સફર:આયર્લેન્ડ : એમરાલ્ડ ટાપુ

Magazine4/26/2026, 12:50:00 AM
સફર:આયર્લેન્ડ : એમરાલ્ડ ટાપુ
ભારતના વિદ્યાર્થીઓમાં વિદેશ જઈને ભણવા માટે પ્રખ્યાત આયર્લેન્ડને તેના હરિયાળીથી ભરપૂર ભૂપ્રદેશ માટે એમરેલ્ડ ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુરોપમાં આવેલો હોવા છતાં સાવ જુદી સંસ્કૃતિ અને રસપ્રદ ઈતિહાસ ધરાવતા આયર્લેન્ડને પ્રવાસન સ્થળ તરીકે ખાસ ઓળખ મળી નથી. જોકે હવે ઘણા લોકો બ્રિટનની સાથે આયર્લેન્ડના પ્રવાસે પણ જતા થયા છે. આયર્લેન્ડ આમ તો નાનકડો દેશ છે. માંડ 50 લાખની વસ્તી ધરાવે છે. પણ તેનો પ્રવાસ કરવો હોય તો અમુક ચોક્કસ વાતોનું ધ્યાન ખાસ રાખવું પડે છે, કારણ કે આ દેશમાં પ્રાકૃતિક સૌંદર્ય વધુ છે, માટે શહેરમાં સુખસુવિધા સાથે ફરનારા લોકો માટે અહીંનો પ્રવાસ અનોખો સાબિત થશે. માટે હવે આયર્લેન્ડનો પ્રવાસ યોજવાનું વિચારો, તો આ બાબતો ધ્યાનમાં લેવી…. ટ્રિપનું આગોતરું આયોજન કરવું આયર્લેન્ડ ભલે નાનકડો દેશ હોય, પણ અહીં જોવાલાયક સ્થળ ઘણાં છે. આ દેશમાં બધું નજીકમાં જ હોવાથી તમારે આંતરિક પ્રવાસમાં વધુ સમય નહીં બગાડવો પડે. પણ જો આયર્લેન્ડની પૂરી મજા લેવી હોય તો આગોતરું અને સચોટ આયોજન કરવું. ડબ્લિનમાં જ ઓછામાં ઓછા પાંચ દિવસ વિતાવી શકાય તેમ છે. જ્યાર બાદ પશ્ચિમમાં લિમરિક અને છેલ્લે દક્ષિણમાં કૉર્ક શહેરનો પ્રવાસ યોજવામાં આવે તો મોટા ભાગનું આયર્લેન્ડ ફરી શકાય. આયર્લેન્ડનો કુલ દસેક દિવસનો પ્રવાસ કરો તો અહીંનાં તમામ સ્થળ આવરી શકાય. ગાડી લઈને ફરવું જોઈએ આયર્લેન્ડનો અસલ પ્રવાસ કરવા ગાડી લઈને ફરવું રસપ્રદ સાબિત થાય તેમ છે. ભારતથી આયર્લેન્ડ જતા પ્રવાસીઓ તેમના ડ્રાઈવિંગ લાઇસન્સ પર ગાડી ભાડે લઈ શકે છે. આયર્લેન્ડ સરકાર આ માટે બાર મહિના સુધીની પરવાનગી આપે છે. જે માટે તમારી પાસે પર્યાપ્ત સમય અવધિ ધરાવતું ફુલ ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું અનિવાર્ય છે. પ્રવાસ પહેલાં ઓનલાઈન માધ્યમથી ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ પણ મેળવી લેવી સલાહભર્યું છે. શહેરમાં ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો આખા આયર્લેન્ડમાં ભલે તમે ગાડી લઈને ફરો, પણ અહીંનાં શહેરોમાં ગાડી લઈને ફરવું અઘરું સાબિત થશે. આ દેશમાં ફ્રી પાર્કિંગ જેવી સુવિધાઓ નથી. ઉપરાંત પાર્કિંગ માટે સ્થળ શોધવું પણ થકાવનારું સાબિત થશે. માટે જો શહેરમાં ફરવું હોય તો ગાડી ભાડે લેવામાં પૈસા ન બગડવા. આયર્લેન્ડના ડબલિન, ગેલવે, બેલફાસ્ટ, લિમરિક, કૉર્ક વગેરે શહેરમાં ખૂબ વ્યવસ્થિત પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રવાસને ઝડપી અને સગવડતાભર્યો બનાવવા તેનો લાભ લઈ શકાય. આયર્લેન્ડનાં શહેરોમાં ચાલીને અમુક સ્થળો જોવાનો આગ્રહ રાખવો જોઈએ, ચાલવું ન હોય તેમના માટે સાઇકલિંગનો પણ વિકલ્પ અહીં સરળતાથી મળી રહે છે. વેલ્યૂ એડેડ ટેક્સ અચૂક પાછો લેવો આયર્લેન્ડમાં મોટાભાગની સામગ્રી પર ૨૩ ટકા વેલ્યુ એડેડ ટેક્સ (VAT) વસૂલવામાં આવે છે. યુરોપની બહારથી આયર્લેન્ડ જતા પ્રવાસીઓ માટે આ દેશમાં ભરેલો ટેક્સ પાછો મેળવવાની સુવિધા છે. રિટેલ એક્સપોર્ટ સ્કીમ તરીકે ઓળખાતા આ પ્રોગ્રામનો લાભ બ્રિટિશ નાગરિકો પણ મેળવી શકે છે. તમે જ્યારે શોપિંગ કરવા જાવ ત્યારે એટલું ધ્યાન રાખવું કે દુકાનદાર આ સ્કીમ માટે લાયક હોય. જે માટે તેને જ પૂછી શકાય. જો દુકાનદાર લાયક હશે તો તમારું બિલ સાચવી રાખવું. જ્યારે તમે આયર્લેન્ડથી પાછા ફરો ત્યારે એરપોર્ટ પર કસ્ટમ વિભાગમાં તમારા બિલ જમા કરાવી VAT પાછો મેળવવા અરજી કરી શકાય છે. શોપિંગ માટે ખર્ચેલ પૈસામાંથી ૨૩ ટકા પાછા મળે એ કોને ન ગમે, તમને પણ ગમશે. સમજી વિચારીને કપડાં પેક કરો આયર્લેન્ડમાં સાદાં કપડાં પહેરવાનું ચલણ છે. વજનમાં હળવા અને વ્યવસ્થિત રીતે શરીર ઢંકાય એવાં કપડાં હોય એટલે બસ. આયર્લેન્ડમાં અતિશય તાપ પડતો નથી, માટે એકાદ ગરમ પહેરણ ભેગું પેક કરી લેવું. અહીંનું વાતાવરણ ગમે ત્યારે બદલાઈ શકે છે. અહીં વરસાદનાં ઝાપટાં સામાન્ય છે. માટે એકાદ વોટરપ્રૂફ જેકેટ સાથે રાખવું. આયર્લેન્ડની અનોખી મહેમાનગતિ માણવાનું ભૂલવું નહીં. આઇરિશ લોકો વાતચીતમાં મર્યાદા રાખવી. વધુ અંગત થવું અને પરિવારલક્ષી સવાલ પૂછવા આઈરિશ લોકોને ગમતું નથી માટે વિવેકપૂર્વક વર્તવું.
Read Original Article →