મજાતંત્ર:આપને મોંઘવારીની શુભેચ્છા !
ચેતન પગી લગ્ન પ્રસંગ અને બેસણામાં તાત્વિક તફાવત માત્ર એટલો છે લગ્નમાંથી પાછા આવ્યા બાદ મોજ પડી ગઈ એવું કહી શકાય છે. સ્વીકારો કે ન સ્વીકારો પણ વયોવૃદ્ધ વડીલે પાકટ વયે જગતમાંથી અલવિદા કહી હોય એવા કિસ્સામાં યોજાતા બેસણામાં લોકોને મોજ તો પડે છે.
સંબંધીઓ, મિત્રો, ઓફિસના સહ-કર્મચારીઓ જ્યારે આ પ્રકારના બેસણામાં મળે છે ત્યારે દિવંગતને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ ભલે ધીમા સાદે પણ વાતોનાં વડાં પછી સમાજની ગોસિપ કરવાનો નિર્ભેળ આનંદ માણે જ છે, ઘણા કેસમાં તો બેસણાંથી ‘છૂટ્યા પછી’ ભેગા નાસ્તો કરવાનો રિવાજ પણ છે. આ બધી લાક્ષણિકતાઓ છતાં પણ ‘ફલાણા મિત્ર કે ઢીકણા સંબંધીના પિતાજીના બેસણામાં કેવી મજા પડી હતી’ એવું કોઈ કહેતું નથી, ભલેને જોરદાર મજા પડી હોય.
સિનેમાઘરમાં મૂવી શરૂ થતા પહેલાં થોડી પરચૂરણ જાહેરાતો દર્શાવવામાં આવે છે જેથી મોડા આવેલા લોકો ફિલમ ચૂકે નહીં અને પોતાની સીટ પર ગોઠવાઈ શકે. બેસણાવાળી ઉપરોક્ત વાત પણ મૂળ વિષય પર આવતા પહેલાની ‘પ્રસ્તાવના’ ટાઇપનો ફકરો હતો જેને મૂળ વિષય સાથે દૂરનું રિલેશન છે.
જે મુશ્કેલીઓનો કોઈ ઉપાય નથી હોતો એને મનેકમને સ્વીકારીને માણી લેવાનો માણસનો સ્વભાવ છે. ખાતરી ન થતી હોય તો લોકલમાં અપડાઉન કરતા મુંબઈવાસીઓને કે પછી ભરૂચ, અંકલેશ્વર તરફના ઉદ્યોગોમાં ઓછા પગારમાં જોખમી નોકરી કરતા શ્રમજીવીઓને પૂછી જુઓ. હવે આવું જ મોંઘવારીનું છે.
સામાન્ય લોકો માટે ચૂંટણી મોટો અવસર છે. મોટો ફાયદો એ છે કે ઇલેક્શન મોંઘવારીના પૂરને રોકવા માટેના બંધ તરીકેનું કામ કરે છે. લોકોનું તેલ કાઢીને કમાણી કરતી તેલ કંપનીઓ કાયમ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને નફો રળવા માટે તલપાપડ હોય છે. પણ ચૂંટણી તેમના ઉત્સાહ પર પાણી ફરવે છે. પેટ્રોલના ભાવ વધે તો વોટ લીક થશે એવી બીકના માર્યા નેતાઓ ચૂંટણી વખતે પેટ્રોલનો ભાવ વધારો ખાળી રાખે છે, પણ જેવી ચૂંટણી પૂરી થાય એ સાથે જ ડેમના દરવાજા ખુલ્લા કરી દેવામાં આવે છે અને મોંઘવારીના પૂરના ગળાડૂબ પાણીમાં નહાઈને લોકો તૃપ્ત થઈ જાય છે.
આપણે ઉત્સપ્રિય પ્રજા છીએ. માત્ર પરંપરાગત તહેવારો જ નહીં પણ ફાઇનલમાં ઇન્ડિયા જીતે કે વિદેશમાં આપણાવાળો કોઈ એવોર્ડ જીતે તો પણ આપણે તહેવાર મનાવીએ છીએ. અગાઉ ઇંધણ મોંઘું થાય પછી આવતી મોંઘવારીથી ત્રસ્ત લોકો કકળાટ કરી મૂકતા હતા, પણ હવે પ્રજા સારી રીતે સમજી ગઈ છે કે મોંઘવારી કરતા પણ એનો વિરોધ વધારે મોંઘો છે. પેટ્રોલને જમીન પર રેડો તો અડધી સેકન્ડમાં બાષ્પીભવન થઈ જાય છે પણ એના ભાવ વધે તો બચતનું પણ બાષ્પીભવન થઈ શકે છે, પણ આપણે એ પણ ભૂલવા જેવું નથી કે પેટ્રોલ જ્વલનશીલ પદાર્થ છે પણ એના ભાવવધારાનો વિરોધ પણ દઝાડી શકે છે.
હવે તો નવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે ત્યાં નાગરિકતા બદલવાની તદ્દન પ્રક્રિયા તદ્દન સરળ છે. સરકાર જવાબદાર હોય એવી કોઈપણ સમસ્યાનો વિરોધ કરશો એટલે લોકો તરત તમને પાકિસ્તાનની નાગરિકતા અપાવી દે છે અને લોકો પણ પાછા બહુ કંજૂસ છે. તેઓ સ્વિત્ઝર્લેન્ડ, બ્રિટન કે અમેરિકાની નહીં પણ પાકિસ્તાનની નાગરિકતા જ ઓફર કરે છે. સરકારનો વિરોધ કરવા બદલ ‘જા ને સાલા, તું તો અમેરિકન છે’ એવું કોઈએ આજદિન સુધી કહ્યું નથી. નાગરિકતા સ્વિચ ઑવર કરાવવા કરતા મોંઘવારીને પણ ઉત્સવ ગણીને મનાવવામાં જ આનંદ (અને સેફ્ટી) છે.
આપણે હજુ એકસોના આંકડાએ હાંફી જઈએ છીએ ત્યારે રાષ્ટ્રવાદનો બૂસ્ટર ડોઝ મેળવ્યા બાદ પેટ્રોલ પાંચસોએ પહોંચે તો પણ ‘મારી દેશદાઝમાં ગોબો નહીં પડે’ એવું એલાન કરી ચૂકેલા મિત્રો પાસેથી પ્રેરણા લેવા જેવી છે. જે રીતે આપણે મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે સ્વીકારી લીધું છે એ જ રીતે પક્ષને પણ દેશ તરીકે સ્વીકારી લેવામાં વળી શું વાંધો હોઈ શકે છે?
જો નીલ નીતિન મુકેશ એક જ વ્યક્તિ હોઈ શકે તો દેશ, પાર્ટી અને નેતા પણ કેમ એક ના હોઈ શકે? એટલે આ ત્રણે એક જ છે એવું સ્વીકારીને મોંઘવારીને ઊજવવામાં જ સાર અને શાણપણ છે. }
Read Original Article →