અસ્તિત્વની અટારીએથી:‘મ્યાનપીઠ’ વિજેતાની મુલાકાત

Magazine5/24/2026, 12:35:00 AM
અસ્તિત્વની અટારીએથી:‘મ્યાનપીઠ’ વિજેતાની મુલાકાત
ભાગ્યેશ જહા સાહિત્યના આકાશમાં ‘જ્ઞાનપીઠનો પુરસ્કાર’ એ સૌથી મોટો પુરસ્કાર છે, આવું જ્ઞાન અમારી પાસે હતું. પરંતુ સાહિત્યના આકાશમાં વધું ઊંચાઇ કે ઊંડાણમાં જાઓ તો નવાં નક્ષત્રોનો પરિચય થાય છે. હમણાં અમે એક ‘મ્યાનપીઠ’ પુરસ્કારથી અલંકૃત એક મોટા લેખકને મળ્યા ત્યારે આ જ્ઞાનમાં વધારો થયો. હિન્દી સાહિત્યના પ્રખ્યાત સાહિત્યકાર મ્યાનનપીઠ પુરસ્કાર વિજેતા સાક્ષરશ્રેષ્ઠ દયાશંકર દુર્બલને મળવાનો વિચાર કઇ ક્ષણે આવેલો તે યાદ નથી આવતું, પણ સાહિત્યમાં પૉડકાસ્ટ દ્વારા નિર્ભયતાને ચેપી રોગની જેમ ‘ફેલાવીશ’ એવું કહેનાર આ સાહિત્યકારને મળવાનું થયું. એના કેટલાક અંશ અહીં ટપકાવીએ છીએ. અમે મધ્યભારતના એક નગરની ગલીમાં એક મહાલય લાગે તેવા ઘરમાં, જેને એમના અનુયાયી લેખકો ‘કોઠી’ કહેતા, એમાં પ્રવેશ્યા. અમારો પરિચય એક પરિચિત હિન્દી સાહિત્યકારે આપેલો એટલે પરિચયની વિધિ ખૂબ જ ટૂંકમાં પતાવી અને ‘મ્યાનપીઠ’ના ધુરંધર સાહિત્યસ્વામીને પહેલો પ્રશ્ન પૂછ્યો, ‘મહોદય, આપને મળેલા આ પુરસ્કાર વિશે ભારતવર્ષમાં ભારે અજ્ઞાન પ્રવર્તે છે, એ વિશે પ્રકાશ પાડો.’ ‘પ્રકાશ’ એવો શબ્દ સાંભળતા જ આંખ બંધ કરીને પોતાના અંધકારને ઉલેચતા હોય તેમ બોલ્યા, ‘તમે તમારા અજ્ઞાન માટે કોઈ લેખકને જવાબદાર ન ઠેરવી શકો.’ પછી એમની આંખો ખૂલી ત્યારે અમને પ્રકાશ લાધ્યો હોય એવો અનુભવ થયો. આ મહાશય ઍવૉર્ડવાપસી ગેંગથી જોડાયેલા હતા. એ એમણે શરૂઆતમાં જ કહી દીધું, કારણ આવું કહેવાનો રિવાજ છે. હમણાં અમદાવાદમાં એક આવા મોટા સાહિત્યકાર આવ્યા ત્યારે એમણે પણ શરૂઆતમાં પોતાના પરિચયમાં કહ્યું કે હું ઍવૉર્ડવાપસી ગેંગનો સભ્ય છું. અમને પહેલા ગેંગ શબ્દ વાપરવાની ઈચ્છા નહોતી, પણ એમણે વાપર્યો એટલે લખ્યું. એમના સાહિત્ય વિશે અમે થોડું કહ્યું એટલે તરત જ‌ જાગી ગયા હોય એમ અમારી સામે જોયું. એમની આંખોમાં જૂનાં થઇ ગયેલા પાણીપૂરીનાં વાસી પાણી જેવી લીલી ચમક દેખાણી. મેં સીધો જ પ્રશ્ન પૂછ્યો, ‘મ્યાનપીઠ કેમ? જ્ઞાનપીઠ કે તલવારપીઠ જેવા પારિતોષિક કેમ મળ્યા નથી?’ એમણે અર્જુનની જેમ જાણે કે તીર અને પાછું મોકલતા હોય એમ પ્રતિપ્રશ્ન કર્યો, ‘આવા પ્રશ્નો કેમ? કોઈ ઇનામના નામ લેખકે પાડવાના હોય છે? લેખકે તો એની સ્વયંરચિત સૃષ્ટિથી જગત ઉપર દૃષ્ટિ નાખવાની હોય છે’. અમે આ પ્રશ્નથી, એમની ઇચ્છા હોવા છતાં, મૂંઝાયા સિવાય, પ્રશ્નાવલી ખોલી. એમણે એક પછી એક પ્રશ્નના જવાબ સવારે બંધ બારણાં પર છાપાનો ‘ઘા’ કરતો હોય તેવા ન્યૂઝપેપરબોયની અદાથી આપ્યા. આવું કરતી વેળા પે’લો પેપરબોય સમાચારની ગુણવત્તા કે ખોટી