સ્ટ્રેઇટ ડ્રાઇવ:માહિતીનો માસ્તર
અપૂર્વ ભટ્ટ વાત 1978 આસપાસની છે.ઑસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ કાઉન્ટીમાં એક દુબળો પાતળો યુવાન ક્રિકેટ રમવા દાખલ થયો. યુવાનને ક્રિકેટ પ્રત્યે ખૂબ ચાહત હતી પણ રમત માટેના જરૂરી કૌશલ્યની તેનામાં ખામી હતી.
જેમતેમ કરી તેને ક્વિન્સલેન્ડની ટીમમાં જગ્યા તો મેળવી પણ ખાસ કશું પ્રદર્શન કરી ન શક્યો. ક્વિન્સલેન્ડની ટીમમાં એ વખતે જ્યોફ ડિમોક, ઇયાન મેગુરી અને ફિલ કાર્લસન જેવા ધરખમ ખેલાડીઓ વચ્ચે તેને માત્ર સાત મેચમાં 160 રન બનાવ્યા જેમાં 41 રન સર્વોચ્ચ હતા. આ પ્રદર્શન પરથી તેના માટે આગળ રમવું મુશ્કેલ હતું.
યુવાન ક્રિકેટ છોડી ટીચિંગની જોબમાં લાગી ગયો પણ ક્રિકેટ માટેનો પ્રેમ અને ઉત્સાહ બરકરાર રહ્યો.
1985 પછી સમગ્ર દુનિયા કોમ્પ્યૂટર યુગમાં પ્રવેશી. તેથી આ યુવાન ટીચર પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓને કોમ્પ્યૂટરથી શિક્ષિત કરવા માટે કોમ્પ્યૂટરનો બેઝિક કોર્સ શીખ્યો.
ધીમે ધીમે કોમ્પ્યૂટરના આંકડાઓ સાથે કામ પાડવામાં તેને મહારત હાંસલ થતી ગઈ. તેણે જોયું કોમ્પ્યૂટરમાં જેટલો વધારે ડેટા ફીડ કરવામાં આવે તેટલું તે વધારે સચોટ પરિણામ આપે છે.
એક સાંજે તે કોમ્પ્યૂટરના ગહન અભ્યાસ માટે ડેટા પરની બુક લાઇબ્રેરીમાં વાંચતો હતો ત્યાં જ બહાર થોડે દૂર મેદાનમાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીનો દડો લાઈબ્રેરીની બારી સાથે અથડાયો. કાચ તૂટવાનાના અવાજથી તે ધ્યાન ભંગ થયો પણ સાથે જ મનમાં એક વિચાર ઝબકી ગયો કે કોમ્પ્યૂટર અને ક્રિકેટનો સમન્વય કર્યો હોય તો…
બસ! ડેટા ફીડિંગનો તેને બહોળો અનુભવ હતો જ તેમાં તેણે ક્રિકેટના દરેક દેશની ટીમમાં રમતા ખેલાડીઓના બને તેટલા ડેટા ભેગા કર્યા અને દરેક ખેલાડીની કર્મ કુંડળી બનાવી નાખી.
1994 માં પોતાની ક્વિન્સલેન્ડ ટીમ માટે તેણે કોચ બનવા અરજી કરી. કોઈ તેને કોચ બનાવવા તૈયાર નહોતું પણ જેવી તેણે વિરોધી ટીમોની ડેટા શીટ અને વિજય માટેની રણનીતિ ટેબલ પર બતાવી તો ક્વિન્સલેન્ડના સંચાલકો આભા બની ગયા.
1994માં તે ક્વિન્સલેન્ડનો કોચ બન્યો અને બધાના આશ્ચર્ય વચ્ચે ક્વિન્સલેન્ડ ‘શેફિલ્ડ શિલ્ડ’ જીતી ગયું.
ક્વિન્સલેન્ડના ખેલાડી અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કપ્તાન એલન બોર્ડેરની નજરે આ યુવાનને પારખી લીધો અને 1999માં ઑસ્ટ્રેલિયન ટીમના કોચ પદેથી જ્યોફ માર્શ નિવૃત્ત થયા ત્યારે જ એલન બોર્ડેરની દરમિયાનગીરીથી આ યુવાનને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કોચ નિયુક્ત કરવામાં આવ્યો.
મિત્રો, આ અંકશસ્ત્રી શિક્ષક એટલે ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી યશસ્વી કોચ જોન બુકાનન. તેમણે 1999થી 2007 સુધી ઑસ્ટ્રેલિયન ટીમનું કોચિંગ કર્યું.
આ દરમિયાન 2003, 2007નો વર્લ્ડ કપ અને 2006ની ચેમ્પિયન્સ ટ્રોફી ઉપરાંત 90 ટેસ્ટમાંથી 72 ટેસ્ટમાં વિજય મેળવ્યો. તેમાં સતત 15 ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમ વિજયી બની વિશ્વ વિક્રમ સ્થાપ્યો.
Read Original Article →