જીવનના હકારની કવિતા:અધૂરાં રાખીને તૃપ્ત કરતું કાવ્ય…

Magazine5/3/2026, 12:50:00 AM
જીવનના હકારની કવિતા:અધૂરાં રાખીને તૃપ્ત કરતું કાવ્ય…
એક હતી સર્વકાલીન વાર્તા ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું? ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું? માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં પણ બળબળતી રેખાનું શું? આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું પણ મૂંગી આ વેદનાનું શું? માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ, પણ ઝૂરતા આ ઓરતાનું શું? ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા પણ આ માંડેલી વારતાનું શું? - જગદીશ જોષી ધારી લેવાથી મોટા ભાગે દુઃખી જ થવાય છે. અટકળ પ્રેમનું અભિન્ન અંગ છે. ધારણા સાવ જુદી જ વિચારણા છે. મોટેભાગે ધારણાના સુખમાં ભવિષ્ય ગૂંગળાઈ જાય છે. નાના નાના ખાનાઓમાં મૂકી રાખેલી જિંદગી વરસે દહાડે પણ ખાનાઓમાંથી બહાર નથી નીકળી શક્તિ! આખું ગીત કાવ્યસંગીતના ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. અજીત શેઠના સ્વરાંકનમાં માણવા જેવું છે. જગદીશ જોષીના યાદગાર ગીતોમાંનું કાવ્ય છે. શીર્ષકથી જ કવિતા શરૂ થાય છે. ‘એક હતી સર્વકાલીન વાર્તા…’ ધારણા જ્યારે પ્રેમની સરહદમાં પ્રવેશે છે ત્યારે સ્મરણનો અજંપો અજાણ્યો નથી લાગતો! મળ્યાં હોત તો વાત થઈ હોત! નથી મળ્યાં એટલે વાર્તા થઈ છે. ‘ધારો કે…’ આમ આ ‘ધારો કે…’થી જિંદગી ટેવાઈ જાય ત્યારે સંબંધોની એકલતામાંથી ફરિયાદનો સ્વર નથી સંભળાતો! એક સાંજ પણ લાં... બી લાગે એટલુંક જ ‘મળવું’ સંબંધને ન્યાલ કરે છે. સમયની તલવાર સામે ઢાલ બને છે. એક સાંજ જેટલું ધારીને જિવાયેલું ખરેખર જીવનમાં બન્યું હોત તો...? સવાલ અહીંથી જ જવાબને મૂંગો કરે છે. એક ફકરા જેવી સાંજ અને આખા આયખા જેવા નફકરી આંખોની કિતાબ એને કોરી કોરી કેમ કરી વાંચશું ? પ્રશ્ન જેને પૂછવાનો છે એ તો હૃદયમાં સાક્ષાત્ હાજર છે. જેમણે જવાબ આપવાનો છે એ તો જીવનમાંથી જ ગેરહાજર છે. ખબર ન હોય એવા પ્રશ્નો મનની ધારણામાં જ ઉદભવે છે અને સમયાંતરે શમી પણ જાય છે. ધારી લેવામાં મજા તો આવે જ છે. એ મજાનો ચચરાટ આખી જિંદગી રહે છે. સહેજ આંખો મળે અને મેઘધનુષ મહોરી ઊઠે! હોઠ કહેવાને તલપાપડ વાતને શબ્દોમાં ઢાળી પણ આપે પછી... હાથની બળબળતી રેખાની તડપન માત્ર ઝૂરપો આપે છે. એને જેની સંગાથમાં સહન કરાવવો છે એ તો ગુમ...! આકાશની જેમ ઝૂકી જવાય બંને કોરથી... ફૂલોને પૂછી પણ લેવાય મઘમઘ થવાની ભાષા... પણ આકાશ અને ફૂલો જેવી જ મુંગી વેદના ધબકારામાં લપાઈને બેઠી છે એની સંવેદનાનું શું? વારતા છે તો અંતમાં ખાધું-પીધુંને રાજ કર્યું-ની વાત આવે જ. પણ પ્રેમની વારતામાં ઝૂરતા ઓરતાનું રાજ કયા ચોપડામાં લખાયું છે? સમર્પણ પ્રેમને પગભર કરે. ગમતી વ્યક્તિ જ જીતે એવું દરેક પ્રેમી ઇચ્છે! સમયનો પવન સુસવાટા સાથે ઉંમરને સમૃદ્ધ કરે. પણ, ધારીને માંડેલી વારતા અધૂરી જ રહી જાય ! આ આખું કાવ્ય આપણને અધૂરા રાખીને તૃપ્ત કરે છે. બહુ ઓછી કવિતાઓ એક જ વિષયને પકડીને સળંગ વિષયાંતર કર્યા વગર પૂર્ણ થાય છે. એવી કવિતાઓ સ્વરકારની આંગળી પકડીને ભાવકના કાનમાં રાજ કરે છે. અધૂરી વારતા આમ પૂર્ણ થાય છે એનો આનંદ કવિને અને પુન: સ્વરકારને મળે છે. સતત ચાલતી જિંદગીને થાક ન લાગે માટે આવી કવિતાઓ વાંચીને ફરીથી જીવવાની ધગશ મળે છે. સ્મરણ એટલે જ બધાને સ્વભાવની માફક ફળે છે.
Read Original Article →