દેશી ઓઠાં:સાસુ- વહુ
નંદુ આમ ભોળી છે, પણ બધું સમજે છે. નંદુને ખબર્ય છે કે જે વખાણ કરે છે ઈ કોક દી હોળીય સળગાવે અને એમ જ થ્યું કોઈ જબરો માણહ ગામની ફરતો આંટો મારે, તો માંડ નેવું ડગલાં થાય, એવડું નાનું એવું ગામ કોકરવા. નાનું પણ રઢિયાળું ગામ. હીરના ફૂમકા જેવું ગામ. છેલ્લા બે મઈનાથી ગામ આખામાં બધાંને મોઢે એક જ વાત હાલે છે: શેરીમાં કે પાણીશેરડે, તળાવને કાંઠે કે સીમ વગડે, બાયુંના ઘેરા વળે ને નંદુની વાત માંડે:‘ગામમાં વહુવારુ તો ઘણી જોઈ, પણ માધાની વહુ નંદુની તોલે કોઈ નો આવે. રૂડી-રૂપાળી ને સવળોટી. કામઢી, કયાગરી ને બોલ્યે-ચાલ્યે મીઠી મધ જેવી. કલી ડોશીને તો નંદુ કાંઈ હાંચવે… કાંઈ હાંચવે…! અરે, એક ફૂલ ચડે ને એક ઊતરે. નંદુવહુના ગુણની તો વાત નો થાય. લાખેણી છે, લાખેણી!
મૂળ વાત આખી એમ છે કે, કલીને ત્રણ વાર કહવાવડ્ય થઈ ગ્યેલી, ને ઈ પશી બે છોકરાં જલમીને પાછાં થ્યા. એમ પાંચ જણતર બગડી ગ્યાં. કળદેવીની માનતા કરી ને જાતી જિંદગીએ પાછોતરો દીકરો માધો વળી ઊજર્યો. માધો જવાન થ્યો ને કલીને અવસ્થા આંબી ગઈ. માધાનો બાપ મનજી ગુજરી ગ્યા કેડ્યે કલીએ એકલે હાથે માધાને રંગેચંગે પરણાવ્યો. ગુણિયલ નંદુએ માધાના ખોરડે કંકુંનાં પગલાં પાડ્યાં. બીજે જ દા’ડે નંદુએ ઘર સંભાળી લીધું. સાસુને તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખે છે. બાઈજી…બાઈજી..કરતાં જીભ સુકાય છે.
‘બાઈજી ખાઈ લ્યો… બાઈજી નાઈ લ્યો… બાઈજી હૂઈ જાવ… બાઈજી શીરો કરી દઉં ? લ્યો બાઈજી તમારા પગ દબાવી દઉં!’
અડખેપડખેની બાયું તો મોઢામાં આંગળાં નાખી ગઈ! ‘માડી રે ! આ તો કોતક થ્યું! આવી વહુ તો દુન્યામાં ક્યાંય ભાળી નથ્ય! ‘નંદુ આમ ભોળી છે, પણ બધું સમજે છે. નંદુને ખબર્ય છે કે જે વખાણ કરે છે ઈ કોક દી હોળીય સળગાવે અને એમ જ થ્યું. પાડોશની જીવીએ કલી ડોશીના કાનમાં ધીમે ધીમે કડવાશ રેડી. પછી તો કલી ડોશી વાતવાતમાં નંદુને ટોકવા મંડી. કામકાજમાં ભૂલ કાઢવા મંડી. મોં-માથા વગરના સવાલ કરે, વાંકાં બોલે… નંદુનાં પારખાં લીધા કરે. એમ ને એમ સાસુ-વહુનાં મન ઊચક થઈ ગ્યાં. મીઠાં સગપણમાં ઝેર ઘોળાઈ ગ્યું. રોજની કચકચથી નંદુ કંટાળી ગઈ, પણ સાસુની સામે બોલતી નથી. મરજાદ મેલતી નથી.
એક દી’ એવું બન્યું: સવારનો પહોર છે. પોહ મઈનાનો કોકરવરણો તડકો છે. કલી ડોશી ફળિયામાં ખાટલો ઢાળીને બેઠાં છે. નંદુવહુ ડેલીની બહાર સાવરણો ફેરવીને આવી. સાસુએ કીધું: ‘હેં વહુ! હું અટાણે તને મારી હાર્યે બેહવાનું કહું, તો તું ક્યાં બેશ્ય?’
નંદુએ નરમાશથી કીધું: ‘તો હું કોથળો પાથરીને હેઠે બેહું, પણ તમારી પડખે ખાટલે નો બેહું. તમારી આમન્યા રાખું.’
‘ને જો હું કોથળા માથે બેહું, તો તું ક્યાં બેશ્ય?’
‘બાઈજી! તો હું ખાડો ગાળીને બેહું, પણ તમારાથી હેઠી જ બેહું.’
‘અને હું ખાડામાં બેહું, તો ?’
હવે નંદુ કંટાળી: ‘તમે જો ખાડામાં બેસો, તો તો બાઈજી! હું માથે ધૂળ વાળી દઉં.’ }
Read Original Article →