓછું. આ તેની કાયમી પદ્ધતિ, કહો કે તકેદારી હતી, અને એવી તકેદારી રાખવી જ પડે. એ એવા ધંધામાં પડ્યો હતો જેમાં નાનકડી સરતચૂકનો અર્થ મોત અથવા તો મોતથીય બદતર જેલ હતી. લિસ્ટ વાંચીને તેણે ધારદાર નજરે તેની સામે બેઠેલા આદમીઓ તરફ જોયું. કશું બોલ્યા વગર, પાંપણનું મટકુંય માર્યા વગર તેણે દરેકના ચહેરા નીરખ્યા અને ભાવશૂન્ય સપાટ ચહેરે જરાક ગરદન હલાવીને સંમતિ ભણી. મોતના સામાનનો આટલો મોટો, તગડો અને ભયંકર સોદો થઈ રહ્યો હતો છતાં અહીં શબ્દો કે વાણીનું કોઈ મહત્ત્વ જ ન હતું. આખરે સામે બેઠેલાં લોકો પૈકી એક જણે કહ્યું, ‘અમારે એવાં હથિયાર જોઈએ જે અમેરિકનોનો ખાતમો કરી શકે...’ તેણે બોલનારની સામે જોયું. ઘડીક જોતો જ રહ્યો અને પછી સંમતિસૂચક આંખ ઝુકાવી એટલે પેલા માણસની હિંમત ખૂલી, ‘આકાશમાંથી અમારા પર નજર રાખતા અમેરિકન હેલિકોપ્ટર અમારે ફૂંકી મારવા છે...’ જવાબમાં આખરે એ બોલ્યો, ‘એ પણ થઈ જશે... અમેરિકા આપણું સહિયારું દુશ્મન છે...’ બસ, આટલી જ વાત અને પછી ગણતરીની મિનિટોમાં નીચે લાઉન્જ પર પહોંચીને હોટેલ કબજે લેનારો કાફલો 27મા માળે રેસ્ટોરન્ટમાં પહોંચીને ત્રાટક્યો. એક ટીમે રેસ્ટોરન્ટના દરવાજા પાસે તહેનાત બોડી ગાર્ડ્સને ઝબ્બે કર્યા. એ જ ક્ષણે બીજી ટીમ એ આદમીની પાછળ લપકી અને એ કશું સમજે એ પહેલાં તો સામે ઘાતક શસ્ત્રોના ઘરાકના સ્વાંગમાં બેઠેલા ચારેય આદમીએ તેની સામે ગન તાકી દીધી. સાવ ચૂપકીદીપૂર્વક ઓપરેશન આટોપાઈ ગયા પછી અમેરિકા ખાતે સીઆઈએ મુખ્યાલયને એક ટૂંકો સંદેશો મોકલવામાં આવ્યોઃ એમ-ઓ-ડી કેપ્ચર્ડ. એમ-ઓ-ડી યાને મર્ચન્ટ ઓફ ડેથ. એ એનું સાંકેતિક નામ હતું. *** પણ એનું ખરું નામ વિક્ટર બાઉટ. 15 રાજ્યોના સોવિયેત મહાસંઘ વખતે તાજિકિસ્તાનમાં જન્મેલા એ આદમીના ભેજાંની તપાસ થવી જોઈએ, જેથી કદાચ સમજી શકાય કે ક્યા પરિબળો, મગજના ક્યા રસાયણો આવો શાતિર ઈન્સાન બનાવે છે. એક એવો આદમી જે માત્ર 23 વર્ષની ઉંમરે ગેરકાયદે શસ્ત્રોનો આંતરરાષ્ટ્રીય સોદાગર બની ગયો હતો. એક એવો આદમી જે રશિયન, ફ્રેન્ચ, અંગ્રેજી, અરબી, ફારસી, પોર્ટુગીઝ, સ્પેનિશ તો ઠીક, સ્વાહિલી જેવી આફ્રિકી ભાષા પણ આબાદ જાણતો હતો. એક એવો આદમી જેનો કારોબાર જગતના આઠ દેશોમાંથી ચાલતો હતો અને એ પોતે 11 દેશોના નકલી પાસપોર્ટ અને 16 બનાવટી નામ ધરાવતો હતો. બાઉટની કહાની શરૂ થાય છે સોવિયેત સંઘના વિઘટનથી. એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં મિખાઈલ ગોર્બાચેવના હાથમાં સોવિયેત સંઘની સત્તા આવી અને તેમણે ખોખલા બની ગયેલાં સંઘનું વિઘનટ કરવા માંડ્યું એ સાથે અરાજકતા સર્જાઈ. સોવિયેત સંઘ એ પરાણે તાણીતૂસીને આસપાસના 15 દેશોનો બનેલો સંઘ હતો. બીજા વિશ્વ યુદ્ધનો વિજેતા હતો અને શીતયુદ્ધ દરમિયાન અમેરિકા સામે