લક્ષ્યવેધ:ધીરજની ટોચે સફળતાના વાવટો

Magazine5/31/2026, 12:35:00 AM
લક્ષ્યવેધ:ધીરજની ટોચે સફળતાના વાવટો
પહેલો પ્રયાસ, નિષ્ફળ. બીજો-નિષ્ફળ. ત્રીજો-નિષ્ફળ…આઠમો પણ નિષ્ફળ. જીવનનો એક દસકો વહી ગયો. તોય સમયના વહેણમાં સપનાનું વહાણ ડૂબ્યું નહીં. હવે અંતિમ પ્રયાસ હતો. છેલ્લા બોલ પર છગ્ગો મારીને મેચ જીતાડવા જેટલું દબાણ જીતેન્દ્ર પ્રજાપતિના દિમાગમાં હશે. ‘ધીરજ…’ જીતેન્દ્ર એકદમ શાંતિથી કહે છે, ‘આટલી અસફળતાઓએ મને એક જ વાત શીખવી છે અને તે છે ધીરજ.’ મૂળ રાજસ્થાનના પણ કચ્છ ગાંધીધામમાં ઉછરેલા જીતેન્દ્ર પ્રજાપતિના પિતા ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીન ચલાવે છે. કોમ્પ્યૂટર એન્જિનિયરિંગ કર્યા બાદ રાજસ્થાનના પોતાના ગામની તકલીફો જોઈને સિવિલ સેવામાં આવવાનો વિચાર કર્યો. પરિવારનો પૂરો ટેકો. જીતેન્દ્રભાઈની રણનીતિ સમય સાથે ઘડાતી ગઈ. તૈયારી શરૂ કરી ત્યારે ઇન્ટરનેટ પર પણ મર્યાદિત માર્ગદર્શન હતું. જાતે જ તૈયારી શરૂ કરી. પછીનાં વર્ષોમાં નવી દિલ્હી પણ ગયા. શરૂઆતના પ્રયાસોમાં પ્રીલિમિનરી પણ પાર નહોતી કરી શકાઈ. જ્યારે પ્રીલિમિનરી પાર પડી ત્યારે ખબર પડી મેન્સ માટે કોઈ ખાસ તૈયારી થઈ જ નથી શકી. ખાસ કરીને લેખન કૌશલ્ય તો વિકસાવ્યું જ નહોતું. સાપસીડીની રમતનો સાપ ગળીને પાછો શૂન્ય પર રમત લાવીને ઊભો રહી ગયો. જીતેન્દ્ર કહે છે કે મારો પરિવાર મારી સાથે છેક સુધી રહ્યો. પપ્પા કહું અપાય ત્યાં સુધી આપ. થાય તો સારું નહીંતર બીજા વિકલ્પ પણ છે. બિઝનેસ પણ અને એન્જિનિયરિં ગ પણ. મમ્મીનો પણ ટેકો રહ્યો. બીજો ટેકો નજીકના દોસ્તોનો. સારા ખરાબ સમયમાં બધા સાથે રહ્યા. ત્રીજું મેં મારી માનસિક અને શારીરિક તબિયત દુરસ્ત રાખી હતી. આ બધું જ લાંબી યાત્રાના દરેક પડાવમાં સાથે રહ્યું. ‘મેં બહારની દુનિયાની નિંદા અને પ્રસંશાથી પોતાની જાતને બચાવેલી. એટલે હું સોશિયલ મીડિયાથી દૂર જ રહેતો. કોણ શું કરે છે એ ખબર જ ન હોય તો મનમાં કોઈ તુલનાત્મક ભાવ ઊભો થવાનો નથી. તમે જે કરો છો એ કરતા રહેશો.’ ‘અંગ્રેજીમાં એક કહેવત છે કે જ્યારે કોઈ મોટું આયોજન કરો ત્યારે ડોન્ટ લીવ એની સ્ટોન અન ટર્ન્ડ. એટલે કે લક્ષ્યપ્રાપ્તિ માટે કોઈ કસર બાકી ન રાખો. જ્યારે જ્યારે હું નિષ્ફળ ગયો મેં તેની ઊંડાણથી તપાસ કરી. મને જે જે કારણો મળતાં ગયાં એને સુધારતો ગયો. કશું બાકી ના રાખ્યું. જેમ કે પહેલી મેન્સ પછી ખ્યાલ આવ્યો કે નિબંધ, નીતિશાસ્ત્ર અને મુખ્ય વૈકલ્પિક વિષયોના ગુણ મુખ્ય ભૂમિકા ભજવે છે તો બીજી વાર એ ભૂલ સુધારી. ‘મારી તાકાત મારા અનુશાસનમાં હતી. રાતે ફોન અડતો નહીં. બીજા દિવસનું આયોજન નક્કી જ હોય. સવારની કસરતથી માંડીને જમવા સુધીની રોજિંદી બાબતો સુધી બધું જ. નવમા પ્રયાસ સુધી આવતાં આવતાં મારી મોટા ભાગની ભૂલો કાઢી નાખી.’ ‘પ્રવાસ અઘરો હતો. આટલાં બધાં વર્ષોનો હિસાબકિતાબ સહેલો નથી. સાથેના મિત્રો અન્ય ક્ષેત્રોમાં આગળ વધતા હોય, અંગત જીવનનાં પગથિયાં ચડતા હોય ત્યારે તમે એ જ પુસ્તકો અને એ જે લાઇબ્રેરીમાં કલાકો ગણતા હો. શરૂઆતમાં થોડું વિચિત્ર લાગતું પણ પછી મેં તેમનાં સારાં પાસાં જોવાના શરૂ કર્યાં. તેમાંથી શીખવાનું પણ શરૂ કર્યું. બધી વાર્તાઓ મને પોતાની જ લાગી. હું વધુ સારો માણસ બનતો ગયો.’ ‘પ્લાન બી હોવો જરૂરી છે. મારી પાસે નહોતો શરૂઆતમાં. આયોજન ન હોય એટલે નિષ્ફળતાઓ વાગે. ઉમેદવારોએ વૈકલ્પિક કારકિર્દી વિચારી રાખવી પડે.’ ‘આખરે અંતિમ પ્રયાસમાં પહેલી વાર પર્સનાલિટી ટેસ્ટ સુધી પહોંચ્યો. છેલ્લી ઓવર છેલ્લો બોલ. છ રન જોઈએ એવી સ્થિતિ. પૉલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન વિષય હોવાના કારણે તત્કાલીન ઈરાન અમેરિકા તણાવના પ્રશ્નો પૂછવામાં આવ્યા. કોમ્પ્યૂટર સાયન્સ વિષયને મુખ્ય વૈકલ્પિક વિષય તરીકે કેમ પસંદ ન કર્યો? પાકકળા શોખનો વિષય હોવાથી તે અંગે પણ સવાલો પુછાયા.જેમ કે ઇટાલિયન અને મારવાડી ભોજન વચ્ચેનો તફાવત. જીતેન્દ્રની જીદ સામે ભાગ્યને ઝૂકવા સિવાય વિકલ્પ નહોતો. ઓલ ઇન્ડિયા રેન્ક 287 સાથે જીતેન્દ્ર પ્રજાપતિ લક્ષ્યવેધ કરે છે. એક દાયકાની ધીરજ તેની ટોચ પર સફળતાની પતાકા જોઈ રહી હતી અને નીચે હતી કેટલીય નિષ્ફળતાઓની વાર્તા. જીતેન્દ્ર કહે છે, ‘પરિણામની એ ક્ષણ હું કદી નહીં ભૂલી શકું. આવી ક્ષણ જીવનમાં ફરી ક્યારેય નહીં આવે. પરિણામના દિવસે પણ હું લાઇબ્રેરીમાં વાંચતો હતો.’ }
Read Original Article →