હિડન ટ્રુથ:સંમોહનવિદ્યા દ્વારા સ્ટાલિનના મહેલમાં પ્રવેશ
જયેશ દવે મનથી મન વચ્ચે સંપર્ક થતો હોય છે તેમાં શબ્દ કે સ્પર્શની પણ જરૂર નથી હોતી. વ્યક્તિના ઓરા ક્ષેત્રમાં આવતા જ તેની અસર થવા લાગે છે. આપણે કંઈ વિચાર કરીએ ત્યારે તે મુજબ આપણા સ્નાયુઓમાં પણ અતિ સૂક્ષ્મ હલનચલન થાય છે. આ અતિ સૂક્ષ્મ ક્રિયા પારખવાની ક્ષમતા હોય તે વ્યક્તિ સામેનાના વિચારો પણ પામી શકે છે.
આપણા મગજમાં મિરર ન્યૂરોન્સ હોય છે જે અન્યના મનના ભાવને ઝીલી તેને અનુભવવવામાં મદદ કરે છે. આપણે કોઈના દુઃખ સુખને અનુભવીએ છીએ તેમાં આ ન્યૂરોન્સ કારણભૂત હોવાનું વિજ્ઞાન કહે છે. જો કોઈ વ્યક્તિ સૂક્ષ્મગ્રાહી હોય તો તે આનો સ્પષ્ટ અનુભવ કરી શકે છે.
વ્યક્તિના હાવભાવ, ચહેરાના સ્નાયુઓનું હલનચલન, આંખોના ડોળાનું હલનચલન જેવી બાબતોનું સૂક્ષ્મ અવલોકન કરી વિચારો વાંચી લેવા તે એક કલા છે અને તેને કોલ્ડ રીડિંગ કહેવામાં આવે છે. આ જ રીતે શબ્દોની કરામત, માનસિક વ્યૂહરચના અને મળેલી માહિતીના આધારે તર્ક - અનુમાન સાથે વાત કહી દેવી તે હોટ રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત ગટ્સ ફીલિંગ, વર્મ રીડિંગ જેવી તકનિકો મેન્ટાલિસ્ટ ઉપયોગમાં લેતા હોય છે. આ બધી તકનીક માઈન્ડ રીડિંગ અને તર્ક દ્વારા સામેના માણસના વિચારો જાણવાની છે જ્યારે પોતાના વિચારને અન્યના મનમાં રોપીને અશક્ય કામ કરાવવું તે અલગ બાબત છે.
વીસમી સદીમાં વુલ્ફ મેસિંગની આ કલા સૌથી રહસ્યમય, સૌથી ચર્ચિત અને લોકપ્રિય રહી હતી. તેના પ્રયોગો અને કારનામાં દિલધડક રહ્યાં છે. વુલ્ફ મેસિંગ પાસે માઈન્ડ રીડિંગ, ટેલિપથી અને હિપ્નોટિઝમની કલા હતી.
1915માં વુલ્ફ મેસિંગની મુલાકાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ સાથે થઈ. આ દરમિયાન કહેવાય છે કે, ફ્રોઈડે વુલ્ફની કસોટી કરવા પોતાના વિચારને વાંચી તે મુજબ અમલ કરવા કહ્યું. વુલ્ફે તુરંત આઈન્સ્ટાઈનની મૂછનો એક વાળ ખેંચી લીધો. ફ્રોઈડે આમ જ વિચાર્યું હતું!
