એક સુંદર વાર્તા:સૂર્યોદય
દૂર દૂર દેખાતા પર્વતો પરથી વહેતી નાની નાની નદીઓ જે ઝરણા જેવી દેખાતી હતી તેની સામે અલય એકીટશે જોઈ રહ્યો હતો. બે પર્વત વચ્ચેનો સૂર્ય એક ડૂબકી મારીને ઉપર આવ્યો અને પછી તરત જ ડૂબી ગયો. વાતાવરણમાં ઠંડીની લહેરખી પ્રસરી ગઈ. સૂર્યાસ્ત જોવા ભેગા થયેલા લોકો ઊભા થઈને વિખેરાવા લાગ્યા.
અલય પણ ઊભો થયો. પાથરેલું સ્વેટર ખંખેરીને ગળામાં લપેટયું અને ભીડ સાથે નીચે ઊતરવા માંડ્યો. તેણે પોતાની હોટલ તરફ ચાલતા જવાનું પસંદ કર્યું. આજુબાજુની ચહલપહલની નોંધ લેતો લેતો તે ધીરે ધીરે ચાલતો હતો. ડિસેમ્બર મહિનો હોવાથી આબુ સહેલાણીઓથી ભરપૂર હતો. રંગબેરંગી પોશાકો, સ્વેટર, મફલર અને કાન ટોપીથી સજ્જ બાળકોની દોડમ દોડથી, તેમના હાસ્યના પડઘાથી વાતાવરણ સંગીતમય લાગતું હતું.
આસપાસના નાના સ્ટોલ, ફેરિયા, ફુગ્ગાવાળા અને જાદુઈ રમકડાંવાળા બધા જ ગ્રાહકોથી ઘેરાયેલા હતા. આવી ઠંડીમાં ગરમાગરમ દૂધ પીનારા અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાનારા પણ હતા. અલય ગઈ વખતે અહીં તેની પત્ની અશ્વિની સાથે આવ્યો હતો. તે તેને પ્રેમથી ‘અની’ કહીને બોલાવતો. પર્વત પર સરસ મજાની જગ્યા ગોતીને બંને બેઠાં હતા. તેની સોડમાં લપાતાં લપાતાં તેના હાથમાં રહેલા શીંગદાળિયાનો મુઠ્ઠો ભરતા અનીએ અલયને પૂછ્યું, ‘આ બધા ગાંડા થયા છે, આ પર્વત પર એક એક કલાકથી બેસે છે, અલય તને શું મજા આવે છે?’
‘અની, બેસ હું તને એક વૈજ્ઞાનિક કારણ સમજાવું જો સૂર્ય ડૂબે એટલે તરત જ એકવાર પાછો ઉપર આવે પછી તરત ડૂબી જાય. આ બીજી વાર સૂર્ય ડૂબે ત્યારે હવામાં તીવ્ર ઠંડીની લહેરખી ફરી વળે આ ધ્રુજારી પર્વત પરના શાંત વાતાવરણમાં અનુભવી શકાય તેના માટે અહીં આવવાનું હોય સમજી, પાગલ.’
‘માય ગોડ, આવી તો મને ખબર જ નહોતી.’ પતંગિયાની જેમ કુદતી તેણે બાજુના ગ્રૂપમાં જઈને પૂછ્યું, ‘અહીં શા માટે આવ્યા છો?’
‘બધા આવે છે એટલે.’ એક યુવતીએ જવાબ આપ્યો.
‘ના, ના સાંભળો.’ અને અશ્વિની નવું મળેલું જ્ઞાન બે-ત્રણ ગ્રૂપમાં પ્રદાન કરી આવીને અલય પાસે બેસી ગઈ. અલય હસતો હસતો કંઈ કહેવા જતો હતો, તેને નાક પર આંગળી રાખી ચૂપ રહેવા કહી પોતે શાંતિથી બેસી ગઈ અને ખરેખર અશ્વિનીએ જ્યારે એ ધ્રુજારી અનુભવી, ત્યારે તે નાના બાળકની જેમ તાળીઓ પાડીને નાચવા માંડી.
આજે અલય એકલો હતો. તેઓ બંને માથેરાન આવ્યા હતા. પણ અની સૂર્યોદય જોવા ન આવી તે ન જ આવી, પણ તેણે અલયને પરાણે મોકલ્યો. હોટેલ તરફ જતા અલયની નજર સામે નાચતી કૂદતી, હસતી, રમતી, તાળીઓ પાડી ખડખડખડાટ હસતી અશ્વિની દેખાઈ. ધીમે ધીમે તે ધીર, ગંભીર લગભગ સ્થિર, લાગણીહીન ચહેરાવાળી અને રડમસ વ્યક્તિમાં ફેરવાઈ ગઈ.
