થેન્ક યૂ:કશું જ ન કરીને ઘણું કરવાનો વખત
ડો. જયેશ વાછાણી નવરા હોઈએ ત્યારે જ કઈક નવું સૂઝે. કઈ નથી એટલે જ કંઈક કરીએ. કંટાળો આવે ને ત્યારે જ કઈક ક્રિએટિવ થાય.
પછી એ નોટમાં પેનથી થતાં લીટોળિયા હોય કે ટેબલ પર હાથથી વગાડાતા તબલા હોય. આવો કંટાળો વેકેશનમાં આવે ત્યારે ઘણું નવું અને સારું થતું હોય છે. વેકેશન એટલે જીવવાની રીતમાં થોડો ચેન્જ.
ઊઠવાથી લઈને સૂવા સુધીની પ્રવૃત્તિઓમાં નિરાંતથી લઈને નવીનતાનો અંદાજ ઉમેરવાની આઝાદી. ક્યાંય ન જવાનું હોવાથી ગમે ત્યાં જવાની છૂટ. ક્યાંક પહોંચવાની ઉતાવળ ન હોવાથી મન થાય ત્યાં પહોંચી જવાની મજા. નથી એવા દેખાડવાની મથામણને બદલે જેવા હોય એવા જ રહેવાનો આનંદ.
થોડા મોડા નહાઇએ કે સોફા પર બેસી મન થાય ત્યારે ખાઈએ.
નાઈટ ડ્રેસમાં જ પડ્યાં પડ્યાં છાપું, મેગેઝિન વાંચીએ કે ટીવી, સિરિઝ જોઈએ. એક ન ગમે તો બીજું અને બીજું ન ગમે તો ત્રીજું કરીએ અને એટલે જ આવું કંઈક કંઈક નવું નવું કરવાના ચાન્સમાંથી ચોઈસ સુધી પહોંચી જઈએ. શું ગમે છે અને શું ગમતું નથી એની ખબર પડે. કશુંક નવું ટ્રાય કરવાનો મોકો મળે. કશુંક ગમતું પૂરું કરવાનું કે ફરીથી એ જ પાછું માણવાનું મળે જેમ કે
ગમતા મૂવી ફરીથી જોવાય કે જોવા ધારેલા બાકી હોય તે જોઈ શકાય.
કાંઇ પૂરું કરવાનું કે કશુંક પરિણામ મેળવવાનું નહીં, બસ કરવાનું.
કશુંક મેળવવા કે પામવા નહીં બસ માણવા.
મનગમતું હોય તે જમાય, જોવાય અને ત્યાં જવાય.
રિમોટ મૂકીને હેડફોન પહેરાય’ને પુસ્તક વાંચીને ફરવા નીકળાય.
વહેલા ઊઠીને વોકિંગ કરાય કે મોડે સુધી જાગીને પિક્ચર જોવાય.
રૂટિન લાઈફમાં જે ન થઈ શકતું હોય તે વેકેશનમાં અજમાવી લેવાય.
વિપશ્યનાની શિબિર કરાય કે લોંગ રૂટ બેકપેક બાઇક રાઈડ કરાય.
આવું ન કરાય કે કરાય એવું જાતે જાણવા પણ જો એકવાર એ કરવું હોય તો વેકેશન બેસ્ટ. વેકેશનમાં ટ્રાય કરાય અને પછી યોગ્ય પસંદીદાને જીવનપર્યંત ચાલુ રખાય. વેકેશનમાં થાય એટલા અનુભવ થવા દેવાય.
વેકેશનમાં જાત સાથે સંવાદનો સમય મળે, ખુદ વિશે ખુદને જાણ થાય.
કરેલી ભૂલ વિશે વિચાર કરવાનો મોકો મળે, સ્વજનો સાથે રહેવાનો લાભ મળે.
પોતાના શોખ અને ટેસ્ટની ખબર પડે. શેના વગર ચાલે કે ન ચાલે તેનો ખ્યાલ આવે.
શક્તિ અને મર્યાદાની સમજ પડે. કયાં છીએ અને કયાં હોવા જોઈએ એની સમજણ મળે. પણ હા, આ બધું આવે કે મળે એટલે પેલું બધું કરવાનું નહીં, એ તો પેલા ગીતાના ફળ પર અધિકાર ન રાખવાના ફંડાને સામે રાખી
એકથી કંટાળો આવે તો બીજું અને બીજાથી વળી ત્રીજું, બધું જ અનુભવવાનું. તો જ બાય પ્રોડક્ટ તરીકે આ બધું પાછળ પાછળ આવશે. એટલે જ વેકેશનમાં કશું જ ન કરીને બધું જ કરી જોજો.
Read Original Article →