મરક મરક:જીવન: મનને સતત મારતા રહેવાનુંઅને જીવતા રહેવાનું
ધ્રુવ બોરીસાગર
જ્યાં વિચારો, સ્મૃતિઓ, ભાવનાઓ, ઇચ્છાઓ અને અપેક્ષાઓનો મેળો જામે છે, એવા મનપાંચમના મેળાની મુલાકાતે આજે તમને લઈ જવા છે. તમે પાછું એવું ન કહેતાં ‘નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે’ પણ આજે મન વિશે વાત કરવાનું મને મન થયું છે. સામેવાળાનું શું થશે- એ વિચારે મનને અત્યાર સુધી બહુ માર્યું, પણ, આજે નથી મારવું!
દેરાણી-જેઠાણીની જેમ હૃદય અને મગજને કાયમ એકબીજાથી અવળી દિશામાં લઈ જવામાં ‘મન’ નણંદની ભૂમિકામાં હોય છે! ધારણાઓ મન કરે અને ખોટી પડે એટલે મગજનું દહીં થઈ જાય! ઇચ્છા અને અપેક્ષાઓ મન કરે અને પૂરી ન થાય તો હૃદય તૂટે! સૌપ્રથમ વિચાર મન કરે અને આવેલા વિચારના અમલીકરણ વખતે ‘દિમાગ કહેતા હૈ મારા જાયેગા, દિલ કહેતા હૈ દેખા જાયેગા!’ આમ મન-હૃદય અને મગજ વચ્ચે ઝઘડા કરાવે છે! મનને મનાવીને, મનને મારીને માંડ બેઠા હોઈએ ત્યાં મન કોઈ નવી દરખાસ્ત લઈને આવ્યું જ હોય!
ઉત્ક્રાંતિવાદનો આધાર લઈએ તો વાનરમાંથી માણસ બન્યો છે. માણસના મનની ચંચળતા જોતાં પગની સંખ્યા અડધી થવા સિવાય પૂર્વજોમાં ને આપણામાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી! ‘વાંદરો ગમે એટલો ઘરડો થાય તોપણ ગુલાંટ મારવાનું ન ભૂલે’ અને ‘ઘરડી ઘોડી લાલ લગામ’ આ કહેવતો મનને માણસની ઉંમર સાથે સંબંધ ન હોવાને કારણે પડી હશે એવું 80 વરસના એક માનસિક યુવાનનું માનવું છે! બીજી એક ‘વાનર પરંપરા’ પણ આપણે ભૂલ્યા નથી. ‘અહીં આમ ન કરવું’ ભીંત પર લખાયેલી સૂચના વાંચીને ત્યાં અને તરત ને તરત એ વસ્તુ કરવાનું મન માણસને કેમ થાય છે એ સંશોધનનો વિષય છે!
‘રુદિયાના રાજા, રુદિયાની રાણી, કેવા રે મળેલા મનના મેળ’ પ્રેમમાં ગવાતા આ ગીતનો જવાબ લગ્ન પછી થોડાં વર્ષમાં જ મળી જતો હોય છે કે આ માત્ર ભ્રમ હતો! ‘First impressions is a last impression’ નિયમ હેઠળ બીજાના મનમાં પોતાની છબી ઉપસાવવામાં પણ ફોટાની જેમ પોતે સુંદર છે એના કરતાં વધુ સુંદર દેખાવાનો પ્રયત્ન સૌ કોઈ કરતા હોય છે. દરેકના વ્યક્તિત્વ તો બ્લર જ હોય છે પણ, વાણી વર્તનના મેકઅપને કારણે બધાંની છબી સારી પડતી હોય છે. પછી ધીમે ધીમે અનુભવ થયા પછી મનમાં વસેલો માણસ મનમાંથી ઊતરી જાય છે!
મનને સતત મારતા રહેવાનું અને જીવતા રહેવાનું - એડજેસ્ટમેન્ટનું બીજું નામ એટલે જીવન. (દૂર દૂર સુધી આ વાક્યને લગ્ન-સંસાર સાથે કોઈ સંબંધ નથી) હા, બીજા પાસે પોતાના કરતાં કયું અને કેવું ઊંચું મોડેલ છે એ જોવાની લાલચ મન રોકી શકતું નથી! (તમે જે સમજ્યા હો એ પણ હું તો વાહન અને મોબાઇલની વાત કરતો હતો) આ બળતરાથી મનમાં થતી એસિડિટીની કોઈ દવા હોતી નથી!
મનની સારવાર અને શુદ્ધિ માટે હમણાં હમણાં મેડિટેશન બહુ ચાલ્યું છે પણ, થાય છે એવું કે જીવનમાં સાક્ષીભાવ અને અનાસક્તિભાવ લાવવા માટે જરૂરી ખૂબ વાંચન, અભ્યાસ, સત્સંગ, ભક્તિ, યોગ - મેડિટેશનની મેડીએ કરેલો આ ઉત્તમ પ્રકારનો નશો બીજા દિવસે ઊતરી જાય છે! મન હોય તો માળવે જઈ શકાય છે એટલે, આભને આંબવા કોઈ અવકાશયાનની જરૂર નથી! આજકાલના નેપોલિયનો પોતાના મનને જીતી શકતા નથી ને દુનિયા જીતવા નીકળ્યા છે!
ગુજરી જનારને મનની વાત એના મનમાં રહી જાય એનાથી મોટો અફસોસ એને જીવનમાં હોતો નથી, મોબાઈલ આવ્યા પહેલાં મનની વાત મનમાં રાખીને જ લોકો ઉપર ચાલ્યા જતા હતા, પણ હવે સોશિયલ મીડિયા આવ્યું ત્યારથી મનની વાત સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પોતાના મનને હળવું અને બીજાનાં મનને ભારે કરે છે! મન એટલે આત્મા. માણસના આત્માને જીવતેજીવત હેરાન કરનારા લોકો જ એના મૃત્યુ પછી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે કારણકે આ લોકોને જ ખબર હોય છે કે આત્મા કઈ દિશામાં અવગતિએ જશે!
શરીરનાં તમામ અંગ વિશે જાણકારી મેળવવાનાં મશીન શોધાયાં. પરંતુ, આખેઆખા માણસને ઓળખી શકાય એ માટે એના મનમાં શું ચાલે છે એ જાણવાનાં મશીન નથી શોધાયાં એ સારું છે, નહીંતર જેટલા સંબંધો ટકે છે એ પણ ન ટક્યા હોત!
આઈસ ક્યૂબ : બે વ્યક્તિના મન જ ચંચળ હોય છે એક બાળક અને બીજા નેતા - જેની માગ સતત બદલાતી રહેતી હોય છે!
Read Original Article →