અપડેટ:આઇફોન એન્ડ્રોઇડ: કયો સ્માર્ટફોન બેસ્ટ છે?
કેવલ ઉમરેટિયા
કેટલાક સવાલો એવા હોય છે કે જેના જવાબ મળવા મુશ્કેલ હોય છે. આમ છતાં છાશવારે તેના પર ચર્ચાઓ થયા કરે છે. જેમ કે મરઘી પહેલાં આવી કે ઇંડું? આવો જ એક બીજો સવાલ પણ છે કે આઇફોન સારો કે એન્ડ્રોઇડ? તમે પણ આ સવાલ વિશે ચર્ચા કરી જ હશે. તેનું કારણ છે કે જેમની પાસે જે ફોન હોય તેઓ તેના જ પક્ષમાં દલીલ કરે તે સ્વાભાવિક છે. ત્યારે આવો આજે આપણે આ ‘વૈશ્વિક સવાલ’નો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ.
ઓપરેટિંગ સિસ્ટમ
આઇફોન - iOS એ એપલની પોતાની ખાસ ઑપરેટિંગ સિસ્ટમ છે જે ફક્ત આઇફોન પર ચાલે છે. હાર્ડવેર અને સૉફ્ટવેર બંને એક જ કંપનીનાં હોવાથી તેમનો તાલમેલ ઉત્તમ હોય છે. ફોન સ્મૂધ ચાલે છે અને એકસરખો અનુભવ આપે છે. સામે પક્ષે તેમાં કસ્ટમાઇઝેશનની છૂટ બહુ ઓછી મળે છે.
એન્ડ્રોઇડ - એન્ડ્રોઇડ એ ગૂગલની ઓપન-સોર્સ સિસ્ટમ છે, જેને ‘સેમસંગ’ કે ‘વનપ્લસ’ જેવી અનેક બ્રાન્ડ્સ વાપરે છે. આથી ફોનમાં વૈવિધ્ય અને કસ્ટમાઇઝેશનની આઝાદી મળે છે. જોકે, અલગ-અલગ હાર્ડવેર હોવાથી દરેક ફોનમાં તેનો અનુભવ થોડો અલગ અને ક્યારેક ધીમો જણાય છે.
હાર્ડવેર અને પરફોર્મન્સ
આઇફોન - હાર્ડવેર અને સોફ્ટવેરનું જોડાણ બેજોડ છે. એપલ પોતાની પાવરફુલ A-સિરીઝ ચિપ્સ જાતે ડિઝાઇન કરે છે. આથી ઓછી રેમ હોવા છતાં આઇફોન જબરદસ્ત પરફોર્મન્સ આપે છે. વર્ષો જૂનાં મોડલ્સ પણ બહુ ઝડપથી કામ કરે છે અને તેની પ્રીમિયમ બિલ્ડ ક્વૉલિટી હંમેશાં એવી જ જળવાઈ રહે છે.
એન્ડ્રોઇડ - એન્ડ્રોઇડમાં સ્નેપડ્રેગન જેવાં અલગ-અલગ પ્રોસેસર વપરાય છે. બજેટ સારું હોય તો ‘સેમસંગ’ કે ‘ગૂગલ પિક્સેલ’ જેવા ફોન આઇફોનને ટક્કર આપે છે, પણ તેમાં સ્પીડ ઘટી જાય છે.
સુરક્ષા અને પ્રાઇવસી
આઇફોન - આઇફોન સુરક્ષાના મામલે એક ડગલું આગળ છે. તેની ‘ક્લોઝ્ડ ઇકોસિસ્ટમ’ અને એપ સ્ટોરના કડક રિવ્યૂના કારણે વાઇરસ કે નકામી એપ્સને આવતા અટકાવે છે. તે યુઝરની પ્રાઇવસીને પ્રાથમિકતા આપે છે. કોઈ એપ તમને ટ્રેક ન કરે તેવાં ફીચર્સ તેમાં ઇન-બિલ્ટ હોય છે.
એન્ડ્રોઇડ - ‘ગૂગલ પ્લે’ પ્રોટેક્ટ દ્વારા એન્ડ્રોઇડ હવે સુરક્ષિત બન્યું છે. છતાં તેની થર્ડ-પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરવાની છૂટને લીધે ડેટા લીક કે વાઇરસ આવવાનું જોખમ વધારે છે. એપ ક્વોલિટી કંટ્રોલ પણ નબળું છે.
એપ ઇકોસિસ્ટમ અને અપડેટ્સ
આઇફોન: એપ સ્ટોર તેની ક્વોલિટી માટે જાણીતું છે. ઘણી નવી ગેમ્સ કે પ્રીમિયમ એપ્સ પહેલા આઇફોન પર લોન્ચ થાય છે. દુનિયાભરના તમામ આઇફોનમાં એકસાથે અપડેટ મળી જાય છે. જૂના ફોનને પણ 5 થી 7 વર્ષ સુધી અપડેટ્સ મળે છે. જો કે, તમે બહારથી કોઇ (થર્ડ પાર્ટી) એપ ઇન્સ્ટોલ ન કરી શકો.
