વિસ્મય:ઈરાનના વિદેશમંત્રીના હાથમાં ઓમનના વેપારીએ ભેદી ચબરખી સરકાવી દીધી જેનાં પર લખ્યું હતું, ‘U-235’

Magazine5/10/2026, 12:50:00 AM
વિસ્મય:ઈરાનના વિદેશમંત્રીના હાથમાં ઓમનના વેપારીએ ભેદી ચબરખી સરકાવી દીધી જેનાં પર લખ્યું હતું, ‘U-235’
પદ્માબહેન ત્રિવેદીના પુત્ર ધૈવત ત્રિવેદી આર્મ્સ ડીલર્સની અંધારી દુનિયા - લેખ: 4 અમેરિકા અને ઈઝરાયલ જેવા બબ્બે યુદ્ધવિશારદ દેશોના સહિયારા આક્રમણ છતાં ઈરાન ઝૂક્યું તો નહીં જ, યુદ્ધવિરામની કોઈ ગરજ ન હોય તેમ સમાધાન માટે અમેરિકાની શરતોને ફગાવી રહ્યું છે. અન્યથા આ એ જ ઈરાન છે જેનાં પર અમેરિકાએ જાતભાતના પ્રતિબંધો લાદી દીધા હતા. કહેવાનું કારણ તેને પરમાણુશસ્ત્ર વિકસાવતું રોકવાનું હતું પરંતુ અંદરખાને અમેરિકાનો ઈરાન પ્રત્યેનો કિન્નો એટલો તીવ્ર હતો કે તેને તબાહ કરી દેવા માગતું હતું. એટલે પરમાણુ ટેક્નોલોજી ઉપરાંત આર્થિક પ્રતિબંધોય ઓછા ન હતા. વિદેશોમાં ઈરાનની અબજો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હતી જેથી તેના વેચાણ વડે ઈરાન કોઈ મોટી આયાત ન કરી શકે. તેને કોઈ પણ પ્રકારનાં શસ્ત્ર-સરંજામ વેચવાની દુનિયાના દરેક મુખ્ય શસ્ત્ર ઉત્પાદક દેશોને મનાઈ કરી દેવામાં આવી હતી. તોપ, વિમાન, સબમરીનની દરેક મુખ્ય ઉત્પાદક કંપનીઓને મનાઈ ફરમાવવા ઉપરાંત તેમના દરેક વ્યવહાર પર સીઆઈએની બાજનજર માંડી દેવાઈ હતી, જેથી છાનાખૂણેય કોઈ ઈરાન સાથે વેપાર ન કરે. અણુબોમ્બ એ અત્યંત જટિલ પ્રક્રિયા પછી મળતી નીપજ છે. એ માટે યુરેનિયમ ધાતુ સૌથી વધુ અગત્યની ગણાય. અમેરિકાએ એટલી ચોંપ રાખી કે ઈરાનને યુરેનિયમનો એક કણ સુધ્ધાં ક્યાંયથી મળી ન શકે. તેમ છતાંય ઈરાન શસ્ત્ર સમૃદ્ધ બનવા ઉપરાંત પરમાણુ ટેક્નોલોજી સુધી કેવી રીતે પહોંચી ગયું? આ સવાલના સીધા જવાબ તરીકે એક ગુજરાતી કહેવત છેઃ હાથના કર્યાં હૈયે વાગે! આજે દુશ્મન બન્યું છે એ ઈરાન એક સમયે અમેરિકાનું દોસ્ત પણ હતું અને ત્યારે અમેરિકાએ જ ઈરાનને અણુઊર્જાની ટેક્નોલોજી આપીને વીજ ઉત્પાદન માટે ન્યૂક્લિયર પ્લાન્ટ શરૂ કરાવ્યાં હતાં. સંખ્યાબંધ એન્જિનિયર અને ટેક્નિશિયન્સને પ્રશિક્ષણ આપ્યું હતું. ન્યૂક્લિયર વીજળી ભલે નિર્દોષ અને