એન્કાઉન્ટર:માણસની ઉત્પત્તિ વાનરમાંથી થઇ, તો આજના વાનરો માણસ કેમ બનતા નથી?
માણસની ઉત્પત્તિ વાનરમાંથી થઇ, તો આજના વાનરો માણસ કેમ બનતા નથી? (અમર ઠાકોર, દિયોદર)
- આજકાલ એક વાંદરું પકડવાના રૂ. 1, 000/- મળે છે… વિચારી લેજો!
પત્ની પાસે આપણું કોઇ જ્ઞાન કામમાં આવતું નથી!
(મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
- આપણે એટલું જ જોવાનું કે, પત્ની ‘ક્યા ક્યા’ કામમાં આવે છે!
‘બુધવારની બપોરે’ અમારે શું કરવું જોઇએ?
(મહાસુખ દરજી, અમદાવાદ)
- હાલાં કરી જવું જોઇએ!
પૈસા બચાવવા ‘મિસ કૉલ’ મારવાની પ્રથા ભારતમાં જ થઇ કે નહીં?
(ડૉ. સંકેત શેઠ, કરમસદ)
- હા. જે કાંઇ ખર્ચા-પાણી છે, એ સામેવાળાને માથે!
દહીંથરું કાગડો જ કેમ લઇ જાય છે?(અમૃત સોલંકી, બોટાદ)
- બધી કાગડીઓ નવરી હોતી નથી!
આપણને મૃત્યુની તરીખ પહેલેથી ખબર હોત તો?
(હિતેશ દમણીયા, સુરત)
- એમાં ‘આપણને’ લખવાની ક્યાં જરૂર હતી?
સોનું મોંઘું થવાનું કારણ શું?(કિરણ મોવડીયા, માણસા)
- હાલમાં તો મને પૅટ્રોલની ચિંતા છે. સોનું ગાડીની ટાંકીમાં નખાવી શકાતું નથી.
મમ્મીને તુંકારે બોલાવાય, પપ્પાને કેમ નહીં?
(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
- એમના પપ્પા એમને તુંકારે જ બોલાવતા હતા!
એક પ્રશ્નનો જવાબ આપવાનો કોઇ ચાર્જ રાખો તો ફરિયાદ કરનારાઓ બંધ થઇ જાય કે નહીં?(શશિકાંત મશરૂ, જામનગર)
- જાઓ. તમને ફ્રીમાં જવાબ આપ્યો!
‘ઊંધિયું’ અને ‘સ્પે. ઊંધિયું’ વચ્ચે શું તફાવત? (હર્ષ હાથી, ગોંડલ)
- એકેય ઍન્ગલથી હું તમને મહારાજ લાગ્યો?
રવિવારથી સોમવાર તરત આવી જાય છે, પણ સોમ પછી રવિ આવતા લાંબા થઇ જવાય છે...
(રૂપમ ધાંધલા, દિહોર-તળાજા)
- આમાં રવિ લાંબો થયો કહેવાય… તમે નહીં!
શું થર્ડ-અમ્પાયરને સુપ્રીમ કૉર્ટ કહેવાય?(પ્રવીણ મેહતા, કેશોદ)
- હા.
વિપક્ષો પ્રજાના કલ્યાણ માટે કામ કરશે ખરા?
(જસવંત લિમ્બચીયા, બોરિવલી, મુંબઇ)
- ‘પ્રજાનું કલ્યાણ’ એટલે શું?....એ સમજાવવું પડે!
સહેલું શું? પતિ બનવું કે સાધુ બનવું?
(ઘનશ્યામ ભરૂચા, વિરાર, મુંબઇ)
- તમારો અનુભવ કહેશો તો સાધુઓને ફાયદો થશે!
કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકે સંન્યાસ લીધો હતો… તમારો આવો કોઇ ઈરાદો ખરો?(સાનિયા રંગરેજ, મેહસાણા)
- યુદ્ધ તો જાવા દિયો… કોકની સાથે મારામારી તો થવા દો!
એક મહિના માટે ‘ઈન્ટરનૅટ’ બંધ થાય તો? (મિતુલ કોટેચા, અમદાવાદ)
- તો તમારા સવાલનો જવાબ મહિના પછી આવે!
‘વિચારોનું વૃંદાવન’ કેવું હોય?(વિપુલ ચપલા, વડોદરા)
- એ તો હું જઉં તો ખબર પડે!
