મરક મરક:પાણીથી નહીં પરંતુ, વાણીથી પલાળી દેનારી હરતીફરતી ‘પ્રેરણાઓ’
ધ્રુવ બોરીસાગર
નાનપણથી દરેક બાળકને માતા-પિતા અને ગુરુ દ્વારા એક સલાહ વારંવાર આપવામાં આવે છે ‘આનામાંથી કંઈક શીખ અને પ્રેરણા લે’ (દરેક માબાપને એવી ચિંતા થાય કે આ અમારામાંથી પ્રેરણા લેશે તો આનું શું થશે?) નાનપણમાં નહીં પરંતુ, મોટા થઈને બજારમાં જોયેલા, સાંભળેલા કેટલાક પ્રેરણાસ્રોતની આજે વાત...
‘જીવન જીવવાની કળા’ પ્રેરણાદાયી પ્રવચનો સાંભળવાનો ક્રેઝ એટલેકે ફૅશન ખૂબ ચાલી છે! ક્રેઝ/ફૅશન એટલે થોડા સમય માટે માણસને સવાર થયેલું ભૂત! તાંત્રિક વિધિ કરે ત્યારે વળગાડ ઊતરે પણ, ભૂત તો દુનિયા અનુભવ કરાવે ત્યારે ઊતરે છે! પાણીથી નહીં પરંતુ, વાણીથી પલાળી દેનારી હરતીફરતી ‘પ્રેરણાઓ’ હમણાં હમણાં બહુ ચાલી છે! ગૂગલ પર લખશો કે ‘બાબા નિયર મા’ તો એક એકથી ચડિયાતા ઘણા વિકલ્પ તમને મળી રહેશે!
સરકારે મત આપવા માટે 18 વર્ષ અને લગ્ન માટે 21 વર્ષ નક્કી કર્યા છે. (જોકે લગ્ન કર્યા પછી ચૂંટણીમથક સિવાય ક્યાંય પણ મત આપવાનો અધિકાર છિનવાઈ જાય છે!) આનો અર્થ કે તમે 21 વર્ષની ઉંમર પછી ગમે ત્યારે લગ્ન કરી શકો છો; પરંતુ, કઈ ઉંમર સુધી લગ્ન કરી શકાય એ માટેની પ્રેરણા નેતા અને અભિનેતાઓ આપે છે! (અભિનેતાને નેતા બનવું હોય તો ખૂબ મહેનત કરવી પડે છે પરંતુ, નેતાને અભિનેતા બનવા માટે ઝાઝા પ્રયત્નો કરવા પડતા નથી!)
નેતાઓ પાસેથી લેવા જેવી બીજી પ્રેરણા - એટલે બોલવામાં ગજબનો આત્મવિશ્વાસ. નેતા બોલે ત્યારે મતદારોનું ઈશ્વર સાથે એવું જોડાણ કરી દે કે મતદારોને એમ જ લાગે કે ‘સત્યને શોધવા હું ખોટા ફાંફાં મારું છું.’
સ્થિતપ્રજ્ઞ બનીને ફાઈલ ગોકળગાય ગતિએ કેવી રીતે ચલાવી શકાય - એ માટેની પ્રેરણા અધિકારી પાસેથી મળે છે. અધિકારીએ કરેલા નિયમોના અર્થઘટન પર આવનારને થનારી ઘૂટન અને ઘૂંટણનાં ઘસારાનો આધાર રહેલો છે! ભલે કહેવાતું હોય કે ‘કાલ કોણે જોઈ છે?’ પણ અધિકારીઓને પોતાની ‘કાલ’ દેખાતી હોય છે એટલે જ એ ‘કાલે આવજો’નો શબ્દપ્રયોગ વારંવાર કરે છે! આ ‘કાલે આવજો’નું કચેરી કલ્ચર આવનારને ‘ધીરજ’ ધરવાની પ્રેરણા પણ આપે છે! (ધીરજ સિવાય બીજું ધરવાની પ્રેરણા કચેરીનો પટાવાળો આપતો હોય છે!)
જીવનમાં રસ્તો ગમે એટલો અટપટો અને ભૂલભરેલો હોય પણ ‘મન હોય તો માળવે પહોંચાય’ની પ્રેરણા અત્યારના રસ્તા આપે છે. ‘ગૂગલ મેપ’માં રસ્તો સર્ચ કરો તો એ તરત બોલશે ‘યૂ આર ઓન ફાસ્ટેસ્ટ રૂટ’ કારણકે એ ‘ગૂગલ’ને પણ ખબર છે કે ફાસ્ટેસ્ટ રૂટ ક્યારેય ફાઈનેસ્ટ રૂટ હોતો નથી! કરેલી કરકસર ઉપર કામચલાઉ થીગડાં કેવી રીતે મરાય?ની પ્રેરણા રોડ કોન્ટ્રાક્ટર પાસેથી મળે છે!
ઉંદર દ્વારા ગોડાઉનમાંથી ખવાતા અનાજની તો હવે કોઈ નવાઈ નથી પણ હમણાં ઉંદર લાખો રૂપિયાનું પકડાયેલું ડ્રગ્સ ખાઈ ગયાં, બોલો! ‘આટલા લાખનો ઉંદર દારૂ પી ગયા’ એવા સમાચાર આજ સુધી નથી આવ્યા, એનો અર્થ ગુજરાતમાં ‘દારૂબંધી’ નિયમનું પાલન એટલિસ્ટ ઉંદરો તો કરે જ છે! ખાવાપીવામાં નખરા નહીં કરવાના, જે મળ્યું અને જેટલું મળ્યું, એ ખાઈ લેવાની પ્રેરણા ઉંદર પાસેથી મળે છે! કૌભાંડ કરનારાઓ પાસેથી ‘પકડાઈશું તો છૂટી પણ જઈશું’વાળા આત્મવિશ્વાસની પ્રેરણા મળે છે. ભલે કહેવાતું હોય કે કરેલા કર્મ કોઈને છોડતું નથી પણ આપણે ત્યાં કર્મ(કાંડ) કરીને છૂટી પણ જવાય છે!
‘આમ કરો અથવા આમ ન કરો’નાં પ્રેરણાનાં ઝરણાં દરેક ઘરમાં સતત વહેતાં રહે છે! પ્રેરણા લેવી એટલે આમ તો બીજાના રવાડે ચડ્યા પછી ખંજવાળ નહીં પણ, મગજમાં શીળસ ઉપાડવાના ધંધા! કોઈકનામાંથી પ્રેરણા લઈને પોતાનામાં લઘુતાગ્રંથિને જન્મ આપવો? આવો ખોટનો ધંધો ન કરાય! (લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય)
અફસોસ એટલો જ છે કે માણસ સિંહ પાસેથી ‘ઘાસ ન ખવાય’ની પ્રેરણા લેતો નથી અને સિમેન્ટ, રેતી અને સળિયા ખાતો થઈ ગયો છે!
આઈસ ક્યૂબ : પતિ પાસેથી ‘ન બોલવામાં નવ ગુણ’ અને પત્ની પાસેથી ‘બોલે એના બોર વેચાય’ની પ્રેરણા મળે છે. એક જ મુદ્દે બે વિરોધાભાસી કહેવતોનો દાખલો દરેક આદર્શ પતિ-પત્નીમાં જોવા મળે છે!
Read Original Article →