ડૂબકી:એકલતાની ખામોશીમાં ઊઠતા પડઘા
ઉંમરના પાછલા પડાવમાં એકલતા દરવાજો ખટખટાવીને આવતી નથી, ખબર પણ ન પડે એમ સાંજે ઊતરતાં અંધારાની જેમ ચુપચાપ આવી ઘરના ખૂણેખૂણામાં ગોઠવાઈ જાય છે. કેટલાંય એકાકી વૃદ્ધ સ્ત્રી-પુરુષો એમની ઝાંખી પડવા લાગેલી સ્મૃતિની ખામોશીમાં વીતેલી જિંદગીના પડઘા સાંભળતાં રહે છે. એક સમયે જેમની સાથે રહેતાં એ લોકોના પગરવ અને હવામાં રહી ગયેલાં ખડખડાટ હાસ્યોનાં આવર્તનો વચ્ચે તેઓ પોતાનો ખાલી વર્તમાન ભરવાની કોશિશ કરતાં રહે છે.
બપોર નમવા આવ્યો છે. એક વૃદ્ધ રસોડામાં ચા બનાવે છે. ઊકળતા પાણીમાં ચાની પત્તી નાખે છે. માપસર ખાંડ નાખે છે. પછી ચાની કીટલી અને બે કપ ટ્રેમાં મૂકી ધીરેધીરે ચાલતો બાલ્કનીમાં જાય છે. ટ્રે ટિપાઈ પર મૂકે છે. ખુરસી પર બેસે છે. બાજુની ખુરસી ખાલી છે. બંને કપમાં ચા રેડે છે. એક કપ ખાલી ખુરસી સામે મૂકે છે, બીજો કપ હોઠ સુધી લાવી ખાલી ખુરસી સામે સ્મિત કરે છે અને કશુંક બોલે છે.
વર્ષોથી છાતીમાં ગોંધાઈ ગયેલા શબ્દો બહાર નીકળતા નથી. એ ચુપચાપ ચા પીતો રહે છે. એકલો. કશું બનતું નથી, છતાં એક સમયે, વર્ષો પહેલાં, રોજ આ સમયે બનતું તે બધું હજી પણ બની રહ્યું છે એમ વિચારતો રહે છે. ખાલી ખુરસી સામે પડેલા કપમાંથી ઊઠતી વરાળ નિર્જન ઘરની નીરવ શાંતિમાં ભળી જાય છે.
વહેલી સવારે એક વૃદ્ધ બગીચામાં આવે છે. વર્ષોથી એક જ બાંકડા પર બેસે છે. સામે લૉનમાં બાળકો રમે છે, યુવક-યુવતીઓ જોગિંગ કરે છે, આધેડ વયનાં સ્ત્રી-પુરુષો વાતો કરતાં ઝડપથી પસાર થઈ જાય છે. બધાં જાણે એક વર્તુળમાં ગોળગોળ ફરતાં રહે છે અને વૃદ્ધ એમના ચહેરાને તાકતો રહે છે. એની આંખોમાં નવા પરિચયની ઉત્સુકતા નથી, ક્ષણેક્ષણે જાગી ઊઠતી ચિરપરિચિત ઓળખાણ ઉકેલવાની મથામણ છે.
કોઈ બાળકને ખડખડાટ હસતું સાંભળે અને એને એ જ ઉંમરના પોતાના દીકરાનું જૂનું હાસ્ય સંભળાઈ જાય છે. કોઈ યુવતીનો પ્રસન્ન ચહેરો પોતાની દીકરીના ચહેરા જેવો લાગે છે. કોઈ મહિલા વાતો કરતી અચાનક બાંકડા સામે જુએ અને વૃદ્ધની આંખોમાં એની પત્નીનો ચહેરો સ્થિર થઈ જાય છે.
એ રોજ બેસે છે તે બાંકડો જાણે પુલ છે અને એના પરથી એનો વર્તમાન અને ભૂતકાળ આવનજાવન કરે છે. આખી સવાર એ પુલ પરથી પસાર થતાં લોકોના ચહેરામાંથી એની મૃત્યુ પામેલી પત્ની, વિદેશ ચાલ્યો ગયેલો દીકરો અને પરણીને સાસરામાં ખોવાઈ ગયેલી દીકરી દેખાય છે. એને લાગે છે - કોઈ ક્યાંક ગયું નથી, બધાં એની સાથે છે અને એ પણ એમની સાથે છે. સવાર આગળ વધે પછી બગીચો ખાલી થઈ જાય અને વૃદ્ધ સમયનો એક સભર ટુકડો પ્રાણવાયુની જેમ એની છાતીમાં ભરી ઘર તરફ જવા લાગે છે, જ્યાં એકલતા એની રાહ જુએ છે.
