મૉન્ટાજ:માઇકલ જેક્સન પરની ફિલ્મ કોને ગમશે?

Magazine5/3/2026, 12:50:00 AM
મૉન્ટાજ:માઇકલ જેક્સન પરની ફિલ્મ કોને ગમશે?
પાર્થ દવે ગાયક, ગીતકાર, ડાન્સર, ફિલન્થ્રોપિસ્ટ (દાનેશ્વરી!), ‘કિંગ ઑફ પૉપ’, 20મી સદીનું સશક્ત નામ, આખી સદીમાં સાંસ્કૃતિક રીતે પ્રભાવશાળી વ્યક્તિ, સર્વશ્રેષ્ઠ એન્ટરટેઇનર ને અમેરિકાની જાતિવાદી દીવાલ તોડનાર, ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં શુમાર – ડાન્સ, ફૅશન અને મ્યુઝિક વિડીયોઝને નવી તરહથી વ્યાખ્યાયિત કરનારઃ આ બધું અને આ સિવાયનું પણ જેટલું પણ છે; એમાનું તમે માઇકલ જેક્સન વિશે કંઈ જ ન જાણતા હો, માત્ર તેમનું નામ જાણતા હો ને કાળો કોટ – કાળું પેન્ટ - સફેદ શર્ટ, ને માથે ટોપીવાળું ક્યાંક પોસ્ટર જોયું હોય તો (પણ) ‘માઇકલ’ ફિલ્મ તમારા માટે છે. અલબત્ત, વધુ એન્ગેજિંગ, રોમાંચક ને રસપ્રદ લાગશે, જો તમે કશું જ નહીં જાણતા હો લેજન્ડ માઇકલ જેક્સન વિશે. ચિમ્પાઝી, કોબ્રા, જિરાફ પાડતો ને ઉંદર સાથે વાતો કરતો માઇકલ જેક્સન છે. ચાર ભાઈઓ સાથે નાનપણથી જ પરફૉર્મ કરતો માઇકલ જેક્સન છે. મા સાથે ટીવી પર ‘ચાર્લી ચેપ્લિન ’ જોતો ને ખડખડાટ હસતો માઇકલ જેક્સન છે ને પિતાના પટ્ટાનો ચિક્કાર માર ખાતો માઇકલ જેક્સન છે. આખી પૃથ્વીનો પ્રેમ છે તેની પાસે અને અંદરથી એકલો છે. 10 વર્ષની ઉંમરે લોકપ્રિયતાના સીમાડા ઓળંગી ચૂક્યો છે અને તેના કોઈ જ મિત્રો નથી, કેમ કે બહાર લોકો તેને ટીકીટીકીને જોયા કરે છે. ફોટો પડાવવા છે. એટલે માઇકલ એકલો છે. સાવ એકલો! પિતા જોસેફ જેક્સને કહ્યું છે કે, તમે પાંચેય જુદા નથી, એક જ છો. એટલે ‘જેક્સન 5’ ના નામ હેઠળ બૅન્‍ડ ચાલે છે. એક વખત પરફૉર્મ કરીને આવ્યા છે. લોકોએ વધાવી લીધા છે. થાક્યા છે પાંચે ભાઈઓ, પણ પિતાને સંતોષ નથી. ઘરે આવતાવેંત જ તે કહે છે કે, ચાલો રિહર્સલ કરો! માઇકલ કહે છે કે થાક્યા છીએ, હમણાં નહીં ને પિતા તેને બેલ્ટ વડે ફટકારે છે. મા રોકે છે, પણ પિતા નથી માનતા. પિતાએ કાતિલ અનુસાશન ને શિસ્ત શીખવ્યું છે. પરફેક્ટ રિધમ, સંપૂર્ણ ક્રાફ્ટ, પ્રોપર મૂવ્સ… પાંચે ભાઈઓ પરફૉર્મ કરતા હોય ત્યારે એકરૂપ લાગે તેનું કારણ તેમનાં રિહર્સલ્સ છે, જે પિતાએ લશ્કરી શિસ્તથી કરાવ્યાં છે. પ્રંચડ મેધાવી માઇકલના ફાળે માર વધુ આવે છે! અંદરની એકલતા અને દુનિયાભરનો પ્રેમ, પિતા પાસેથી શીખેલી ‘અતિશય’ શિસ્ત અને તેમના દ્વારા થયેલું શોષણઃ આ બેઉ મુદ્દા, બેઉ વિરોધાભાસી બાબતો, એન્ટોની ફુક્વા દિગ્દર્શિત ‘માઇકલ’માં રજૂ થઈ છે. આ ઉપરાંત ‘જેક્સન 5’નાં પર્ફોર્મન્સિસથી લઈને ‘બીટ ઇટ’, ‘બિલી જીન’ ને ‘થ્રિલર’ જેવા માઇકલ જેક્સનનાં લોકપ્રિય આલ્બમ સૉન્ગ્સ તો ખરાં જ! જૉન લોગાને (‘ધ ગ્લેડિએટર’, ‘ધ લાસ્ટ સમુરાઇ’, ‘સ્કાયફૉલ’, ‘સ્પેક્ટર’) લખેલી ‘માઇકલ’ એક તબક્કે કૉન્સર્ટ સમી લાગવા માંડે છે! જાણે તમે આઈમેક્સમાં માઇકલ જેક્સનને લાઇવ જોઈ રહ્યા છો! અને આ કમાલનું કારણ છે માઇકલ જેક્સનના ભાઈ જર્મેનનો દીકરો જાફર જેક્સન! જેણે પોતાના પંડમાં, કાકા માઇકલને ઉતાર્યા છે. જાફર જેક્સનની આ પહેલી ફિલ્મ છે. માઇકલના બાળપણનું પાત્ર જુલિયાનો ક્રૂ વાલ્ડીએ ભજવ્યું છે. તેની પણ આ પહેલી ફિલ્મ છે. કહેવાની જરૂર નથી કે નાના અને મોટા માઇકલ બંનેલા બંને કલાકારો અફલાતૂન ડાન્સર છે. માઇકલ જેક્સનની નિર્દોષતા, સ્વાભિમાન, બિઝનેસ માઇન્ડ, તેમનો અવાજ, અંદાજ અને એકલતા બંનેએ અદભુત રીતે ઉતાર્યા ને રજૂ કર્યા છે. વીસીના દાયકે તમારી પ્રચંડ લોકપ્રિયતા હોય, તમે ‘કલ્ટ’ બની રહ્યા હો, તમારી આસપાસ આખી દુનિયા ચકરાવા લેતી હોય અને ઘરની અંદર તમે પ્રેમ માટે, હૂંફ માટે સંઘર્ષ કરતા હો. તમે પ્રેમની અપેક્ષા પ્રાણીઓ પાસેથી રાખતા થઈ જાવ. તમે પ્રાણીઓને પ્રેમ કરવા મંડો. તમે તમારી જાતને ખોવાયેલી રાખવાની કોશિશ કરતા રહો. તમે ઘરે માથાકૂટ કરીને, ખિન્ન હૃદયે, રડતી આંખે ઘરની બહાર નીકળો અને બહાર આખી દુનિયા તમને ‘આઈ લવ યૂ’ કહેતી હોય! એન્ટોની ફુક્વાએ આ બાબતો અસરકારક રીતે રજૂ કરી છે. માઇકલના પિતા જોસેફના પાત્રમાં કોલમૅન ડૉમિંગો છે, માતા તરીકે મિઆ લૉન્ગ છે. બધાના અભિનય, સંગીત અને સ્ક્રિનપ્લેમાં કડક છે ફિલ્મ. માઇકલ જેક્સનના જીવનનાં 30 વર્ષ સમાવાયાં છે ફિલ્મમાં. તેમનું બાળપણ અને પરિવારઃ આ બંને પર ફૉકસ કરાયું છે. મૂળતઃ પૉપ સ્ટારના જીવનના ઉતાર-ચઢાવ સાથે, પિતા અને પુત્ર વચ્ચેનો કૉન્ફ્લિક્ટ દર્શાવાયો છે. બાકી તેમના પર્ફોર્મન્સ અને આલ્બમ રિક્રિએટ કરાયા છે. ફિલ્મના બીજા ભાગનું અનાઉન્સમેન્ટ થઈ ચૂક્યું છે. ‘માઇકલ’ ફિલ્મ સાથે પરિવાર જોડાયેલો છે. માઇકલ જેક્સન પર થયેલા બાળકોના શોષણના આરોપ, વિવાદ વગેરેથી વાર્તાને દૂર રખાઈ છે. માઇકલ જેક્સન 50 વર્ષ જીવ્યા. એટલે કે બીજા ભાગમાં ત્રીસથી પચાસ વર્ષ સુધીની સફર દર્શાવાશે. એ ફિલ્મમાં માઇકલ જેક્સનની આ સ્પીચ જરૂર હોવાનીઃ હું મારા વિશે લખાયેલી તમામ બાબતો નથી વાંચતો. મને ખબર જ નહોતી કે દુનિયા મને આટલો વિઅર્ડ ને વિચિત્ર માને છે. પણ મને કહેવું છે કે, તમે પાંચ વર્ષની ઉંમરથી જ કરોડો લોકોની સામે મોટા થાવ, ત્યારે તમે આપોઆપ ‘જુદા’ થઈ જાવ છો! મારું આખું બાળપણ મારી પાસેથી છિનવી લેવામાં આવ્યું.’ માઇકલ કહે છે, ‘ક્રિસમસ નહોતી. જન્મદિવસ નહોતા. બાળપણ નહોતું, બાળપણના આનંદો નહોતા. તે બદલે મારા ભાગે સખત મહેનત, સંઘર્ષ અને પીડા મળ્યાં – અને તેની સામે મને ભૌતિક અને વ્યાવસાયિક સફળતા મળી. – જેની કિંમત મેં ચૂકવી છે. હું મારા જીવનનો તે ભાગ ફરીથી નથી ક્રિએટ કરી શકવાનો કે નથી બદલી શકવાનો. પરંતુ હું સંગીત સર્જુ છું ત્યારે લાગે છે કે હું કુદરતનો એક ભાગ છું. કુદરતને કેવું લાગતું હશે જ્યારે આપણે કુદરતે જ આપેલી ટેલેન્ટ તેની સામે જ રજૂ કરીએ!’
Read Original Article →