સમયાંતર:ઇરાનનો અખાત: 20 હજાર જળવૈયાઓ માટે તરતી જેલ

Magazine5/10/2026, 12:50:00 AM
સમયાંતર:ઇરાનનો અખાત: 20 હજાર જળવૈયાઓ માટે તરતી જેલ
હંસાબહેન ખંભાયતાના પુત્ર લલિત ખંભાયતા ઈરાનના અખાતમાં ચોતરફ પાણી વચ્ચે હોવા છતાં જહાજના નાવિકો પાસે પાણીની અછત ઊભી થઈ. દરિયાનું પાણી કામ લાગે એમ ન હતું. તો પછી શું કરવું? એ. સી.ના પાઈપમાંથી તો સતત પાણી નીકળ્યાં કરેને? એટલે એ ભેગું કરીને જ્યાં વાપરી શકાય ત્યાં વાપર્યું. *** આ સ્થિતિ ઈરાનના અખાતમાં ફસાયેલાં જહાજના ચીની નાવિકોની છે. એ. સી.ના પાઈપમાંથી પાણી નીકળ્યાં કરે એ સૌ જાણે છે. એ પાણી પીવામાં ન ચાલે એ પણ સમજી શકાય. પણ બીજાં કામમાં તો લાગી શકેને? ખાસ કરીને જ્યારે એકેય પ્રકારે પાણી જ ઉપલબ્ધ ન હોય ત્યારે આ પાણી પણ શું ખોટું એમ માનીને નાવિકોએ વપરાશ કર્યો. 28મી ફેબ્રુઆરીએ ઇરાન-અમેરિકા (ને આંગળિયાત ઇઝરાયેલ) યુદ્ધ શરૂ થયા પછી વિવિધ દેશોનાં 2 હજાર જેટલાં જહાજો ઇરાનના અખાતમાં ફસાયેલાં છે. એના નાવિકોની સંખ્યા 20 હજાર જેટલી થાય છે. એમને પાણીની અછત સહિતની મુશ્કેલી પડી રહી છે. ચીની નાવિકોએ એ. સી.ના પાઈપનું પાણી ભેગું કરતાં હોય એવો વિડીયો બનાવીને રજૂ કર્યો એટલે જગતને એ પણ ખ્યાલ આવ્યો કે ત્યાં નાવિકો લેવા-દેવા વગર ફસાયા છે. ફસાયા છે એ બધા વગર વાંક-ગુને યુદ્ધકેદી બની ગયા છે. ઇરાન-અમેરિકા યુદ્ધ અત્યારે અટકેલું છે છતાંય ફસાયેલાં જહાજો વિવિધ કારણસર ખાડીની બહાર નીકળી શકતાં નથી. નીકળી શકતાં નથી ત્યાં સુધી નાવિકો જળવૈયા બની ગયા છે, ભલે એમને લડવૈયા તરીકે યુદ્ધ લડવાનું નથી. તો પણ જીવન જીવવા માટે રોજિંદી સંઘર્ષ તો કરવો જ પડે છે. *** યુદ્ધ શરૂ થયું એ સાથે જ ઇરાને હોર્મુઝનું ફાટક બંધ કરી દીધું હતું. પાણીમાં વળી સુરંગો પણ ગોઠવી દીધી. ઇરાનની મરજી વગર આવન-જાવન કરવી જોખમી છે. ફસાયેલા નાવિકો માટે રોજ સવારે નવો દિવસ ઊગે પણ જહાજ ત્યાંનું ત્યાં જ હોય છે. ચો-તરફ પાણી છે, આકાશમાં મિસાઈલો, ફાઈટર વિમાનો, રોકેટ્સ અને ડ્રોન પસાર થયાં કરે છે. ક્યારેક નજીક વિસ્ફોટ થાય તો ક્યારેક દૂર થાય છે. રાતના આકાશમાં ચમકાટ પણ દેખાય છે. નાવિકો માટે બીજા વિશ્વ યુદ્ધ પછીની આ સૌથી મોટી આફત છે. *** દરિયામાં