સમયાંતર:લક્ઝમબર્ગ: સૌ કોઈને મફત મુસાફરી કરાવતો પહેલો દેશ

Magazine5/31/2026, 12:35:00 AM
સમયાંતર:લક્ઝમબર્ગ: સૌ કોઈને મફત મુસાફરી કરાવતો પહેલો દેશ
લલિત ખંભાયતા દેશમાં દર 1000 વ્યક્તિએ 700થી વધારે કાર હતી. સાંજ પડ્યે દેશના રસ્તાઓ પર માણસો ઓછા કાર વધારે દેખાતી. એટલું ઓછું હોય એમ પાડોશી દેશો ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ વગેરેના રહેવાસીઓ કામ કરવા આવે તો પોતાની કાર લઈને જ આવતા હતા. લક્ઝમબર્ગની વસ્તી તો માંડ સાડા છ લાખ, એમાં વળી બે-સવા બે લાખ પાડોશી દેશના નાગરિકો રોજ આવન-જાવન કરે.એ બધાને કારણે એ દેશને ટ્રાફિકની સમસ્યા સતાવવા લાગી. ઉપાય શું? પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર પરિવહનનો ઉપયોગ વધે એ જ આખા જગતમાં ટ્રાફિકનો ઉપાય છે. લક્ઝમબર્ગમાં પણ એ જ હતો. સમસ્યા એ હતી કે લોકોને જાહેર પરિવહન તરફ વાળવા કેમ? 2018એ માટેની તક આવી. તકનું નામ હતું ચૂંટણી. ચૂંટણી વખતે વચનો આપવાનાં હોય, પૂરાં કરવાનાં ન હોય. એ સમજ આપણે સૌ જાણીએ છીએ. લક્ઝમબર્ગમાં ચૂંટણી વખતે પરિવહન મંત્રી ફ્રાન્સ્વા બૉશે વચન આપ્યું કે અમને મત આપો, અમે મફત પરિવહન આપીશું. લોકોએ મત આપ્યા, એટલે વચન પૂરું કરવાનો વખત આવ્યો. ફ્રાન્સવાએ પૂરું પણ કર્યું. 2020ની પહેલી માર્ચથી આખા દેશમાં જાહેર પરિવહન વિનામૂલ્યે કરી દેવાયું. બસ, ટ્રામ, ટ્રેન, ‘ફનીક્યુલર’ તરીકે ઓળખાતી ઢાળવાળી ટ્રામ વગેરે સહિત ગમે તેમાં મુસાફરી કરો ટિકિટ એક પૈસાની પણ લેવાની નહીં. એ વાતને આજે વરસ થયાં છ. લક્ઝમબર્ગમાં એ મોડેલ ધમધોકાર ચાલે છે. દુનિયાનો પહેલો દેશ બન્યો, જેની પાસે દોમદોમ સાહ્યબી અને અઢળક કાર હોવા છતાં લોકો અકારણ રસ્તા પર પોતાની ગાડી ઉતારતા નથી. *** ભારતમાં વડાપ્રધાન મોદીએ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જોયા-જાણ્યા-સમજ્યા વગર માત્ર ફોટો પાડી શકાય એટલે કેટલાક મંત્રી-અધિકારીઓ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે ઊતરી પડ્યા છે. જોવાની વાત એ છે કે જાહેર પરિવહનનો ઉપયોગ થઈ શકે એવી સમજ નેતા-અધિકારીઓને વડાપ્રધાને ટકોર કરી પછી જ આવી, છતાં એ ગણાય ભણેલા-ગણેલા! ભારતમાં જાહેર પરિવહનના પ્રશ્નો ઘણા છે. પરિવહન કરવા લોકો તૈયાર છે, પણ બસ કે ટ્રેન મળે નહીં. ટ્રેન મળે તો જગ્યા મળે નહીં. મળે એ જાહેર પરિવહનનાં વાહનો સમયસર પહોંચાડે નહીં. અમદાવાદ જેવા શહેરમાં તો ટ્રાફિકનું એક મુખ્ય કારણ અણઘડ રીતે લાગુ કરી દેવાયેલો બીઆરટીએસનો ટ્રેક છે. એ ટ્રેકમાંથી પસાર થતી બસો ઝડપથી પહોંચાડશે એવો ઉદ્દેશ હતો. ઊલટાની ઘણા રૂટ પર બીઆરટીએસ કરતાં સાદી બસો ઝડપથી પહોંચાડે છે. વાત માત્ર અમદાવાદની નથી. આખા દેશમાં વત્તા-ઓછા અંશે