એન્ડ્રોઇડ : પ્લે સ્ટોરમાં ફ્રી એપ્સની સંખ્યા બમણી છે અને વિકલ્પો વધુ મળે છે. જોકે, ફોનમાં નવું અપડેટ ક્યારે આવશે તે કંપની પર નિર્ભર છે. અમુક કંપનીના ફોનમાં અપડેટ મળવામાં મહિનાઓ લાગી જાય છે. કેટલીક કંપનીઓ 3-4 વર્ષ જ અપડેટ આપે છે. અહીં તમે પ્લે સ્ટોર બહારની એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો.
કસ્ટમાઇઝેશન
આઇફોન - આઇફોનમાં તમે એપલે નક્કી કરેલા નિયમો પ્રમાણે જ ફેરફાર કરી શકો છો. હોમ સ્ક્રીન અને વિજેટ્સમાં થોડી છૂટ મળી છે, છતાં તે મર્યાદિત છે. આ સરળતા કેટલાક લોકોને ગમે છે, પણ ટેક-પ્રેમીઓને તે બંધનકર્તા લાગી શકે છે.
એન્ડ્રોઇડ - એન્ડ્રોઇડનો સૌથી મોટો ફાયદો જ તેની આઝાદી છે. તમે ફોનની થીમ, આઇકોન્સ, લૉન્ચર અને નોટિફિકેશન પેનલને તમારી મરજી મુજબ સંપૂર્ણપણે બદલી શકો છો. તમારો ફોન તમારી પસંદગી પ્રમાણે સેટ કરી શકાય છે.
કેમેરા અને વિડીયો ક્વોલિટી
આઇફોન - આઇફોન તેના નેચરલ કલર્સ અને શાનદાર ઇમેજ પ્રોસેસિંગ માટે પ્રખ્યાત છે. ખાસ કરીને હાઇ-રિઝોલ્યુશન વિડીયો રેકોર્ડિંગ અને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવા માટે આઇફોનનો કેમેરા આજે પણ આખી ઇન્ડસ્ટ્રીમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
એન્ડ્રોઇડ - ‘સેમસંગ’ અને ‘ગૂગલ પિક્સેલ’ જેવા પ્રીમિયમ ફોને કેમેરામાં ક્રાંતિ લાવી છે. તેમાં 100x ઓપ્ટિકલ ઝૂમ અને બેસ્ટ નાઇટ-મોડ જેવાં એડવાન્સ ફીચર્સ મળે છે. પ્રોફેશનલ અને પ્રાયોગિક ફોટોગ્રાફીના શોખીનો માટે એન્ડ્રોઇડ વધુ સારા વિકલ્પો પૂરા પાડે છે.
બેટરી અને ચાર્જિંગ
આઇફોન - નવાં આઇફોન મોડલ્સમાં બેટરી લાઈફ અને પાવર મેનેજમેન્ટ ખૂબ જ શાનદાર છે, જેનાથી બેટરી લાંબો સમય ચાલે છે. પરંતુ, તેની ફાસ્ટ ચાર્જિંગ સ્પીડ હજુ પણ મર્યાદિત છે, તેથી ફોન ફુલ ચાર્જ થવામાં પ્રમાણમાં વધુ સમય લાગે છે. અમુક જૂનાં મોડલ્સમાં બેટરી જલદી ઊતરવાની સમસ્યા છે.
એન્ડ્રોઇડ - એન્ડ્રોઇડમાં સામાન્ય રીતે મોટી બેટરી ક્ષમતા મળે છે. સૌથી મોટી ખાસિયત તેની સુપર-ફાસ્ટ ચાર્જિંગ (65W થી 120W સુધી) છે. અમુક બ્રાન્ડ્સના ફોન તો માત્ર 30 મિનિટની અંદર જ ઝીરોથી 100% સુધી ચાર્જ થઈ જાય છે. પ્રમાણમાં બેટરી પણ લાંબી ચાલે છે.
કિંમત અને વેરાયટી
આઇફોન - આઇફોન એક પ્રીમિયમ અને લક્ઝરી બ્રાન્ડ છે, તેથી તેનાં બધાં જ મોડલ્સ ઊંચી કિંમતથી શરૂ થાય છે. તેમાં બજેટ-ફ્રેન્ડલી વિકલ્પો નથી, સામાન્ય માણસ માટે આઇફોન ખરીદવો આર્થિક રીતે શક્ય નથી.