આજે આઠ વર્ષ બાદ ફરીથી તેઓ માથેરાન આવ્યા હતા. આવવું પડ્યું હતું અશ્વિનીના પપ્પાને અહીંના કુશળ ડોક્ટર પાસે સર્જરી કરાવવા લાવ્યા હતા, અને અશ્વિનીએ આવવું પડ્યું હતું. નહીંતર તે માથેરાન આવવા કદીએ તૈયાર ન થાત. અલયને અશ્વિનીની સૂર્યાસ્ત જોવા આવવાની વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું. તે દિવસ બાળકની જેમ ખિલખિલાટ હસતી-નાચતી નીચે ઊતરતી હતી. પાછળ પાછળ અલય પણ ઊતરતો હતો. અશ્વિની એકાએક ઊભી રહી અને માથું પકડીને બેસી ગઈ. ‘શું, થયું. અની?’ અલય દોડતો પહોચ્યો.
અશ્વિની બેહોશ થઈ ગઈ હતી. ટોળામાં એક લેડી ડોક્ટર હતા. તેમણે અશ્વિનીને તપાસી મંદમંદ સ્મિત સાથે અલયને કહ્યું, ‘કોન્ગ્રેચ્યુલેશન્સ, તમે પપ્પા બનવાના છો.’
અલયની ખુશીની કંઈ સીમા ન રહી અશ્વિનીને ઊંચકીને ગોળ ગોળ ફરવા માંડ્યો. ‘અની, ખુશ કરી દીધો તે. બોલ, બોલ, શું જોઈએ છે ગિફ્ટમાં?’ અલય બોલ્યો. આજુબાજુમાં બધા હસી પડ્યા. ‘પહેલા તો મને નીચે ઉતાર, ડફર.’ અશ્વિની બોલી.
અશ્વિનીનો દબદબો વધી ગયો. સાસરિયાં અને પિયરિયાં બંને પક્ષોએ લાડ લડાવવામાં કંઈ કમી ન છોડી. ઘરમાં ‘બાલરૂમ’ તૈયાર થવા માંડ્યો. પારણું ગોઠવાઈ ગયું. રમકડાં, કપડાં કયાં લાવવાં એમાં મીઠી રકઝક થવા માંડી. દીકરો આવશે કે દીકરી એની અટકળો થવા માંડી. ઘણાં ડોસી વિદ્યાનાં સૂચનો આવ્યાં. સર્વશ્રેષ્ઠ મેટરનિટી હોમમાં સર્વશ્રેષ્ઠ રૂમ બુક કરાવી લેવામાં આવ્યો.
અને અશ્વિનીએ સુંદર, સ્વસ્થ પુત્રરત્નને જન્મ આપ્યો. નામ પાડ્યું નીલય. ‘અની’માંથી ‘ની’ અને ‘અલય’માંથી ‘લય’ એટલે નીલય.
નીલય ત્રણ વર્ષનો થયો. બંને કુટુંબોનો જીવ તેનામાં વસતે હતો. દુશ્મનને પણ વહાલો લાગે તેવો નીલય તેના ખિલખિલાટ હાસ્યથી ઘર ગુંજવી દેતો. અલય અને અશ્વિની નીલયને લઈને સૂર્યાસ્ત જોવાં આવ્યાં હતાં. લાલ રંગનો સૂર્ય જોઈ ત્રણ વર્ષનો નીલય તાળીઓ પાડીને નાચતો હતો. એની મમ્મીની જેમ ખુશખુશાલ ગીત ગાતો હતો. કાનુડા જેવો નીલય બધાને ગમતો હતો. આજુબાજુમાં બધા જ તેની સાથે તાળીઓ પાડતા હતા. બાળકો ગાવામાં સાથ પુરાવતાં હતાં: ‘સૂરજદાદા ધીમા તપો, ધીમા તપો...…’
અને નીલયનો પગ લપસ્યો. દડતાં દડતાં નીચે પડતાં પત્થર સાથે માથું ભટકાયું. બધા સ્તબ્ધ થઇ ગયા. હોસ્પિટલે પહોંચ્યા ત્યાં ખૂબ જ મોડું થઇ ગયું હતું. સૂર્યાસ્ત જોવા ત્યાર પછી આજે આઠ વર્ષે અલયને એની અનીએ પરાણે મોકલ્યો અનીએ ‘બીજું બાળક પણ નથી જોઈતું, કે નથી દત્તક લેવું.’ મક્કમ નિર્ણય સંભળાવી દીધો હતો. એ કોઇ પણ બાળક પાસે જતી પણ નહીં.
