મોન્ટાજ:એક ફોટો શેર કર્યો અને જીવન બરબાદ થયું
પાર્થ દવે ફવા. સાચી-ખોટી ભળતી વાત! અફવા પાછી ન આવી શકે. અઘરું પડે. થોડા દિવસ પહેલાં શક્તિ કપૂરના મૃત્યુની અફવા ફેલાઈ હતી! તેમણે નારાજ થઈને વિડીયો બનાવ્યો કે ભાઈ હું બરાબર છું! આ પ્રકારની અફવા તો ઘણી ફેલાય છે. સૌથી વધારે ભ્રામક વાતો અત્યારે સોશિયલ મીડિયાના કારણે ફેલાય છે. અને તેમાં યુ-ટર્ન લેવામાં આવે, ખોટી વાત ખોટી હતી તેમ કહેવામાં આવે ત્યાં સુધી લોકો તે વાતને સાચી માની ચૂક્યા હોય છે!
***
2019માં ‘વિક્રુથિ’ નામની મલયાલમ ફિલ્મ આવી, જેનો નાયક ‘એલ્ધો’ મૂક-બધિર છે. પત્નિ એલ્સી પણ તેની જેમ જ દિવ્યાંગ છે. બે બાળકો છેઃ નાની દીકરી અને મોટો દીકરો. સુખી પરિવાર છે. એલ્ધો સ્કૂલમાં પ્યૂન તરીકે કામ કરે છે. તકલીફ હોવા છતાં સ્વમાની છે અને ‘ભગવાનનો માણસ’ કહીએ એવો ભલોભોળો છે. એક દિવસ એલ્ધોની દીકરીને તાવ આવે છે. પહેલાં તો ફાધરને બોલાવીને જિસસનું નામ લેવામાં આવે છે, પણ સાજી ન થતા (!) અને સમય નીકળી જતા હૉસ્પિટલમાં દાખલ કરવી પડે છે. દીકરી આઈ. સી. યુ.માં હોઈ એલ્ધો સતત બે દિવસ જાગે છે. પત્ની અને દીકરો ઘરે છે. ત્રીજા દીવસે દીકરીને રજા મળે છે.
આ દરમિયાન ‘સમીર’ નામનો યુવાન અખાતી દેશમાંથી પોતાને સ્કૂલટાણે ગમતી છોકરી સાથે લગ્ન કરવા કોચી આવ્યો છે - તેની વાર્તા આપણે જોઈએ છીએ. તે સમીર પણ ભગવાનનો માણસ છે. ભણેલોગણેલો છે, સમજુ છે. મા-બહેન-બનેવી બધાને પ્રેમ કરે છે. સમીરને આજે જેમ બધાને છે તેમ સોશિયલ મીડિયાનો જબરો ક્રેઝ છે! વર્ષો પછી આવ્યો છે તો પણ ઘરમાં એન્ટર થતાં પહેલાં ‘ફેસબુક લાઈવ’ કરે- એટલો ક્રેઝ!
ફરી પાછા એલ્ધો પર આવીએ. દીકરીને રજા મળે છે એ દિવસે એલ્ધો કોચીની મેટ્રોમાં ઘરે જઈ રહ્યો છે. બે દિવસનો થાક, દીકરીનું ટેન્શન, બધું ભેગું થતા એલ્ધોને ઊંઘ આવી જાય છે અને તે મેટ્રોની સીટ પર લાંબો થઈને સૂઈ જાય છે. એ જ ટ્રેનમાં સમીર પ્રવાસ કરતો હોય છે. તે તેને જુએ છે અને આદતવશ પોતાના મોબાઈલમાં ફોટો પાડે છે. અને ગમ્મત ખાતર ‘દારૂ પીને મેટ્રોમાં સૂતો છે’ પ્રકારની વન-લાઈન ઠપકારી દે છે!
ખલ્લાસ. એલ્ધોની જિંદગી આવનારા દિવસોમાં બદતર થઈ જવાની છે તેની આ બંનેમાંથી કોઈને ખબર નથી. ફોટો ‘ભયંકર’ વાઇરલ થાય છે. એલ્ધોની નોકરી જાય છે. દીકરાને ફૂટબોલ મેચમાંથી કાઢી નાખવામાં આવે છે. એલ્ધો સમજાવી-સમજાવીને થાકે છે કે તેણે નશો નહોતો કર્યો, તે થાકી ગયો હતો એટલે અનાયાસે ઢળી પડ્યો હતો, સૂઈ ગયો હતો... પણ હવે તો તીર કમાનમાંથી છૂટી ચૂક્યું હતું.
ફિલ્મમાં અફસોસ કરતાં સમીરના મોઢે જ એક ડાયલૉગ છે કે, ‘બોલાયેલા શબ્દો અને વાઇરલ વિડીયો પાછા નથી લઈ શકાતા!’
