હિડન ટ્રુથ:અદૃશ્ય શક્તિઅને વીજ ઊર્જા

Magazine4/19/2026, 1:00:00 AM
હિડન ટ્રુથ:અદૃશ્ય શક્તિઅને વીજ ઊર્જા
જયેશ દવે આત્મા નામના તત્ત્વનો સ્વીકાર કરીએ કે ન કરીએ પરંતુ કેટલાક સંકેતો તેની ઉપસ્થિતિનો નિર્દેશ આપતા હોય છે.‌ કોઈ સ્થળે આવી કોઈ અદૃશ્ય અગોચર શક્તિ હોય ત્યારે કેટલાક ફેરફારો સ્પષ્ટ જોવા મળે છે. ખાસ કરીને ઉષ્ણતામાન, ગંધ, વીજ પ્રવાહમાં અસર જોવા મળે છે અને તેમાં પણ એ ઊર્જા કેવી છે તેનો સંકેત મળતો હોય છે. જ્યારે કોઈ અશરીર ચેતનાની ઉપસ્થિત થાય ત્યારે તે સ્થળનું તાપમાન અચાનક નીચું જતું રહે છે. ક્યારેક અન્ય સ્થળ અને તે જગ્યા વચ્ચેના તાપમાનમાં ચાર ડિગ્રી જેવો તફાવત જોવા મળે છે. પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર્સનાં તારણો મુજબ વિચિત્ર એવી ઠંડીનો આ અનુભવ સ્થિર હોય તો આત્મા શાંત પ્રકૃતિનો હોય છે પરંતુ જો લહેરખી આવતી હોય, રૂંવાડા ઊભા થઈ જતાં હોય તો તે ઊર્જા નકારાત્મક હોવાની શક્યતા રહે છે. ખાસ કરીને શરીરને કોઈ સ્પર્શ કરતું હોય તેવી અનુભૂતિ થાય ત્યારે સ્થિતિ ગંભીર હોવાનું સમજી શકાય છે. આ ઉપરાંત જો કોઈ અવાવરું સ્થળ હોય તો ત્યાં વિશિષ્ટ પ્રકારની ગંધ હોય છે પરંતુ હકારાત્મક ઊર્જા હોય તો સુગંધ અને નકારાત્મક ઊર્જા હોય તો અસહ્ય દુર્ગંધનો અનુભવ થાય છે. સૌથી દેખીતો સંકેત ઈલેક્ટ્રિક પ્રવાહમાં જોવા મળે છે. વીજ પ્રવાહ અનિયમિત થવા લાગે, ટ્યૂબલાઈટ, બલ્બ અચાનક લો વોલ્ટેજ સાથે ઝબકારા મારવા લાગે આ તમામ કોઈ અદૃશ્ય શક્તિની ઉપસ્થિતિના સંકેતો હોઈ શકે છે. આવું થવા પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ છે. આધ્યાત્મિક શાસ્ત્રો અને પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર્સ કહે છે કે આત્મા તે શુદ્ધ ઊર્જા છે. તેને કોઈ આકાર નથી. આ આત્મા જ્યારે અવાજ કે કોઈ આકૃતિ સ્વરૂપે પ્રગટ થવા ઈચ્છે ત્યારે તેની પોતાની પ્રબળ ઈચ્છાશક્તિ અને ઊર્જાની જરૂર પડે છે. તેની પાસે વીજ પ્રવાહનો સ્ત્રોત ઉપલબ્ધ હોય તો તે તેમાંથી ઊર્જા ખેંચે છે. આ તર્કના સમર્થનમાં આઈન્સ્ટાઈનનો ઊર્જા રૂપાંતરના નિયમને પણ જોડવામાં આવે છે. ઊર્જાનું રૂપાંતરણ થાય છે તે નષ્ટ પામતી નથી આ નિયમ મુજબ માનવ શરીરમાં બાયો ઈલેક્ટ્રિક હોય છે તે શરીર ન રહેતા વીજચુંબકીય ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે અને તેમાં પોતાના અસ્તિત્વની અનુભૂતિ પણ રહે છે. આ ઊર્જા પ્રગટ થવા માટે વીજશક્તિનો સહારો લે છે અને તેની સીધી અસર દેખાય છે તેવો તર્ક છે. જેને આપણે ‘ભાનામતિ’ એટલે કે ભૂતચેષ્ટા કહીએ છીએ તેવી ઘટનાઓમાં તે આત્માની ઉપસ્થિતનો કોઈ સંકેત છે કે મનનો ખેલ તે સમજવું મુશ્કેલ થઈ જતું હોય છે. 