વિસ્મય:ગુલાબનું અત્તર વેચનારો આદમી જ્યારે મોતના સામાનનો ખેપાની સોદાગર બની ગયો…

Magazine6/7/2026, 12:35:00 AM
વિસ્મય:ગુલાબનું અત્તર વેચનારો આદમી જ્યારે મોતના સામાનનો ખેપાની સોદાગર બની ગયો…
ધૈવત ત્રિવેદી 'મશીનગન અને ગ્રેનેડમાં અમે તમને શું કમિશન આપીએ? જે નથી વેચાતું એનું કંઈક કરો તો કંઈક ગોઠવીએ...’ સ્થળ હતું બ્રિટનનું લિવરપુલ અને વર્ષ હશે આશરે 1884. વિખ્યાત શસ્ત્રઉત્પાદક કંપની ‘નોર્ડનફેલ્ટ’ની મુલાકાતે આવેલો એક આદમી મશીનગન અને ગ્રેનેડનો તગડો ઓર્ડર લઈને આવ્યો હતો, પણ ‘નોર્ડનફેલ્ટ’ને એક નવું ઉત્પાદન માથાનો દુખાવો બન્યું હતું. એ જમાનામાં હજુ શક્તિશાળી ડીઝલ એન્જિન કે આધુનિક બેટરીનો આવિષ્કાર થયો ન હતો, પણ એક ભેજાબાજ ખ્રિસ્તી પાદરીએ વરાળશક્તિ વડે સમુદ્રના પેટાળમાં કેટલોક સમય ટકી શકતી સબમરીન તૈયાર કરી હતી. નોર્ડનફેલ્ટે એ પેટન્ટ ખરીદીને સબમરીન બનાવી તો નાખી, પણ આ નવતર શસ્ત્ર પર દુનિયામાં કોઈને વિશ્વાસ પડતો ન હતો અને તેનો પ્રચાર કરવામાં ‘સોનાં કરતાં ઘડામણ મોંઘું’ જેવો ઘાટ થતો હતો. ઉત્પાદકોએ તેને સબમરીન બતાવી. ઉપયોગિતા સમજાવી અને તેની નબળાઈ પણ ઈમાનદારીથી કહી દીધી, ‘જુઓ, સબમરીન જેટલી સમુદ્રના તળિયે રહે છે એથી વધુ સમય સપાટી પર રહેવું પડે છે, કારણ કે સ્ટિમ પાવર ઊભો કરવામાં બહુ જ વાર લાગે છે. એ પછીય સમુદ્રના તળિયે તેને સ્થિર રાખી શકાતી નથી. નશાબાજ દારૂડિયાની માફક હાલક-ડોલક થતી એ આગળ વધે છે એટલે સબમરીનના નાવિકોની હાલત ખરાબ થઈ જાય છે. આવી એકાદ સબમરીન વેચાવી આપો તો અમારે નુકસાન ઘટે, બાકી નફો નથી જોઈતો...’ ‘કેટલી સબમરીન હાલ રેડી ટૂ સેલ છે?’ સબમરીનને બદલે હવામાં તાકી રહેલા એ આદમીએ પૂછ્યું. ‘ટ્રાયલ માટેના આ એક જ...’ ‘વધુ ચાર સબમરીનનું નિર્માણ ચાલુ કરી દો...’ એ આદમીએ માથા પર ફેલ્ટ હેટ ગોઠવીને કહી દીધું. ‘હેંએએ?’ નોર્ડનફેલ્ટના અધિકારીને માનવામાં નહોતું આવતું. *** સ્ટિફાનોસ સ્કાઉલોડિયસ, જનરલ સેક્રેટરી, નિયોટરિસ્ટ પાર્ટી. દરવાજા પરની નેમ પ્લેટ પર નજર દોડાવીને તે અંદર પ્રવેશ્યો. આ તેની ત્રીજી મુલાકાત હતી. ગ્રે કલરનો સફાઈદાર સૂટ, માથા પર યુરોપિયન ફેલ્ટ હેટ, હાથમાં, સોનાનું પતરું મઢેલી રોઝવૂડની ચકચકતી બેટન, થોડોક રૂક્ષ લાગતો ચહેરો અને સહેજ ઝીણી આંખોમાંથી વ્યક્ત થતો આત્મવિશ્વાસ... અંદર પ્રવેશીને એ આદમીએ ચોમેર બેપરવાઈભરી નજર ફેરવી અને અનુચરો કંઈ કહે કે બોલે એ પહેલાં સોફાના ખૂણા પર પોતાની જાતે જ ગોઠવાઈ ગયો. ‘તો મિ. સ્કાઉલોડિયસ...’ પ્રાથમિક ઔપચારિકતા પછી તેણે સોગઠાબાજી શરૂ કરી, ‘ગ્રીક રાષ્ટ્રવાદી તરીકે મને આ ચિંતાજનક લાગે છે...’ એ વખતે સ્કાઉલોડિયસની નજર ટેબલ પર તેણે ચીતરેલા નકશા પર મંડાયેલી હતી. વાત તો ખરી હતી. ગ્રીસનું કટ્ટર દુશ્મન તુર્કી દરિયાના રસ્તે તાકાત એકઠી કરી રહ્યું હોય ત્યારે ગ્રીસે પણ આત્મરક્ષા માટે હવે સજ્જ બનવું જ રહ્યું. ‘પણ તુર્કીના મારકણાં યુદ્ધજહાજોનો સામનો કરી શકે તેવાં યુદ્ધજહાજો તો બહુ મોંઘાં પડે...’ સ્કાઉલોડિયસના ચહેરા પર તણાવ સ્પષ્ટ ભળાતો હતો, ‘આપણે જાતે બનાવી ન શકીએ અને બીજેથી ખરીદવાનીય આપણી ત્રેવડ નથી...’ ગ્રીસની આ લાચારી હતી. તુર્કી જેવા શક્તિશાળી તેમજ ધનાઢ્ય પાડોશી દેશ સાથે તેની સદીઓ જૂની શત્રુતા હતી. ‘યુદ્ધજહાજ નહીં...’ તેણે ખંધા સ્મિત સાથે કહ્યું, ‘યુદ્ધજહાજોનું મારણ... આપણે એવાં શસ્ત્રની જરૂર છે જે હાથીના કાનમાં ઘૂસતી કીડીની માફક તદ્દન સલૂકાઈથી તુર્કીના મહાકાય જહાજોને ફૂંકી મારે.’ એ પછી તેણે ટેબલ પર કાગળોનો એક થોકડો મૂક્યો, ‘આ છે એ કીડી... બ્રિટિશ કંપની ‘નોર્ડનફેલ્ટ’ની સ્ટિમ પાવર્ડ સબમરીન, જે સમુદ્રના પેટાળમાંથી ટોર્પિડો છોડીને સપાટી પર ચાલતાં તુર્કી યુદ્ધજહાજોનો ઘડો-લાડવો કરવા સક્ષમ છે...’ પૂરી એક કલાક પછી એ બહાર નીકળ્યો ત્યારે તેનાં ચહેરા પર સ્મિત હતું. ગ્રીસ સબમરીન ખરીદવા સંમત થઈ ચૂક્યું હતું. હવે તુર્કીનો વારો હતો. *** તેનું નામ બસિલ ઝહારોફ. જન્મથી ગ્રીક, નિવાસ અને ઉછેરથી તુર્કી ઉપરાંત રશિયન પણ ખરો. ખાનદાની ધંધો ગુલાબનું અત્તર વેચવાનો, પણ ખુશબોદાર અત્તરને બદલે એ ક્યારે મોતનો સામાન વેચતો થઈ ગયો તેની કોઈ નોંધ નથી. આ આદમી જ એટલો વિલક્ષણ હતો કે તેની હયાતીમાં એ ભાગ્યે જ ક્યાંય ચર્ચાયો. અબ્દુલ કાદિરખાન હરામખોર હતો, વિક્ટર બાઉટ બહુ જ ચબરાક હતો, અદનાન ખાશૌગી વેપારી તરીકે શાણો હોવા છતાં દિલફેંક અને ઐયાશ હતો. જ્યારે એ સૌનો આદ્ય ગણાતો બસિલ ઝહારોફ એ દરેકથી અનેકગણો ધનાઢ્ય હોવા છતાં જીવ્યો ત્યાં સુધી દુનિયાની આંખોથી ઓઝલ રહ્યો. ‘નોર્ડનફેલ્ટ’ કંપનીની સબમરીન તેણે ગ્રીસને પધરાવી દીધી. પછી ગ્રીસ પાસે આવું ખતરનાક શસ્ત્ર આવી ગયું છે એવો ભય બતાવીને તુર્કીનેય બે સબમરીન વેચી દીધી. સરવાળે શું થયું? ગ્રીસની સબમરીન કદી સમુદ્રના તળિયે પહોંચી જ નહીં. કદીક સ્ટિમ પ્રેશર પૂરતું ન હોય તો કદીક તળિયે પહોંચતાં પહેલાં જ સબમરીન જાણે ઘોડિયું હોય એમ બેય બાજુ ઝૂલવા લાગે! ગ્રીસ માટે એ સદંતર ખોટનો સોદો હતો તો તુર્કીએ પણ કંઈ કાંદો કાઢી લીધો ન હતો. તેની સબમરીન મહામુશ્કેલીએ તળિયે પહોંચી તો ટ્રાયલ દરમિયાન ટોર્પિડો સપાટી પરના જહાજ તરફ ધસી જવાને બદલે સબમરીનની પડખે જ ફાટ્યો. પ્રથમ બે સોદામાં જ સબમરીનની નબળાઈઓ ઊઘાડી પડી ગઈ છતાં બસિલ ઝહારોફની બાહોશી જુઓ. એ પછી ય તેણે રશિયાના ઝારને એ જ કંપનીની ત્રણ સબમરીન વેચી મારી. ગ્રીસને તુર્કીનો