જીવનના હકારની કવિતા:બીબાઢાળ જીવનનો ઉમંગ
એમ વરસે જાણે કે સ્નાતક થયેલું હોય છે
વાદળું ક્યાં કોઈ કોલેજે ભણેલું હોય છે ! જે પહેરણ હર જગાએથી ઝરેલું હોય છે
જિંદગીના કૈંક અનુભવથી ભરેલું હોય છે માવતરના પ્રેમનું શું હોય બીજું તો સબૂત છે
છોકરું પોણી પથારીમાં સૂતેલું હોય છે ખુદની હાલત જોઈને અફસોસ ના કર ઝૂંપડી
મ્હેલનું દિલ પણ ઘણાં દુઃખથી ભરેલું હોય છે કોઈ દિવસ એની સામે હાથ જોડ્યા છે તમે ?
કાયમી જે થાળીમાં ભોજન કરેલું હોય છે શિર પછાડે રાત-દી દરિયો છતાં પીગળે નહીં
તટનું દિલ જાણે દયા ભૂલી ગયેલું હોય છે.
- રાકેશ હાંસલિયા
બીબાઢાળ જીવનને અડાબીડ ઊગવાનો આનંદ આપે તે વરસાદ... વરસાદ કોલેજનો ભણેલો નથી, પણ કાળજાનો ગણેલો છે. જ્ઞાનીઓને ઠારે અને ભક્તોને તારે! વાદળ પાસેથી શીખવા જેવું ઘણુંબધું છે. વાદળને ગુરુ બનાવીએ તો વાદળ તો વરસીને ઓગળી જાય! દરેક વખતે નવા વાદળને ગુરુ બનાવવો પડે! કોલેજમાં ગયા વગર જેને ભીંજવતા આવડે છે એવા જ્ઞાનીને કવિ આખી કવિતામાં ઉપસાવે છે. અમસ્તું પણ, ભણેલાને પોતાના જ ભારમાં દબાઈને જીવવાની આદત હોય છે. ઘણાં કપડાં પરસેવાની મહેનતથી તો ઘણાં કપડાં નસીબની જહેમતથી રેબઝેબ હોય છે. જીંદગીના કહેલાં-વણ-કહેલાં ઘણા પ્રસંગોથી જીવનનું ઝભલું રસભીનું હોય છે. બીજા શેરની સામે સૈફ પાલનપુરીનો શેર કહેવાનું મન રોકી શકાય એમ નથી.
સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો
ઘરની બહાર આવતાં થાકી જવાય છે.
માતા-પિતાનો પ્રેમ પુરવાર કેમ કરવો? એ તો માત્ર માતા-પિતાને જ ખબર હોય છે કે પોતાનાં સંતાનને બાળપણમાં પથારીમાં આળોટવાની આદત હતી. પોણી પથારીમાં બાળક સૂવે અને માતા-પિતા બાકીની પથારીના ભાગને આખી પથારી માનીને ઊંઘી જતાં! ઊંઘની એ નિરાંત આજે ન’તો સંતાન પાસે છે ન’તો માતા-પિતા પાસે. એ સબૂતની સામે જગતનો બધો જ પ્રેમ ઉધાર લાગે છે. ચોથા શેર પાસે જતાં પહેલાં જાવેદ અખ્તર યાદ આવે છે.
સબકા ખુશી સે ફાસલા એક કદમ હૈ
હર ઘરમેં એક હી કમરા કમ હૈ
બીજાનું ઘર સારું જ લાગે! આપણી ઝૂંપડીની અવદશા ખરેખર તો બીજાના મહેલની ગભરામણ કરતાં વધુ શાતા પમાડનારી છે. જીવનમાં લક્ષ્ય ઊંચા રાખવા જોઈએ. પણ, બીજાની ઈર્ષા કરીને આગળ વધવામાં જાતને નાસીપાસ કર્યાની ખુમારીનો વસવસો રહે છે. જમી લીધા પછી એ જ થાળીને વંદન કરવાની આપણે ત્યાં પરંપરા અને ધર્મ પણ છે. શેર બહુ સાદો લાગે પણ ગહન છે. જેમણે ઉપકાર કર્યો છે એમનો આભાર માનવો જોઈએ. જેમણે આગળ વધારવામાં આપણને ઉત્તેજન આપ્યું છે એમને વંદન કરવા જ જોઈએ. રસ્તા પર આગળ વધતા પાછળ રહી ગયેલા રસ્તાને આદર સાથે યાદ કરવામાં મંઝીલે પહોંચ્યા પછીનો થાક આનંદમાં ફેરવાઈ જાય છે.
કિનારો કેટલો ક્રૂર રીતે વર્તે છે. દરિયાના મોજાઓ કિનારે આવીને પીગળે છે પણ કિનારાને કોઈ અસર નથી. એવી જગાઓએ ઓટનો લોભ જતો ન કરવો! રાકેશ હાંસલિયા નવી કવિતાના જન્માક્ષરમાં પૂર્વજન્મની કુંડળીનો રાજયોગ લઈને આવ્યા છે. એમને વાંચવા જેવા જ છે. એમને વાંચવાથી એક જ ઘરેડની પરેડ કરતી કવિતાને નવી ઊંચાઈઓ સર કર્યાનો હરખ થાય છે. આખી ગઝલમાં પ્રત્યેક શેર એકબીજાથી એમ પરોવાયા છે જેમ એક જ જમીનમાં અલગ અલગ રંગ-સુગંધના છોડ ऊઊગ્યા હોય! નવી કવિતામાં આવતી તાજગી રવિવારના પૂમડાથી આખા અઠવાડિયાને મઘમઘતું કરે છે. }
Read Original Article →