1967-68માં જર્મનીના બાવેરીયા રાજ્યના રોઝનહાઈમ શહેરમાં એક વકીલ સિગ્મંડ એડમની ઓફિસમાં ઍની મેરી શેબરલ નામની એક યુવતીને કામે રાખવામાં આવી. તેને કામ પર રાખ્યા પછી ઓફિસમાં આશ્ચર્યજનક ઘટનાઓ બનવા લાગી. આ ઍની મેરી હાજર હોય ત્યારે ઓફિસમાં ટ્યૂબલાઈટ, બલ્બ ચાલુ બંધ થવાં લાગતાં. ક્યારેક તો બલ્બ સૉકેટમાંથી છૂટા પડી નીચે પડી ફૂટી જતા. ટેલિફોનનું બિલ ખૂબ વધી ગયું એટલું જ નહીં એક્સચેન્જના નંબર પર ઓફિસના નંબર પરથી સતત ફોન જવા લાગ્યા. ક્યારેક તો ઓફિસમાંના તમામ ફોન એકસાથે રણકવા લાગતા. ઍની મેરી ઓફિસમાં જે તરફ જતી ત્યાં આવી ઘટનાઓ બનવા લાગતી. વજનદાર વસ્તુઓ પણ આપોઆપ અહીંથી તહીં ખસી જતી તો દીવાલ પર ટાંગેલી તસવીરો ઝૂલવા લાગતી. આ ઘટનાઓના પુરાવારૂપે ફોટાગ્રાફ અને ફિલ્મ પણ ઉતારવા આવી હતી. આખરે આવું બને કેવી રીતે? ઍની મેરીની હાજરી દરમિયાન કોઈ અદૃશ્ય શક્તિ કાર્યરત થતી હતી કે ઍનીના મનની કોઈ વિશિષ્ટ સ્થિતિનો પ્રભાવ હતો? આનો જવાબ વિજ્ઞાન પાસે નથી. પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર ડૉ. હેન્સ બેન્ડર અને સરકારી વીજ અથા ટેલિફોન વિભાગ દ્વારા તમામ તને તપાસ કરવામાં આવી પરંતુ વીજ કે ટેલિફોન વાયરોમાં કોઈ ખામી કે પછી છેડછેડ છેતરપિંડી જણાઈ ન હતી. ઍની મેરીએ નોકરી છોડી દીધી તેની સાથે જ આ ઘટનાઓ બંધ થઈ ગઈ. ડૉ. હેન્સ બેન્ડરે પોતાની તપાસમાં નોંધ્યું કે, ઍની મેરી શેબરલ ભારે તણાવમાં હતી. તે નોકરીથી ખુશ ન હતી પરંતુ લગ્ન અને પારિવારિક સમસ્યાઓને કારણે નોકરી કરી રહી હતી. 1968ની શરૂઆતમાં જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની ત્યારે એની મેરીએ વકીલની ઓફિસની નોકરી છોડી દીધી. જેવી તેણે નોકરી છોડી, વકીલની ઓફિસમાં બધી જ પ્રવૃત્તિઓ તરત જ બંધ થઈ ગઈ. ત્યારબાદ તે બીજી જગ્યાએ નોકરીએ લાગી, ત્યાં પણ થોડા સમય માટે નજીવી ઘટનાઓ બની, પણ ધીમે-ધીમે તેની માનસિક સ્થિતિ શાંત થતા બધું સામાન્ય થઈ ગયું. તો શું તેનો આ આંતરિક તણાવ, ગુસ્સો, અભાવ બહાર ભૌતિક વસ્તુઓ પર અસર કરતો હતો? આવું શક્ય છે?
Read Original Article →