દેશી ઓઠાં:કીડી સ્વર્ગને બારણે

Magazine4/26/2026, 12:50:00 AM
દેશી ઓઠાં:કીડી સ્વર્ગને બારણે
સવારનો પો’ર છે. નાડા વા દી’ ચડ્યો છે. ખેડૂ માતર વાડી-ખેતર ભેગા થઈ ગ્યા છે. ઢોર-ઢાંખર સીમ-વગડે ચરવા ગ્યાં છે. કામઢી બાયું છાણ-વાંસીદાં ને દળવા-ખાંડવામાં પડી છે. શેરી- બજારમાં ટવરક ટવરક માણાહ દેખાય છે. એવા ટાણે ઓઘડદાસ ઘરના ઓટલે બેઠા બેઠા હોકો ગડગડાવે છે. હોકાની ગળચટ્ટી ગંધમાં લેલૂંબ થઈ ગ્યા છે. ઘેઘૂર આંખ્યું બિડાઈ ગઈ છે. એવામાં મેપાએ ઓઘડદાસની તંદ્રા તોડી. ‘એ રામ રામ, ઓઘડબાપા !’ ઓઘડદાસ જાગ્યા: ‘ રામ રામ, મેપા ! આવ્ય આવ્ય..!’ ‘ઠાકર મંદિરે ગ્યો તો, લ્યો, બાપા…પરશાદ’ ઓઘડદાસે ડાબી હથેળીને માથે જમણી હથેળી મૂકી, સાકરની પાંચ- સાત કણીનો પરશાદ લઈ, આંખ્યે ને માથે અડાડી ભાવથી મોઢામાં મૂક્યો. થોડીક આડીઅવળી વાતું કરીને મેપો ગ્યો. તરત જ ડાયો અને સુખો આવ્યા. વાતમાં ને વાતમાં ઓઘડદાસની નજર હેઠે જમીન માથે પગરખાં પાંહે પડી. પરશાદની એક કણી હેઠે ઓટલાની થડોથડ પડી ગ્યેલી, ન્યાં કીડીઓની હાર્ય થઈ ગઈ. ઓઘડદાસ મલક્યા. ડાયાએ પૂછ્યું: બાપા ! કેમ મોઢું મરકાવો છો ?’ ઓઘડદાસ ધીમેથી બોલ્યા:‘ડાયા! આંયા સાકરની એક કણી પડી છે,ઈ વાવડ આ કીડીને કોણ દેતું હશે! અને અચરજ ઈ વાતનું છે કે ગળપણના સરનામે કીડી એકલી કોઈ દી’ નો આવે. ભેળી આખી નાત્ય હોય. કીડીમાં સંપ બહુ. ઈ વાતનું એક ઓઠું મને હૈયે ચડ્યું. હાંભળ્ય: કીડીનો સંપ જોઈને ભગવાન એના ઉપર પરસન થ્યા: ‘હે કીડી ! આ જગતમાં એકેએક જીવ સ્વાર્થી છે. પોતાના પેટ ભરવા સિવાય કોઈને કોઈ વાતની પરવા નથી. કોઈનું આંચકીને કે ચોરીને પણ પોતાનું જ ભલું કરવામાં જ બધા જીવ પાવરધા છે. મારો રચેલો સુંદર સંસાર કદરૂપો થઈ ગ્યો છે. હે કીડી ! તું તો નાનામાં નાનો જીવ છો ! તારી સંપની ભાવના જોઈને હું બહુ રાજી છું. તને વરદાન આપું છું કે, જ્યારે તને મન થાય ત્યારે તું સ્વર્ગમાં આવી જાજે. ’ કીડી તો રાજીના રેડ થઈ ગઈ. કીડીએ તો અખાત્રીજને દી’ સ્વર્ગમાં જાવાની તૈયારી કરી. આ વાત જંગલમાં ફેલાઈ ગઈ. બધાં પ્રાણી ભેગાં થયાં. હાથીએ કીડીને કીધું: ‘કીડીબેન મને લઈ જાવને!’ કીડી કહે: ‘ભલે, મારી ઉપર બેહી જા!’ પછી તો ઊંટ પણ તૈયાર થયું. હાથી ઉપર ઊંટ બેઠું. ઊંટ ઉપર ઘોડો, પછી તો ભેંસ, બકરી, વાંદરો… એમ આખું કટક ઊપડ્યું. સ્વર્ગનો દરવાજો આવ્યો. ભગવાનના દૂત કીડીને આવકારો આપવા આવ્યા. કીડીની ભેળાં આટલાં બધાં પ્રાણીઓ જોઈને સેવકોએ ભગવાનને વાત કરી. ભગવાને એટલું જ કીધું કે કીડી સિવાય બાકી બધાંને પાછાં વાળો. આંયા તો પોતાના પગે હાલીને આવવું પડે. એકબીજાને ખંધોલે ચડીને આવે એને આંય જગ્યા નો મળે.
Read Original Article →