હકારાત્મક હેતુ ધરાવતી હોય, પણ છે તો એ પરમાણુશસ્ત્રો વિકસાવવાની દિશા તરફનું એક પગલું જ. એટલે પ્રતિબંધો પછી ઈરાને પહેલાં તો અમેરિકા પ્રેરિત એ પ્લાન્ટ સમાં-નમાં કર્યા. વિજ્ઞાનીઓ, એન્જિનિયરો, ટેક્નિશિયનોની મીટિંગ બોલાવી અને પરમાણુશસ્ત્રો વિકસાવવામાં શું ખૂટે છે તેની યાદી તૈયાર કરી. સૌથી પહેલી જરૂરિયાત હતી યુરેનિયમના વિશાળ જથ્થાની, પણ એની ચિંતા ન હતી. રેગિસ્તાની યઝ્દ પ્રાંતમાં સંગાડની ખાણોમાંથી મબલખ યુરેનિયમ પ્રાપ્ય હતું. પરંતુ કાચા ઘઉં કે બાજરાનાય કોરેકોરા બૂકડા નથી મારી શકાતા તો આ તો યુરેનિયમ હતું. જાતભાતની પ્રક્રિયા કરીને તેને અલગ તારવવું પડે, તેનું શુદ્ધિકરણ કરવું પડે અને એ માટે આવશ્યક ટેક્નોલોજી, યંત્રો, પદ્ધતિ તો ઈરાનને મળે તેમ ન હતાં. હવે જુઓ નિયતિની કમાલ... કોઈકને જોઈએ છે, કોઈકને આપવું છે. સમયનો એ તાલ નિયતિએ અદૃશ્ય હાથે જાણે મહાન સંગીતકાર બિથોવનની કોઈ સિમ્ફની હોય એવી નજાકતથી મેળવી આપ્યો! *** નેવુંના દાયકાનો ઉત્તરાર્ધ. ન્યૂક્લિયર વીજળીના પ્લાન્ટમાં પ્રયોગો કરીને થાકેલા ઈરાનના તત્કાલીન વિદેશમંત્રી અલી અકબર વિલાયતી તહેરાન ખાતે આવેલા ઓમાનના વેપારીઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. ઈરાની મસાલા, ગાલીચાની ખરીદી સામે ઓમાનના અખાતમાં પાકતી સાર્ડિન માછલી, હળદર, ખજૂર વગેરેની પરસ્પર આયાત-નિકાસ ચાલતી હતી. સદંતર ઔપચારિક એ મુલાકાત દરમિયાન એક વેપારીએ કશીક રજૂઆત માટે ઝૂકતો હોય એવો દેખાડો કરીને વિલાયતીના હાથમાં એક ચબરખી થમાવી દીધી. આવી ચેષ્ટા તદ્દન અણછાજતી કહેવાય. પ્રોટોકોલનો સદંતર અનાદર જ લેખાય. વિદેશમંત્રી વિલાયતી ક્ષણભર માટે સમસમી ગયા અને રોષભરી આંખે કશુંક કહેવા ગયા ત્યારે જ એ આદમીએ સલૂકાઈભર્યું સ્મિત વેરીને તદ્દન ધીમા અવાજે કહી દીધું, મને બરાબર ખબર છે કે તમને એની તીવ્ર જરૂર છે. ફટાફટ એ કાર્યક્રમ આટોપીને પછી વિલાયતી તત્કાળે તો કોટના ખિસ્સામાં નાખી દીધેલી એ ચબરખી વાંચી. જેમાં ફક્ત એટલું જ લખ્યું હતું, ‘યુ-235’ અને પછી એક ફોન નંબર લખ્યો હતો, જે ઓમાનનો જ હતો. ચિઠ્ઠી વાંચીને સ્તબ્ધ થઈ ગયેલા વિલાયતી કેટલાય દિવસ સુધી સૂનમૂન થઈ ગયા. યુ-235 એ યુરેનિયમ શુદ્ધિકરણ પછી મળતો એવો આઈસોટોપ હતો જે અણુબોમ્બ માટે વપરાતો હતો. ઓમાનના વેપારીમંડળમાં આવેલો એ આદમી કોણ હતો જે યુરેનિયમ શુદ્ધિકરણ માટેની ઈરાનની તડપ વિશે જાણતો હતો? આ ફોન નંબર કોનો હોઈ શકે? શું એ આદમી મહાસત્તાઓની આંખમાં ધૂળ નાખીને શુદ્ધ યુરેનિયમ સપ્લાય કરવા સક્ષમ હશે? આખરે ચાર દિવસે અલી અકબર વિલાયતીએ સરકારના વડા અકબર રફસંજાની સમક્ષ આખી વાત મૂકી. રફસંજાનીએ તેની ગંભીરતા પારખીને તાકીદની બેઠક બોલાવી જેમાં ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડની ખુફિયા પાંખનો વડો ક્યુરમ મન્ધાન પણ હાજર હતો. તાત્કાલિક ગતિવિધિ શરૂ થઈ. કોઈ સંપર્ક કર્યા વગર ખુફિયા સ્ટાઈલથી એ નંબરનો પતો લગાવાયો અને એક નામ ખૂલ્યું: બુહારી સૈયદ અબુ તાહિર ઉર્ફે બી. એસ. એ. તાહિર! યસ, આ એ જ તાહિર, જે મલેશિયાની ‘સ્કોમી પ્રિસિઝન એન્જિનિયરિંગ’ પાસેથી સેન્ટ્રિફ્યુઝ ખરીદીને વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટના ઓથા હેઠળ દુબઈ મોકલતો હતો. પણ એ તાહિરને ઈરાનના વિદેશમંત્રી સુધી મોકલનાર આદમી હતો અબ્દુલ કાદિરખાન..! *** પાકિસ્તાનના લશ્કરી સત્તાધીશો અને કુખ્યાત આઈએસઆઈની મદદથી અબ્દુલ કાદિરખાને ગજબનાક નેટવર્ક તૈયાર કર્યું હતું. સૌ પ્રથમ તેણે અબુધાબી અને ઓમાનમાં કેટલીક બેનામી કંપનીઓ ખોલી નાખી. નેધરલેન્ડની કંપની ‘યુરેન્કો’માંથી પોતે ચોરેલાં ડ્રોઈંગને ત્રણ કે ચાર કટકામાં તે બેનામી કંપનીઓને મોકલે. એ કંપનીઓ જર્મની, ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડના ઉત્પાદકોને એ ડ્રોઈંગ મોકલે અને તેનાં આધારે પાર્ટ્સ બનાવવાનો ઓર્ડર આપે. યુરોપના આ ત્રણેય દેશોની કંપની અલગ અલગ પાર્ટ્સ બનાવે એટલે અબુધાબી, ઓમાનની કંપની મલેશિયા ખાતે તેની ડિલિવરી મંગાવે અને વાસ્તવિક ડિલિવરી પહોંચે ‘સ્કોમી પ્રિસિઝન એન્જિનિયરિંગ’ સુધી. સ્કોમીવાળા અલગ અલગ મળેલા એ દરેક પાર્ટ્સને સાથે જોડીને સળંગ સેન્ટ્રિફ્યુઝ બનાવે. તેનો ખરીદાર વળી ‘તાહિર એન્ડ સન્સ’ અને તાહિર વતી સ્વિત્ઝર્લેન્ડના ઉર્સ, ફ્રેડરિક અને માર્કો ટીનર તેની ઝીણવટભરી ચકાસણી કરે એટલે સેન્ટ્રિફ્યુઝ ખોખામાં પેક થાય. ઉપર ‘ઈન્ડસ્ટ્રિયલ ઈક્વિપમેન્ટ્સ’ લખાય અને વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ તરીકે નોંધણી કરાવીને ‘તાહિર એન્ડ સન્સ’ એ માલ પહોંચાડે દુબઈ. દુબઈમાં વળી બેનામી કંપની ખરીદાર તરીકે હોય અને એ મોકલે લિબિયા કે ઈરાન કે સાઉથ કોરિયાને. ભલભલો ખાંખતિયો જાસૂસ ઉપરથી હેઠો પડી જાય તોય પકડી ન શકાય એવું ભેદી, સજ્જડ અને ચકરાવે ચડાવી દેતું નેટવર્ક સર્જનારો એક વિજ્ઞાની હતો. હવે નક્કી કરો, તેને વિજ્ઞાની કહેવો કે પૈદાઈશી બદમાશ? ખાને આ નેટવર્ક દ્વારા ઈરાનને ગેસ સેન્ટ્રિફ્યુઝ મોકલ્યા પછી એ જ પદ્ધતિથી લિબિયાનો દાણો ચાંપ્યો. તેમાં તો વેપારીમંડળ કે એવું કશું નાટક કરવાનીય જરૂર ન હતી કારણ કે પાકિસ્તાન અણુબોમ્બ બનાવી શકે એ માટે કર્નલ ગદ્દાફીએ દાયકા અગાઉ પાકિસ્તાનને સહાય કરી હતી અને તેના ઋણસ્વીકાર તરીકે પાકિસ્તાને લાહોરના ક્રિકેટ સ્ટેડિયમને ગદ્દાફી નામકરણ કરી દીધું હતું. એટલે ઈરાન પછી બીજો ઘરાક લિબિયા અને છેલ્લે ખુર્રાંટ ઉત્તર કોરિયાય જોડાયું. લગભગ છ વર્ષ સુધી ખાનનું ખતરનાક નેટવર્ક ધમધમતું રહ્યું. છેવટે સીઆઈએ બીબીસી ચાઈના જહાજ પકડ્યું એટલે ગદ્દાફી ઝડપાયો. ગદ્દાફીએ હાથ જોડીને પાકિસ્તાન તરફ આંગળી ચીંધી એટલે આખુંય નેટવર્ક પછી તો બરણી ઊંધી વળે અને ખસખસના દાણા વેરાય એમ વેરાવા લાગ્યું. તો પછી બદમાશ ખાનનું શું થયું હશે, વિચારી શકો છો? તેની અમેરિકાને કદી સોંપણી ન થઈ અને ઘરમાં નજરકેદ કરી દેવાયો. તેને અપાયેલો ખિતાબ, ઈલકાબ પરત ન લેવાયા. બીજા કોઈનાય નામ ન ખૂલ્યાં. ખૂલે એમ પણ ન હતાં કારણ કે એ જ પાકિસ્તાનના સર્વસત્તાધીશો હતા, જે ચોરી કરીને મેળવેલા અણુબોમ્બ વડે ભારતના આપબળે વિકસાવેલા પરમાણુ શસ્ત્ર સામે ડંફાસ મારવા નીકળ્યા હતા. દરમિયાન, 85 વર્ષની પાકટ વયે અબ્દુલ કાદિરખાન હજુ પાંચ જ વર્ષ પહેલાં કોરોના સંક્રમણને કારણે પોતાના ઘરે મૃત્યુ પામ્યો. જેલમાં સબડીને બદહાલ થવાને લાયક જિંદગીમાં એ ખરેખર કંઈક લખાવીને આવ્યો હશે. અહીં કહાનીનો એક હિસ્સો પૂરો થાય છે, પણ બીજો શરૂ થાય છે. એવો ક્યો ખેપાની, સરફિરો આદમી હતો જેની કથની વાંચીને વિજ્ઞાની અબ્દુલ કાદિરખાન પરમાણુ હથિયારનો ચોર બનવા પ્રેરાયો? } (વધુ આવતા રવિવારે)
Read Original Article →