અપડેટ:ફોન વગરનું બાળપણ આયર્લેન્ડની અનોખી ક્રાંતિ

Magazine4/12/2026, 12:50:50 AM
અપડેટ:ફોન વગરનું બાળપણ આયર્લેન્ડની અનોખી ક્રાંતિ
કેવલ ઉમરેટિયા આજે કોઇ પણ ઘરમાં ડોકિયું કરીએ તો એક દૃશ્ય સામાન્ય થઇ ગયું છે, સ્માર્ટફોન સાથે ચોંટેલાં બાળકો. જમતાં, રમતાં કે પછી સૂતાં સમયે પણ તેમને સ્માર્ટફોન જોઇએ છે. આવા સમયે દુનિયામાં એક ગામ એવું પણ છે જ્યાં બાળકોના હાથમાં મોબાઈલ ફોન નથી. જ્યાં બાળકો શેરીઓમાં દોડાદોડી કરે છે, એકબીજા સાથે વાતો કરે છે, અવનવી રમતો રમે છે અને ખરા અર્થમાં પોતાનું બાળપણ જીવે છે. જો ત્યાં કોઇ બાળકને ફોન આપો તો જવાબ મળે છે, ‘મારી પાસે કરવા માટે આનાથી પણ સારાં કામ છે.’ તમને કદાચ આજના જમાનામાં આ વાત અશક્ય કે કાલ્પનિક લાગશે, પણ આયર્લેન્ડના એક નાનકડા ગામે આ અશક્ય વસ્તુને શક્ય કરી બતાવી છે. વાત આયર્લેન્ડના ગ્રેસ્ટોન્સ નામના એક સુંદર અને શાંત ગામની છે. આયર્લેન્ડના પાટનગર ડબ્લિનના દક્ષિણમાં દરિયાકાંઠે વસેલા આ ગામની વસતી અંદાજે 22, 000 છે. આ ગામ અને અહીંના લોકોએ એવી ક્રાંતિના મંડાણ કર્યા છે, જેમાં હવે દુનિયાના અન્ય દેશો પણ જોડાઇ રહ્યા છે. શરૂઆત ક્યાંથી થઈ? બન્યું એવું કે લોકડાઉન પછી જ્યારે શાળાઓ ફરી શરૂ થઈ. ત્યારે ‘સેન્ટ પેટ્રિક નેશનલ સ્કૂલ’નાં આચાર્યા રશેલ હાર્પર ગેટ પર બાળકોનું સ્વાગત કરવા ઊભાં હતાં. તેમણે કંઈક એવું જોયું જેણે તેમને અંદરથી હચમચાવી દીધા. જે બાળકો પહેલાં હસતાં-રમતાં શાળાએ આવતા તેઓ હવે થાકેલાં અને ડરેલાં લાગતાં હતાં. તેઓ શાળાના દરવાજે આવીને રડતાં હતાં. વળી, આ માત્ર એક શાળા પૂરતું સીમિત નહોતું. તેમણે જ્યારે ગ્રેસ્ટોન્સની અન્ય શાળાઓના આચાર્યો અને શિક્ષકો સાથે વાત કરી, ત્યારે ચિત્ર વધુ ભયાનક લાગ્યું. શિક્ષકોને ટૂંક સમયમાં જ સમજાઈ ગયું કે આ અજીબ બદલાવ પાછળ કોઈ વાઇરસ નહીં, પણ ‘સ્માર્ટફોન’ જવાબદાર છે. લોકડાઉનમાં સમય પસાર કરવા અપાયેલા ફોને બાળકોની ઊંઘ અને માસૂમિયત બંને છીનવી લીધી હતી. બાળકો આખી રાત સ્ક્રીન સાથે ચોંટેલાં રહેતાં. સાઇબર બુલિંગ, વજન ઘટાડવાની એપ્સ અને હિંસક કે અશ્લીલ કન્ટેન્ટે તેમના કુમળા મગજ પર ઊંડો ઘા કર્યો હતો. કેટલાક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન હત્યા અને દુષ્કર્મના વિડીયો જોઈને એટલા ડરી ગયાં હતા કે તેઓ ક્લાસમાં ધ્યાન જ નહોતાં આપી શકતાં. ‘ઇટ ટેક્સ અ વિલેજ’: પીઅર પ્રેશરનો અંત રશેલ હાર્પર સમજી ગયા કે જો અત્યારે કોઈ પગલું નહીં લેવામાં આવે, તો આવનારાં થોડાં જ વર્ષોમાં 5-6 વર્ષનાં બાળકો પણ સ્માર્ટફોનની જાળમાં ફસાઈ જશે. હવે સમસ્યા એ હતી કે કોઈ એક વાલી માટે પોતાના બાળક પાસેથી ફોન છીનવી લેવો લગભગ અશક્ય હતો. જેવો કોઈ વાલી ફોન લેવાનો પ્રયાસ કરે તો બાળકોનો સૌથી મોટો તર્ક એ હતો, ‘ક્લાસમાં બધા પાસે તો ફોન છે, મારી પાસે કેમ નહીં?’ આ જ દબાણને મૂળમાંથી ખતમ કરવા માટે ગ્રેસ્ટોન્સે એક ઐતિહાસિક પગલું ભર્યું, જેને નામ આપવામાં આવ્યું ‘ઇટ ટેક્સ અ વિલેજ’ (It Takes a Village) એટલે કે એક બાળકને ઉછેરવા માટે આખા ગામના યોગદાનની જરૂર પડે છે. 2023 માં ગામના ‘વેલ થિયેટર’માં એક મોટી મીટિંગ બોલાવવામાં આવી. વાલીઓ, શિક્ષકો, ડૉક્ટરો અને સમાજના દરેક વર્ગના લોકોએ તેમાં ભાગ લીધો. ત્યાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે જ્યાં સુધી બાળક સેકન્ડરી સ્કૂલમાં (એટલે કે આશરે 12 થી 13 વર્ષની ઉંમરે) ન પ્રવેશે, ત્યાં સુધી કોઈ પણ વાલી પોતાના બાળકને પોતાનો પર્સનલ સ્માર્ટફોન કે સ્માર્ટ ડિવાઇસ ખરીદી નહીં આપે. આ કોઈ સરકારી કાયદો ન હતો કે કોઈ કડક ફરમાન નહોતું. આ હતો એક સ્વૈચ્છિક કરાર. 70 % થી વધુ વાલીઓ આ નિર્ણય સાથે તરત જ સહમત થઈ ગયા. જેની સાથે એક જ ઝાટકામાં પેલું ‘પીઅર પ્રેશર’ ખતમ થઈ ગયું. જ્યારે આખું ગામ એકસાથે ઊભું રહ્યું આ નિયમની અસર જાદુઈ હતી. માત્ર શાળા અને માતાપિતા જ નહીં, પરંતુ આખું ગામ આ પહેલમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. સ્થાનિક સુપરમાર્કેટના માલિકે તમામ શાળાઓમાં સંદેશો મોકલ્યો કે જો કોઈ પણ બાળકને તેનાં માતાપિતાનો સંપર્ક કરવો હોય, તો તેઓ ગમે ત્યારે તેમના સ્ટોરમાં આવીને ફોનનો ઉપયોગ કરી શકે છે. બાળકો માટે ‘યુથ કાફે’ ખોલવામાં આવ્યા અને ફોન-ફ્રી બીચ પાર્ટીનું આયોજન થવા લાગ્યું, જેથી બાળકો ઓનલાઈન ચેટિંગના બદલે વાસ્તવિક જીવનમાં આમને-સામને બેસીને વાતો કરતા શીખે. એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી કે 16 વર્ષનાં મોટા બાળકોએ નાનાં બાળકોને માર્ગદર્શન આપ્યું. જ્યારે કોઈ 16 વર્ષનો ‘કુલ’ છોકરો કે છોકરી વાત કહે, તે નાનાં બાળકો શિક્ષક કરતાં પણ વધુ ધ્યાનથી સાંભળે છે અને માને છે. બાળકોની પ્રતિક્રિયા: ધાર્યા કરતાં સાવ અલગ! કદાચ તમને લાગતું હશે કે બાળકોએ આનો ભારે વિરોધ કર્યો હશે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. 12 વર્ષના એક બાળકે કહ્યું, ‘મારે એક સ્વસ્થ અને લાંબી જિંદગી જીવવી છે, અને મને ડર છે કે સ્માર્ટફોન મારી આ ઈચ્છામાં અડચણ બની શકે છે.’ તો બીજા એક બાળકે પોતાનો નવો ફોન શાંતિથી કબાટમાં મૂકી દીધો અને કહ્યું, ‘જ્યારે મારા મિત્રો પાસે ફોન નથી, તો મને પણ તેની કોઈ જરૂર નથી.’ આ અભિયાનનાં ત્રણ વર્ષ બાદ આજે જ્યારે કોઇ બાળકને તમે સામેથી ફોન આપો તો એવું સાંભળવા મળે છે: ‘મારી પાસે કરવા માટે આનાથી પણ સારાં કામ છે.’ એક ગામની પહેલ બની વૈશ્વિક ક્રાંતિ આયર્લેન્ડના નાનકડા ગામ ‘ગ્રેસ્ટોન્સ’થી શરૂ થયેલો સ્માર્ટફોન-મુક્ત બાળપણનો સંકલ્પ આજે એક વૈશ્વિક ક્રાંતિમાં ફેરવાઈ ચૂક્યો છે. ગ્રેસ્ટોન્સથી પ્રેરિત થઈને બ્રિટનમાં ડેઝી ગ્રીનવેલે ‘સ્માર્ટફોન ફ્રી ચાઈલ્ડહુડ’ નામનું મોટું આંદોલન શરૂ કર્યું, જેનાં પગલે યુ. કે. સરકારે શાળાઓમાં ફોન પર પ્રતિબંધની સત્તાવાર ગાઈડલાઈન બહાર પાડી. અમેરિકામાં કોઈ રાષ્ટ્રીય કાયદો નથી, છતાં ફ્લોરિડા અને ઇન્ડિયાના સહિત 39 રાજ્યોએ શાળાઓમાં સ્માર્ટફોન પર કડક નિયંત્રણો મૂક્યા છે. ત્યાં લાખો વાલીઓ ‘Wait Until 8th’ ઝુંબેશમાં જોડાઈને બાળક 8મા ધોરણમાં ન આવે ત્યાં સુધી તેને સ્માર્ટફોન ન આપવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. દુનિયાના અન્ય દેશોની શું સ્થિતિ છે? હાલમાં જ યુનેસ્કો દ્વારા ‘ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ’ (GEM) નો એક વિસ્તૃત રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટના આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે તે દર્શાવે છે કે દુનિયા કેટલી ઝડપથી સ્માર્ટફોનના ભયને સમજી રહી છે. દુનિયાના 114 દેશો (એટલે કે લગભગ 58% દેશો) એ શાળાઓમાં સ્માર્ટફોનના ઉપયોગ પર રાષ્ટ્રીય સ્તરે કડક પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે જૂન 2023 માં માત્ર 24% દેશોમાં જ આવો કોઈ પ્રતિબંધ હતો. ફ્રાન્સ, બોલિવિયા, ક્રોએશિયા, માલ્ટા અને માલદીવ્સ જેવા દેશોએ તાજેતરમાં જ શાળાઓમાં મોબાઈલ બેન માટે કડક કાયદાઓ પસાર કર્યા છે. આ ઉપરાંત, ઑસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે સ્પેન અને ફ્રાન્સ 15 વર્ષની વયમર્યાદા લાવવા વિચારી રહ્યા છે. ગ્રેસ્ટોન્સના જ વતની અને આયર્લેન્ડના નાયબ વડાપ્રધાન સિમોન હેરિસ આ મોડલને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવા નીતિઓ ઘડી રહ્યા છે. આમાં ભારતની વાત ક્યાંય નથી અને કદાચ આવશે પણ નહીં. આપણી સરકાર, નેતાઓ કે અધિકારીઓને આ બાબતમાં કોઇ રસ નથી. તેમના માટે બાળકોનાં વિકાસ અને ભવિષ્ય કરતાં બીજા મુદ્દાઓ વધારે મહત્વના છે. બાળપણ એ કુંભારના ચાકડા પર મુકાયેલા માટીના એવા પિંડ જેવું છે, જેને તમે જેવો આકાર આપો તેવો તે બને છે. આપણે જ્યારે બાળકને શાંત કરવા કે તેનાથી પીછો છોડાવા માટે સીધો ફોન પકડાવી દઇએ છીએ ત્યારે અજાણતા જ તેમને ભયાનક ખાડામાં ધકેલી રહ્યા છીએ. ગ્રેસ્ટોન્સ ગામનો આ પ્રયોગ આપણને શીખવે છે કે જો કોઈ એક સોસાયટી, શાળા કે ગામના તમામ વાલીઓ એકસાથે મળીને સંકલ્પ કરે, તો બાળકોને આ ખાડામાં પડતાં બચાવી શકાય તેમ છે. ટેક્નોલોજી જરૂરી છે, પરંતુ બાળપણના ભોગે નહીં.
Read Original Article →