ડૂબકી:જીવનની હરક્ષણ, લયમાં નિબદ્ધ
સામાન્યમાં સામાન્ય ઘટના, લાગણી, સંબંધ દરેકનો એક લય હોય છે, જાણે ઝાકિર હુસેનની તબલા પર થરકતી આંગળી. શાંત કમરામાં ઘડિયાળનું ટિક ટિક. પતરાના છાપરા પર વરસાદની ધાર. દોડતી ટ્રેન. રાતે નીરવ શેરીમાં કોઈનાં પગલાં. બાળકને સુવડાવતી માનાં હાલરડાં. સિલિન્ગ ફેન. ટ્રાફિક સિગન્લ. હૃદયના ધબકાર. શરીરની નસોમાં વહેતું લોહી.
લયનો પહેલો અનુભવ થાય છે માતાના ગર્ભમાં. આકાર લઈ રહેલું બાળક માતાના હૃદયના ધબકારમાંથી લયના પહેલા સંસ્કાર ઝીલે છે. વાણી અને ભાષાનો આરંભ થયો તે પહેલાં માનવો જંગલ, પહાડ અને મેદાનમાં સૂસવતા પવન પાસેથી લયનો મર્મ સમજવા લાગ્યા હશે. દૂરદૂરનાં સ્થળોમાં સંદેશા મોકલવા માટે ઢોલના તાલ અને લયનો ઉપયોગ કરવામાં આવતો હતો. વીતી ગયેલા સમયનો લય અને વીતી રહેલા વર્તમાનનો લય. લોકો લયમાં ચાલે છે, લયમાં વિચારે છે, લયમાં પ્રેમ કરે છે, રડે છે, ગુસ્સો કરે છે, નારાજગી વ્યક્ત કરે છે. પ્રેમીઓના સ્પર્શમાં રોમંચક લય ભળે છે અને એમનાં રૂંવેરૂવાં સ્પંદિત થઈ ઊઠે છે. શિયાળાની રાતે તાપણાંનો લય અને ઉનાળામાં એ.સી.નો લય.
લય શાંતિ હણે છે અને શાંતિ આપે છે. એક સ્ત્રી એની ઑફિસનાં જવાબદારીભર્યાં કામની ભીંસ અને તણાવોની વચ્ચે જીવતી હતી. એનો પતિ ભાષાનો પ્રોફેસર અને લેખક હતો. સ્ત્રી મોડી સાંજે ઘેર આવે ત્યારે નિચોવાઈ ગઈ હોય. રાતે ઊંઘ આવતાં વાર લાગે. પત્ની રિલેક્ષ થઈ ઊંઘી જાય એ માટે પતિએ એક નાનકડો પ્રયોગ શરૂ કર્યો. એ વિશે પત્ની લખે છે: ‘અમે સૂવા જઈએ ત્યારે મારો પતિ અમે બાળપણમાં સાંભળેલી-વાંચેલી બાળવાર્તાઓનું લયબદ્ધ પઠન કરે અને હું સૂતીસૂતી સાંભળું. અમે જાણીતી બાળવાર્તા એટલા માટે પસંદ કરતાં કે સાંભળતાં સાંભળતાં ઊંઘ આવી જાય તો કશું ગુમાવ્યા જેવું લાગે નહીં. પતિ વાંચતો હોય, હું એના પઠનના લયમાં ડૂબતી જાઉં અને ઊંઘમાં સરી પડું.’
લય સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, પ્રકૃતિમાં કશુંય સ્થિર હોતું નથી. સૂર્યની આસપાસ ફરતી પૃથ્વીનો પોતાનો લય છે. રાત પછી દિવસ અને ફરી રાતનાં લયબદ્ધ આવર્તનો ચાલ્યા કરે છે. ઋતુઓની આવનજાવનમાં પ્રકૃતિનો લય સંભળાય છે. દૂરદૂરના દેશોમાંથી માઇગ્રેટ કરતાં યાયાવર પક્ષીઓ ઉડ્ડયનના લયમાં હજારો માઈલોનું અંતર કાપે છે.
દરિયાનાં મોજાંમાં અંતહીન લય સંભળાય છે. ભરતીનો એક લય, ઓટનો અલગ લય. દરિયાકિનારે બેઠેલી વ્યક્તિનું ચિત્ત એ લય સાથે જોડાઈ શકે તો એને અદ્દભુત શાંતિનો અનુભવ થાય છે. વૃક્ષોનો લય ઝૂલતી ડાળીઓમાં અને પાંદડાંના મર્મરમાં સંભળાય છે. જંગલની ખામોશી, પહાડોની નિ:સ્તબ્ધતા, નદીનો પ્રવાહ પણ લયનો અનુભવ કરાવે છે.