એંસી વર્ષની મહિલા એનો સેલ ફોન આખો દિવસ પોતાની બાજુમાં જ રાખે છે. રાતે પણ ઓશીકાની બાજુમાં મૂકીને સૂએ છે. એ મહિલા ફોનની ધીમામાં ધીમી રિંગ કે આછામાં આછું વાઇબ્રેશન ચૂકવા માગતી નથી – એક દહેશત સાથે કે માઇલોના માઇલો દૂર ચાલ્યાં ગયેલાં સંતાનોમાંથી કોઈનો ફોન આવે અને એને ખબર ન પડે તો.
આખો દિવસ કોઈની સાથે વાત કર્યા વિના પસાર થઈ જાય છે. તડકો પૂર્વમાંથી પશ્ચિમમાં ઢળી જાય, સાંજના પડછાયા ઓસરી જાય, પછી એણે મથીમથીને જમા કરેલો સમય ક્ષણવારમાં ઓગળી જાય છે. ક્યારેક કોઈના મિસ કોલથી ફોનમાં લાઇટ ઝબૂકી ઊઠે છે અને તરત બુઝાઈ જાય છે. વૃદ્ધાને થાય, એ કોઈને યાદ આવી અને ભુલાઈ ગઈ.
રાતે સૂવા માટે રૂમની લાઇટ બંધ કરતા પહેલાં એ ફોનમાંથી બધા જૂના મેસેજ એક પછી એક શબ્દશ: વાંચી જાય છે. દરેક મેસેજ એને એક સંભાવના તરફ લઈ જાય છે કે સમયના પ્રવાહના કોઈ કાંઠે કોઈ ક્યાંક છે અને કદાચ એને નવો મેસેજ કરવાનું કે ફોન કરવાનું યાદ આવી જાય.
એક વૃદ્ધ રોજ રાતે એની ટેબલ પર બેસી ખાનામાંથી ડાયરી અને બોલપેન કાઢે છે. ડાયરી પર પ્રેમથી હાથ ફેરવી પૂછે છે, ‘તૈયાર?’ પછી એ લખવા માંડે છે. સવારે ક્યારે ઊઠ્યો. કેટલા વાગ્યે સ્નાન કર્યું. નાસ્તો ક્યારે કર્યો. આજે દાઢી કરી? કપડાં ધોયાં? કશું વાંચ્યું? કોઈ મળવા આવ્યું? કોઈનો ફોન? દવા સમયસર લીધી? રસોયણ બાઈએ જમવામાં શું બનાવ્યું? રાતે જમ્યો કે દૂધ પી લીધું? બહાર ગયો ત્યારે શું-શું જોયું? ઘરમાં એકલા બેસી કેવા વિચારો આવ્યા?
વૃદ્ધ કોઈની સાથે વાતો કરતો હોય એમ બધું ડાયરીમાં લખતો જાય છે. એને જરાસરખી ઉતાવળ હોતી નથી. હોંકારાની અપેક્ષા નથી. રાતની ભેંકાર શાંતિમાં ડાયરીનાં કોરાં પાનાં પર સડસડાટ ચાલતી બોલપેનનો અવાજ સાંભળી વૃદ્ધને તૃપ્તિનો ભ્રમ થાય છે. ડાયરી એની એકમાત્ર સાથીદાર છે. એ જે કહે છે તે બધું ડાયરી નિરાંતે સાંભળે છે. એ ક્યારેય વચ્ચેથી ઊભી થઈને ચાલી જતી નથી. વૃદ્ધની આંખો ખુલ્લી રહેશે ત્યાં સુધી ડાયરી પણ ખુલ્લી રહેવા તૈયાર છે.
વૃદ્ધાવસ્થાની એકલતાનો નક્કર આકાર હોય છે અને એમાંથી એકાકી વૃદ્ધો એમની વીતેલી જિંદગીની ક્ષણો ચુપચાપ વીણતાં રહે છે. બે કપમાં ચા રેડતો વૃદ્ધ, બગીચાના બાંકડા પર બેઠેલો વૃદ્ધ, સેલ ફોન બાજુમાં મૂકી જીવી જવાનું બહાનું શોધતી વૃદ્ધા કે ડાયરી સાથે વાતો કરતો વૃદ્ધ. એ લોકો એકલાં છે, છતાં નથી. એમના જેવાં કેટલાંય વૃદ્ધો એમની એકમાત્ર સાથીદાર એકલતાની ખામોશીમાંથી ઊઠતા એમના અસ્તિત્વના પડઘા સાંભળતાં રહે છે અને ખાલી મોઢામાં કશુંક ચગળતાં રહે છે.
Read Original Article →