ભય બતાવ્યો હતો, તુર્કીને ગ્રીસનો અને હવે રશિયાને એ બંનેનો ભય બતાવ્યો. ‘કાળા સમુદ્રમાં તમારા વેપારી જહાજોની આવ-જા સલામત રાખવી હોય તો હવે આ નવતર શસ્ત્ર વગર આરો નથી’ સરવાળે ઝારે નાણાંની કોથળી છૂટી મૂકવી પડી. પછી તો એ ઝારની દુખતી રગ એવી પામી ગયો કે જાપાન વિરુદ્ધ ભડકાવીને રશિયાને અનેક શસ્ત્રો વેચ્યાં અને રશિયાનો ભય બતાવીને જાપાનનેય ખંખેર્યું. ઝહારોફની એ એવી સોદાગરી હતી કે છેવટે શસ્ત્રો ખરીદી ખરીદીને તગડા થયેલાં રશિયા અને જાપાન 19 મહિના સુધી રણભૂમિ પર બાખડતાં રહ્યાં. આ એવો સોદાગર હતો જેને યુદ્ધો થાય, હિંસા થાય, લોકો મરે, દેશો બદહાલ થાય એ સાથે નિસ્બત જ ન હતી. તેને ફક્ત અને ફક્ત પોતાના ફાયદામાં જ રસ હતો. બસિલ પહેલાં તો જગતના અશાંત અથવા તો માથાભારે પાડોશીઓથી ચિંતિત દેશોની ઓળખ કરે. પછી સૈન્યના ઉચ્ચ અધિકારીઓને સાધીને એવાં શસ્ત્રોની માગણી એ દેશની સરકાર સમક્ષ મુકાવે જે શસ્ત્રો આખી દુનિયામાં બસિલ જ વેચતો હોય. પછી એ દેશના માધ્યમોને સાધીને ‘આ શસ્ત્રો વગર તો આપણે પાયમાલ થઈ જશું’ એવી હવા જમાવે અને છેલ્લે સત્તાધીશોનાં ખિસ્સાં ગરમ કરીને ઓર્ડર કઢાવે. બસ, પછી તો ધાર્યો ભાવ પાડીને કમિશનનો મબલખ દલ્લો તારવી લે. ઝહારોફને શસ્ત્ર સોદાગરીનો આદ્ય પિતામહ અમસ્તો નથી કહેવાતો. આજેય દુનિયાભરના શસ્ત્ર ઉત્પાદકો સીધી કે આડકતરી રીતે બસિલ મોડેલને જ અનુસરે છે. એ માણસ ચિક્કાર કમાયો. શસ્ત્ર ઉત્પાદક કંપનીનો ભાગીદાર પણ બની ગયો. ચબરાક એવો કે ક્યાંય લાઈમલાઈટમાં આવવાનું જ નહીં. એ જમાનામાં નવી નવી શરૂ થયેલી ફોટોગ્રાફીનો દુનિયાભરના માલેતુજારોને ભારે મોહ હતો, પણ ઝહારોફ એ બધી ‘માયાથી’ પર જ રહ્યો. એક જ લગ્ન કર્યાં. એ પત્ની ગુજરી ગઈ અને સંતાનો હતાં નહીં એટલે ઝહારોફ પરિવારની માયાથીય દૂર જ રહ્યો. આખરી અવસ્થામાં તેણે પોતાના કારનામાંઓ વિશે એક પુસ્તક લખવાનું શરૂ કર્યું. અઢીસો પાનાં જેટલું લખ્યું પછી પોતાના હાથે જ એ દરેક પાનાં સળગાવી દીધાં. તેનું કહેવું હતું કે દુનિયામાં થયેલાં દરેક કારનામાં જગતે જાણવા જેવાં નથી હોતાં. ઢળતી વયે તેણે પુષ્કળ દાન કર્યું. બ્રિટન પાસેથી ‘સર’નો ખિતાબ પણ વેચાતો મેળવ્યો. જે વતનને લૂંટવામાં જરાય શરમ નહોતી ભરી એ જ ગ્રીસનેય ખૂબ દાન આપ્યું અને પાકટ વયે ઊભી આબરૂએ વિદાય લીધી. પોતાનાં કારનામાંઓ કોઈને જણાવ્યા નહીં તોય તેનામાંથી પ્રેરણા લઈને ખાશૌગી, બાઉટ અને ન જાણે કેટલા કાળોતરા ઊભા થઈ ગયા, તો તેણે પુસ્તક લખ્યું હોત તો શું થયું હોત? એ સાચો જ હતોઃ દરેક કારનામાં દુનિયાએ જાણવા જેવાં નથી હોતાં. (આવતા રવિવારથી નવી શ્રેણી ‘ગનપાઉડરઃ જેણે ભૂગોળ અને ઈતિહાસ બદલ્યાં’)
Read Original Article →