મજાતંત્ર:છેલ્લે વાઇફ સાથે ક્યારે વાત કરી?
ચેતન પગી લાં ઘરમાં ટીવી સિરિયલો મનોરંજનનું એકમાત્ર માધ્યમ હતી, પણ સિરિયલમાં એક લોચો હતો. વચ્ચે બ્રેક આવે એટલે નાછૂટકે પત્ની સાથે વાત કરવી પડતી હતી. ઓટીટીમાં મોટી રાહત એ છે કે બ્રેક આવતો નથી. એટલે પિક્ચરની ગાડી સડસડાટ ચાલ્યા કરે છે અને વાત કરવાની જરૂર પડતી નથી અને પત્નીને પણ એની આદત પડી ગઈ છે. એટલે એ પણ પોતાના શૉના એક પછી એક એપિસોડ ઓછા કરી રહી છે. નોકરી કે ધંધા પરથી ઘરે આવેલા મોટા ભાગના હસબન્ડોની એકમાત્ર ચિંતા એ છે કે એવું તો શું કરીએ તો વાઇફ સાથે વાત કરવી ના પડે. એટલે એને ઘરે આવ્યા પછી પણ ઑફિસ કે કામધંધાના ટેન્શનમાં હોય એવો ડોળ કરવો પડે છે.
આવા જ એક પતિદેવ ઉતાવળનું બહાનું કાઢીને ઘરેથી નીકળ્યા પછી પાર્કિંગમાંથી નિરાંતે ગાડી બહાર કાઢી રહ્યા હતા. અચાનક યૂ-ટ્યૂબ ચેનલની રિપોર્ટર એમની સામે ધસી આવી. પાછળ રોકેટ લૉન્ચર લઈને એટેક કરતા તાલિબાનની મુદ્રામાં કેમેરામેન હતો અને રિપોર્ટર પાસે રામપુરી ચાકુ જેવું માઇકનું બૂમ. ઓઝપાઈ ગયેલો પતિ હજુ તો હેં હેં શું થયું? એવું પૂછે એ પહેલાં રિપોર્ટરે પહેલી ફૂંક મારી દીધી.
રિપોર્ટર: છેલ્લે તમે વાઇફ સાથે ક્યારે વાત કરી હતી?
પતિ: છેલ્લે એટલે? અરે એ હજુ જીવે છે, ઉપર શાક સમારી રહી છે. તમે પણ કેવી વાત કરો છો યાર?
રિપોર્ટર: ઓકે, એટલે આ જવાબ પત્ની ગુજરી જાય પછી જ આપશો એમ? બોલો હવે છેલ્લે ક્યારે વાત કરી હતી?
પતિ: અરે પત્ની સાથે વળી શું વાત કરવાની?, આજે રસોઈમાં શું કર્યું છે? આટલું પૂછી લીધું એ પૂરતું નથી?’
રિપોર્ટર: આ તે કઈ વાત કહેવાય. પત્ની સાથે નિરાંતે બેસીને એનું બેેકપેઇન હવે કેવું છે, આખો દિવસ શું કર્યું? વેકેશનમાં તારે ક્યાંય ફરવા જવું છે? એવી બધી વાતો ક્યારે કરી હતી?
પતિ: અરે એવી બધી વાતો વાઇફ સાથે થોડી કરાય? (આટલું બોલ્યા પછી કાચું કપાયું છે એવો ખ્યાલ આવ્યા પછી) આઇમી આઇમીન. કરું છું ને એવી વાતો પણ કરું છું.
રિપોર્ટર: અચ્છા એટલે વાઇફ માત્ર આજે ખાવાનું શું બનાવ્યું, મારો શર્ટ ક્યાં, મારી બેગ ક્યાં? એવા સવાલોના જવાબ આપવા પૂરતી જ છે એમને? એની સાથે પ્રેમની વાતો નહીં કરવાની એમને.
રિપોર્ટર: અરે આ તમે કેમેરા સામે શું પ્રેમ-બ્રેમ બોલો છો. આવી વાતો જાહેરમાં થોડી કરાય. આજકાલની નવી પેઢી હાલતાચાલતા પ્રેમમાં પડી જાય છે. અમે સંસ્કારી લોકો છીએ. મેરેજના આટલા વર્ષો થયા તો પણ ક્યારેય આવી જફામાં પડ્યા નથી.
રિપોર્ટર: અચ્છા, એટલે પત્નીને પ્રેમ કરવો એ તમારા માટે જફા છે એમ?
પતિ: અરે સરકારમાં કંઇક કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે. પોતાની જ સરકાર હોય તો પછી લાંચ આપવાની ક્યાં જરૂર છે?
રિપોર્ટર: વાહ, ગજબનો તર્ક લઈ આવ્યા. ટૂંકમાં, તમે વાઇફને રિમોટ કન્ટ્રોલ સમજો છો એમને. બટન દબાવો એટલે જે કહો એ કામ કર્યા કરે?
પતિ: (ઑફિસ જવાની ઉતાવળનો ડોળ કરતા) હાસ્તો વળી? (કાચું કપાયાનું ખ્યાલ આવ્યા પછી) ના, ના. સાવ એવું નહીં. ક્યારેક હું એને ફરવા પણ લઈ જવું છું, એને ટી-શર્ટ પહેરવાની પણ ના પાડી નથી.
રિપોર્ટર: હા, રિમોટ કન્ટ્રોલના સૅલ બદલવા પડે એમ ક્યારેક વાઇફને ખુશ રાખો છો એમને?
પતિ: (રિમોટ અને સૅલવાળી વાત સમજાઈ નહીં) હા, હા. ખુશ તો રાખું જ છું.
રિપોર્ટર: ઓકે, અને રિમોટ કન્ટ્રોલ બગડી જાય તો?
પતિ: તો? તો એમાં શું. બદલી નાખવાનું. (આટલું બોલીને સ્કૂટરને કીક મારી પતિ રવાના થઈ જાય છે).
રિપોર્ટર: તો દોસ્તો આ છે એક એવા પતિ... (આટલું બોલે ત્યાં જ રિપોર્ટરનો ફોન રણકે છે, કેમેરામેનને કેમેરા બંધ કરવાનો ઈશારો કરે છે)
સામે હસબન્ડ પૂછે છે, કેટલી વાર લાગશે? રિપોર્ટર એકદમ પત્નીના ઢાળમાં જવાબ આપે છે, બસ પતિદેવ કામ પતી ગયું છે. તમે તૈયાર થાઓ ત્યાં સુધીમાં પહોંચી જઈશ. (શૉ સમાપ્ત થાય છે) }
Read Original Article →