ભારતનું ચોમાસું અનન્ય પ્રાકૃતિક ઘટના છે. ઉનાળામાં ધરતી ધખે છે, નદીઓ સંકોચાઈ જાય છે, તળાવો સુકાઈ જાય છે ત્યારે ચારે બાજુ તપ્ત અને ઉજ્જડ લય વિસ્તરતો રહે છે. પછી એક દિવસ અચાનક વાદળાં ઘેરાય, પવન પડી જાય અને પહેલા વરસાદની સાથે જ સમગ્ર વાતાવરણનો લય બદલાઈ જાય છે. લોકોનાં હૈયાંમાં, ખેતરોમાં, ધોવાઈને સાફ થઈ ગયેલાં વૃક્ષોમાં, બાળકોનાં છબછબિયાંમાં, શેરીમાં વહી નીકળેલાં પાણી અને છત પરથી પડતા ‘ધોધ’માં આકાશનો લય ધરતીના લય સાથે એકાકાર થઈ જાય છે.
પ્રેમનો લય પણ બદલાતો રહે છે. શરૂઆતમાં ઉન્માદ અને આકાંક્ષાઓનો ધગધગતો લય અનુભવાય છે. પ્રેમીઓની મીઠી વાતોનો પ્રવાહ વણથંભ્યો ચાલે છે. સમયની સાથે પ્રેમના લયમાં ગંભીરતા અને ઊંડાણ આવે છે. સાથે બેસી પીધેલી સવારની પહેલી ચા, સાંજે ઘેર પાછા ફરવાની ઉતાવળ અને રાતે પરિવારની સાથે બેસી ભવિષ્યનાં સપનાં ઘડવામાં લગ્નજીવનનો લય ઘૂંટાતો જાય છે. એ લય તૂટે છે ત્યારે પરિવારનું જીવન છિન્નભિન્ન થઈ જાય છે.
નીરવતાનો લય પણ સાંભળવા જેવો છે. બંધ પડેલાં કારખાનાનાં ખાલી મકાનોમાં નિષ્ફળતાનો લય સંભળાય છે. વેકેશનમાં બંધ સ્કૂલ અને કૉલેજોનો લય ખાલી કોરીડોર અને વર્ગખંડોમાં પુરાઈ જાય છે. દિવસની છેલ્લી ટ્રેન પસાર થઈ જાય પછી ભેંકાર થઈ જતાં સ્ટેશનનાં પ્લેટફોર્મ, એકલાં રહેતાં વૃદ્ધોના ધીમા પગરવ, દૂર ચાલ્યાં ગયેલાં સંતાનોની અવિરત રાહ જોતી આંખોનો સૂમસામ લય વિષાદ જન્માવે છે.
એક સમયે ગામડાંમાં નિરાંતે પસાર થતો લય હવે બદલાયો છે. ચોરામાં બેઠેલા પુરુષોની વાતચીતોનો, કૂવામાંથી પાણી સીંચતી સ્ત્રીઓનો, દરજીના સંચાનો, ચાકડો ફેરવતા કુંભારનો, વાડીની નીકમાં વહેતાં પાણીનો, સાંધ્ય આરતીનો, મેળાનો, ઘૂંઘટ ખેંચી રાસુડા રમતી વહુવારુઓનો, લગ્નગીતોનો, છીંકણી સૂંઘતી વૃદ્ધાઓનો એક લય હતો. આજે એ લય શહેરમાં સવારે કામ પર જવા તૈયારીમાં, સ્કૂલની બસની રાહ જોતાં બાળકોમાં, અધ્ધરશ્વાસે ઘરનાં કામ પતાવી ઑફિસ જવા નીકળતી મહિલાઓના હાંફતા શ્વાસોમાં અટવાઈ ગયો છે. બપોરે શહેરનો લય થોડી વાર નિરાંતનો શ્વાસ લે ન લે ત્યાં સાંજના ટ્રાફિકના ઘોંઘાટમાં ફેરવાઈ જાય છે.
શૂન્યતાનો પણ લય છે, ભરચક ભીડનો લય અલગ છે. સુખ વિલંબિતમાં આવે છે અને દ્રુતમાં ચાલ્યું જાય છે. દુ:ખો દ્રુતમાં આવે અને વિલંબિત તાલના લયમાં લાંબો સમય ટકે છે. આજે ખુલ્લું હાસ્ય એનો લય ગુમાવી બેઠું છે. પારદર્શકતાનો લય ધૂંધળો થયો છે. વર્તમાનનો લય સેલફોનમાં ગૂંચવાઈ ગયો છે. ટીવીની ભ્રામક વાસ્તવિકતામાં માનવજીવનનો સહજ લય ખોવાઈ ગયો છે.
અને પછી આવે છે લયભંગની ક્ષણ. માતાના ગર્ભાશયમાંથી પ્રાપ્ત થયેલો અને આખી જિંદગીને ધબકતો રાખતો લય ચીરનિદ્રાની શૂન્યતામાં વિલય પામે છે. પાછળ રહી જાય છે વંશજોના જીવનનો લાંબી નદીના વહેણ જેવો ક્યારેક સીધો ચાલતો, ક્યારેક વળાંક વળતો, પહાડ પરથી નીચે ધસતો અને ફરી મેદાનમાં આવી શાંત ભાવે વહેતો લય. નદી જેવી નદીએ પણ પોતાનો લય અંતે દરિયાને સમર્પિત કરી દેવાનો હોય ત્યાં માણસના લયનું શું ગજું? }
Read Original Article →