વિસ્મય:ઈરાન શસ્ત્રસમૃદ્ધ બન્યું તેની પાછળ કાશ્મીરમાં વહેલાં લોહીની કિંમત પણ ચૂકવાયેલી છે

Magazine4/26/2026, 12:50:00 AM
વિસ્મય:ઈરાન શસ્ત્રસમૃદ્ધ બન્યું તેની પાછળ કાશ્મીરમાં વહેલાં લોહીની કિંમત પણ ચૂકવાયેલી છે
ધૈવત ત્રિવેદી આર્મ્સ ડીલર્સની અંધારી દુનિયા - લેખ: 2 ક્રોસિંગ...’ આટલો ટૂંકો, ફક્ત એક જ શબ્દનો મેસેજ વીએચએફ રેડિયોની ચેનલ 16 પર મળ્યો એ સાથે તે સજ્જ થયો. નક્કી થયા મુજબ તેણે હવે વેસલને દક્ષિણ-પૂર્વ દિશાએ ચારેક નોટિકલ માઈલ જેટલું આગળ લઈ જવાનું હતું. ત્યાં પહોંચીને તેણે સિગ્નલ આપવાનું હતું એટલે કાંઠા પર તહેનાત હેલિકોપ્ટર અને ઈન્ટરસેપ્ટર બોટ આગળ વધવાના હતા. ‘આ વરસાદ...’ કટાણું મોં કરીને તેણે છાતી માથેનાં આકાશ તરફ નજર માંડી. ભડભાંખળું થવા આવ્યું હતું પણ આકાશનો મેઘાડંબર હજુય મધરાતનો અહેસાસ કરાવતો હતો. ટૂર ચાર્ટ ચેક કરવા એ તૂતક પર પહોંચ્યો પરંતુ એટલી વારમાં ય વરસાદના વેગીલા ફોરાએ તેને ભીંજવી દીધો. ઓક્ટોબરમાં ભૂમધ્ય સમુદ્ર સાધારણ રીતે ખુશનુમા હોય. ઠંડીગાર પણ નહીં અને લાય લગાડતી પણ નહીં, એવી શીતળ હવા વહેતી હોય. દરિયો ય સમાધિ લગાવીને બેઠેલાં જોગી જેવો શાંત, સ્થિર હોય. તેને બદલે ગઈકાલે આથમતી સાંજથી શરૂ થઈ ગયેલો વરસાદ હજુય અટક્યો ન હતો. ટૂર ચાર્ટ પર ઝડપભેર ફરી રહેલી તેની આંખોમાં ચિંતા તરી આવી. વરસાદનો વેગ જો વધશે તો હેલિકોપ્ટરની ઉડાન મુશ્કેલ બનશે. આવી રહેલું જહાજ રેડિયો સાઇલન્ટ રાખે તો ઈન્ટરસેપ્ટરનેય તેની હાજરી ઓળખવામાં વાર લાગશે અને આટલી ઓછી વિઝિબિલિટીમાં અહીંથીય એ નહીં દેખાય. ‘નો… નોટ એટ ઓલ...’ તેણે મક્કમતાપૂર્વક માથું ધુણાવી નાખ્યું. પ્લાન બદલવો પડે તો ભલે, પણ તેણે વધુ આગળ જવું જ રહ્યું. આવી તક વારંવાર નથી જ મળવાની. ઊંડો શ્વાસ લઈને તેણે સીનો તંગ કર્યો અને મક્કમ હાથે ફ્યુઅલ નોબ ઘુમાવીને સ્પીડ વધારવા આદેશ કરી દીધો. બાતમી નક્કર હતી એટલી જ બાતમીની વિગતો ય ચોંકાવનારી હતી. આજે હવે તે કોઈ ચાન્સ લેવા માંગતો ન હતો. *** 3 ઓક્ટોબર, 2003. એ દિવસે વહેલી સવારે લાલ સમુદ્ર અને ભુમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેરથી કેટલાક માઈલ દૂર મધદરિયે જે ઘટના બની એ કેટલાય સમય સુધી દુનિયાથી ઓઝલ રહી હતી. બીબીસી ચાઈના નામનું માલવાહક જહાજ દુબઈથી નીકળ્યું ત્યારથી સીઆઈએના રડાર પર ચડી ગયેલું હતું. ચૂપકીદી એ હદની કે સીઆઈએના જ બે આદમી બીબીસી ચાઈનાના તૂતક પર હતાં, છતાં તેના કપ્તાનને ગંધ સુધ્ધાં આવી ન હતી. આમ જુઓ તો કેપ્ટને કશી ચિંતા કે શંકા કરવાનું કોઈ કારણ પણ ન હતું. દુબઈથી ‘બી. એસ. એ. તાહિર એન્ડ સન્સ’ કંપનીએ મલેશિયાની ‘સ્કોમી પ્રિસિઝન એન્જિનિયરિંગ’ નામની કંપની પાસેથી ખરીદેલાં કન્સાઈન્મેન્ટના તોતિંગ ખોખાં જહાજના ભંડકિયામાં ભર્યાં હતાં. દરેક ખોખાં પર ‘ઈન્ડસ્ટ્રિયલ ઈક્વિપમેન્ટ્સ’ લખેલું હતું. જહાજનો રૂટમેપ પણ સ્પષ્ટ હતો. દુબઈથી તેમણે સુએઝ નહેર પહોંચવાનું હતું અને સુએઝ નહેર ક્રોસ કર્યા બાદ વીએચએફ રેડિયોની ચેનલ 13 પર એક ચોક્કસ ફ્રિક્વન્સી પર વાત કરવાની હતી. એ ફ્રિક્વન્સી પરથી તેને લિબિયાના ટ્રિપોલી બંદરે ક્યારે લાંગરવું તેનો સમય અપાવાનો હતો. સીધેસીધા ટ્રિપોલી પહોંચવાને બદલે ભેદી ફ્રિક્વન્સી પર કોલ કરીને સમય મેળવવો, આટલી બાબત કેપ્ટનને જરાક અનુચિત લાગી હતી. પણ ઘોળ્યું, જે હોય તે... આપણે તો માલ મોકલવાથી મતલબ એવું સમાધાન તેણે મનને ભણાવી દીધું હતું. દુબઈથી નીકળીને સુએઝ નહેર વટ્યા પછી તરત એ જહાજે નિયત થયેલી ફ્રિક્વન્સી પરથી સૂચના મેળવી. હવે તેમણે બપોરે સાડા બાર પછી ટ્રિપોલીને બદલે બેન્ગાઝી બંદરે પહોંચવાનું હતું. કપ્તાને ઘડીક માથું ધુણાવી દીધું. આ વળી શું બખડજંતર છે? છેલ્લી ઘડીએ અનલોડિંગ માટે આખેઆખું બંદર બદલાઈ જાય? તેણે મોં બગાડીને દિશા બદલવાની સુચના આપી અને ઘડિયાળમાં જોયું. હજુ ખાસો સમય હતો. ખોટું ઈંધણ બાળવાનો મતલબ ન હતો. તેણે તરત સ્પીડ ઘટાડવા સૂચના આપી અને બ્રેકફાસ્ટ માટે સ્ક્રમ્બલ્ડ એગ્ઝ વિથ પોર્ક સોસેઝનો ઓર્ડર આપ્યો અને વરસાદની વાછટથી બચવા ભંડકિયાની ઉપર આડશ શોધીને તૂતક પર જગ્યા બનાવી. એ વખતે તેને ખબર ન હતી કે તે જેના પર બેઠો છે એ ભંડકિયું જ આવનારા સમયમાં તેના માટે આફત બનવાનું છે. *** આ એક એવી કહાની છે જેનું વર્ણન દુનિયાને દોઢ દાયકા પછી મળ્યું હતું. દુબઈથી નીકળેલું જહાજ બી. બી. સી. ચાઈના શંકાસ્પદ માલસામાનની હેરફેર કરે છે એવી સીઆઈએને બાતમી મળી. થોડીક છાનબીન પછી ખબર પડી કે તેમાં ‘તાહિર એન્ડ સન્સ’નો સામાન જઈ રહ્યો છે. આ એ જ તાહિર જેના પર સીઆઈએ બાજનજર માંડીને બેઠું હતું. પછી તો તરત ગોઠવણો થવા લાગી. જહાજ પરના ખલાસીઓમાં તાત્કાલિક પોતાના બે આદમી ગોઠવી દેવાયા. જહાજનો રૂટમેપ પણ તફડાવી લેવાયો અને રેડિયો ફ્રિક્વન્સી પણ. કોઈ કસર ન રહી જાય એ માટે ઈટાલીની મદદથી હેલિકોપ્ટર અને શસ્ત્રસજ્જ ઈન્ટરસેપ્ટર વેસલ સાથે અમેરિકાએ પોતાનીય એક ફ્રિગેટને ભૂમધ્ય સમુદ્રમાં ઉતારી દીધી, જેણે સૌથી પહેલાં જહાજને પડકારવાનું હતું. બી. બી. સી. ચાઈના સાયપ્રસની જળસીમા ઓળંગ્યું કે તરત અમેરિકન નેવીની ફ્રિગેટ હરકતમાં આવી ગઈ. વીજળીવેગે ધસી જઈને તેણે પહેલાં તો બી. બી. સી. ચાઈના પર તોપમારો કરી દીધો. હતપ્રભ થઈ ગયેલો તેનો કેપ્ટન જહાજી પરંપરા મુજબ તૂતક પર સફેદ ઝંડો લઈને ઊભો રહી