નીચે ઊતરતાં ઊતરતાં નીલયનો હસતો ચહેરો નજર સામે તરવરતાં તેની આંખો ભીની થઈ ગઈ. ખડખડાટ બાળકો હસતાં હોય એવો અવાજ બાજુની દુકાનમાંથી આવ્યો. અલયની નજર ત્યાં ગઈ. અલય દિગ્મૂઢ થઇ ગયો. એની આંખોએ જે દૃશ્ય જોયું તે મન અને મગજ માનવાં તૈયાર નહોતાં.
અશ્વિની નાનાં-નાનાં બે-ત્રણ બાળકો સાથે દુકાનમાં બેઠી હતી. તેઓ આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં હતાં. ત્રણેક વર્ષનું એક બાળક અશ્વિનીના ખોળામાં બેઠું હતું. અશ્વિની તેના માથામાં હાથ ફેરવતી હતી. તે ઝડપથી તે દુકાન પર ગયો.
‘અની, તું અહીં?’
‘અરે, અલય. આવી ગયા? અમે નજર ફેરવતાં હતાં. પણ તમે ક્યાંય દેખાયા નહીં. ચાલો, હું ઓળખાણ કરાવું. બચ્ચા પાર્ટી, આ છે, અલયઅંકલ... અને અલય, આ મીરા, આ અર્જુન અને મારા ખોળામાં છે તે અનિલ.
‘હાય!’ અલયે કહ્યું.
બાળકોએ નમસ્તે કર્યાં પછી પાછા આઈસ્કીમમાં મશગૂલ થઇ ગયાં. અલય એકીટશે અની સામે જોઈ રહ્યો હતો. એને એવું લાગતું હતું પોતાની આસપાસ બનાવી દીધેલા કવચને તોડી એની અની બહાર આવી હતી. તે અની બોલે એની ધીરજથી રાહ જોઈ રહ્યો. તેને હાથ પકડીને તેની સામે સ્નેહ નીતરતી આંખે તાકી જ રહ્યો.
‘એય અનુડી ભેળ ખવડાવીશ? પ્લીઝ.’ અનિલ બોલ્યો.
‘અનુડી?’ એક ધક્કો લાગ્યો હોય એમ અલય ઊભો થઈ ગયો.
‘મને પણ આમ જ ધક્કો લાગ્યો હતો. પપ્પાના રૂમમાં હું મેગેઝિન વાંચતી હતી. ત્યાં ‘અનુડી, અનુડી’ કરીને કોઈ રોતું હોય, મને બોલાવતું હોય એવું લાગ્યું. મેં દોડીને બારણું ખોલીને બહાર જોયું તો અનિલ ઊભો હતો. ‘અનુડી, મને સૂરજદાદા જોવા લઇ જઈશ?’ એણે પૂછ્યું.
‘મારી મમ્મી દાદી પાસે છે. બધાં ગયા છે. મારે પણ જાવું છે. અનુડી લઇ જઈશ?’ તેણે કાકલુદી કરતા પૂછ્યું.
અલયે અનિલ સામે જોયું. નીલયને આવડો જ ગુમાવ્યો હતો અને એ એની મમ્મીને અનુડી જ કહીને બોલાવતો.
શું બોલવું એ અલયને સમજાયું નહીં. અશ્વિનીએ આગળ વાત કરી. અનિલના મમ્મી ત્યાં આવ્યા. એમણે મારી માફી માગી. તેમણે કહ્યું કે, અનિલ બધાને ફક્ત એક જ નામથી બોલાવે છે ‘અનુડી’.
બધાને ‘અનુડી’ કહીને જ બોલાવે છે. ખબર નહી ગોળ લાલ રંગની બધી વસ્તુઓને સૂરજદાદા કહે છે અને તે જોઇને તાળીઓ પાડી નાચવા લાગે છે. જાણે ગયા ભવનું કંઈ યાદ હોય! અને હું આ બધાંને સૂરજદાદા જોવા લઈને આવી.’ અશ્વિનીએ કહ્યું.
‘અનુડી ભેળ?’ અનિલ અશ્વિનીનો ડ્રેસ ખેંચતા બોલ્યો.
‘હા! બેટા..…’ અલયે નીલયને.... ના, ના, અનિલને તેડી લીધો. અશ્વિનીએ બીજાં બે બાળકોના હાથ પકડ્યા અને પંચ સવારીએ ભેળવાળા તરફ કૂચ કરી. - જસુબેન પંડ્યા
Read Original Article →