જોડણીવાળી ભાષાને નુકસાન નથી પહોંચાડતો. એમણે કહ્યું, ‘તમને પરંપરામાં જ રસ છે, રુટિનમાં જ રસ છે! જ્ઞાનપીઠના પુરસ્કાર, જેની રટણાએ સાહિત્યકારોના જીવનને ‘रचनात्मकताकी रुटिनरमणा’ જેવી બનાવી દીધી છે અથવા તલવારપીઠ જેવા હિંસાપ્રેરક પુરસ્કારની જગાએ ‘મ્યાનપીઠ પુરસ્કાર’ એ ખૂબ જ વિલક્ષણ છે, વત્સ! આ મ્યાન શબ્દમાં છુપાયેલાં માન અને મૌનને તમે નહીં ઓળખો ત્યાં સુધી તમને પ્રગતિશીલ સાહિત્યનું સત્ય નહીં સમજાય. ઉદાહરણ રૂપે કહી શકું કે જે લોકો ડ્રોઈંગ રૂમ કે માર્કેટિંગ કે સોશિયલ મીડિયામાં છુપાયેલા સત્યને પામી શકતા નથી એ લોકો મ્યાનમાર્ગ પર વિચરણ કરતા સાહિત્યને ઓળખી શકતા નથી. અત્યંત ગુપ્ત રાખવામાં આવતી જ્યુરી જે માત્ર ‘એક્ઝિબિશન’ કે ડ્રોઈંગ રૂમમાં શોભતી હોય એવી મ્યાનને આદર્શ માની શબ્દસરોવરમાં ઝંપલાવતા હોય એવા સાહિત્યકારોનું એક લાંબુ લિસ્ટ બનાવે છે. માત્ર પુસ્તકિયાં નહીં પણ વાસ્તવમાં અણીદાર કે ધારદાર સત્યને મ્યાન કરી શકે એવા વિદ્વાનને શોધવાના હોય છે. તમારી અણીદાર રચનાત્મકતાને મ્યાનમાં મૂકીને માત્ર પોતે ‘પુષ્કળ પ્રગતિશીલ’ છે એની છડી પોકારાવી છબીનિર્માણની પ્રક્રિયામાં ગુંથાયેલા રહેવું એ જેવાતેવાઓનું કામ નથી! ‘ક્રિયેટિવિટી’ એ આવી અદૃશ્ય શક્તિને પ્રગટ કરે છે. ઇતિહાસ સાક્ષી છે કે ઍવૉર્ડ મળે તેના કરતાં ઍવૉર્ડવાપસી જેવા પ્રયત્નમાં વધું ‘પ્રચાર-પબ્લિસિટી’ થશે એનું ભાન જેણે હસ્તસિદ્ધ કર્યું હોય એવા વિરલ શબ્દસંગાથીને શોધી કાઢીને આ ‘મ્યાનપીઠ’ ઍવૉર્ડ આપવામાં આવે છે. એમની સાથેની વાતચીતમાંથી એવાં એવાં સત્ય મળ્યા જે અનેક વર્ષો સુધી સાહિત્યસાધના કરીએ તો પણ ન મળે. જ્યુરીના સભ્યોએ એક જગ્યાએ જણાવેલું કે મ્યાનપીઠ માટે યોગ્ય સાહિત્યકાર ને શોધવા માટે અમે કોફી-હાઉસમાં જતા. એમને ખ્યાલ ના આવે પણ અમે જોઈ શકતા હતા કે કડક કોફી પીને જે લોકો સિગરેટ પીતાં પીતાં નરેન્દ્ર મોદી કે સરકારની વિરુદ્ધ વાત કરી શકે એવા લોકોની એક વિશિષ્ટ સોડમ ઊભી થતી હોય છે, એમના શબ્દોમાં ચોક્કસ પ્રકારની વિશેષતા પ્રગટતી હોય છે.‌ (ક્યારેક તો દારૂની બોટલ પણ સાહિત્યિક ઊર્જાને જગાવવા જરૂરી બની જાય છે). એમના જ્ઞાનથી જે મોતી ઉપલબ્ધ થયાં એ અમૂલ્ય છે.‌ એ માને છે કે આપણે જેટલા સમાજથી અળગા રહીએ તેટલા આપણે મહાન ગણાઇએ. જેમ તિલક કરવાથી, હિન્દીમાં ‘ટીકા કરનેસે’ એમ કહે છે, માણસ ધાર્મિક બને છે એમ સમાજના કે દેશના કોઇ એક મુદ્દા પર ‘ટીકા’નો વરસાદ કરવાથી તમારી કૃતિને પ્રગતિની ભીનાશ સાંપડે છે, આવી ટીકા રિસર્ચ સિવાય કે ઉછીના પૂર્વગ્રહથી સુશોભિત હોવી અનિવાર્ય છે. ધીરે ધીરે તલવાર કરતાં મ્યાનનું મહત્ત્વ સ્થાપિત થશે એવું લાગી આવતાં અમે વિનમ્રતાથી છૂટા પડ્યા. }
Read Original Article →