‘બર્ગર’ એટલે શું?(યોગેશ શાંતિ પટેલ, વડોદરા)
- મોટા ભાગે લોખંડની હથોડી!
પુરુષે હઠ પૂરી કરવા શું કરવું?
(રક્ષિત શાહ, અમદાવાદ)
- બીજી હઠ.
આપ બપોરનાં દૈનિકો માટે કેમ લખતા નથી? (કલ્પેશ પરમાર, વડોદરા)
- બપોરે ઘોંટાઇ જવાનું ના હોય?
રસોઇમાં તમે હકીભાભીની મદદ કરો ખરા?(નૂતનકુમાર, ભટ્ટ, સુરત)
- મારી ઑફિસમાં કિચનની કોઇ સગવડ નથી.
મારે આ ઢળતી ઉંમરે લાઇટ-પંખાની સ્વિચો જ ચાલુ-બંધ કરે રાખવાની છે?(કનુ જોશી, વડોદરા)
- બહારના ઑર્ડરો સ્વીકારો છો?
મારા એક પરિણિત મિત્રની ડાબી આંખ ફરકે રાખે છે… શું કરવું?
(શંભુ ખાંટ, અરવલ્લી)
- થોડા દિવસ એને બૉય્ઝ-હૉસ્ટેલની સામે ઊભો રાખો.
આ ઉનાળામાં શેરડીનો રસ પીવો કે શેરડી ખાવી?
(રિદ્ધિ ભટ્ટ, ભાવનગર)
- પીઓ… આટલી મોટી ઉંમરે તમારાથી ચવાશે નહીં!
ભલે તમારું નામ ‘અશોક’ રહ્યું, પણ મારા સવાલનો જવાબ ન આપો, તો તમે શોક પ્રસરાવો છો! (સુધીર મંકોડી, અમદાવાદ)
- સવાલ આજે પૂછો છો કે શોક પ્રસર્યા પછી?
વૅફરના પૅકેટમાં હવા વધારે ને વૅફર ઓછી...?
(રહિમ લલીયા, ચલાલા-અમરેલી)
- ખાલી હવાનું પૅકેટ લઇને તમે કરશો શું?
આ ધોમધખતી ગરમીમાં તમે બરફની પાટ પર બેસીને જવાબો આપો છો? (પ્રકાશ હાથી, રાજકોટ)
- એ તો રાત પડેને....?
ચાવી વિના તાળું ખોલવા શું કરવું?(નીતિન ટેકરાવાલા સુરત)
- એ તો ઠીક, પણ એના ગોરધનને ખબર પડી જશે તો?
આપણી વચ્ચે ફર્ક કેટલો?(દીપક પરમાર, જામનગર)
- મારું વજન 79 કીલો. ઊંચાઇ 5’ 10’.
તમારા પત્નીને પણ ‘ઍન્કાઉન્ટર’ના તમારા જવાબો ‘ફની’ લાગે છે?
(આનંદ કાપડીયા, અમદાવાદ)
- એ તો વાંચે તો ખબર પડે!
મારે બે દિવસ અમદાવાદ ફરવા આવવું છે. પ્લાન બનાવી આપશો?
(દેવાંગ શાહ, ગોધરા)
- બે દિવસ પછી આવો.
માણસ બીજાને કેમ નડતો હોય છે?(ફિરોઝ હાફેઝી, સુરત)
- બીજાને નહીં તો કોને નડે?
છૂટાછેડા પછી સ્ત્રીઓ પુરુષની સંપત્તિમાં ભાગ માગે, એ શું નૈતિક છે?
(સિદ્ધાર્થ ઝાલા, જૂનાગઢ)
- એકાદવાર છૂટાછેડા લઉં, પછી ખબર પડે!
તમે હાસ્યલેખક ન હોત તો બીજું શું હોત? (સ્મિત આચાર્ય, અમદાવાદ)
- હાસ્ય વાંચક.
શું ફિલ્મોને કારણે યુવાનો બગડી જાય છે? (સુનીલ વર્મા, અમદાવાદ)
- ના.
તમને ખુશ-ખુશ કરી દેતી વાત કઇ?(જીતેન્દ્ર કેલા, મોરબી)
- પગાર તારીખ. }
Read Original Article →