આવી જ સ્થિતિ છે, પણ લક્ઝમબર્ગે કરી દેખાડ્યું એનું થોડુંઘણુંય આપણે કરી શકીએ તો રસ્તા પરથી અનેક ગાડીઓ ગાયબ થાય અને લોકો જાહેર પરિવહન વાપરતા થાય. તેનું ઉદાહરણ અમદાવાદની મેટ્રો છે. મેટ્રો સમયસર છે, સ્વચ્છ છે, પોસાય એવી ટિકિટ છે અને સવારથી મોડી રાત સુધી મળ્યા કરે છે. માટે જેમને લાગુ પડે છે એવા મુસાફરો મેટ્રોનો ધમધોકાર ઉપયોગ કરે છે. કહેવાનો અર્થ એટલો જ કે લોકોને મજબૂત વિકલ્પ આપવો પડે. લક્ઝમબર્ગે આપ્યો છે, પણ કેવી રીતે? લક્ઝમબર્ગ જગતના ધનપતિ દેશો પૈકીનો એક છે. વસ્તી ઓછીછે અને કામ કરનારા તો સાવ ઓછા છે. એટલે આજની તારીખે સવા બે લાખ લોકો રોજ પાડોશી દેશો ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમમાંથી લક્ઝમબર્ગમાં આવે છે, કામ કરે છે અને સાંજે ઘરભેગા થાય છે. દેશ નાનો છે, સરહદો ખુલ્લી છે, રસ્તાઓ પર આવન-જાવનની છૂટ છે અને રેલવે લાઈન પણ ખરી. એટલે કામદારોને આવવા-જવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. મુશ્કેલી પડે તો લક્ઝમબર્ગના રહેવાસીઓને પડે છે, કેમ કે સાડા છ-પોણા સાત લાખની વસ્તી, એમની ગાડીઓ, એમની હરફર.. ને એમાં પાછા રોજ આવતા સવા બે લાખ મુલાકાતીઓ. સવાર-સાંજના સમયે (પિક અવર્સમાં) ટ્રાફિકની સમસ્યા વધવા લાગી. દેશનું અડધોઅડધ કાર્બન ઉત્સર્જન રસ્તા પરનાં વાહનોમાંથી આવવા લાગ્યું. એ પ્રજા કે સરકાર કોઈને મંજૂર ન હતું. એટલે નક્કી થયું કે લોકોને જાહેર પરિવહન તરફ વાળવા. એ માટે સૌથી સહેલો રસ્તો હતો પરિવહન ફ્રી કરી દેવાનો. એ રસ્તો અપનાવી લેવાયો એટલે લોકોએ રસ્તા પર પોતાની કાર ઉતારવાને બદલે પહેલેથી રસ્તા પર ફરતી બસો, ટ્રામનો રસ્તો પકડ્યો. હવે સવાલ એ થાય કે ગાંઠનું ગોપીચંદન કરીને પરિવહન ચલાવવું લક્ઝમબર્ગની સરકારને પોસાયું કેમ? મફત સુવિધા શરૂ થઈ એ પહેલાં જાહેર પરિવહનને સંચાલન ખર્ચના પ્રમાણમાં આઠ-દસ ટકા આવક જ થતી હતી. જેમ કે પરિવહન પાછળ સરકાર વર્ષે 50 કરોડ પાઉન્ડ ખર્ચતી હતી, તેમાંથી માંડ 4.1 કરોડ પાઉન્ડની આવક ટિકિટ વગેરે દ્વારા થતી હતી. એટલે ઓલરેડી ખોટમાં જ તંત્ર ચાલતું હતું. સરકારે વિચાર્યું કે ખોટ જ ખાવાની છે, તો થોડી વધુ શા માટે નહીં? જાહેર પરિવહન ચલાવવા જે થોડી રકમ ખૂટતી હતી એ સરકારે લોકો પાસેથી લેવાને બદલે કોર્પોરેટ ટેક્સમાંથી મેળવવી શરૂ કરી. પરિણામે સામાન્ય નાગરિકો પર તેનું ભારણ ન આવ્યું. બીજી તરફ જાહેર પરિવહનની સવલતો મજબૂત બનાવી દેવાનું શરૂ કર્યું. જ્યાં રેલવે નથી ત્યાં પહોંચાડી, જ્યાં હતી ત્યાં સુધારવી શરૂ કરી. ટ્રામ, બસ વગેરેને પણ એ જ નિયમ લાગુ કર્યો. સુવિધા મળતી થઈ એટલે લોકોએ ઉપયોગ પણ શરૂ કર્યો. નવી પરિવહન નીતિના અમલ પહેલાં (ફેબ્રુઆરી-2020માં) રોજના 31 હજાર મુસાફરો ટ્રામનો ઉપયોગ કરતા હતા. વર્ષ પછી ફેબ્રુઆરી 2021માં આંકડો વધીને 42 હજારે પહોંચ્યો. એટલે કે લગભગ 25 ટકા મુસાફરો વધ્યા. 