શબ્દ સકળ પૃથ્વીના:મમતાની પરાકાષ્ઠા લોહીની સગાઈ

Magazine5/10/2026, 12:50:00 AM
શબ્દ સકળ પૃથ્વીના:મમતાની પરાકાષ્ઠા લોહીની સગાઈ
સૂર્યાબા ચૌહાણના પુત્ર અજયસિંહ ચૌહાણ હમણાં થોડા દિવસ પહેલા જ મધ્યપ્રદેશના બરગીબંધમાં નૌકાવિહાર કરતી વખતે એક દુર્ઘટના સર્જાઈ. વાવાઝોડાને કારણે બંધનાં પાણીમાં મોટાં મોજાં ઊછળ્યાં અને એમાં એક ફેરી બોટ ઊંધી વળી ગઈ. પંદર લોકોનાં મૃત્યુ થયાં. આ હોનારતના ફોટોઝ અને વિડીયો વાઇરલ થયા. એમાં એક તસવીર કાળજું કંપાવી દે તેવી હતી. એક નાનું બાળક એની માતાના હૃદયસરસું વળગેલું છે. મા અને બાળક બંનેનું મૃત્યુ થયું. મરતી વખતે પણ માએ બાળકને પોતાનાથી અળગું થવા ન થવા દીધું. એટલે જ કહેવત છે ‘મા તે મા, બીજા વગડાના વા.’ યહૂદીઓમાં પણ કહેવત છે ‘ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નહોતા, તેથી તેમણે મા બનાવી.’ કવિ બોટાદકરે લખ્યું: મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનની જોડ સખી નહીં જડે રે લોલ! માતાના સ્નેહ અને કરુણાને વ્યકત કરતી કોઈ એક ગુજરાતી કૃતિની વાત કરવી હોય તો ઈશ્વર પેટલીકરની ‘લોહીની સગાઈ’ જ યાદ આવે. ચૌદ વર્ષની ગાંડી દીકરી મંગુની માતા અમરતકાકી વાર્તાનું મુખ્યપાત્ર છે. વાર્તા શરૂ આ રીતે થાય છે, ‘મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતાં ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એ એક જ જવાબ આપતાં: ‘હું મા થઈને ચાકરી ન કરી શકું, તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.’ મંગુ સિવાય અમરતકાકીને ત્રણ સંતાનો હતાં. બે દીકરા અને એક દીકરી. દીકરા ભણી-પરણી શહેરમાં કામે વળગ્યા હતા અને દીકરી પરણીને સાસરે ગઈ હતી. અમરતકાકીનું માતૃત્વ જાણે કે મંગુ માટે જ હતું! એટલે દીકરાઓનાં બાળકોને પણ ભાગ્યે જ રમાડતાં. દીકરાઓને એમ હતું કે મંગુને ડૉકટરની દેખરેખમાં ઝાડો-પેશાબ કરવાનું અને કપડાં પહેરવાનું ભાન આવે એટલે બસ! અમરતકાકી કોઈ રીતે મંગુને દવાખાને મોકલવા તૈયાર નહોતા. ડૂબતો તરણું પકડે એમ એ પોતાની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર કરતાં રહેતાં. એવામાં શહેરની કન્યાશાળામાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. એને પણ મંગુની જેમ કોઈ ભાન ન રહેતું. કુસુમને દવાખાનામાં દાખલ કરી. એ ત્રણ મહિને સાજી-સારી થઈ પછી આવી. એથી દરેક લોક અમરતકાકીને સલાહ આપવા લાગ્યા કે મંગુને પણ દવાખાને મૂકવી જોઈએ. મનમાં વિચારોનું યુદ્ધ ચાલે છે. અંતે અમરતકાકી મંગુને દવાખાને મૂકવા દીકરાને શહેરથી તેડાવે છે. મંગુને મૂકવા જવાની છે એ વખતની અમરતકાકીની મનોદશા વ્યકત કરતાં પેટલીકર લખે છે ‘બે જણે ઝાલીને ચડાવ્યાં ત્યારે એમનાથી ડમણીયામાં ચડાયું.’ મંગુને મૂકવા જતાં ગાડીમાં એક જણ કહે છે, ‘આ છોડીની મા નથી?’ અમરતકાકી પર આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયાં.’ દવાખાને પહોચ્યા પછી અમરતકાકી જુએ છે કે દર્દીઓ ભાતભાતના ગાંડપણ કરતાં હોય છે અને પરિચારિકાઓ એમની પ્રેમથી દેખભાળ રાખતી હોય છે. આ બધું જોઈ અમરતકાકીને થોડી ધરપત થઈ. એ પરિચારિકાને કહે છે ‘બોન! ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી…’ આટલું બોલતાં એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. એક બોલી ઊઠી, ‘તમે બા! કોઈ જાતની ફિકર કરશો નહીં. અમે એને મોંમાં કોળિયો ઘાલીને ખવડાવીશું.’ ગળગળા સાદે અમરતકાકી બોલ્યાં: ‘એ જ બોન મારે કહેવું છે. એને ઝાડો-પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગડે તે જોજો. નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે.’ બીજી પરિચારિકા બોલી: રાતમાં ચારપાંચ વખત તપાસ કરવામાં આવે છે.’ અંતે મંગુને એક દરવાજાની અંદર લઈ જાય છે. ત્યાંથી આગળ જવાની બીજાઓ માટે મનાઈ છે. પેટલીકર લખે છે ‘પેલું બારણું અધખોલું થઈ મંગુને ગળી ગયું.’ મંગુને મૂકીને પાછા આવતા અમરતકાકી અને એમનો દીકરો જમતા નથી. જાણે કે કોઈનું મરણ થયું હોય એવી એમની સ્થિતિ હતી! અમરતકાકીનું દુ:ખ જોઈ દીકરો મનોમન પ્રતિજ્ઞા કરે છે; ‘પત્ની સેવા નહીં કરે તો હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ.’ સવારે માને વાત કરીશ એમ વિચારી દીકરો સૂઈ જાય છે. ‘વહેલાં પરોઢે, ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમરતકાકીએ કરી મૂકી : ‘ધાજો, રે... ધાજો, મારી મંગુને મારી નાખી રે…’ દીકરો ખાટલામાંથી ઊછળી પડ્યો; પાડોશી દોડી આવ્યા; ઘંટીઓ અને વલોણાં થંભી ગયાં. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યાં અને આવ્યાં તેવાં હબકી ગયાં. અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં!’ ઈશ્વર પેટલીકર વાર્તાને કરુણતાની પરાકાષ્ઠાએ લઈ ગયા છે. મંગુની ચિંતામાં અમરતકાકી પોતે ગાંડા થઈ ગયાં. ઈશ્વર પેટલીકરે પોતાની માતાને ગાંડી બહેનની સેવા કરતાં જોયાં છે. એમના અનુભવ વિશ્વમાંથી આ વાર્તા સર્જાઈ છે એટલે એમાં સંવેદન અને સચ્ચાઈનો રણકો છે. દુનિયાભરનું સાહિત્ય અને ઇતિહાસ માની મમતા તથા એના બલિદાનોની અનેક કથાઓથી ભરેલાં છે. આજે બાળકો માટે ભલે વર્ષમાં એકવાર ‘મધર્સ ડે’ હોય. મા માટે તો જીવનની દરેક ક્ષણ ‘મધર્સ ડે’ છે.
Read Original Article →