હિડન ટ્રુથ:ભાનામતિ - મનનો પ્રભાવ કે કંઈક જુદું?

Magazine4/26/2026, 12:50:00 AM
હિડન ટ્રુથ:ભાનામતિ - મનનો પ્રભાવ કે કંઈક જુદું?
જયેશ દવે ભૂત ઉપદ્રવની આ ઘટનાઓમાં જાતજાતના વિચિત્ર અવાજો આવવા, વસ્તુઓ અહીંથી તહીં ફેંકાવી, હાજર ન હોય તેવી વસ્તુઓ પડવી, આગ લાગવી વગેરેનો સમાવેશ થાય છે. આવી ઘટનાઓ સાથેની ‘પોલ્ટરજીસ્ટ’ નામની ફિલ્મો પણ બની છે. ફિલ્મ હોઇ મનોરંજક મસાલો હોય જ પરંતુ મૂળ કથા સત્ય ઘટના પર આધારિત છે. આવી ઘટનાઓમાં કોઈ ભૂત દેખાતું નથી પરંતુ એવી ઘટનાઓ બને છે જેનાથી કોઈ અદૃશ્ય તાકાત દ્વારા આ બધું થઈ રહ્યું છે તેવો અનુભવ થાય. આવી ઘટનાઓ સમયે કોઈ એક વ્યક્તિ કેન્દ્રમાં હોય છે. આ વ્યક્તિની સાથે પોલ્ટરજીસ્ટને કોઈ સંબંધ હોવાનું તારણ નીકળે છે. ‘ભાનામતિ’ની ઘણીખરી ઘટનાઓમાં સાબિત થયું છે કોઈ વ્યક્તિ ભાવાવેશમાં અભાન અવસ્થામાં વસ્તુઓની તોડફોડ સહિતની ગતિવિધિ કરે અને તેની પોતાને પણ જાણ ન હોય અથવા તો જાણી જોઈને તે છાનું રાખે. સામા પક્ષે કેટલીય ઘટનાઓ એવી છે કે જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પામી શક્યા નથી. આવી ઘટના પાછળ મનનો પ્રભાવ કહેવામાં આવે તો પણ કોઈ સામાન્ય માણસનું મન ભૌતિક વસ્તુઓ પર આટલો સબળ પ્રભાવ પાડી શકે તે પણ આશ્ચર્યજનક છે જ. જર્મનીના બ્રેમેન શહેરમાં 1965માં બનેલી ઘટનાએ મનોવૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવીઓને વિચારતા કરી દીધા હતા. અહીંના એક સ્ટોરમાં કામ કરતા 15 વર્ષના એક છોકરાની હાજરીમાં ભાનામતિ જેવી ઘટનાઓ બનતી. કબાટ ઉપર અને અભરાઈમાં ગોઠવેલી વસ્તુઓ આપોઆપ નીચે પડી જતી વસ્તુઓ અહીંથી તહીં થઈ જતી. જાણીતા પરામનોવિજ્ઞાનિક ડૉ. હેન્સ બેન્ડરની હાજરીમાં પણ આવી ઘટનાઓ બની. ડૉ. બેન્ડર તેને ‘ફ્રીબર્ગ ઇન્સ્ટિટ્યૂટ’માં લઈ ગયા. અહીં પણ દીવાલમાં મારેલા હુક બધાની ઉપસ્થિતિ વચ્ચે આપોઆપ નીકળીને નીચે પડી ગયા. આવી અનેક ઘટનાઓ આ છોકરો જ્યાં ઉપસ્થિત હોય ત્યાં આપોઆપ બનતી હતી. સ્થળ બદલાતું, સ્થિતિ પણ બદલાતી હતી પરંતુ ઘટનાઓ અટકતી ન હતી. ડૉ. બેન્ડરે નોંધેલી એક ઘટના આથી પણ આશ્ચર્યજનક છે. 