લક્ષ્યવેધ:પ્રિલિમિનરી-મેન્સનો અલગ અભિગમ
હંસાબહેન પરમારના ઉત્સવ પરમાર
મારો જન્મ મહેસાણા. સ્કૂલનું શિક્ષણ ઊંઝા અને મહેસાણામાં થયું. પછી અમદાવાદની જી. એલ. એસ. કોલેજમાંથી બી. બી. એ. કર્યું. યુ. પી. એસ. સી. સિવિલ સર્વિસ પરીક્ષાની પ્રેરણા મને મારા મોટાભાઈ તરફથી મળી હતી. એક પરીક્ષા આપીને સરકારના મહત્ત્વના પદ પર જઈને યોગદાન આપી શકાય છે, તે વિચાર આકર્ષી ગયો. કોલેજ સમયમાં જ થોડાં પુસ્તકો વાંચ્યાં. મજા પડી તો નક્કી કર્યું કે હવે આગળ વધવું છે. આમ પરીક્ષાની તૈયારી શરૂ થઇ.’ મહેસાણાના સ્નેહ પટેલ યુ. પી. એસ. સી. સિવિલ સેવા પરીક્ષાનું વિચારબીજ જણાવે છે.
વ્યાપારિક પૃષ્ઠભૂમિમાંથી આવતા સ્નેહ પટેલના પરિવારમાં જાહેર સેવાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ નહોતી. પોતે પણ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો જ અભ્યાસ કર્યો હતો,‘હું ઊંઝા રહેતો. અહીં પરીક્ષાની તૈયારી કરવા માટેનું વાતાવરણ મર્યાદિત હોય. એટલે એક વર્ષ નવી દિલ્હી જઈને તૈયારી કરી. ત્યારબાદ અમદાવાદ આવીને ‘સ્પીપા’માં પ્રવેશ મેળવ્યો અને તૈયારી શરૂ કરી.’
પોતાની રણનીતિ અંગે સ્નેહ પટેલ કહે છે, ‘સામાન્ય રીતે ઉમેદવારો પ્રિલિમિનરીની તૈયારી પહેલાં કરે એ સ્વાભાવિક છે. પરીક્ષા શું માગે છે? એ સમજ ઊભી થતા થોડો સમય લાગે છે. ઘણીવાર પ્રિલિમિનરી પર એટલું જોર હોય છે શરૂઆતના પ્રયાસોમાં કે મેન્સની રણનૈતિક તૈયારીઓ કરી શકાતી નથી. પ્રિલિમિનરી પાસ થઇ જવાય અને અચાનક બહુ થોડા સમયના અંતરે મેન્સ ઊભી હોય. માટે બંનેની તૈયારી શરૂઆતથી જ કરવી પડે.’
‘પ્રિલિમિનરી અને મેન્સમાં અલગ પ્રકારનો અભિગમ રાખવો પડે છે. પ્રિલિમિનરીમાં મલ્ટિપલ ચોઈસ ક્વેશશ્ચન્સ હોય છે. જેમાં તમારું તથ્ય આધારિત જ્ઞાન કે ફેક્ચ્યુઅલ નૉલેજ જરૂરી છે. જ્યારે મેન્સ વર્ણનાત્મક છે, તેમાં તથ્યો સાથે વિશ્લેષણ ક્ષમતા અને લેખન કૌશલ્ય પણ જોઈએ. અભ્યાસક્રમ તેમજ સિવિલ સેવા પરીક્ષાના અગાઉનાં પ્રશ્નપત્રો એ વિશાળ દરિયાના સીમાડા બાંધવામાં મદદ કરે છે. ’
‘આ પ્રશ્નપત્રોના આધારે પ્રિલિમનરીમાં એલિમિનેશન ટેક્નિક એટલે કે સાચો જવાબ ખબર નથી પણ પ્રત્યેક વિકલ્પ જોઈને તેનો લોપ કરી શકાય. જે વિકલ્પ બચે એ સાચો જવાબ. સામાન્ય રીતે તાર્કિક વિરોધાભાસ કે આંત્યતિક્તા ધરાવતા વિકલ્પોનો છેદ ઊડી જાય છે. તેવી જ રીતે મેન્સમાં લેખનનો મહાવરો એટલો જ જરૂરી. હું રોજ ત્રણથી ચાર સવાલો લખતો. મેન્સમાં દરેક જવાબ માટે સમય ઓછો હોય છે. આવડતું હોય તો પણ વિચારીને લખવાની ઝડપ ઓછી હોય તો પેપર પૂરું ન થાય. ઝડપ સાથે જવાબની ગુણવત્તા પણ જાળવવી પડે.’