ગયો એટલે આંખના પલકારામાં હેલિકોપ્ટર ધસી આવ્યા. જહાજની પછવાડેથી બે ઈન્ટરસેપ્ટર વેસલે દેમાર ઝડપે જહાજને ઘેરી લીધું અને મૂંઝાયેલો કેપ્ટન ગડમથલમાં ઝંડો ફરકાવતો રહ્યો. તેને ખબર જ ન હતી કે તે કેવડા મોટા કાવતરાનો હિસ્સો બની જવાનો હતો. જહાજને દિશા બદલવાની ફરજ પાડી અને તેને ઈટાલીના ટેરેન્ટો બંદર પર લઈ જવામાં આવ્યું. કોઈ ખોટી હો-હા ન થાય એ માટે ટેરેન્ટો બંદરના સાવ છેલ્લાં, જહાજોની મરમ્મત માટેના બારામાં તેને લાંગરવામાં આવ્યું. કેપ્ટનની પ્રારંભિક પૂછપરછ પછી ભંડકિયું ખોલવામાં આવ્યું. તેમાં પાંચ કન્ટેનર હતાં. દરેક પર ‘ઈન્ડસ્ટ્રિયલ ઈક્વિપમેન્ટ્સ’ લખેલું હતું. સીઆઈએના જાસૂસોએ બંદર પર એ દરેક કન્ટેનર ઉતારીને ત્યાં જ ખોલાવ્યાં એ સાથે જોનારાં સૌની આંખો ફાટી રહી. તેમાં યુરેનિયમ શુદ્ધિકરણ માટે વપરાતાં સેન્ટ્રિફ્યુઝ હતા અને એ મેળવનાર પાર્ટી યાને કંપની યાને જે ગણો તે હતો લિબિયાનો સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફી..! *** અણુબોમ્બ બનાવવો હોય તો શુદ્ધ યુરેનિયમ સૌથી વધુ જરૂરી. યુરેનિયમના શુદ્ધિકરણ માટે સૌથી વધુ જરૂરી સેન્ટ્રિફ્યુઝ. અમેરિકાનો તગડો દુશ્મન મનાતો કર્નલ ગદ્દાફી, તમામ પ્રતિબંધો છતાં યુરેનિયમ શુદ્ધિકરણ પ્લાન્ટ કેવી રીતે મેળવી શક્યો? કોણ આ પ્લાન્ટ બનાવડાવીને અલગ અલગ પૂર્જાઓમાં એને મોકલતું હતું? આ તો ઠીક છે ગદ્દાફી પકડાયો, પણ નથી પકડાયા એવાય કોણ કોણ આમાં સંડોવાયેલા છે? અમેરિકાએ ગદ્દાફી પર એવી ધોંસ બોલાવી, એટલું તીવ્ર મનોદબાણ સર્જી દીધું કે આખી જિંદગી અમેરિકા સાથે અણનમ યોદ્ધાની માફક લડેલો મુઅમ્મર ગદ્દાફી પડી ભાંગ્યો. તાત્કાલિક અસરથી અણુબોમ્બ બનાવવાના પોતાના તમામ કાર્યક્રમનો તેણે વીંટો વાળી દીધો. એટલું જ નહીં, ન્યૂક્લિયર બોમ્બની આખી ટેક્નોલોજી વેચતા નેટવર્કના વટાણા સુધ્ધાં વેરી દીધા. જેમાં પહેલું અને આખરી નામ હતું પાકિસ્તાનનું, જે આજે ડાહ્યુંડમરું બનીને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થી કરી રહ્યું છે. એ પાકિસ્તાન, જેણે પોતે ચોરી કરીને અણુબોમ્બની સીનાજોરી કરી. એ પાકિસ્તાન, જેણે ચોરેલી ટેક્નોલોજી બીજાં દેશોને અને સંગઠનોને વેચી. એ પાકિસ્તાન, જેણે આ ટેક્નોલોજી વેચીને રળેલો દલ્લો કાશ્મીર મોરચે ભારત વિરુદ્ધ ઉગ્રવાદ ભડકાવવા પાછળ વાપર્યો અને લિટરબંધ લોહી વહાવી દીધું. પાકિસ્તાને વેચેલી ટેક્નોલોજીનો લિબિયા ઉપરાંત એક લાભાર્થી દેશ હતો ઈરાન... ઈરાન શસ્ત્રસમૃદ્ધ થયું તેની પાછળ કાશ્મીરમાં વહેલું લોહી પણ છે અને એ સઘળા કારસ્તાનનો માસ્ટરમાઈન્ડ હતો એક આદમી… (વધુ આવતા રવિવારે)
Read Original Article →