2021માં 37 ટકા નવા મુસાફરો જાહેર પરિવહન તરફ વળ્યા. તો 2024 સુધીમાં રેલવેના મુસાફરોમાં પણ 3 કરોડથી વધારે સંખ્યા નોંધાઈ. એ તો ઠીક પણ જે મુસાફરો રોજ બહારના દેશોમાંથી આવતા હતા એ શું કરે? કેમ કે લક્ઝમબર્ગમાં આવ્યા પછી તો વિનામૂલ્યે પરિવહન મળે પરંતુ પોતાના દેશમાં આવન-જાવન કેમ કરવું? એનોય રસ્તો કરાયો. એમને પાર્ક એન્ડ રાઇડની સુવિધા અપાઈ. એટલે કે તમારા દેશમાંથી સરહદ સુધી ગાડી લઈને આવો, પાર્ક કરો અને પછી લક્ઝમબર્ગમાં તો મફત બસ-ટ્રેન-ટ્રામ તમારી રાહ જુએ જ છે. યુરોપના ઘણા દેશો પરસ્પર પરિવહન સુવિધા ધરાવે છે. એમની સરહદો એ રીતે ખુલ્લી છે. એટલે લક્ઝમબર્ગ પણ પાડોશી દેશો સાથે પરિવહન સુવિધા ચલાવે જ છે. એ સુવિધા જેમને માફક આવે એવા લોકો એ પણ વાપરતા થયા. ફ્રાન્સ-લક્ઝમબર્ગે પરસ્પર ટ્રેન સુવિધા સુધારી. કામદારોની શિફ્ટ મુજબ તેના સમય બદલ્યા અને સંખ્યા પણ વધારી દીધી. એટલે કોઈ એમ કહે કે મારી નોકરી તો રાતે સાડા આઠે ખતમ થાય, મારે ત્યારે પરિવહન જોઈએ તો એમના માટે ત્યારે પણ ઉપલબ્ધ છે. ટ્રાફિક થતો હતો ત્યારે રસ્તા પર સમય બગડાવા સાથે દેશની સમસ્યા બગડી રહેલી હવા પણ હતી. આ નીતિના અમલ પછી દેશના કાર્બન ઉત્સર્જનમાં છ ટકા સુધીનો ઘટાડો આવ્યો. છ ટકા આમ તો મામૂલી આંકડો લાગે, પણ એ દેશનું કાર્બન ઉત્સર્જન પહેલેથી જ ઓછું છે. એમાંય ઘટાડો થયો. સુવિધાને પાંચ વર્ષથી વધારે સમય થયો. એ દરમિયાન દુરુપયોગ થતો હોય એવા ખાસ કોઈ કિસ્સા નોંધાયા નથી. એક જ પ્રશ્ન નડે છે એ સતત પરિવહનની ઉપલબ્ધિનો. કેમ કે પિક અવર્સમાં હજુ પણ ક્યાંક ક્યાંક પ્રવાસીઓએ વધારે રાહ જોવી પડે છે. સવાલ એ થાય કે લક્ઝમબર્ગ કરી શક્યું એ બીજા દેશો કરી શકે? યુરોપના જ માલ્ટા નામના નાના દેશે નાની રીતે અમલ કર્યો છે. નાની રીતે એટલે એમ કે ત્યાં બધા મુસાફરોને પરિવહન સુવિધા મફત નથી મળતી. નોંધાયેલા છે એમને જ મળે છે. બીજા દેશોની વાત કરીએ તો બધાને એ પોસાય નહીં, કેમ કે લક્ઝમબર્ગ નાનો એવો દેશ છે. વસ્તી માંડ સાડા છ લાખ અને આખા દેશનો વિસ્તાર અઢી હજાર ચોરસ કિલોમીટર (આખા મહિસાગર જિલ્લા જેટલો). આખા દેશનું રેલવે નેટવર્ક પોણા ત્રણસો કિલોમીટર કરતાં ઓછું છે. બસ નેટવર્ક 5000 કિલોમીટર કરતાં વધારે નથી. એવાં ઘણાં કારણસર એ દેશ લોકોને જાહેર પરિવહન વાપરતા કરી શક્યો છે. આપણા દેશની વસ્તી, વિસ્તાર, પ્રવાસીઓ વગેરેની સંખ્યા તોતિંગ છે. એટલે આપણે લક્ઝમબર્ગ જેવું ન કરી શકીએ. ના, સાવ એવું નથી. આખો દેશ ન કરી શકે તો નાનાં શહેરો, જિલ્લા કે રાજ્યો તો કરી શકેને? }
Read Original Article →