‘જોકે, જવાબો લખવાની શરૂઆત કરી ત્યારે બહુ ખરાબ શરૂઆત હતી. આવી અભિવ્યક્તિની ટેવ આપણને હોય નહીં. શરૂઆતમાં જે જવાબો લખાયા તેની ગુણવત્તા નબળી હતી. એમ જ થાય કે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં આ ગુણવત્તા કેમની ચાલશે? પણ ધીમે ધીમે લખતાં લખતાં શીખાય અને કૌશલ્ય હસ્તગત થાય છે.’
‘મારો વિષય પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન હતો. નવી દિલ્હીમાં કોચિંગ લીધું અને અમદવાદ આવીને મિત્રો સાથે તૈયારી કરી. અમે ગ્રૂપ બનાવીને તૈયારી કરતા. જેના કારણે ઓછા સમયમાં ઘણી તૈયારી થઇ. બીજું, પોલિટિકલ સાયન્સ સૈદ્ધાંતિક વિષય તો ખરો પણ વર્તમાન સમયની ઘટનાઓ સાથે વિષયની મૂળભૂળ સંકલ્પનાઓ જોડીને જવાબ વધુ પ્રાસંગિક બનાવવા પ્રયાસ કરતો.’
સ્નેહ પટેલ કહે છે કે ફોન એ બેધારી તલવાર છે. યોગ્ય ઉપયોગ કરો તો ફાયદો નહીંતર સમય ક્યાં વહી જાય એનો ખ્યાલ રહેતો નથી. યૂ-ટ્યૂબનો ઘણો ઉપયોગ કર્યો. અઠવાડિયામાં એક કલાક સોશિયલ મીડિયા માટે પણ આપ્યો હતો.’
એક કિસ્સો યાદ કરતા તેઓ કહે છે, ‘2024ની સાલમાં પ્રિલિમિનરીમાં એક સવાલ પુછાયો હતો કે અમેરિકાના ટ્રેઝરી બૉન્ડના પૈસાને કોઈ ભૌતિક સંપત્તિની બાંહેધરી હોય છે કે નહીં? તેના જવાબની કડી તેમને યૂ-ટ્યૂબના એક વિડીયોમાંથી મળી હતી.
‘પર્સનાલિટી ટેસ્ટ પહેલીવાર આપી ત્યારે હું નર્વસ હતો. ઘણા સવાલ-જવાબ નહોતા આવડ્યા એટલે વધુ નિરાશ થઇ ગયેલો. આ વખતના ઇન્ટરવ્યૂમાં હું શાંત હતો. જવાબ ન આવડે તો પ્રામાણિકતાથી ના પાડી. શાંત ચિત્તે આપેલા ઇન્ટરવ્યૂમાં મારા સારા માર્ક્સ આવ્યા.’
મહેસાણામાંથી માઈગ્રેશન, આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગ્રીનલેન્ડ, સાઉથ ચાઈના સી તેમજ શિક્ષણ ક્ષેત્રમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા. સ્નેહ પટેલનો લક્ષ્યવેધ સિદ્ધ થયો ઓલ ઇન્ડિયા રેન્ક 813 સાથે. સામાજિક સમાનતા અને આર્થિક વંચિતોને પણ સમાન તક મળે તો દેશ ઉજ્જવળ થાય તેવો મનોરથ નવ-અધિકારી તરીકે સ્નેહ પટેલના મનમાં છે.
Read Original Article →