લક્ષ્યવેધ:લેખન કૌશલ્ય કઇ રીતે વિકસાવાય?

Magazine4/26/2026, 12:50:00 AM
લક્ષ્યવેધ:લેખન કૌશલ્ય કઇ રીતે વિકસાવાય?
મારે એર ફોર્સમાં જવું હતું. નૅશનલ ડિફેન્સ એકેડમી કે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ મારફતે સેનાનો ભાગ બનવું હતું. પપ્પા ઈન્ક્મટેક્સમાં હતા- સરકારી વ્યવસ્થાઓ સાથે પરિચય પણ હતો. મમ્મી આંગણવાડી કાર્યકર. અમદાવાદની સ્પેસ એપ્લિકેશન સેન્ટરના કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. સુરતની ‘એસ. વી. એન. આઇ. ટી.’થી બીઈ ઇસી કર્યું.’ જૈનિશભાઈના જીવનની નાની રૂપરેખા. યુ. પી. એસ. સી. સિવિલ સેવા પરીક્ષાની તૈયારી અનુભવોના ઉતારચડાવ સાથે થાય છે. પહેલીવાર અભ્યાસક્રમ હાથ પર લો તો કિનારે બેઠેલો જહાજનો કપ્તાન નકશો લઈને ક્ષિતિજ તરફ નજર નાખે એમ અંતહીન લાગે, પણ જેવું દરિયામાં વહાણ ઊતરે કે દરિયો જ દરિયાને સમજાવી દે જાણે! અફાટ લાગતા અભ્યાસક્રમની થોડી થોડી નિશ્ચિત આકૃતિ બનતી જાય. વિશ્વની અટપટી લાગતી ઘટનાઓને મનમાં આકાર મળતો જાય. જેમ ટ્રેઝર હન્ટમાં ચાવીઓ મળતી જાય અને નવા દરવાજા ખૂલતા જાય એમ આપણી આસપાસના વિશ્વના અર્થનાં સ્તરો ખૂલતા જાય. પરીક્ષકના મનમાં પ્રવેશ કરવો એ આ દાયકાની સિવિલ સેવા પરીક્ષાની તૈયારીઓની સર્વ સ્વીકૃત રણનીતિ બની રહી છે. કેવા પ્રશ્નો કેવી રીતે પુછાય છે એ સમજણ સમયનો વેડફાટ અટકાવે છે. પ્રીલિમિનરી અને મેન્સ બંનેમાં તેનું રણનૈતિક મહત્ત્વ છે. જૈનિશભાઈએ લેખન કૌશલ્ય વિકસાવવા પર વધુ મહેનત કરી. ખાસ કરીને કોઈ પણ વિષયની સંકલ્પના કે વ્યાખ્યા મજબૂત કરી. તેના માટે પરિશ્રમ એવો કર્યો કે એક નોટમાં મથાળે કોઈ એક વિષયની વ્યાખ્યા લખી અને પછી નીચે ત્રીસ વાર મોઢે લખી. ઉદ્દેશ ગોખવાનો નહોતો. ચાવીરૂપ વ્યાખ્યાઓ મેમરી મસલ કે સ્મૃતિનો સ્વાભાવિક ભાગ બની જાય તો વધુ આત્મવિશ્વાસથી જવાબ આપી શકાય. મગજમાં સંશય પેદા થવાની સંભાવનાઓ ઘટી જાય. એવી જ રીતે પસંદ કરેલા વિષયો કે મુદ્દાઓ માટે જરૂરી આંકડાઓ અને અવતરણો પણ સંગ્રહિત કર્યાં. હવે આ સમજણ જવાબમાં ઊતરે ત્યારે ખરી. એટલા માટે જવાબ લખવાની પણ તૈયારી કરી. આકૃતિઓનો ઉપયોગ કર્યો. જવાબમાં જરૂરી લાગે તો મર્યાદિત જગ્યામાં પણ બે આકૃતિઓ કે ગ્રાફ કે ચાર્ટ બનાવી શકાય તેવો પ્રયાસ કર્યો. નિબંધમાં મૌલિકતાને પ્રાધાન્ય આપ્યું. ઇન્ટરનેટ પર આવતી સલાહો કે પરંપરાગત રીતે નિબંધ લખવાની પદ્ધતિઓના આંધળા અનુસરણને બદલે ઉપયોગી બાબતો સ્વીકારીને ભાષાકીય દૃઢતા પર વધુ ભાર આપ્યો. ગમે તેટલા ઉમદા મુદ્દા કે વિચારો હશે પરંતુ જો અભિવ્યક્તિની શૈલી નબળી હશે તો એ વિચારો પરીક્ષક કે વાચક સુધી પહોંચી શકવાના નથી. બીજું તેઓ કહે છે કે નિબંધ લખવા બાબતે તેમણે શબ્દરચના નહીં પણ આખું લખાણ કાગળ પર કેવું દેખાશે તેની પણ ગણતરી રાખી હતી. જેમ કે એક પાના પર બે જ ફકરા. બેથી વધુ નહીં. દરેકમાં જરૂર પડે તો આનુષંગિક ઉદાહરણો. ઉદાહરણો પણ પ્રખ્યાત- વધુ અજાણ્યા લેખકો કે લોકનેતાઓનાં ઉદાહરણો નહીં. પરીક્ષકના મનમાં ચિત્ર સરળતાથી ઊપસે એ માટેની તમામ સંભવ તૈયારીઓ. જૈનિશભાઈ કહે છે, ‘આ તમામ બાબતોના પરિણામે મારા મેન્સમાં સારા માર્ક્સ આવ્યા છે.’ પર્સનાલિટી ટેસ્ટ આવી ત્યારે પણ આસપાસનો માહોલ પોતાના પર હાવી ન થઇ જાય તે માટે જાતને કેળવી. તેઓ કહે છે, ‘મેં મારા ડીટેલ્ડ એપ્લિકેશન ફોર્મને બહુ ધ્યાનથી ભર્યું હતું. આ તબક્કો મારા વ્યક્તિત્વ પરીક્ષણનો હતો એટલે મારા વ્યક્તિત્વનાં અલગ અલગ પાસાં એ ફોર્મમાં લખાય એ જરૂરી હતું. જેમ કે મને સ્કૂલ સમયથી જ અભ્યાસેતર પ્રવૃતિઓમાં રસ હતો. ડાન્સ, સ્કિટ વગેરે. સ્કૂલ ફૂટબોલ ટીમનો હું કેપ્ટન હતો. નારી સશક્તિકરણ અને ગરીબ છોકરાઓના શિક્ષણ સાથે જોડાયેલ હતો. ઇન્ટરવ્યૂમાં મારી પૃષ્ઠભૂમિ આધારિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા.’ ‘મેં ઘણા મૉક ઇન્ટરવ્યૂ આપ્યા. ‘સ્પીપા’ની ભૂમિકા મહત્ત્વની રહી. હું હંમેશાં એમ વિચારતો કે હું જે જવાબ આપું છું એ પ્રશ્નકર્તા તરીકે હું સાંભળતો હોઉં તો કેવો લાગે. બીજું જે નથી જાણતો એમાં ગપ્પા મારવા કે તેને બીજી દિશામાં લઇ જવાના પ્રયાસ ન કર્યા. એકદમ સાદો સવાલ કે તમે આજે કયા રંગનું શર્ટ પહેર્યું છે અને એ પણ ખબર ન હોય તો હું સીધી ના જ પાડી દેતો. આ પ્રમાણિક અભિગમના લીધે હું કોઈ પણ જાતના ભાર વિના ઇન્ટરવ્યૂમાં બેસી શકતો.’ જૈનિશભાઈની મહેનત રંગ લાવી અને 2025ની સિવિલ સેવા પરીક્ષામાં પરિણામોમાં ઓલ ઇન્ડિયા રેન્ક 589 સાથે તેઓ ઉતીર્ણ થયા. જાહેર વ્યવસ્થાઓ સુદૃઢ બને અને સમાજનો છેવાડાનો માણસ ન્યાયથી વંચિત ન રહે તેવા વિચાર સાથે તેઓ સિવિલ સેવક તરીકે આગળ વધશે. પ્રારંભિક તબક્કાઓની નિષ્ફ્ળતાઓ વચ્ચે જાત પર વિશ્વાસ રાખીને રણનીતિના જોરે જૈનિશ ચૌહાણ લક્ષ્ય વીંધી શક્યા.
Read Original Article →