હરીફાઈમાં ઊતરીને લશ્કરી તાકાતમાં અત્યંત માતબર ગણાતો હતો. એ દેશ વિઘટન પામે, અરાજકતા ઊભી થાય ત્યારે સૌથી પહેલાં તિજોરી પર કબજો લેવાય અને પછી શસ્ત્રોના ભંડાર પર હાથ પહોંચે. અહીં તિજોરી તો ખાલીખમ હતી, પણ શસ્ત્રભંડાર છલોછલ હતો, અત્યાધુનિક હતો. હજુ માંડ 22-23નો થયેલો વિક્ટર બાઉટ એ વખતે સોવિયેત સૈન્યમાં ભાષાવિશારદ તરીકે કામ કરતો હતો. અરેબિક અને ફારસી ભાષા જાણતો હોવાથી કેટલાક સૈન્ય અધિકારીઓએ અફઘાન સરહદે ગેરકાયદે શસ્ત્રોની ખેપ મોકલવા એક જ વાર તેની મદદ લીધી, પણ ચબરાક ભેજાંનો બાઉટ એ એક જ ઘટનામાંથી ઊભરતી વિશાળ તકને પારખી ગયો. સોવિયેત સંઘ વેરવિખેર થઈ રહ્યો હતો. શસ્ત્રો, વિમાનો, હેલિકોપ્ટર, ટેન્ક, રડાર સિસ્ટમ વગેરે સઘળું સહિયારી માલિકીનું હતું અને હવે અરાજકતાના આ સમયમાં કોઈનું ન હતું. બીજા શબ્દોમાં કહીએ તો કબજો બળવાન હતો. સોવિયેત લશ્કરી અધિકારીઓ સાથે તેણે સિન્ડિકેટ બનાવી અને ‘સૌના વિકાસ’નું મોડેલ લાગુ કર્યું. અધિકારીઓ શસ્ત્રાસ્ત્રો કબજે કરે. બાઉટ ઘરાક શોધે, ભાવતાલ કરે અને શસ્ત્રો મોકલે. એ માટે તેણે સોવિયેત એરફોર્સનાં જૂનાં વિમાનો સુધ્ધાં ખરીદી લીધાં. પહેલા ઘરાક હતા આફ્રિકી દેશ અંગોલાના બળવાખોરો, જેમને બાઉટે સંયુક્ત આરબ અમિરાતમાં એક બનાવટી કંપનીના નામે અનાજ-કરિયાણાનું બિલ ફાડીને ચાર વિમાન ભરીને શસ્ત્રો મોકલ્યાં. પહેલા સોદામાં જ મબલખ કમાણી થવાથી પોરસાયેલા બાઉટે વધુ વિમાનો ખરીદ્યાં. નવા ઘરાકો શોધ્યા. આતંકી જૂથોને હથિયાર જોઈએ છે, આતંકી જૂથોને પોષનારા દેશોનેય એવાં હથિયાર જોઈએ છે જેનું પગેરું એમનાં સુધી ન પહોંચતું હોય. ઈરાન, લિબિયા જેવા દેશોનેય હથિયાર જોઈએ છે, જેમના પર મહાસત્તાઓના પ્રતિબંધો છે. બાઉટે દરેક સંભવિત ઘરાકની જરૂરિયાતો અને મજબૂરીનો ઊંડો અભ્યાસ કરીને સંપર્ક કર્યો અને તેમના લિસ્ટ મુજબ માગે એ મોકલવા માંડ્યું. માંડ ત્રીસનો થયો હતો ત્યારે તેનાં કાફલામાં 70 વિમાનો હતાં. યુક્રેન, યુએઈ, બેલ્જિયમ, સાઉથ આફ્રિકામાં તેની બાકાયદા ઓફિસ હતી અને ‘અલ કાયદા’, ‘તાલિબાન’, ઈરાન પ્રેરિત ‘હિઝબુલ્લાહ’ જેવાં આતંકી સંગઠનોને કરોડો રૂપિયાના હથિયારો તે વેચતો હતો. દરેક સંપર્ક જાતે જ કરવાનો, કોઈ વચેટિયો નહિ. પેપર નેપકિન પર આછી પેન્સિલથી લખીને જ વાત કરવાની, બોલવાનું નહીંવત્. ત્રાહિત અને તટસ્થ દેશમાં જ મળવાનું, ઘરાકના દેશમાં કદી નહીં જવાનું. હથિયારોના બદલામાં રોકડ કદી નહીં લેવાની, હીરા અથવા સોનું જ લેવાનું, જે યુરોપના દેશોમાં આસાનીથી વેચી શકાય. હીરા, સોનાની લેવડદેવડ માટે વળી બીજી બે કંપની યુરોપમાં કાર્યરત હોય. આવું જબ્બર અને જડબેસલાક નેટવર્ક ધરાવતો વિક્ટર બાઉટ આખરે સપડાયો કેવી રીતે? (વધુ આવતા રવિવારે)
Read Original Article →