થેન્ક યૂ:હોશિયાર અને હુંશિયારમાં ફેર
નર્મદાબહેન વાછાણીના પુત્ર ડો. જયેશ વાછાણી
તમને ખબર છે? હોશિયાર અને હુંશિયારમાં ફેર.
ઝાઝી નકામી ચાલાકી હુંશિયારીમાં ખપે.
એનું થઈ જાય એટલે બસ, બીજા કોઈનું કશું જ ન વિચારી,
એમાં મારું શું? અને એમાં મારે શું?
સુધી જ એમનો વિચાર ચાલતો હોય છે.
ચાલાકી કે લુચ્ચાઈથી અણધાર્યો ફાયદો મેળવવામાં એ માહેર હોય છે,
બીજાને સમજાવી ફોસલાવી પોતાનું ધાર્યું કરાવી લેવાની એમની આવડત હોય છે,
આવી હુંશિયારીઓ પાસે બુદ્ધિ હોય પણ સમજણ કે સંવેદનાનો અભાવ હોય.
એની પાસે આવડત હોય પણ વિવેક ન હોય. એ કદાચ સફળ હોય પણ સુખી ન હોય.
એને બધેથી, બધી જ રીતે, બધું જ ભેગું જ કરવું હોય.
જ્યાં અને જેમ મેળ પડે ત્યાંથી ખાય જ લેવું હોય.
કશુંક આપ્યા વગર લઈ જ લેવું હોય.
એમની માનસિકતા ‘હોય નહીં કંઇ ને’ મારા જેવું કોઈ નહીં’ ની હોય.
આવાઓથી આઘા રહેવું.
ધીમે ધીમે લોકો, આવાઓને ઓળખી જાય, રસ્તો ફેરવી નાખે,
વિશ્વાસ કે સહાય ન કરે. કોઈકનો ફાયદો એકાદ બે વાર ઉઠાવી શકાય,
પછી તો એ સમજી જ જાય અને બીજાને ચેતવી પણ દે.
વધુ પડતી ચાલાકીથી ત્યાર પૂરતો ફાયદો થાય, સારું લાગે પણ
લાંબા ગાળે ઝાઝું નુકસાન જાય.
કોઈ સાથે ધંધાકીય ભાગીદારી કે સામાજિક સંબંધ કરતી વખતે
એનો અભિપ્રાય બીજાને પૂછીએ ત્યારે કોઈ એક માટે જવાબમાં એવું આવે કે
ખાધે પીધે સુખી, પરિવાર પૈસાવાળો પણ છે હુંશિયાર, જોજો. અને
કોઈ બીજા માટે જવાબમાં એવું આવે કે
ખાધે પીધે સુખી, સરળ સીધો પરિવાર અને સમજુ માણસો છે, વધજો આગળ.
આ બંને જ વ્યક્તિ સારી, સફળ, વ્યવસ્થિત છે છતાં
બીજા પ્રત્યેનો પક્ષપાત ઊડીને આંખે વળગે છે
કારણ એ બીજો ભરોસાલાયક છે, સમજવા કે સમજાવવા યોગ્ય છે,
જ્યારે પહેલાનું કંઇ નક્કી નહીં એ પોતાના સ્વાર્થ માટે
ગમે ત્યાં સુધી જઈ શકે.
ટૂંકમાં, બીજો હોશિયાર છે, હુંશિયાર નથી.
સંતાન, પરિવારજન, દોસ્ત કે પાર્ટનર; પોતાના તમામ કામ કોઈ પણ રીતે
પાર પાડી લે ત્યારે પોરસાતા આપણે એમની એ હોશિયારી છે કે હુંશિયારી
એ પણ વિચારવું જોઈએ. વિચારજો.
Read Original Article →