કેટલાક પ્રસંગોથી વુલ્ફ મેસિંગને હિપ્નોટિઝમ અને વિચારોના પ્રક્ષેપણની કલા જન્મજાત મળી હોવાનું જાણવા મળે છે. કહેવાય છેક 1899માં પોલેન્ડમાં ગરીબ યહૂદી પરિવારમાં જન્મેલા મેસિંગ ઘરેથી ભાગીને ટ્રેનમાં જઈ રહ્યો હતો. ટિકિટ લીધી ન હોય ટીટી આવતા તે સીટની નીચે સંતાઈ ગયો. ટીટી તેને જોઈ ગયા અને ટિકિટ માગી ત્યારે મેસિંગે એક નાની ચબરખી ઉઠાવી તે ટિકિટ છે તેવું પ્રક્ષેપણ કરી ટીટીને આપી. ટીટીએ પણ તેને ટિકિટ જ જોઈ અને ટિકિટ છે તો સીટ નીચેથી બહાર આવી સીટ પર બેસવા કહ્યું!
ગરીબીના દિવસોમાં પેટ ભરવા માટે મેસિંગે બર્લિનના એક મ્યુઝિયમમાં કાચની પેટીમાં કલાકો સુધી મૃતદેહ બનીને સૂવાની નોકરી કરી. આ દરમિયાન શ્વાસ રોકવા, એકાગ્રતા અને શરીર પર કાબૂ આવી ગયો જે તેની કલામાં મહત્ત્વના સાબિત થયા.
તેઓ કહેતા, ‘હું માનસિક તરંગો અને વ્યક્તિના શરીરમાં થતી સ્નાયુઓનું અતિ સૂક્ષ્મ હલનચલન પારખી શકું છું. આ ક્ષમતા પાછળ એકાગ્રતા અને યોગનું વિજ્ઞાન છે. પ્રાચીન ભારતમાં આ વિદ્યાઓ હતી જેમાં મનનો ઉપયોગ કરી કોઈ પણ અશક્ય કામ કરી શકાતું હતું.’
મેસિંગની એક અદભુત ઘટનાની વાત કરીએ તો, નાઝીઓએ તેને જેલમાં પૂરી દીધો ત્યારે જેલના તમામ ગાર્ડને માનસિક સંદેશો મોકલ્યો કે, બધા કોટડીમાં આવી જાવ. સાચે જ, બધા કોટડીમાં આવી ગયા અને મેસિંગ તેમને પૂરીને નાસી છૂટ્યા.
આવી જ આશ્ચર્યજનક ઘટના રશિયાના તાનાશાહ જોસેફ સ્ટાલિન સાથે બની હતી. તેણે મેસિંગને પડકાર ફેંક્યા કે, કોઈ જ મંજૂરી વગર મારા મહેલમાં આવી બતાવ. મેસિંગે પોતે સ્ટાલિનના સુરક્ષા પ્રમુખ છે તેમ સ્ટાલિનના મહેલના રક્ષકોને સાઇકોલોજિકલ સજેશન્સ મોકલી સંમોહિત કરી દીધા. સુરક્ષા કર્મચારીઓ મેસિંગને બેરીયા - સુરક્ષા પ્રમુખ સમજી, સલામી પણ આપી અને બાઅદબ મહેલમાં જવા દીધા!
સ્ટાલિને આથી પણ આખરી કસોટી લીધી હતી. તેણે કહ્યું, ‘કોઈ પણ આધાર પુરાવા વગર બેંકમાંથી એક લાખ રૂબલ (રશિયન કરન્સી) લઈ આવો. વુલ્ફ મેસિંગ બેંકમાં ગયા અને એક કોરો કાગળ કેશિયરને બતાવ્યો. કેશિયરે કાગળને આધારભૂત હૂંડી જ જોઈ અને એક લાખ રૂબલ આપી દીધા!
મેસિંગના આવા અનેક કિસ્સાઓ છે અને આ રીતે મનની સાથે કામ પાડી આશ્ચર્યજનક પ્રયોગો કરનારા અનેક લોકો છે. નોંધવું રહ્યું કે, માઈન્ડ રીડિંગના નામે છેતરપિંડી પહેલાં પણ થતી હતી અને આજે પણ થાય છે પરંતુ મનની આ અગાધ શક્તિને નકારી શકાય તેમ નથી. }
Read Original Article →