1968- 69ની આ ઘટનાઓમાં નિકેલહાઈ શહેરના એક ઘરમાં બારી- બારણાં બંધ હોવા છતાં અચાનક જ બહારથી પત્થરો ઘરમાં આવીને પડતા. પરીક્ષણ માટે રૂમમાં અત્તરની નાની બોટલો મૂકી બધા જ ઘરની બહાર નીકળી ગયા ત્યારે આ બોટલ બહાર આવી નીચે પડી હતી. ઘરમાં કોઈની જ ઉપસ્થિતિ ન હતી અને કોઈ યુક્તિપૂર્વક બહાર બોટલને ફેંકવા માટે કોઈ રસ્તો ન હતો છતાં આ બોટલ કઈ રીતે બહાર આવી પડી તે ડૉ. બેન્ડર સહિતના પરીક્ષકોને સમજાયું ન હતું અને તેના તર્કબદ્ધ જવાબ મળ્યા નથી. મનનો પ્રભાવ ભૌતિક વસ્તુ પર પણ પડે છે. આ વાત મનોવિજ્ઞાનમાં સિદ્ધ થયેલી છે અને ‘ભાનામતિ’ની ઘટનાઓમાં પણ જે તે વ્યક્તિના મનના પ્રભાવને કારણે આવી ઘટના બનતી હોવાનું કારણ આપવામાં આવે છે. કેટલીક ઘટનાઓ તો વ્યક્તિની ગેરહાજરીમાં પણ બની છે તો અહીં મનોપ્રભાવની વાતનો છેદ ઊડી જાય છે. વળી આ વ્યક્તિને પરિક્ષણ દરમિયાન વસ્તુને હવામાં ઊંચકવાનું કહેવામાં આવે તો તે કરી શકતા નથી! એથી પણ આશ્ચર્યની વાત એ છે કે, નિદર્શન અને પ્રદર્શન દરમિયાન ટેલિકાયનેસિસ - વસ્તુઓને અહીંથી તહીં ફેરવી શકવાની ક્ષમતા ધરાવતા વિશિષ્ટ વ્યક્તિઓની હાજરીમાત્રથી આવું બનતું નથી. ટુંકમાં ટેલિ કાયનેસિસની થિયરી અહીં સંપૂર્ણપણે સિદ્ધ થતી નથી. અતિન્દ્રિય માનસ શાસ્ત્રીઓ આને આરએસપીકે - રિકરંટ સ્પોન્ટેનિયસ સાઇકો કાયનેસિસ કહે છે. આ સિદ્ધાંત મુજબ કોઈ વ્યક્તિના અજાગ્રત મનમાં ખૂબ તણાવ હોય ત્યારે તેની અસર ભૌતિક વસ્તુઓ પર થઈ શકે છે. આ વાત માની લઈએ તો પણ કોઈ એક સ્થળે જ આવું કેમ થાય? વળી, સ્થળ પર ઉપસ્થિત ન હોય તેવી વસ્તુઓ પર પણ અસર થાય અને પત્થરો બહારથી આવી ફેંકાવા લાગે આવું કેવી રીતે શક્ય બને? માની લઈએ આ મનોપ્રભાવ જ છે તો પછી સંતપુરુષો હવામાંથી વસ્તુ ઉત્પન્ન કરતા, વસ્તુઓ અહીંથી તહીં મોકલી શકતા તે પણ બની જ શકે. વળી, ભૌતિક વસ્તુઓ પર અસર થઈ શકે તો અન્યના મન પર તો અસર ઊભી કરી જ શકાય, જેમ કે શાપ - આશીર્વાદ. આવી જ રીતે પ્રેત બાધા પણ મનોપ્રભાવની સ્થિતિ દ્વારા ઊભી થતી હોવાની સંભાવના સર્જાય છે. આ અંગે વાત કરીએ આગળના ક્રમે.
Read Original Article →