એન્ડ્રોઇડ - એન્ડ્રોઇડ ફોન દરેક લોકો માટે બન્યો છે. 5 હજારથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીના દરેક બજેટમાં તે ઉપલબ્ધ છે. તમારી જરૂરિયાત, બજેટ અને પસંદગી મુજબ બેસ્ટ ફોન શોધવાની સુવિધા માત્ર એન્ડ્રોઇડ માર્કેટમાં જ શક્ય છે.
રિસેલ વેલ્યૂ (જૂના ફોનની કિંમત)
આઇફોન - આઇફોનની રિસેલ વેલ્યૂ માર્કેટમાં ઊંચી જળવાઈ રહે છે. તમે ફોન વાપર્યાના 2 કે 3 વર્ષ પછી પણ તેને સેકન્ડ હેન્ડ માર્કેટમાં વેચવા જાઓ, તો તમને સારી કિંમત મળે છે.
એન્ડ્રોઇડ - માર્કેટમાં સતત નવાં એન્ડ્રોઇડ મોડલ્સ આવતાં હોવાથી, તેની કિંમત ખૂબ ઝડપથી ઘટી જાય છે. જૂનો એન્ડ્રોઇડ ફોન વેચવા પર તેના ઘણા ઓછા પૈસા ઊપજે છે.
ઇકોસિસ્ટમ અને કનેક્ટિવિટી
આઇફોન - એપલની ઇકોસિસ્ટમ બેજોડ છે. તમારો આઇફોન, આઇપેડ, મેકબુક અને એપલ વોચ એકબીજા સાથે જાદુઈ રીતે જોડાયેલાં રહે છે. AirDrop, iCloud અને iMessage દ્વારા ડિવાઇસ વચ્ચે ડેટા અને કૉલ્સનું આદાન-પ્રદાન અત્યંત સ્મૂધ થાય છે.
એન્ડ્રોઇડ - એન્ડ્રોઇડ ગૂગલની ડ્રાઇવ, જીમેલ અને ફોટોઝ જેવી સેવાઓ સાથે સારું કનેક્શન આપે છે. જોકે, અલગ-અલગ બ્રાન્ડનાં સ્માર્ટવોચ કે લેપટોપ હોવાને કારણે, એપલ જેવો એકદમ પરફેક્ટ, વાયરલેસ અને સીમલેસ અનુભવ મેળવવો થોડો મુશ્કેલ છે.
આઇફોન કે એન્ડ્રોઇડ બેમાંથી એક પણ ફોન સર્વગુણ સંપન્ન નથી. બંનેની પોતાની ખૂબીઓ અને મર્યાદાઓ પણ છે. વાત તમારી પ્રાથમિકતા અને પસંદગીની છે. જો તમારે એવો ફોન જોઈએ છે જે વર્ષો સુધી હેંગ થયા વગર ચાલે, પ્રાઇવસી સુરક્ષિત રહે અને તમને બેસ્ટ વિડીયો શૂટ કરવા હોય, તો આઇફોન બેસ્ટ છે. જો તમને નવી-નવી ટેક્નોલોજીનો શોખ છે, ફોનને ઇચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ કરવો હોય અને બજેટ મુજબ બેસ્ટ ફીચર્સ નક્કી કરવાં છે, તો એન્ડ્રોઇડ બેસ્ટ છે. આઇફોનને લોકો એટલે સ્ટેટસ સિમ્બોલ સમજે છે
કોઈ નવો આઇફોન માર્કેટમાં લૉન્ચ થાય ત્યારે એપલ સ્ટોર્સની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. દુનિયાભરમાં આઇફોનને એક ‘સ્ટેટસ સિમ્બોલ’ માનવામાં આવે છે. હાથમાં અડધું ખાધેલું સફરજન જોઈને જ લોકો સમજી જાય છે કે તમે એક પ્રીમિયમ ડિવાઇસ વાપરી રહ્યા છો. જો કે આ માત્ર દેખાડાની વાત નથી, તેવા લોકોની સંખ્યા તો જૂજ છે. શું એન્ડ્રોઇડ એટલે માત્ર સસ્તા ફોન?
લોકોમાં એક ગેરસમજ છે કે આઇફોન અમીરો માટે છે અને એન્ડ્રોઇડ સામાન્ય બજેટવાળા લોકો માટે છે. આ વાત સાચી નથી. એન્ડ્રોઇડ તમને ઓછા બજેટમાં મળે તે વાત સાચી છે, પણ માત્ર કિંમત જ એન્ડ્રોઇડ પસંદ કરવાનું એકમાત્ર કારણ નથી. આજે બજારમાં એવા પ્રીમિયમ અને અલ્ટ્રા-પ્રીમિયમ એન્ડ્રોઇડ ફોન ઉપલબ્ધ છે જે આઇફોનને ટક્કર આપે છે.
Read Original Article →