‘વિક્રુથિ’નો અર્થ થાય ‘મિસ્ચિફ’. મજાક. ઉપદ્રવ. ડિરેક્ટર એમ્સી જૉસેફની આ પહેલી ફિલ્મ છે. તેમણે અત્યંત હળવીફૂલ રીતે આ સોશિયલ ઈસ્યુને આપણી સામે મૂક્યો છે! યસ, એક સમયે સામાજિક મુદ્દા બીજા કંઈક હતા, નાની નાની વાતો બાસુ ચેટર્જી અને ઋષિકેશ મુખરજીની ફિલ્મોમાં રજૂ થતી; કંઈક એવી જ રીતે નાનકડી છતાંય હલબલાવી નાખે તેવી વાત અહીં રજૂ થઈ છે.
એલ્ધો અને સમીરનું પાત્ર ભજવનાર બંને કલાકારો સૂરજ વેન્જરામૂદુ અને સોબિન શાહિર ઍ-વન છે. એલ્ધોને જોઈને તમે હસતાં હસતાં રડી પડો. તેનો ઈન્ટ્રોડક્શન સીન જ લા-જવાબ છે. તે બસમાં બેઠો-બેઠો ગીત ગણી રહ્યો છે, જે આપણને સમજાતું કે સંભળાતું નથી. થોડા સમય પછી તેની બાજુમાં બેઠેલી વ્યક્તિ સરનામું પૂછે છે. એલ્ધો પ્રયત્ન કરે છે સમજાવવાનો, પણ નથી સમજાવી શક્તો. પેલો કહે છે, ‘ચાલશે,
રહેવા દો, વાંધો નહીં!’ એલ્ધો ડાયરી-પેન કાઢી, લખીને પ્રેમથી સરનામું સમજાવે છે.
ફિલ્મનું બીજું મહત્ત્વનું પાત્ર (સમીર) એરપોર્ટ પર ઊભું છે. લેવા માટે ફ્રેન્ડ નથી આવ્યો ત્યાં સુધી તે એરપોર્ટ પર મિત્રો બની ગયેલા લોકો સાથે સેલ્ફી લે છે અને ગ્રૂપમાં પોસ્ટ કરે છે! મિત્ર આવે છે ત્યારે તેને કહે છે, ‘આપણા વચ્ચે કંઈ પ્રૉબ્લેમ થયો લાગે છે!’
પેલો પૂછે છે, ‘કેમ? શું થયું?’
સમીર કહે છે, ‘અરે તું ફેસબુકમાં મારી પોસ્ટ લાઈક નથી કરતો!’ આના પછી તરત જ સમીર શારજાહના મિત્રો માટે ‘ફેસબુક લાઈવ’ કરે છે! અહીં ડિરેક્ટરે બખૂબીથી દર્શાવ્યું છે કે, એક બાજુ એલ્ધોને કૉમ્યુનિકેટ કરવા માટે કેટલી તકલીફ પડે છે પણ તે ખુશ છે અને બીજી બાજુ સમીરને બધી જ બાબતો કમ્યુનિકેટ કરવી છે, લોકોને કહેવી છે અને તેમ છતાંય ઓછું પડે છે!
***
હવે છેલ્લી અને મૂળ વાત. એલ્ધો નામધારી વ્યક્તિ સાચે છે અને તે કેરળમાં હાલ જીવે છે. તે અને તેની પત્ની બોલી-સાંભળી નથી શકતાં. કોચી મેટ્રોમાં ફોટો પડ્યો, વાઇરલ થયો ને અલ્ધોની જિંદગીમાં જે ફેરફાર થવા લાગ્યા તે આખી સત્ય-ઘટના ‘વિક્રુથિ’માં દર્શાવાઈ છે. ‘ડ્રન્ક મેન કોચી મેટ્રો’ સર્ચ મારશો તો તમને આ સમાચાર મળી જશે!
નોંધવા જેવું એ છે કે, સમીર એટલે કે જે વ્યક્તિએ તે ફોટો ખેંચ્યો તેનો કોઈ બદઈરાદો નહતો, પણ તેમ છતાં આ આદત મોટી આફત લાવી શકનારી છે. આજે, આમ તો વર્ષોથી, શેરિંગ એ માણસની એક જરૂરિયાત છે. તેના વગર ચાલવાનું નથી, પણ વૉટ્સઍપ-ફેસબુક ઉપર મચડ-મચડ કરતા પહેલાં થોડું વિચારવું. સમીરને ખબર પડી કે મારા એક ફોટાએ કોઈકની જિંદગી ઊથલપાથલ કરી નાખી છે, પોલીસ શોધતી આવશે એટલે ડરના માર્યા સૌથી પહેલા તેણે મોબાઈલમાંથી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ ડિલીટ કર્યાં હતાં! }
Read Original Article →