મુશ્કેલી શું પડે? નાવિકો દરિયાઈ સફરથી ટેવાયેલા હોય છે, દરિયામાં ફસાઈ રહેવા માટે નહીં. જહાજો સ્થિર રહે એટલે ખોરાક-પાણીની અછત સર્જાય. સાફ-સફાઈ માટે તો દરિયાનું પાણી ચાલે પણ ખાવા-પીવા માટે શુદ્ધ પાણી જોઈએ. એનો જથ્થો મર્યાદિત હોય. કેમ કે જહાજો રવાના થયાં હોય ત્યારે નિર્ધારિત પ્રવાસ દિવસો ઉપરાંત થોડો સમય ચાલે એટલું સીધું-સામાન લીધું હોય. એવી જ હાલત ખોરાકની હોય. રોજની કેટલી સામગ્રી વાપરવી એ નક્કી થઈ ગયું છે. એક ડોલ પાણી મળે એમાં જે કરવું હોય એ કરો એવી સૂચના અપાઈ ગઈ છે. એવું નથી કે જહાજો પર પુરવઠો નથી પહોંચી શકતો, પહોંચે છે પણ ઘણી મુશ્કેલી છે. આ જહાજો યુદ્ધમેદાનમાં ફસાયેલાં છે. ત્યાં હેલિકોપ્ટર, બીજી હોડી કે ડ્રોન દ્વારા સામાન પહોંચી શકે પણ બહુ ઓછી માત્રામાં. વળી, પહોંચાડનારાં વાહનોને નુકસાન ન થાય એની કોઈ ખાતરી નથી. એટલે જહાજ પર સામાન્ય દિવસોમાં 8 ડૉલરમાં એક કિલો કેરી મળતી હોય એ માટે 31 ડૉલર ચૂકવવા પડ્યા છે. સંતરાનો ભાવ કિલોનો 15 ડૉલર થયો છે. જહાજી કંપનીઓ નાવિકોને મળતી સુવિધા ઓછી કરી નાખે તો પણ બહાર સુધી એની ફરિયાદ તરત પહોંચતી નથી. પહોંચે તો તુરંત ઊકલે એવું પણ જરૂરી નથી. ધારો કે બધી સુવિધા મળતી થાય તો પણ એક જ જગ્યાએ પડ્યા રહેવું એ માનસિક રીતે થકવી નાખનારું છે. ઘર સાથે સંપર્ક પણ અઘરો બને. એ બધી પીડામાં જ બે જહાજોના કેપ્ટનો હૃદયરોગથી મૃત્યુ પામ્યા છે. એ માટે કોઈ કાયદા નથી? છેને. મેરીટાઈમ લેબર કન્વેન્શન, જીનિવા કન્વેન્શન, લૉ ઑફ ધ સી… વગેરે ઘણા કાયદા કાગળ પર છે, અમલ ઘણો કઠીન છે. નાવિકોને નિયમિત વેતન મળે, સારવાર મળે, સુરક્ષા મળે વગેરે. સૌથી મહત્ત્વની જોગવાઈ સુરક્ષા અને પ્રત્યાવર્તનની છે. પ્રત્યાવર્તન એટલે સ્વદેશમાં આવવાનો અધિકાર. જહાજો ફસાયેલા હોય ત્યાં સુધી આ અધિકારનું પણ પાલન કરવું અત્યંત મુશ્કેલ છે. નાવિકોની નોકરીમાં પણ રોટેશન હોય છે. અમુક સમય કામ કર્યા પછી રજા મળે, તેનું સ્થાન બીજા નાવિકો લે. એ પણ આવા સંજોગોમાં આસાનીથી થઈ શકતું નથી. કેટલાક કિસ્સામાં તો થઈ જ શકતું નથી. જગતમાં લગભગ 19 લાખ નાવિકો છે. એ પૈકી મોટા ભાગના ભારત-ફિલિપાઈન્સના છે. એટલે સૌથી વધારે અસર આપણને થાય. તો પછી હેલિકોપ્ટર કેમ નથી મોકલતા? એવો સવાલ પણ સૌ કોઈને થાય. આપણી પહેલા તો જહાજી કંપનીઓ, નૌકાદળો અને દેશની સરકારને થાય. હેલિકોપ્ટર મોકલીને નાવિકોને બચાવવાનું કામ અશક્ય નથી, અઘરું છે. યુદ્ધ ચાલુ હોય એવા વિસ્તારમાં હેલિકોપ્ટર, સામાન્ય જહાજો કે યુદ્ધ જહાજો મોકલીને નાવિકોને બચાવવા મુશ્કેલ છે, કેમ કે યુદ્ધ વિસ્તારમાં પ્રવેશ સાથે જ હુમલાનું જોખમ તો રહે જ. કોઈ ખાતરી ન આપી શકે કે તમારા પર મોત ત્રાટકશે નહીં. કાયદાકીય રીતે પોતાના નાવિકોને બચાવવાની દરેક દેશને છૂટ છે. પણ બીજા દેશના જળ વિસ્તારમાં પ્રવેશવું દર વખતે સરળ નથી હોતું. આર્થિક રીતે પણ ખર્ચાળ હોય છે. સૌથી મોટી મુશ્કેલી જોકે બીજી છે. દરેક જહાજનું રજિસ્ટ્રેશન સાવ નાના એવા દેશ (દા.ત. પનામા, માર્શલ ટાપુ વગેરે)માં થયેલું હોય છે, કેમ કે તેનાથી જહાજી કંપનીને આર્થિક રીતે બહુ ફાયદો થાય. બીજી તરફ રજિસ્ટ્રેશન પછી જહાજ કોઈ બીજા દેશની કંપનીએ ભાડે લીધું હોય. તેના નાવિકો કોઈ ત્રીજા દેશના હોય, કેપ્ટન ચોથા દેશનો હોય. જહાજ રવાના પાંચમાં દેશથી થઈને જતું છઠ્ઠા દેશમાં હોય. સામાન વળી અન્ય દેશોનો પણ હોય. જ્યાં ફસાયેલું હોય એ જળવિસ્તાર કોઈ નવમા-દસમા દેશનો હોય. એ સંજોગોમાં જહાજ પર બચાવવા કોઈ જાય એ નક્કી કરવામાંય સમય લાગતો હોય છે. બધાં પાસાં સવળાં પડે તો બેશક સલામત રસ્તો (સેફ કોરિડોર) રચીને બચાવી શકાયા હોય. પણ એ કિસ્સા બહુ ઓછાં બને છે. તોય ક્યો તમારી સ્થિતિ સારી છે : કટાઈ ગયા ત્યાં સુધી ફસાઈ ગયા 20 હજાર નાવિકો ફસાયા છે પણ એ જળવૈયાઓની હાલત સારી છે. બીજા વિશ્વ યુદ્ધ, ફાલકાલેન્ડ વૉર, 1980નું ઈરાન-ઇરાક વૉર, અત્યારે ચાલી રહેલું રશિયા-યુક્રેન વૉર વગેરે વખતે જહાજો ફસાયાંના કિસ્સા નોંધાયા છે, પણ સૌથી નોંધપાત્ર ઘટના સુએઝમાં બની હતી. 1967ની વાત છે. ઇઝરાયેલ-આરબો વચ્ચે સિક્સ-ડે વૉર ખેલાયું. યુદ્ધ તો છ દિવસમાં ઇઝરાયેલે જીતી લીધું પણ સુએઝ નહેરમાં 14 હજારો જહાજો 8 વર્ષ સુધી ફસાયેલાં રહ્યાં. યુદ્ધ શરૂ થયું એટલે ઇજિપ્તે પોતાના તાબાની સુએઝ નહેરને બંધ કરી દીધી. નહેરમાં એ વખતે જર્મની, બ્રિટન, ફ્રાન્સ, સ્વીડન, પોલેન્ડ અને અમેરિકાનાં કુલ 14 જહાજો હતાં. તેમણે ફરજિયાત લંગર નાખીને ઊભા રહી જવું પડ્યું. યુદ્ધ ખતમ થયું. દિવસો પસાર થયા, મહિના પસાર થયા પણ કેનાલ ચાલુ કરવાની ઈજિપ્તે ના પાડી દીધી. ઇજિપ્તની શરત હતી કે જ્યાં સુધી ઇઝરાયેલ અમારો સિનાઈ પ્રાંત ખાલી ન કરે ત્યાં સુધી કોઈ માટે કેનાલ નહીં ખૂલે. કેનાલ ખૂલે તો ઇઝરાયેલ તેનો દુરુપયોગ પણ કરે એવીય ઈઝરાયેલની ફરિયાદ હતી. ફસાયેલાં જહાજોમાંથી મોટાં ભાગનાં જહાજો ઇઝરાયેલ તરફી દેશોના હતાં. જહાજો અટકી પડ્યાં. સદભાગ્યે યુદ્ધ ચાલતું ન હતું એટલે એમને નિયમિત સામગ્રી પહોંચાડી શકાતી હતી. બધા દેશોના નાવિકો ત્યાં તો એક જ નાના વિસ્તારમાં ફસાયેલા હતા એટલે ભેગા મળીને ‘ગ્રેટ બિટર લેક એસોસિએશન’ નામે સંગઠન પણ બનાવી દીધું. સમય પસાર કરવા પોલેન્ડના નાવિકોએ પોસ્ટ ઓફિસ ઊભી કરી, ટપાલ ટિકિટ છાપી જે હવે દુર્લભ ગણાય છે. 1968માં મેક્સિકોમાં ઓલિમ્પિકનું આયોજન થયું તો અહીં પણ નાવિકોએ મોટા જહાજ પર ફૂટબોલ, તરણ, વગેરે ત્યાં રમાઈ શકે એવી સ્પર્ધાઓ યોજી. ધીમે ધીમે જહાજી કંપનીઓ સમજી ગઈ કે જહાજો આસાનીથી નીકળી નહીં શકે. માટે જરૂર ન હોય એ નાવિકોને ત્યાંથી બોલાવી લીધા. જહાજનું ધ્યાન રહે એ માટે દરેક પર દસેક નાવિકો રાખ્યા. એમને પણ વારાફરતી રહેવાનો વિકલ્પ મળ્યો. એટલે કોઈને છ મહિના કરતાં વધુ સમય રહેવું ન પડ્યું. જૂન 1975માં કેનાલ ફરી શરૂ કરી દેવાઈ. ત્યાં સુધીમાં પીળી રેતી, ક્ષાર અને કાટને કારણે બધાં જહાજોનો કલર પીળો પડી ગયો હતો. માટે તેમને નામ આપી દેવાયું ‘યલો ફ્લીટ (પીળો કાફલો)’. એ ‘યલો ફ્લીટ’ના 14માંથી બે જહાજો જ ચાલુ હાલતમાં હતાં. એટલે એન્જિન ચાલુ કરી પોતાની મેળે બહાર નીકળ્યાં. બાકીનાં જહાજોને ખેંચીને બહાર કાઢી સીધા ભંગારવાડે રવાના કરી દેવાયાં. નાવિકોને નુકસાન 10 ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશને આપેલી માહિતી મુજબ ફસાયેલા જહાજો પર 29 હુમલા થયા છે અને 10 નાવિકો માર્યા ગયા છે. એમાંથી ચાર ભારતના હતા. 150 હોર્મુઝનું ફાટક બંધ થયું એ પહેલા રોજના સરેરાશ 130થી 150 જહાજો પસાર થતાં હતા. હવે રોજના ચાર-પાંચ પસાર થાય છે. 2999 ફસાયેલા નાવિકો પૈકી ઘણા ભારતીયો છે. એમાંથી 2999ને વતન પરત લાવવામાં જહાજી મંત્રાલયને સફળતા મળી છે. બાકીના માટે વાટાઘાટો ચાલે છે.
Read Original Article →