શબ્દ સકળ પૃથ્વીના:તરાપાના સહારે મહાસાગર સાથે બાથ

Magazine4/12/2026, 12:50:00 AM
શબ્દ સકળ પૃથ્વીના:તરાપાના સહારે મહાસાગર સાથે બાથ
અજયસિંહ ચૌહાણ ઈ. સ. 1947ના એપ્રિલમાં ભારતીય ઉપખંડ અનેક ઊથલ-પાથલમાંથી પસાર થઈ રહ્યો હતો. એ જ સમયે સાત સમંદર પાર દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં છ સાહસિકો લાકડાંના એક તરાપાના સહારે પ્રશાંત મહાસાગર ઓળંગવાની તૈયારી કરી રહ્યા હતા. 1937નાં વર્ષો આસપાસ થોર હાયરડાલ નામના નોર્વેજિયન સંશોધકે; પ્રશાંત મહાસાગરમાં સુદૂર ટાહીટી દ્વીપ સમૂહના ફાતુ-હિવા ટાપુ પર જીવનસંગિની સાથે એક વર્ષથી મુકામ કર્યો હોય છે. એક પ્રાચીન સંસ્કૃતિના અવશેષો, શિલ્પો વગેરેનું સંશોધન કરવાં એમણે જે ટાપુ પર વાસ કર્યો છે; એમાં બહારની દુનિયામાંથી આવેલા એ એકલા જ હતાં. ખજૂરી-નાળિયેરીના ઝુંડ નીચે હાથે બાંધેલી ઝૂંપડીમાં રહેતાં. રોજ સાંજે કિનારાની રેતીમાં બેઠાં બેઠાં ચાંદની રેલાય ત્યાં સુધી પૂર્વ દિશાથી યુગો યુગોથી આવતા વાયરાનો આનંદ માણતાં. એમને વિચાર આવતો કે મુખ્યભૂમિથી ચાર હજાર માઈલ દૂર, હજાર-પંદરસો વર્ષ પહેલાં લોકો આ ટાપુઓ પર કેવી રીતે આવ્યાં હશે? ટાપુના વૃદ્ધે થોર હાયરડાલને એક કથા કહી હોય છે. ટિકિ નામનો દેવ-રાજા-આદિપુરુષ દરિયાપારના મોટા દેશમાંથી એમને અહીં લાવ્યો હોય છે. થોર પછી તો પોતાના વતન નૉર્વે પાછા ફરે છે. પેસેફિકના મૂળ ટાપુવાસીઓ વિશે અનેક પુસ્તકો વાંચે છે. એમને પેરુ દેશમાં એવી જ લોકકથા મળે છે; જેવી પેલા વૃદ્ધે કહી હતી. એ પુસ્તક લખે છે; જેમાં તર્ક મૂકે છે કે પ્રશાંત મહાસાગરના પોલીનેશિયન ટાપુઓ પર રહેતી પ્રજા પેરુમાંથી જ ગયેલી છે. થોરની વાત બધાએ મજાકમાં લીધી. સદીઓ પહેલાં નાના તરાપામાં ચાર હજાર માઈલની સમુદ્ર સફર અશક્ય હતી. થોરે હતાશ થવાની જગ્યાએ પોતાના તર્કને અનુભવની સરાણે સિદ્ધ કરવાનું નક્કી કર્યું. એમની એ મહાન યાત્રાનું વર્ણન એટલે ‘કોન-ટિકિ’. યાત્રા 1947માં કરી એના બીજા જ વર્ષે એ પુસ્તક રૂપે પ્રગટ થયું અને 1952માં મહેન્દ્ર મેઘાણીએ ટૂંકાવીને ગુજરાતીમાં રસાળ અનુવાદ કર્યો. પોતાની આ સફર દરમિયાન થોરે કરેલી વિડીયોગ્રાફીની 1950માં દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ થઈ. એને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો. સફર શરૂ કરતાં પહેલા થોરને બીજા પાંચેક સાથીઓની જરૂર હતી. એક પછી એક બેંટ, હેર્માન, કનુટ, તોર્સટીન અને એરિક; પાંચ સાથીઓ પણ મળી જાય છે. કોઈ એન્જિનિયર છે, તો કોઈ રેડિયો ઓપરેટર, કોઈ વળી કલાકાર કે પુસ્તકો વાંચ્યા કરતો સમાજશાસ્ત્રી. આ બધામાંથી સાગરખેડુ કોઈ નહીં. થોર તૈયારીઓ શરૂ કરે છે. પ્રાચીન પેરુવાસી બાલ્સા વૃક્ષનાં લાકડાંમાંથી તરાપા બનાવતા (પોલીનેશિયન એને ‘પે પે’ કહેતા). એટલે થોર હાયરડાલ પણ મહામહેનતે એક્વાડોરના જંગલમાં જઈ નવ મોટાં બાલ્સા