મજાતંત્ર:ઊભા રહો, નહીં તો ઊભરાઈ જશે…

Magazine4/12/2026, 12:50:00 AM
ચેતન પગી આજે વાત એક એવી સળગતી સમસ્યા વિશે કરવાની છે જે દરેક વ્યક્તિને પજવતી હોવા છતાં એને ઉકેલવા માટે માનવજાતે કોઈ પ્રયાસો કર્યા નથી. આ સમસ્યાને ‘સળગતી’ ગણાવવા પાછળનો ઉદ્દેશ માત્ર એટલો કે એ પેદા થવામાં આગની જ્વાળાઓની મહત્ત્વની ભૂમિકા છે. તમે ભલે વર્ષોથી યોગાસનો, ધ્યાન દ્વારા મનની એકાગ્રતા કેળવી હોય છતાં જ્યારે આ સમસ્યા સર્જાય ત્યારે બેધ્યાન જ હો છો. આટલી પૂર્વભૂમિકા વાંચ્યા બાદ સુજ્ઞ વાચકોના મનમાં ‘અલા, ફોડ પાડીને બોલને શેની વાત કરે છે?’ એવી ભાવનાનો ઊભરો સ્વાભાવિક છે. પણ વાચકને જત જણાવવાનું કે ‘ભાવના કે લાગણીનો ઊભરો’ તો બે મિનિટ રીલો જોયા પછી પણ શમી જશે પણ દૂધ એકવાર ઊભરાઈ જશે તો તમારે અભેરાઈએ છુપાવવાનો વારો આવી શકે છે. હા, આ સમસ્યા એટલે - દૂધનો ઊભરો. સુજ્ઞ વાચકને ‘આ તો કોથળામાંથી બિલાડું કાઢ્યું’ એવી લાગણી થઈ આવી હશે, પણ થોડા ઉદાર બનીને વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આપણે દુનિયાની બેસ્ટ દૂધની ડેરી બનાવી છતાં ઊભરો આવે એ પહેલાં આપમેળે ગેસ બંધ કરી દે એવી ટેક્નોલોજી આપણી શોધી શક્યા નથી. જો આવી ટેક્નોલોજી આવી હોત તો દૂધ ઊભરાયાં પછી ઘરનાં કેટલાં મિનિ યુદ્ધ ટાળી શકાયાં હોત! તપેલીમાં ઠલવાયેલું દૂધ ગેસ સ્ટવ પર ચડાવ્યા પછી ધીમી આંચે ઊકળ્યા કરે છે. એ અંદરથી ઊકળતું હોવા છતાં એની સપાટી જાણે સ્નો ફૉલ પછીનું કાશ્મીર હોય એમ તદ્દન શાંત અને સુંદર લાગે છે! આ પણ શાંતિ છેતરામણી હોય છે. તમે દૂધની તપેલી પર નજર માંડીને બેઠા હો છો એમ દૂધ પણ જાણે તમારી સામે નજર રાખીને ઊકળતું હોય છે! એ જાણે રાહ જોતું હોય છે કે પાર્ટીની નજર આડીઅવળી થાય એટલે તરત ઊભરાઈને ફેલાઈ જઉં! વડાપ્રધાનની પાછળ ઊભા રહેતા સૂટધારી એસ. પી. જી. કમાન્ડોની જેમ તપેલી પર આપણી ચાંપતી નજર હોય છે, પણ પેલા કમાન્ડો જેવી તાલીમ આપણા જેવા સામાન્ય લોકોને મળી હોતી નથી. એટલે ચાંપતી નજર એકાદ ક્ષણ માટે મોબાઇલના નોટિફિકેશન કે બીજે ક્યાંક જાય એ સાથે જ ઊકળીને કંટાળી ગયેલું દૂધ પોતાની ઔકાત બતાવે છે અને તપેલીની દીવાલ ઓળંગીને ‘સબ ભૂમિ ગોપાલ કી’ હોય એમ મન ફાવે ત્યાં ફેલાઈ જાય છે. ઉપર કહ્યું એમ વર્ષોથી ધ્યાનની પ્રેક્ટિસ કરી હોય તો પણ દૂધ ઉભરાય ત્યારે જ તમે બેધ્યાન થઈ જાઓ એવું અનેકવાર બન્યું હશે. અહીં બે ‘અવાજ’ નોટબુકમાં નોંધવા જેવા છે. દૂધના ઊભરાનો અવાજ આમ તો સિસોટીની જેમ મોઢેથી વગાડી શકાય એવો નથી હોતો પણ એ સાઉન્ડ દૂધ ઊભરાયા પછી નીકળતા સિસકારા જેવો ઓલમોસ્ટ હોય છે. નોંધવા જેવી વાત તો એક બીજી પણ છે. ઊભરાઈને પ્લેટફોર્મ પર ફેલાઈ ગયેલાં દૂધનો આકાર ઘણીવાર જગતના નકશાને મળતો આવે છે. એટલે જો લાશને ઠેકાણે પાડવાની તર્જ પર ઢોળાયેલું દૂધ સાફ કરવાની ઉતાવળ ન હોય તો આ નકશો થોડી ક્ષણો માટે નીરખવા જેવો છે. ધ્યાનથી જોશો તો આ મિલ્કી મેપમાં ‘જો અહીં દિલ્હી આવ્યું, આ જાપાન જેવું લાગે છે કે આ પેલું નકામું પાકિસ્તાન ’ એવું તમે તારવી શકો છો. ડોનાલ્ડ ટ્રમ્પને રસોડાનું કામ સોંપાતું હશે કે કેમ એ ખ્યાલ નથી પણ શક્ય છે કે ઢોળાયેલાં દૂધનો આકાર જોયા પછી પડોશના દેશો અમેરિકામાં ભેળવી દેવાનો આઇડિયા એને આવ્યો હોઈ શકે છે. ‘દૂધ માગોગે તો ખીર દેંગે, કાશ્મીર માગોગે તો ચીર દેંગે’ કહેવાવાળા લોકોએ દૂધ મોંઘું થયા પછી પહેલી લાઇન કાપી નાખી છે. દૂધના ભાવમાં થતો વધારો (છાપાની ભાષામાં - છાસવારે) દૂધ ઊભરાયા પછી થતા યુદ્ધને વધુ સંગીન બનાવે છે. એવો કોઈ સરવે નથી થયો પણ તમે ખાતરીપૂર્વક એવું કહી શકો છો કે દૂધ ઊભરાઈ ગયા પછી 98 ટકા હસબન્ડોને ‘એક કામ પણ ઢંગથી કરી શકતા નથી’ એવો ક્વોટ સાંભળવો પડે છે. બાકીના બે ટકા એવા પતિ છે જે દૂધ ઉભરાય ત્યારે પત્ની ઑફિસે હોવાથી બચી જાય છે. તળિયે ઝાળ લાગી હોય ત્યારે ઊભરાઈ જવું એ દૂધનો સ્વભાવ છે. પણ માણસોમાં એવું નથી. એ ગમે એટલી ઝાળ લાગી હોય તો પણ ‘ઠીક છે, ચાલ્યા કરે, એ તો એવું જ હોય’ વિચારીને ચલાવી લેશે. હા, જે ઢીલા-પોચા, નબળા કે ઉમરમાં સાવ નાના હોય એમના પર ઊકળવામાં માણસો જરા પણ રાહ જોતા નથી. પણ જે વગદાર છે, જેમની પાસે સત્તા છે, જેમણે ખાખી વર્દી કે લીનનનો કૂર્તો પહેર્યો હોય એવા લોકો ગમે એટલા દબડાવે, ડરાવે, આડે રસ્તે લઈ જાય તો પણ એમના પર ઊકળવું માણસનો સ્વભાવ નથી. ‘હું માનવી ઊભરાઈ શકે એવું દૂધ થાઉં તો પણ ઘણું ’ એવું કહેનાર કવિની શોધખોળ ચાલુ છે.
Read Original Article →