વૃક્ષો કપાવી પેરુ લાવે છે. એ નવ મોટા બાલ્સા બીમનો તરાપો બન્યો. એની ઉપર એક ઝૂંપડી બાંધી. આ બધું કરવામાં ક્યાંય લોખંડ કે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં. પ્રાચીન પ્રજા જે વેલાઓ, વાંસ, ખજૂરી, નાળિયેરીનો ઉપયોગ કરતી; એ જ વસ્તુઓને સહારે. એની પર કપડાંનો સઢ ચડાવ્યો. સઢ પર એરિકે રાતા રંગમાં કોન-ટિકિનું દાઢીવાળું મોં દોર્યું હતું. હુબેહુ તિપાહૂઆનકો શહેરનાં ખંડેરોમાં એમણે જોયેલી કોન-ટિકિ (સૂર્ય-રાજા)ની લાલ પત્થરની મૂર્તિ જેવું. તરાપો તૈયાર થયો એટલે જેમ દરેક સાહસમાં તેમ અહીં; હતોત્સાહ કરવા માટે અનેક લોકોએ ભવિષ્યવાણી ભાખવાનું શરૂ કર્યું; ‘પંદરેક દિવસમાં તો ડૂબી જશે.’ પણ, થોર અને એમના મિત્રોના મન મજબૂત હતા. 27 એપ્રિલ, 1947ના દિવસે કોન-ટિકિ પર નૉર્વેનો વાવટો ફરક્યો. ઉપરાંત જે જે દેશોએ મદદ કરેલી એ બધા દેશોના વાવટા ફરક્યાં. દશ દેશોના એલચીઓ, પેરુના નૌકાદળના અધિકારીઓ, સેંકડો લોકોની હાજરીમાં સફર શરૂ થઈ. બીજું વિશ્વ યુદ્ધ થોડા સમય પહેલાં જ પૂરું થયું હતું એટલે અમેરિકન સેનાએ લાંબા સમય સુધી ન બગડે એવા ફૂડ પેકેટ ટેસ્ટ કરવા માટે આપ્યાં હતાં. બે રેડિયોસેટ લીધા હતાં. બેંટના સિત્તેરેક પુસ્તકો, કેળાં, લીલાં નાળિયેર, નાનો પ્રાઇમસ અને એક પોપટ. હવે આવતા ચાર મહિના સુધી અફાટ સાગરમાં નવ બાલ્સા વૃક્ષોના તરાપાને સહારે છ લોકો હતા. પ્રશાંત મહાસાગરની અફાટ નિર્જનતામાં એમને સો દિવસ વિતાવવાના હતાં. એમના પથ પર કોઈ જહાજ સુધ્ધાં દેખાવાનું ન હતું. એમની સફર ભય, રોમાંચ અને સાહસથી ભરેલી હોય એ તો સ્વાભાવિક છે. એની કથા તમને નહીં કહું. કારણ કે એ માટે તો પુસ્તક જ વાંચવું પડે. થોર એક સ્થાને લખે છે ‘વિરાટ અંતરોનો ભાર અમે મન પર કદી અનુભવ્યો નહીં; કારણ કે અમારી સાથે સાથે જ ક્ષિતિજ ચૂપચાપ સરકતી જતી હતી, ને અમારી તરતી દુનિયા તો સદા એની એ જ રહેતી હતી. ગગનના ઘુમ્મટ સુધીનો એક વિશાળ ચકરાવો હતો. એનું મધ્યબિંદુ અમારો તરાપો હતો, અને હર રાત્રીએ એનું એ જ તારામંડળ અમારા મસ્તક ઉપર ઝળુંબતું હતું.’ ઉગમણા વાયરા અને મહાસાગરના પ્રવાહોની મદદથી ચાર હજાર માઈલનું અંતર કાપી; પેરુથી નીકળ્યાને બરોબર નવ્વાણું દિવસે એમને દૂર ટાપુની જમીન દેખાય છે. પણ પવન ટાપુથી દૂર લઈ જાય છે. ભયંકર તોફાન અને ખડકાળ જગ્યા; મોતના જોખમે પાર કરી ત્યાંથી આગળના એક ટાપુ પર એકસોને એક દિવસ પછી પગ મૂકે છે. પોતાના યાત્રીઓને ગંતવ્ય સ્થાને પહોંચાડી કોન-ટિકિ સમરાંગણમાં પડ્યો હોય એમ ખડકો પર પડ્યો છે. ઝૂંપડી તૂટી ગઈ છે; છતાં એના નવેનવ બીમ સલામત છે. કુદરત વિરાટ છે. માનવની એની સામે કશી વિસાત નથી. માણસ તો એની સામે એક તણખલું માત્ર છે. આમ છતાં એના હૈયામાં એવી શક્તિ છે; કે એ વિરાટ કુદરતને સમજવાની, એની સામે ન નમવાની હામ રાખે છે. ‘કોન-ટિકિ’ એનું ઉદાહરણ છે.
Read Original Article →